સદગુરુ મોતીરામ મહારાજ – લે : શ્રી સંજયભાઈ જોશી
મોતીરામ મહારાજનો જન્મ સિદ્ધપુરના એક અતિ પુણ્યશાળી બ્રાહ્મણ શિવરામ ઠાકરના ઘેર થયો હતો. ગુરુ મોતીરામ મહારાજના વડવાઓ ‘શ્રી નાથજી મંદિર રાજસ્થાન ના મુખીયાજી’ હતા. અત્યારે સિદ્ધપુરમાં ‘છટ્ઠા પદના માઢમાં’ તેમનું પૈતૃક નિવાસસ્થાન આવેલું છે. મા હિંગળાજ અને શ્રીનાથજીના પરમ ભક્ત એવા મોતીરામ મહારાજને સંસારિક જીવનથી દીકરો મોહન અને દીકરી કમળા એમ બે સંતાન પ્રાપ્ત થયા. સમય વિતતા વૈરાગ્ય થવાથી ગુરુ મોતીરામ અને સરસ્વતીનાં પૂર્વ કિનારે રહેતા તેમના લાંબા સમયના સાથી એવા અરવડેશ્વરનાં પૂ. દેવશંકર બાપાએ સાથે સન્યાસ લીધો. અરવડેશ્વર મહાદેવ એ મૂળમાં અર્બુદેશ્વર મહાદેવ હતા. આ સમગ્ર જગ્યા નાથ નો ટેકરો કહેવાતી. નાથ સંપ્રદાયના કાનફટા સંપ્રદાય કે જે નાથ સંપ્રદાયનો જ એક ભાગ છે તે સંપ્રદાયના સાધુની પ્રાચીન મૂર્તિ આ સ્થાનકમાં જોવા મળે છે, જે આ સ્થાનક અને આ સ્થાનકમાં નાથ સંપ્રદાયની પ્રાચીનતા સિદ્ધ કરે છે. ઈ.સ. 1922, 08 એપ્રિલ, ચૈત્ર વદ એકાદશીના શુભ દિવસે ઉપરોક્ત બે મહાપુરુષોએ સાથે સન્યાસ લીધો . મા હિંગળાજની સેવા કરતા કરતા મોતીરામ મહારાજે સિદ્ધપુરમાં વ્યાયામશાળા, ગૌશાળા વગેરે લોક ઉપયોગી કામ શરૂ કર્યા.
આ દરમિયાન તેઓ ‘ગુરુના ભોખરે’ અવારનવાર દર્શને જતા. પાવઠીના દરબાર મૂળસિંહના વડવા રતનસિંહ પણ દર સોમવારે ગુરુ મહારાજનો દીવો કરવા ગુરુના મંદિરે જતા. જીવનની પાછલી અવસ્થામાં પણ દર સોમવારે દીવો કરવાનું વ્રત રતનસિંહે જાળવી રાખેલું. એમ કહેવાય છે કે એમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઇ ગુરુ સાધુ રૂપે પ્રગટ થતા અને દરબારના થાકેલા શરીરને દુઃખ દર્દથી મુક્ત કરી દેતા. રતનસિંહના વારસદાર અને પાવઠીના જાગીરદાર મૂળસિંહનો જન્મ પણ ગુરુ મહારાજના આશીર્વાદથી જ થયો હતો. વર્ષો સુધી ગુરુ મહારાજના મંદિરમાં ગુરુ મહારાજના પગલા અને અખંડ જ્યોતની પૂજા થતી હતી. પાવઠીનો દરબાર પરિવાર , ગુરુ મોતીરામ, પુત્ર મોહન, સેવક શામળિયો, મુમનવાસના ખુશાલભાઈ વ્યાસ અને આજુબાજુના સમગ્ર ધાનધાર પંથકનાં લોકોએ ગુરુ મહારાજનાં મંદિરમાં, ગુરુ મહારાજની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો. સદગુરૂ મોતીરામ મહારાજે સિદ્ધપુરના સલાટ ભાઈઓ પાસે લગભગ 640 કિલોગ્રામ વજનની એટલે કે 32 મણ કરતા પણ વધારે વજનની ગુરુ ધૂંધળીનાથ મહારાજની મૂર્તિ ઘડાવી. 1942ના મહાસુદ એકમના દિવસે સિદ્ધપુર ગામમાં ધૂંધળીનાથ મહારાજની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું. મહા સુદ ચોથના દિવસે મૂર્તિ સાથે ગામના સો થી પણ વધુ યુવાનો જેમાં રમણભાઈ શામળિયા,રમણલાલ શાસ્ત્રી,બાબુભાઈ પાધ્યા,ભક્તિલાલ પંડ્યા,અરવિંદભાઈ પટેલ, બાબિભાઈ પટેલ, માધવલાલ ઠાકર વગેરેને લઇ ગુરુ મહારાજના જયઘોષ સાથે ‘ગુરુ ના ભોખરે’ જવા પ્રસ્થાન કર્યું. ગુરુ મોતીરામ અને સંઘે ગુરુની મૂર્તિ સાથે રસ્તામાં આવતા જે ગામોમાં વિસામા કર્યા હતા ત્યાં અત્યારે ‘ગુરુ મહારાજનાં સ્થાનકો’ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. મહાસુદ ચોથ ના દિવસે ગુરુ મહારાજની મૂર્તિ પાવઠી ગામમાં આવી પહોચી. પાવઠીમાં અત્યારે જ્યાં ગુરુ મહારાજનું મંદિર છે ત્યાં આંબાના ઝાડ નીચે મૂર્તિને વિસામો કરાવવામાં આવ્યો. પાવઠી દરબાર મૂળસિંહ, સમગ્ર પાવઠી ગામ અને આજુબાજુના લોકોએ મૂર્તિ અને મોતીરામ મહારાજનું રાજાને શોભે તેમ સામૈયું કર્યું. સમગ્ર સંઘને બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું.
મહા સુદ પંચમી ના દિવસે ભગવાન સૂર્ય નારાયણે અજવાળા પાથર્યા અને સવારે દસ વાગ્યાના સુમારે ગુરુ મહારાજની મૂર્તિને ગુરુ ના ભોખરે લઈ જવાની ધન્ય ક્ષણ આવી પહોંચી.પાવઠીથી નદીના પટમાં આવેલા મહુડાના ઝાડ પાસે મૂર્તિ પહોચાડવામાં આવી. ધોરી, પાવઠી, અંધારિયા, વગદડી,મોતીપુરા, જલોતરા,કરમાવાદ અને સમગ્ર ધાનધાર પંથકના મહારાજના સેવકોએ “ ગુરુ શ્રી ધૂંધળીનાથ મહારાજ નો જય” આ જયઘોષ સાથે, લાકડાની ડોલી બનાવી, તેમાં ગોદડાઓમાં ગુરુ મહારાજની ૩૨ મણ વજનની મૂર્તિ લપેટી ‘ગુરુના ભોખરે’ સાંજે પાંચ વાગ્યાના સુમારે મૂર્તિને પહોચાડવામાં આવી. ગુરુના ભોખરે 4000 ફીટ ઉંચે જ્યાં ગુરુ મહારાજ અખંડ તપ તપ્યા હતા, ત્યાં ગુરુ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ શુભ દિવસ હતો, વિક્રમ સંવંત ૧૯૯૮,ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, 21 જાન્યુઆરી,ઈ.સ.1942,બુધવાર અને મહા સુદ પંચમી. મહા સુદ પંચમી એટલે વસંત પંચમી. આ શુભ દિવસની યાદમાં અત્યારે પણ વસંત પંચમી ના દિવસે સિદ્ધપુરનો સંઘ ગુરુ મહારાજ ધામે આવે છે, ગુરુ મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને મોટો મેળો ભરાય છે. મોતીરામ મહારાજે ગુરુ મહારાજના મંદિરે સેવા પુજાના રૂડા પ્રબંધ કર્યા. આવેલા ભક્તોને શીરાનો પ્રસાદ કરી જમાડવામાં આવ્યા.
32 મણ કરતા પણ વધારે વજનની મૂર્તિ ગુરુ પર્વત ઉપર માત્ર સાત કલ્લાકમાં જ પહોંચી એ પાછળના કારણમાં લોક વાયકા એવું કહે છે કે આ કાર્ય મોતીરામ મહારાજના સ્વરૂપમાં સ્વયમ ધૂંધળીનાથ મહારાજે જ પૂર્ણ કર્યું હતું. આ શુભ કાર્યને પૂર્ણ કરવા માટે પાવઠી દરબાર મૂળસિંહે પોતાના કુટુંબના તમામ બાંધવો અને વડીલોને એકત્ર કરી મૂર્તિ ઉપર લઇ જવા જંગલ વિસ્તારમાં રસ્તો બનાવ્યો હતો, આ કાર્ય છ મહિના સુધી ચાલ્યું હતું અને આ કાર્ય મહા સુદ પંચમી સુધી પૂર્ણ કરવામાં આવ્યું હતું. મૂર્તિ સ્થાપન પછી મોતીરામ મહારાજે દીકરા મોહનને , શિષ્ય શામળિયાને, મૂળસિંહ, ખુશાલભાઈ અને બીજા શિષ્યોને ગુરુ મહારાજ અને મા હિંગળાજની સેવાપૂજાને લગતા અંતિમ આદેશ આપ્યા અને મહા વદ એકમ ઈ.સ. 1942 ના દિવસે મા હિંગળાજના ચરણોમાં ગુરુ મોતીરામ મહારાજે પણ અંતિમ સમાધી લીધી.
