Vadgam News Update – 02.04.2020

  • વડગામ તાલુકાના પસવાદળ ગામમાં આવેલ પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૫૧,૦૦૦/- તેમજ શક્ટામ્બિકા માતાજી ટ્રસ્ટ દ્વારા રૂ ૫૧,૦૦૦/- એમ બંને ધાર્મિક ટ્રસ્ટ તરફ્થી કુલ મળીને અંકે રૂ. ૧,૦૨,૦૦૦/- ની રક્મ પ્રવર્તમાન કોરોનાની મહામારી થી ઉદ્દભવેલ પરિસ્થિતિમાં દેશને મદદરૂપ થવાની રષ્ટ્રીય ભાવના સ્વરૂપે બંન્ને ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓના હસ્તે  ઉપરોક્ત રક્મના ચેક કલેક્ટરશ્રી બનાસકાંઠાને સરકારશ્રી ના રીલીફ ફંડમા જમા કરાવવા અર્પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પસવાદળમાં અતિ પ્રસિધ્ધ વીરપનાથ દાદનું મંદિર તેમજ ગૌતમ ગોત્રના આચાર્ય અટકવાળા બ્રાહ્મણોની કુળદેવી શક્ટામ્બિકા માતાજીનું મંદિર આવેલું છે. આસ્થાના પ્રતિક સમા પસવાદળ ગામ વિશે ત્રણ  લેખો પણ વડગામ.કોમ ઉપર મુકેલ છે જે આપ નીચે ની લિંક્સ ઉપર ક્લિક કરીને વાંચી શકો છે.

         પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન સંચાલિત ધાર્મિક મનોરંજન પ્રદર્શન 

         પસવાદળનું શક્ટામ્બિકા માતાજીનું મંદિર 

         મધ્યકાળની પદ્માવતી નગરી  આજનું  પસવાદળ.

  • તાલુકા મથક વડગામમાં વિવિધ સંગઠનો જેવા કે ચૌધરી યુવા પરિવાર, ગ્રામપંચાયત સરપંચશ્રી અને વિવિધ સમાજ્ના યુવાનો ની ટીમ તેમજ વડગામ પુરબિયા યુવક મંડળ દ્વારા કોરોના પ્રકોપને પરિણામે જાહેર કરવામાં આવેલ લોક્ડાઉન સદર્ભે રોજ નુ કમાઈ રોજ ખાનાર વર્ગને કોઈ તક્લીફ ના પડે તેવા ઉમદા આશયથી વડગામ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ તેમજ ભોજન ની વ્યવ્સ્થા દાતીશ્રીઓના સહયોગથી પુરી પાડી રહ્યા છે. ઉપરોક્ત સેવાભાવી સંગઠનો તેમજ ગ્રુપ દ્વારા ચાલતા સેવાકીય કાર્યો પૈકી આ સેવાકાર્ય વિશે માહિતી આપતો એક વિડીયો વડગામ.કોમ ને મળ્યો છે જે આપ અહીંં  ક્લિક કરીને ચાલી રહેલ સેવકાર્ય વિશે વધુ માહિતી જાણી શકો છો.

 

  • વડગામ તાલુકાના ફતેગઢ ગામના એસ.આર પી જવાન રોનકકુમાર જગદીશભાઈ પરમારની હૃદયસ્પર્શી કહાની

