વડગામનો ઇતિહાસ

વડગામ ની પ્રાચિન વાવ નો ઇતિહાસ.

વડગામમાં આવેલી વર્ષો પુરાણી વાવ લાખા વણઝારાએ બનાવી હતી. જેનો ઉલ્લેખ ઈતિહાસના પાને પણ થયેલો છે. જો કે વાવમાં કોતરેલા લેખો આજે પણ સલામત હોઇ તેનું લખાણ ઉકેલવામાં આવે તો વાવની સઘળી હકીકત બહાર આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પૌરાણિક વાવના પુનરોત્થાનનું કાર્ય હાથ ધરાયું છે,જે અંતર્ગત વડગામ મા આવેલ વાવ નુ પણ પુનરોત્થાનનું કામ ચાલી રહ્યુ છે. અગ્રણી લક્ષ્મણભાઇ ધૂળીયાએ વાવના ઈતિહાસ અંગે જણાવ્યું કે,‘ભારત દેશમાં વર્ષો પહેલાં રાજા ભતૃહરિ, વિરવિક્રમ અને લાખો વણજારો એમ ત્રણ ભાઇ હતા. જેમાં ભતૃહરિએ સન્યાસ લીધો હતો. વિરવિક્રમ કુશળ રાજકર્તા બન્યો. જ્યારે લાખા પાસે એક લાખ બળદની પોઠોની વણઝાર હતી.

જેથી તે લાખા વણઝારાના નામથી ઓળખાયો. જે વેપાર અર્થે ગુજરાત, મારવાડ, કાઠિયાવાડ વિસ્તારમાં આવતા, ત્યારે એક ગામમાં વધુ દિવસ રોકાતા હોવાથી પાણી માટે વાવ બનાવતા. જે મુજબ અહીં વડગામ મા પણ વાવ બનાવી હતી. જેમાં કોતરાવેલા લેખો આજે પણ સલામત છે. જેનું લખાણ ઉકેલવામાં આવે તો વાવના સાચા ઈતિહાસની જાણકારી મળી શકે તેમ છે.  ‘થોડાક વર્ષો પહેલાં સુધી પ્રજાજનો આ વાવમાંથી પાણી ભરતા હતા. હવે બોર, કૂવા અને પાઇપલાઇનો બનતાં વાવ વિસરાઇ ગઇ છે. જેનું ખોદકામ શરૂ કરવામાં આવતાં આજની યુવા પેઢી ઐતિહાસિક વારસાથી અવગત બનશે.’

જૂના જમાનામાં જ્યારે આજના જેવાં વાહન વ્યવહારનાં સાધનો નહોતાં ત્યારે વણજારાની અનાજ ભરેલી પોઠો દુષ્કાળગ્રસ્ત રાજ્યોની પ્રજાને માટે વરદાનરૂપ બની રહેતી. ભારતભરમાં ભટકનારી વણજારા જાતિની ઓળખ, ભગવદ્‌ગોમંડલમાં આ મુજબ મળેછે. વણજારો એટલે દેશપરદેશ માલ લાવઆણ કરવાનો વેપાર ખેડનાર માણસ. પરદેશી માલનો આબરૂદાર વેપારી, બળદોની પીઠ પર માલ લાદી પરદેશ લઈ જનાર વેપારી, પોઠવાળો,ગુજરાતમાં દંતકથારૂપ બની ગયેલ લાખો વણજારો લાખ પોઠિયાનો માલિક હોવાનું કહેવાય છે. પાંચસો હજાર પોઠિયાની વજારાના માલિક માત્ર માલવાહક મજૂરો નહોતા પણ વેપારી હતા.

છતવાળા પ્રાંતોમાંથી અનાજ, તમાકુ, મીઠું, સૂકોમેવો, કરિયાણું વગેરે ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતા. વણજારાની પોઠો ભારતભરમાં ખૂણેખૂણે ફરતી. કન્યાકુમારીથી કાશ્મીર અને આસામથી લઈને ઓખા સુધી તેઓ ભ્રમણ કરતાં. વણજારા માલિકની શાખ ઉજળી હતી.આબરૂ અને આંટ ઉંચા હતાં. રાજપૂત દરબારો અને રાજવીઓમાં એમનો માનમરતબો હતો. ખમતીધર વણજારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને અનાજ અને બળદો પૂરા પાડતા. નાના શેઠિયાના હામી થતા. જરૂરતવાળા ખેડૂતો વણજારા પાસેથી કઢારે-ઉછીનું અનાજ લેતાં મોસમમાં સવાયું કરીને પાછું આપતા.

