પ્રશાંત કેદાર જાદવનો કવિતા વૈભવ : ભાગ – ૧
[ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી પ્રશાંત કેદાર જાદવ દ્વારા રચિત દેશી લોક્બોલીમાં મનભાવન કવિતાઓની રચનાઓનો સંગ્રહ પુસ્તક “લ્યો સાજણ !… સ્વરૂપે પ્રસિધ્ધ થયો છે. જેમાંથી અમુક રચનાઓ સમયાંતરે આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંતભાઈ અમદાવાદ દૂરદર્શનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત સુપરહિટ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમના દ્વારા લખવામાં આવેલા છે. ગીત-સંગીત ક્ષેત્રે ભાઈ શ્રી પ્રશાંત કેદાર જાદવે વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે. પુસ્તક “લ્યો સાજણ !…ભેટ સ્વરૂપે મોકલી આપવા બદલ ભાઈ શ્રી પ્રશાંત કેદાર જાદવનો આભાર માનું છું. તો આવો આ પુસ્તકમાંની અમુક રચનાઓનો આસ્વાદ આપણે સૌ માણીએ……]
(૧)
એક ફેરા અજવાળું ભાળ્યું’ તું સઈ (સૈ)
જ્યાર સાજણજી આયા’તા ઓગણે
એ દા’ડા ચેડ મૂઉં અંધારું પેઠું
નર્યુ સ હોંકળ દઈ બારણે.
પહેરાની તો હું વાત કરૂ સઈ (સૈ)
મુનં બોંધી રુંધી ચારે કોરથી
રૂંવે રૂંવે કાળા ભમ્મ કોંટા ભોંકાય
જોણ દબઈ દીધી ભોર થોરથી
હાહ ભરતાંય અવ થાચી જવાય સૈ
આવી પીડ્યા તે શા કારણે !
અચ્ચેકી પળ સૈ કપાતી જાય,
શેન આયખું થાય પૂરું વ્હેલું
નેહાહા મેલવાની જગ્યા નથી
હજુ વધેલા ચ્યોં જઈ મેલું !
એવામાં માંયથી આઈન બહાર
કો’ક આઈ બેહસ આ પોંપણે.
એક ફેરા અજવાળું…….
(૨)
ચાલો સાજણ સુખ નામના
દેશમાં ફરવા જઈએ
સુખ ન હોય તો સુખ જેવું
કંઈ જોઈ નેણાં ભરીએ
આજ સુધી તો એના વિષે
દંતકથાઓ સૂણી
કાળજું મૂંગુ મૂંગુ ધબકે
જાણે ધખતી ધૂણી
બેયને સાંધે એવો દોરો
ક્યાંકથી મેળવી લઈએ.
અવગુણ અધધધ હોય તો કે’જો
દુ:ખનું માપ આપો
કાં તો દાખલ કર્યા પહેલાં જ
વાખી દેજો ઝાંપો
ચાલો મૃગનું શીખી
આપણામાંથી જ શોધી લઈએ.
(૩)
હતાં ભાગ્યમાં બે’એક સુખ
એ લખ્યાં તમારે નામ સાજણ
ફેરો પૂરો થ્યો જીવી ગયા
હવે ઊપડશું પરગામ સાજણ !
સુખનું રૂપ-રંગ કેવું હોય,
મને ક્યાંથી હોય જાણ સાજણ
માણી લેજો લાગે છે કે,
હશે રતનની ખાણ સાજણ
મેળાપ આવતા ભવે થાય,
ત્યારે કે’જો વિગતો તમામ સાજણ
લખિયા લેખ ના ટળે
એ ઉક્તિ ખોટી ઠરી રે સાજણ
અડધે મારગ ધૂળ થઈ ગ્યા,
જુક્તી કેવી કરી રે સાજણ
ઝાઝેરા જુહાર વાંચજો,
લઉ છું અહીં જ વિરામ સાજણ
હતા ભાગ્યમાં…….
(૪)
ચાલો સાજણ થંભેલી
ચોપાટ ફરી પાથરીએ
વેરણ-છેરણ વેરાયેલાં
સોગઠાં ભેગા કરીએ
ચાલો સાજણ….
હાર જીત તો મનની વાતો
કહુ વાયરા જેવી
કશું જ નક્કી હોય નહિ,
એ અદ્દલ માણસ જેવી
સોગઠાં-ટેરવાંની ઓળખાણ
ચાલો ફરીથી તાજી કરીએ
ચાલો સાજણ….
ચોપાટ એટલે રમત
એટલ મમત વગરનું જીવતર
સોગઠાંની ચાલ છે, એક એક શ્વાસ
છે સાર, છે આયખાનું ગણતર
અંતરથી આંખોથી ટેરવા લગીની વાટ
આપણામાં આપણાથી ભરીએ.
ચાલો સાજણ……….