વડગામ સરકારી તાલુકા પુસ્તકાલય આદર્શ પુસ્તકાલય બની રહ્યું છે.

આનંદની વાત એ છે કે બે માળનું અદ્યતન પુસ્તકાલય તાલુકા મથક વડગામ મુકામે નિર્માણાધીન છે અને સંભવીત આગામી છ મહીનાની અંદર વડગામને એક આદર્શ પુસ્તકાલયની ભેટ મળવાની છે.વડગામ તેમજ વડગામ આજુબાજુના ગામોના પ્રજાજનો માટે આ પુસ્તકાલય આશિર્વાદરૂપ બનવાનું છે.વ્યક્તિ કેળવણીની અનેકવિધ પ્રવૃતિઓનું પુસ્તકાલય માધ્યમ બની શકે એમ છે.

તાજેતરમાં સરકારી તાલુકા પુસ્તકાલય વડગામ ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પુસ્તક પ્રદર્શન, ક્વીઝ સ્પર્ધા, શ્રેષ્ઠ વાંચક પારિતોષિક તેમજ ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉત્સાહી ઈનચાર્જ મદદનીશ ગ્રંથપાલ શ્રી સંજયભાઈ સોલંકી ગ્રંથાલય પ્રવૃતિઓને વેગ આપી ગ્રામીણ ક્ષેત્રે કેળવણી ઘડતરનું ઉત્તમકાર્ય કરી રહ્યા છે. અનવરભાઈ જુનેજા ગ્રંથાલયમાં ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે.

વડગામ તેમજ વડગામ આજુબાજુના ગામડાઓ માટે સરકારી તાલુકા પુસ્તકાલય આશિર્વાદરૂપ છે. ખુબ મોટી સંખ્યામાં યુવક – યુવતીઓ વડગામ સરકારી પુસ્તકાલયમાં પરીક્ષાલક્ષી તૈયારીઓની સાથે સાથે વિવિધ પુસ્તકો- સામયિકોના વાંચન થકી પોતાની જ્ઞાનવૃદ્ધિ કરી રહ્યા છે.

યુવા પેઢી વાંચતી થાય , સમજતી થાય અને વાંચન થકી પોતાની જ્ઞાનની સમૃદ્ધિ વધારી વ્યક્તિ વિકાસ થકી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી બને એવું આદર્શ માધ્યમ વડગામ સરકારી તાલુકા પુસ્તકાલય બની રહ્યુ છે એનો વિશેષ આનંદ છે.