માલવહન કરનાર વેપારી વણજારા ભૌગોલિક સ્થિતિ અને મોસમની સારી જાણકારી ધરાવતા. દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પર એમની નજર રહેતી. તેઓ પોઠો પર અનાજ ભરીને ત્યાં પહોંચી જતા અને લાખો ભૂખ્યા લોકોના જીવ બચાવતા. અકબરના રાજ્યકાળમાં ભારે દુષ્કાળના ઓળા ઊતર્યા ત્યારે વણજારાઓએ પડોશી દેશો નેપાળ, ચીન, તિબેટ, બ્રહ્મદેશ, ઈરાન અને કાબૂલથી અનાજ લાવીને પૂરું પાડ્યું હતું. આથી કાળદુકાળે રાજાથી માંડીને રંક સુધી સૌ કોઈ ઉચાટભર્યા શ્વાસે વણજારાના આવવાની વાટ જોતા. એમને આવવામાં વહેલુંમોડું થાય તો રાજવીઓ દૂત મોકલીને તપાસ કરાવતા. આ વ્યાપાર સેવા માટે સન્માનિત કરવામાં આવતા. ઇનામમાં રાજ્ય તરફથી એમને જરઝવેરાત અપાતું. વણજારા વેપારીઓની અનાજ લાદેલી પોઠોના કાફલા દુષ્કાળપીડિત પ્રજા માટે વરદાનરૂપ બની રહેતા. આમ પ્રજાને ભૂખમરામાંથી બચાવનાર વણજારાના સમૂહને ‘ટાંડા’ અને ‘સાર્થ’ ને નામે ઓળખાતા. ઉત્તર ભારતના ગાઢ જંગલો પર એમનો એકાધિકાર હતો. ત્યાંથી તેઓ વનસંપત્તિ, જંગલની જડીબુટ્ટીઓ અને અનાજની પોઠો લઈને દેશભરમાં ફરતા.

વણજારાના નાયક પાસે મોટી સંખ્યામાં બળદ, ભેંસ અને ગધેડાં રહેતાં. ૩૦-૪૦ થી વઘુ પરિવારો એક સાથે માલ ભરીને સમૂહમાં નીકળતાં તેઓ રાત્રી રોકાણ કરતાં ત્યાં સાદડી વડે ઝૂંપડી બનાવી દેતા. આ દંગામાં માણસો સાથે મરઘાં અને સુવર પણ સૂઈ રહેતાં. નાના ગરીબ વણજારા પાસે બળદ ન હોય તેઓ માથે સામાન મૂકીને ચાલતા. વણજારણો પીઠ પર નાનાં છોકરાં બાંધી, માથા પર માલસામાન લઈને ચાલતી. યુરોપના યાત્રીઓએ વણજારાના દસ હજાર બળદોના ટાંડાને પરિવહન કરતાં નજરે જોયાં છે. મોટા વેપારીઓ આવા ટાંડા દ્વારા એક ખેપમાં એક લાખ મણ અનાજ ભરીને નીકળતા એવું વર્ણન કર્યું છે.

