વડગામનો ઇતિહાસ

ગામકૂવો

[વડગામ તાલુકાના મગરવાડાના વતની શ્રી કિશોરસિંહ સોલંકીએ પોતાના ગામ મગરવાડાના ગામકૂવાની એક સમયે કેવી જાહોજલાલી હતી તેનું રસપ્રદ વર્ણન પ્રસ્તુત લેખમાં કર્યુ છે. જો કે આ લેખમાં મુકવામાં આવેલો ગામકૂવાનો ફોટોગ્રાફસ વડગામ તાલુકાના પસવાદળ ગામનો છે જેની તસ્વીર મે તાજેતરમાં પસવાદળની મુલાકાત દરમિયાન લીધી હતી. પ્રસ્તુત લેખ વડગામ.કોમ ઉપર મુકવાની પરવાનગી આપવા બદલ આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકીનો આભાર.]

Gaamkuvo-pasvadal

ગામનું નાક તો ગામકૂવો ! જે ગામની જાહોજલાલી કેવી હશે એ જોવું હોય તો ગામકૂવા ઉપર નજર નાખવાથી તરત જ સમજાઈ જાય ! આખા ગામનું જીવતર હોય છે ગામકૂવો !

અમારા ગામની વસ્તીના પ્રમાણમાં ત્યારે બે ગામકૂવા – એક ઉગમણો અને બીજો આથમણો ઉગમણા કૂવાનું પાણી ખારું હોવાથી એને “ખારકૂવો’ કહેતા. પણ આથમણા કૂવાનું પાણી આખું ગામ પીવા માટે વાપરતું. આ આખો કૂવો ઇંટોથી ચણેલો હતો અને એની અંદર ટોડી ભરાવેલી હતી, એના કાંઠા ઉપર ચાર મોટા લાકડાના પાટાનો ચોરસ બનાવીને ગોઠવેલો હતો. પાણી ભરતી વખતે વરેડાથી એ પાટા ઘસાતા ગયેલા તે એમાં કાપા પડી જતા. લાકડું પણ ઘસાય છે  એની પ્રથમ ખબર પડેલી ગામકૂવાથી !

ગામના પાદર બધાની તરસને પોતાનામાં લઈને ગામકૂવો જાગતો જ હોય ! વરસાદના સારા વર્ષોમાં ચોમાસામાં તો અમે બકરી બનીને લાંબો હાથ કરીને પાણી ભરી લેતા પણ શિયાળે-ઉનાળે વરેડાનો ઉપયોગ કરવો પડતો !

વરેડું પણ સૂતળી, કાથી કે સૂતરનું બનાવવામાં આવે ! સૂતળીને ગામાના વહોળામાં કે તળાવમાં પકવવામાં આવે અને પછી એનાં છાંટા ઉતારીને એને વણવામાં આવે. આવાં રાંઢવા (દોરડા) વણવાં એમાં પણ કારીગરી જોઈએ ! વરેડું આમળતાં આમળતાં વણાતું જાય, વણતા વણતા ચડી જાય નહી એની કાળજી રાખવામાં આવે. જો ચડી જાય તો એની આવરદા લાંબી ના રહે. વરેડાનો ગળપાશો કરવો એ પણ એક પ્રકારની કરામત જોઈએ. નહીંતર ઘૂણિયો ધડો સીધો જ કૂવાના તળિયે જઈને ઊભો રહે.

કૂવામાં વરેડાથી બાંધીને ઘડો કે ઘૂણિયો પાહવામાં આવે ત્યારે અમે ટેણિયાં એક બાજુ વાંકા વળીને કૂવામાં તાકી રહીએ અને એમાં પાણી ભરાતાં જે અવાજ થાય એને સાંભળી રહીએ ત્યારે અમારા ઇતિહાસમાં આવતો શ્રવણ અમને યાદ આવે. હમણાં કૂવાના કોઈક ખૂણેથી તીર આવશે અને વરેડાનો તથા ઘડાનો સબંધ જુદો કરી દેશે એવુ જોવા જઈએ ત્યારે અમારે વડીલોનો ઠપકો ખાવો પડે: ‘અલ્યા માંય પડશો તો મરી જાહો, લુંડ્યાંના ચ્યમ ખહતાં નથ ?” કોઈ અમારી પાછળ પડે તો અમે નાસી જઈએ.