ગુરુ મહારાજ મંદિર પૂજા પરંપરા
શ્રી અંબાજી ધામ એ ઉત્તર ગુજરાતની ‘શક્તિપીઠ’ છે અને ગુરુ મહારાજ ધામ એ ઉત્તર ગુજરાત ની ‘સિદ્ધપીઠ’ છે. આ બંને પીઠની પૂજા અર્ચનાનું કામ વરસોથી સિદ્ધપુરના બ્રહ્મદેવ સંભાળી રહ્યા છે. ગુરુ મહારાજ મંદિરમાં ઈ.સ. 1942,બુધવાર મહાસુદ પાંચમના દિવસે ગુરુ મહારાજની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગુરુ મોતીરામ મહારાજે મંદિરનો સમગ્ર અધિકાર તેમના અનન્ય શિષ્ય અને સિદ્ધપુરના વિદ્વાન બ્રહ્મદેવ રમણ શામળિયા ને આપ્યો. મોતીરામ મહારાજે પૂજાના અધિકાર સાથે તેમની બંસી, ગુરુદંડ અને નાનકડી છરી જે ગુરુ મહારાજની કૃપારૂપ હતા તે પણ રમણ શામળિયાને આપવામાં આવ્યા. રમણભાઈ શામળિયાના કહેવાથી લંગડા મહારાજે ગુરુ મહારાજના મંદિરમાં મહાસુદ પાંચમ ઈ .સ 1942 થી ઈ.સ. 1954 સુધી પૂજા અર્ચના કરી. ત્યારબાદ તેઓએ પાવઠી ગામમાં આવી સમાધિ લીધી. પાવઠી ગામમાં લંગડા મહારાજનું નાનકડું સમાધિ મંદિર આવેલું છે.લંગડા મહારાજના દેહવિલય બાદ રમણભાઈ શામળિયા ગુરુ મહારાજ મંદિરે આવી અવારનવાર પૂજા અર્ચના કરવા લાગ્યા.
ત્યારબાદ ગુરુ મહારાજ મંદિરે બોડા બાવજીનું (સ્વામી અભેદાનંદ) ઇ.સ 1969માં આગમન થયું. બોડા બાવજી લગભગ બાર વરસથી વધારે ગુરુ મહારાજ મંદિર ઉપર રહ્યા અને ગુરુ મહારાજની પૂજા અર્ચના કરી. બોડા બાવજી લગભગ 17/07/1981ની સાલમાં ગુરુ પર્વતની તળેટીમાં આવી કરમાવાદ ગામમાં રહેવા લાગ્યા અને અત્યારે જ્યાં બોડા બાવજીની સમાધિ છે ત્યાં મહાસમાધિ લીધી. ત્યારબાદ ગુરુ મહારાજના પુજારી શ્રી રમણ શામળિયા ગુરુ મહારાજ મંદિરે આવતા રહ્યા, અને ગુરુ મહારાજનું પૂજન અર્ચન કરતા રહ્યા. લગભગ 1996માં સિદ્ધપુર મુકામે ગુરુ મહારાજનું સ્મરણ કરતા કરતા શ્રી રમણ શામળિયા દેહવિલય પામ્યા. ત્યારથી માંડી અત્યાર સુધી ગુરુ મહારાજની પૂજા અર્ચનાનું કામ શ્રી રમણ શામળિયાના સુપુત્ર શ્રી મહેશભાઈ શામળિયા – શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન સમિતિ, કરમાવાદ, જલોતરાના સેવકો અને રવા ભગત – પુજારી શ્રી કરમાવાદ આશ્રમ, નો સાથ સહકાર લઇ સંભાળી રહ્યા છે. જય ગુરુ મહારાજ.
શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો જીવન ચરિત્ર અને પરિચય
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી (+91 8849932083)
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ કરમાવાદ – જલોતરા