આ વણજારા પ્રજા ઉપરાંત લડાઈના મોરચે સૈનિકોને પણ રેશન પહોંચાડતા. અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ આ વણજારાની ઓશંિગણ બની રહેતી. વણજારા મુદત આપ્યા મુજબ તટસ્થપણે અનાજ પહોંચાડતા પરિણામે તેમની સામાજિક પ્રતિષ્ઠા પણ દૂધ જેવી ઊજળી હતી. વણજારા સૌના મિત્ર હોવાથી યુદ્ધ લડનાર બંને પક્ષો વણજારાની પોઠોને નુકશાન પહોંચાડતા નહીં એટલું જ નહીં પણ એનું રક્ષણ કરતા. એમનું માનસન્માન કરતા. તેઓ દર કલાકે બે માઈલથી લાંબી મુસાફરી કરતાં નહીં. અનાજના કોથળા ફરતી દોરીથી વાડ કરતા. એની ચોતરફ સશસ્ત્ર સૈનિકો જેવા ખૂંખાર શિકારી કૂતરાની ચૉકી રહેતી. આવી ૫૦ હજાર પોઠોને મેં નજરે નિહાળી છે એમ ઇર્વિન લખે છે. વણજારા જ્યારે યુદ્ધમાં રોકાયેલા સૈનિકો માટે રેશન લઈને નીકળતા ત્યારે ઓળખ આપવા માટે પોતાની પાઘડીમાં લીંમડાની ડાળખી ખોસતા. એ જોઈને લોકો એમને માર્ગ કરી આપતા. શ્રી ગ્રિયર્સન લખે છે કે વિચરતી જાતિ વણજારા આ રીતે અનાજની પોઠો લઈને પશ્ચિમથી દ.ભારત સુધીની ખેપો કરતાં.

વણજારા એ વિચરતી જાતિ હોવાથી એમની જરૂરિયાતો માટે ઠેકઠેકાણે વાવ, કૂવા, સરોવર, તળાવો અને વાવડિયોનું નિર્માણ કરાવતાં. જેથી પીવાનું પાણી મળી રહેતું. એટલું જ નહીં પણ રાતવાસો કે આરામ કરવા માટે રસ્તામાં અનેક ધર્મશાળાઓ અને ઊતારાગૃહો પણ બનાવતાં. સમગ્ર ભારતવર્ષમાં વણજારાઓએ નિર્મિત કરાવેલા વાવ, કૂવા, સરોવરો અને ધર્મશાળાઓ જોવા મળે છે. જોધપુરનું વણજારા સરોવર તો આજેય વિખ્યાત છે.

વણજારા વરસના આઠ મહિના દેશભરમાં અનેક રાજ્યોમાં ફરતા રહેતા હોવાથી તેમને વિધવિધ રાજ્યોની ગુપ્ત માહિતીની જાણકારી રહેતી. એમની આ જાણકારીનો લાભ રાજા-રજવાડા ભરપેટે લેતા. તેઓ તેમને ક્યારેક રાજ્યના ગુપ્તચર તરીકે નિયુક્ત કરી દેતા અને અન્ય રાજ્યોની ગુપ્ત માહિતી મેળવી લેતા.

૧૯મી સદીના યંત્રયુગે વણજારાઓની કમર ભાંગી નાખી. રેલ્વે અને ખટારા આવતાં વેપાર વાણિજ્ય અને પરિવહનનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું. વણજારા વેપારી પરંપરાનો ધંધો ભાંગી ગયો. વણજારાની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં ભારે પરિવર્તન આવ્યું. અઘૂરામાં પૂરું અંગ્રેજ સલ્તનતે એમને હેરાનપરેશાન કરી મૂક્યા. સને ૧૮૯૬માં સરકારે વણજારાને અનુસૂચિત અપરાધી જાતિ જાહેર કરી. અંગ્રેજ લેખકોએ વણજારાને ચોર, લૂંટારા, બહારવટિયા અને ક્રૂર માનવી તરીકે ચીતર્યા. જૂનો ધંધો ભાંગી પડતા આજીવિકાનું સાધન ઝૂંટવાઈ ગયું. આથી એમણે શસ્ત્રોનો સહારો લીધો. દિનપ્રતિદિન વધતી ગરીબાઈ અને ભૂખમરાને કારણે ગુન્હા કરવા મજબૂર બન્યા. આજે વણજારામાંના ઘણાં ભણીને ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચ્યા છે. બાકીના મહેનત મજૂરી કરે છે.

ગુજરાતમાં આવીને સ્થાયી થયેલા વણજારા હાથવગા ધંધા તરીકે ગધેડાં રાખીને રેતી સારવાનું, મકાનનો ઈંટ, ચૂનો વહેવાનું અને મજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. આજે હવે ટ્રેકટરો રાખીને પેટિયું રળે છે. વણજારા સંસ્કૃતિની જૂની જાહોજલાલી સાવ આથમી ગઈ છે.