Uncategorized

વડગામનાં સર્જકોની કલમે – ૨૧.૦૨.૨૦૧૮

[ ૧ ]

———

બોલી મારી અભણ “મા” છે

ભાષા મારી ભણેલી “મા” છે

હું ગુજરાતી

ગુજરાતી થાઉં તો ઘણું !

– પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ)

[ ૨ ]

———

મિત્રને લગ્ન નિમિત્તે પુસ્તક ભેંટ

આપું છું પ્રેમ તને,

પુસ્તક ના સમજીસ.

જીવન દસ્તાવેજ છે,

કાગળ ના સમજીસ.

રહસ્યો છે એમાં,

જો એ બધા સમજીસ.

સંસાર છે શું ?,

એ તો ચપટીમાં સમજીસ.

સફળ છે  ભેટ,

જો એકબીજાને સમજીસ.

સુખેથી રહેજો,

તો મારા પ્રયાસ નો અર્થ સમજીસ.

નીતિન રાવલ (પસવાદળ – વડગામ )

[ ૩ ]

———

એક સુંદર સપનું સોહામણું મળ્યું

કડકડતી ઠંડીમાં જાણે તાપણું મળ્યું.

ખોવાયા હતા અમે દુનિયાની ભીડમાં

આવીને ઉભા જ્યાં તમારું બારણું મળ્યું.

અંધકાર ભરેલી હતી જિંદગી અમારી

તમારી યાદોથી ભરેલું ચાંદરણું મળ્યું.

વીતી જશે.જીવન શેષ એમની યાદોમાં

યાદગાર હરએક પળનું સભારણું મળ્યું.

ત્રિભેટે જીવનની આવીને ઉભા રહ્યા અમે

સ્થાન અમને નાં ઉગામણું મળ્યું નાં આઠમનું.

મઝધારમાં જાણે અમે ફસાઈ ગયા હતા

તમે મળ્યા તો ડૂબતાને જાણે તરણું મળ્યું.

અનવરભાઈ જુનેજા (વડગામ )

 

[૪]

———

અમારી પ્રેમ કરવાની અને તમારી તરછોડવાની રીત નોખી છે,

અમારી ચાહત અને તમારી નફરત કરવાની રીત નોખી છે,

અમારી યાદ કરવાની અને તમારી ભૂલી જવાની રીત નોખી છે,

અમારી મિલનની તડપ અને તમારી દૂર રહેવાની રીત નોખી છે,

અમારી જિંદગી સાથે તમારી રમત રમવાની રીત નોખી છે,

અમારી જીવવાની અને તમારી મારવાની રીત નોખી છે.

રણજીતસિંહ હડીયોલ (ડાલવાણા-વડગામ)