લોકોના મનમાં પોલીસની છાપ સિક્કાની બે બાજુ જેવી હોય છે. કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી       છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. પણ હાલમાં ચાલી રહેલી  વૈશ્વિક મહામારી માં એક એવા જવાન ની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે જે વાંચીને કંપારી છૂટી જાય. આ કહાની જાણીને તમામ લોકોને ગુજરાત પોલીસ પર ગૌરવ થશે. બનાસકાંઠા ના વડગામ તાલુકાના ફતેગઢ ગામના રોનકકુમાર જગદીશભાઈ પરમાર જે એસ.આર.પી ગ્રુપ-16 માં કચ્છ-ભચાઉ માં ફરજ બજાવે છે અને હાલમાં અમદાવાદ ખાતે જમાલપુર વિસ્તાર માં લોકડાઉન ના પગલે બંદોબસ્ત માં છેહાલમાં જેમની પત્નીની સેવા કરવાની હોય તથા આ જવાન ની બાળકી પ્રિમેચ્યોર હોવાથી હાલ પણ ડોક્ટરની નજર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. જ્યારે તેમના પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. પણ ખાખીની અંદર રહેલો જવાન પણ માણસ છે. આવા સંજોગોમાં પિતૃ વાત્સલ્ય પણ તેઓને ઝંખે છે. ખાખી પહેર્યા બાદ દેશ અને જનતાની સેવા જ સર્વોપરી હોય છે તેવી શપથને રોનક પરમારે ખરી સાબિત કરી છે. કદાચ આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાના બાળક ને જોવા માટે તલપાપડ થઇ જાય છે. પરંતુ 2013 માં રોનક પરમાર એ પોલીસ ખાતામાં ભરતી થયા તે વખતે શપથ લીધા હતા. જેમાં લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે હશે અને તે વચનને નિભાવવા આજે આ અધિકારી રોડ પર સવારથી રાત સુધી લોકોની સેવા કરે છે હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી અને તેમા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દિવસ રાત રોડ પર ખડેપગે છે. જ્યાં લોકોને સેવા પુરી પાડવાની હોય ત્યાં મદદરૂપ થઈને સેવા પણ પુરી પાડે છે. રોનક પરમાર ના નાના ભાઈ પ્રદિપ પરમારે જણાવ્યું કે હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ડોકટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. તેમની ભાભીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. રોનક પરમાર નું  કહેવું હતું કે હાલ હું આ પરિસ્થિતિ મા પરિવારને ભલે સમય નથી આપી શકતો પણ પરિવારના અન્ય સભ્યો તમામ મદદ કરી પત્ની અને બાળકનું ધ્યાન રાખી રહ્યા છે. પણ દેશની આ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવી એ અગત્યનું હોવાથી દિવસ રાત રોડ પર જ ફરજ નિભાવે છે અને જરૂરિયાત મંદ લોકોને જરૂર પડે ત્યારે જમવાનું કે અન્ય મદદ પણ પુરી પાડીએ છીએ. બસ લોકોની સેવા બાદ મારા બાળકની તબિયત સુધરે અને પરિવાર ખુશ રહે તેવા લોકોના આશીર્વાદ મળે એ જ પ્રાર્થના ભગવાનને છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેણે લાખો લોકોનો ભોગ લીધો છે તેવી બીમારીનો પગોપેસારો ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં થઈ ચૂક્યો છે. 21 દિવસના લોકડાઉનને આજે આઠમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર બંધ છે. રોડ પર હાજર છે તો માત્ર પોલીસ, સરકારી કર્મીઓ, સફાઈ કર્મીઓ અને મીડિયા કર્મીઓ. જેમને ઈશ્વરનું અભય વરદાન છે અને તેમાં પણ મહત્વની ભૂમિકા પોલીસની રહેતી હોય છે. ત્યારે આ ભૂમિકા પાછળ આ એક જવાન જ નહીં પણ આવા અનેક જવાનો ની હૃદયસ્પર્શી કહાની છુપાયેલી છે. અને આવા સેવાભાવી જવાનો ને લાખ લાખ સલામ છે. (અહેવાલ :-પ્રદિપ પરમાર  – ફતેગઢ )

  • કોરોના વાઈરસ સંદર્ભે અત્યાર સુધી વડગામ તાલુકામાં કોઇ પોઝીટીવ કેશ નોંધાયો નથી.પરિસ્થિતિ નિયત્રણમાં છે.