ત્યારે ડોલ તો ભાગ્યે જ જોવા મળે ? હા, ડોલ હોય પણ પિત્તળની ! અને એ પણ કોઈ વાણિયા-બામણના ઘેર જ જોવા મળે; નહીતર મોટા ભાગે કુંભારના ચાકડે ચડી ટપલાથી ટિપાઈને અને નીંભાડામાં પકવાઈને આવેલા ઘડા જ જોવા મળે.

ગામમાં વહેલી સવારે કોઈ જાગનાર હોય તો વલોણાની ગોળી અને ગામકૂવો ! તમારી જ્યમ નહી કે ઘેર ઘેર નળ અને ચકલીઓ ! પાણી પણ ટેમસર જ મળે ! જો ભરવાનું રહી ગયું તો મરો તરસ્યે ! માટલા ખાલી જ રહે ! પણ અમારે એવું નહીં. અડધી રાતે જઈને ઊભા રહો તોય અમારો કૂવો તો તિયાર જ વોય તમોને પાણી પાવા ! એને ન કોઈ સમય કે ન કોઈ જાતની માથાકૂટ ! ચોવીસે કલાક તમારી સેવામાં હાજરાહજૂર !

વહેલી સવારે ગામની જુવાનડીઓ કે નવી વહુવારુઓ માથે બેડું મૂકીને દોટ મૂકે. જેમ ફૂલની ઉપર ફૂંદા ફરે એવી જ તો એમની ઝડપ હોય. ઊડતી ચકલીની જેમ જોંય અને પાણી ભરીને પાછી આવે ! અમે એક સાથે બે-બે માટલા માથે અને એક ઘડો હાથમાં પકડીને રૂમઝૂમ રૂમઝૂમ ચાલી આવે. માથે બેડું હોય પણ હાથેય ના અડકાડે! એવી તો એમની સ્થિતિ-સ્થાપકતા! અને તમારા બૈરાં તો આજે પાણીની એક ડોલ ઊંચકવી વોય તોય કેટલા ધમપછાડા કરે છે?

કૂવાના કાંઠે તો આખા ગામની જુવાની છલકાય-મલકાય! કુંવાસીઓ પાણી ભરતી ભરતી વાતોના તડાકા મારે. મોટેરા ગામની પંચાત કૂટે. સવારે દરેકને મળવાનું-હળવાનું આ એક જ સ્થળ ! ગામકૂવો આખા ગામની નવાજૂની જાણે-માણે! ગામની રજેરજ્ની એને ખબર હોય, કારણ કે બધી જ વાતો એના કાંઠે જ વહેતી હોય! તોય કૂવો ક્યારેય કોઈની ચાડી-ચૂગલી ના કરે, એવી તો એની ખાનદાની!

થોડા સમય પછી ગામકૂવના કાંઠે લોખંડની ગરગડીઓ આવી! ગામની કુંવાસીઓ વાંકી વળીને પાણીનો ઘડો ભરીને પાણી ખેંચતા એમની કેડે વધારે જોર ના આવે એટલે ગરગડીઓ! કૂવાની ચારેબાજુ લોખંડની જાળી અને ઉપર ગરગડીઓ!

આ ગરગડીઓ આવવાનું પણ એક કારણ હતું. એક વખત રાતે એક ગાય કૂવામાં પડી ગયેલી! આખુ ગામ ભેગું થઈને ચારપાંચ જણા તરવૈયા કૂવામાં ઊતરીને ગાયને બાંધી-ખેંચીને બહાર કાઢેલી! ત્યારથી ગામે નક્કી કરેલું ગરગડીઓનું!

પછી તો ઊભા ઊભા જ વરેડું ગરગડીઓ સરતું કરી દેવાનું, તે ઘડો કે ઘુણિયો સીધો જ પાણીના માથા ઉપર! ભરાઈ જાય એટલે લાંબા લસરકાથી ખેંચીને બહાર કાઢવામાં આવે! એ બહાર કાઢવાનો કમ્મરનો લચકો એક નવી જ ભાત પાડે એવો જ સ્તો!

