Poem-Gazal

વડગામ તાલુકાના કવિઓની રચનાઓ : ભાગ – ૧

(૧)

અરૂણોદય સદી એકવીસનો !

પહાડ શાં ભારેખમ ભાષણોથી,

પ્રજા ભોળી ભરમાય છે.

અબજો નાં થતાં આંધણથી

ખરે,લોકશાહી લજવાય છે,

દીવાળી કોના બાપની ?

સમજી, ચોર ચાઉં કરી ગયા.

નાણાં વિદેશી બેંકમાં,

માનો,હશે સચવાઈ રહ્યા.

કૌભાંડ કાળા કેટલાંયે

ક્રમે ક્રમે જાહેર થયાં.

પણ વાળ વાંકો ન કોઈનોય,

થયો નથી, વરસો વહ્યાં.

જંગ ચૂંટણીનો જીતવા,

વચનો વદન કાઢી જે,

જીત્યા પછી હે રામ ! હે રામ !

સળકાવતા નિંજ દાઢોને,

પીડિત પ્રજા પચાસ પછી,

જાગી ગઈ છે તે જાણ જો,

અરૂણોદય સદી એકવીસનો,

મન, વચન, કર્મે ઉજાળજો.

 – શ્રી એન.એ.મોઢ  (પાંચડા)

 

(૨)

ગઝલ

આંગળીના ટેરવે આગમન આવી અટકી ગયું,

બંધ દરવાજા મહીં શંકા લઈને છટકી ગયું,

શોધતો તો હમસફર ને જીવન સફરના સાથમાં,

નજરથી નજર નિરખી ત્યાં પ્રેમ તાળુ લટકી ગયું,

સમય મારો એ હતો સમય સમય તણા તાલમાં,

યાદ તારી આવતાં કે નાવ મઝધારે અટકી ગયું,

રૂપની આ માશુકા ને જામમાં બંધ કર્યો પછી તો,

ઝંખતો નિજ દુનિયાને આમ તો મન ભટકી ગયું.

કોલ દીધા સાથ સાથે જીવવાના ‘જોશીલ’ ને,

રણ મધ્યે છોડી ગયાં મિત્ર, દિલ અમારું ખટકી ગયું.

–  શ્રી નાથાલાલ મગનલાલ જોષી (મજાદર)

 

(૩)

હાઈકુ

રણ માં જળ

મૃગ જળ દોડતાં

પ્યાસ રડતી

***

ઉડતું પંખી

બેઠું બ્રહ્મ ગોખમાં

થયું નિર્લેપ

***

લાશ બળતી

સરસ્વતીના કાંઠે

લાડુ જમણ

***

પાંદડું ખર્યુ

વૃક્ષ ધ્રૂજી ઊઠ્યુંને

પક્ષી નિરાંતે

***

સંસાર ચક્રે

વ્યથા હાસ્ય ને લઈ

ટપાલી ફરે

***

દલિત વ્યથા

ઝૂંપડે દીવો ઝાંખો

ટપકે આંસુ

***

રોમ રોમ માં

રંગવું આતમથી

ઊભી બજારે

***

શહેર વચ્ચે

શ્વાસે ચડ્યો ટાવર

સમય દોડે

–  શ્રી નાથાલાલ મગનલાલ જોષી (મજાદર)