વિરપરિવાર નું વિરભૂમીમાં પ્રેરણાત્મક સેવાકીય કાર્ય.
આસો સુદ પૂનમનાં રોજ વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલ જગવિખ્યાત મણીભદ્ર વીર દાદાના સ્થાનકમાં યોજાતા લોકમેળામાં દરવર્ષે હજારો લોકો ઉમટી પડે છે. વીરદાદાના દર્શન, માનતા અને હવનની સાથે લોકમેળાનો અનોખો સંગમ આ દિવસે અહી જોવા મળે છે આ ઉપરાંત આસો સુદ પૂનમનાં રોજ વિરભૂમિમાં યોજાતો ભક્તિ અને ભોજનનો સયોંગ પણ ધ્યાનાકર્ષક બાબત બની રહી છે. દાદા નાં દર્શનાર્થે પધારતા ભાવિકોને આવો લ્હાવો વડગામ તાલુકાના કદાચ બહુ જ ઓછા સ્થળોએ જોવા મળતો હશે.
આંકલીયારા નિવાસી સંત શ્રી વિરામદાસ મહારાજ છેલ્લા ઘણા વર્ષોથી આ ભૂમિમાં દાદાની કૃપા થકી ધર્મ જાગરણનું પાવન કાર્ય કરી રહ્યા છે. અનેક લોકોને સત્કર્મો અને સદાચારના પાઠ ભણાવી રહ્યા છે. અનેક સેવાભાવી લોકો તેમના આ ઈશ્વરીય કાર્યમાં ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે. આમ તો તેઓશ્રી દ્વારા આયોજિત ભજન-સત્સંગ અને સદાવ્રત બારેમાસ ધમધમતું હોય છે પણ આસો સુદ પૂનમ નાં રોજ તેઓશ્રીના સાનિધ્યમાં દિલેર દાતાઓના સહયોગથી દાદાને આંગણે યોજાતો સહિયારા ભોજન પ્રસાદ નો નજારો અચૂક જોવા જેવો હોય છે. અંદાજીત ૧૫,૦૦૦ થી પણ વધુ ભક્તજનો આ દિવસે ચા-પાણી અને નાસ્તાની સાથે ગરમ –ગરમ શુદ્ધ અને પૌષ્ટિક કહી શકાય તેવા શીરો-મગ , દાળ-ભાત, છાશ નો પ્રસાદ સામુહિક રીતે કોઈ પણ જાતના નાત-જાત નાં ભેદ થી ઉપર ઊઠી પીરસવામાં આવે છે. માનવ અને માણસાઈ કેન્દ્ર સ્થાને છે. આસો સુદ પાંચમના અગલા દિવસે અહી સંતો – મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સંત મેળાવડો યોજાય છે અનેક લોકો ભક્તિરસ માં ઓતપ્રોત બને છે. સાંસારિક ઉપાધિઓ માંથી ઘડીભર મુક્ત થઇ જવાય તેવો માહોલ આસો-સુદ પાંચમનો મગરવાડામાં જોવા મળે છે.
મગરવાડા મણીભદ્ર મંદિર ગાદિપતિ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબ, આંકલીયારા નિવાસી સંત શ્રી વિરામદાસ મહારાજ, વીર પરિવાર ,આજુ બાજુ નાં ગામો માંથી પધારતા સ્વયંસેવકો , મગરવાડા ગ્રામજનો અને અનેક નામે –અનામી લોકોના સતત પુરુષાર્થ થકી આસો સુદ પૂનમનો લોકમેળો , મહામેળો દિન પ્રતિદિન તેની આગવી ઓળખ મેળવી વડગામ તાલુકા નું નામ જગતભરમાં રોશન કરી રહ્યો છે.