વારંદાવીરદાદાની પલ્લીમાં કોમી એક્તા, પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે
રેફ :- દિવ્યભાસ્કર :- ૨૩.૧૦.૨૦૧૫
(તસવીર:વારંદાવીરદાદાના મંદિરે પલ્લી ભરાઇ હતી. )
-ડાલવાણામાં વારંદાવીરદાદાની પલ્લીમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર
– સૌથી પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે
વડગામ:વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલા પ્રાચીન વારંદાવીરદાદાનું મંદિર વડગામ સહિત સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે. સરસ્વતી નદીના કિનારે ઉંચી ટેકરી ઉપર રમણીય વાતાવરણમાં આવેલા વિરદાદાનું સ્થાનક પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું છે. જ્યાં દર નવરાત્રિના નવમા દિવસે પરંપરાગત પલ્લી ભરાય છે. જે પલ્લી મંદિરથી એક કિમી દૂર આવેલા ડાલવાણા ગામે વિરદાદાના પાટસ્થાનો તૈયાર કરાય છે.
જેમાં રાજપૂત (હડિયોલ) સમાજ દ્વારા પલ્લી તૈયાર કરાય છે તો તેને ઉપાડવાની જવાબદારી પ્રજાપતિ સમાજના લોકો નિભાવે છે. જે પલ્લી પટસ્થાનેથી ઉપડ્યા બાદ સૌથી પહેલાં મુસ્લિમ જાગીરદારોના મહોલ્લામાં જાય છે. જ્યાં મુસ્લિમ બિરાદરો સૌપ્રથમ ઘી ચઢાવી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડે છે.
પલ્લીનું ગામમાં પરિભ્રમણ કર્યા બાદ વયોવૃદ્ધ ભુવાજી વશરામકાકા પલ્લી ઉપાડનાર વ્યક્તિની પીઠ થાબડતાં તે પોતાના માથે ઝળહળતા દિવડાની પલ્લી લઇ ખુલ્લાપગે પવનવેગે દોટ મુકી ગામથી એક કિ.મી. દૂર વિરદાદાના મંદિરે પહોંચે છે. તેની સાથે શ્રદ્ધાળુઓ પણ દોટ મૂકીને મંદિરે પહોંચે છે. જે મુજબ આ વર્ષે પણ નવરાત્રિના નવમા દિવસે બુધવારે સાંજે પલ્લીના દર્શન કરવા ડાલવાણા ગામ સહિત સમગ્રપંથકમાંથી તેમજ મુંબઇ, સુરત, નવસારી અને નાસિકમાંથી હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને વીરદાદાના પાવન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
jay veer bappa saunu kalyan karajo