સામાન્ય રસ્તાથી કૂવાનો કાંઠો થોડો ઊંચો! એટલે પગથિયાં કરેલાં હતા એને! નીચેની બાજુએ લૂગડાં ધોવા માટેના લાંબા-પહોળ પથ્થર મુકાયેલા હતા. એટલે અપોર બપોર કોઈને બે લૂગડાં છબછબાવવાં હોય તો ત્યાં આવી શકે! બે ઘુણિયા પાણી તગારામાં રેડીને એમાં ઊસ નાખીને લૂગડાંને પલાળીને બે ઘોકા મારી લેવાના! સાબુ અને પાઉડર અને બ્રશ જેવા તો સપના હતા ત્યારે તો! આ બધું તો તમે લઈ આવ્યા, નવા નવ લૂગડાં અને નવું નવું ધોવાનું! અમારે તો ચાર-પાંચ વાર ગજિયું લાયા વોઈએ તો એમાંથી એકાદ પહેરણ કે આંગડી સિવડાઈ લેવાની! વરહમાં બે જોડી લૂગડાં! તમારી જ્યમ સાંજ-સવાર જુદાં જુદાં પે’રીએ એવી સ્થિતિમાં અમે નહોતા ત્યારે તો!

આ ગામકૂવો પણ લોકોના મરણ-પરણના પ્રસંગે ખડેપગે ઊભો રહે! કોઈ મરી જાય તો આખા ગામના બૈરાં આ કૂવાના કાંઠા પાસે જ ખંગોળિયું ખાઈ લ્યે ! કોઈના લગન વખતે તો ચાર-પાંચ માણસો પાણી ખેંચખેંચ કરીને ભરાવ્યા જ કરે.

પણ કૂવાનું સાચું માત્યમ તો આવતું મેળા વખતે! મેળો પણ કેવડો મોટો ! કેટકેટલા લોકો આવે! પછી તરસ્યા થાય એટલે જાય કયાં? ગામકૂવાની આજુબાજુ બધી દુકાનો મંડાતી અને આખું પાદર હસી ઊઠતું આ બધુ જોઈને!

સમસ્ત ગામ તરફથી કૂવાની ચારેબાજુ પીપડા ગોઠવવામાં આવતાં! અને ચાર-પાંચ મોટિયાઇડાને રાખવામાં આવતા! કૂવામાંથી પાણી ખેંચીને પીપ ભર્યા જ કરે. લોકો જ્તાં-આવતાં, કીડિયારાની જેમ,પાણી પીતાં જ જાય!

પણ કૂવાની પાસે હવાડો બનાવવામાં આવ્યો ત્યારે તો અમને આનંદ થયેલો! ગાંદરાની પેંપરે અને વડલાની ડાળીએ દોડતા અમે હવાડાના કાંઠે દોડવા માંડેલા! હવાડાને ભરવા માટે કોસ જોડવો પડતો! પછી તો પાણીનું થાળું, કૂંડી, ઐંડાણ, પૈડું અને ગરગડી આવી ગયાં અને કૂવામાં કોસ મૂકાયો. કૂવએ નવો અવતાર ધારણ કર્યો એવુ લાગેલું અમને! પણ ઉનાળામાં ગામના ઢોર-ઢાંખરને પાણી પીવાની તકલીફ કાયમી ધોરણે મટી ગઈ! વગડામાં રખડીને બપોરે આવીને હવાડામાંથી પાણી પીને ગાંદરાના ઝાડવાનાં છાંયડે બેઠા બેઠા વાગોળે!

ક્યારેક કોઈનો ઘડો કે ધૂણિયો કૂવામાં પડી જાય તો ગામમાં બિલાડીને શોધવા નીકળવાનું! બિલાડી એટલે આપણે પાળીએ છીએ – એ નહીં, પણ લોખંડના દાંતાવાળી બિલાડી! જો ઘૂણિયો કે ઘડો વરેડા સાથે અંદર પડ્યો હોય તો બિલાડીના આંકડે ભરાઈ જાય એટલે ખેંચી લેવાનું! કૂવો જેટલો ઊંડો હોય એના પ્રમાણમાંબે-ત્રણ વરેડાં ભેગાં કરવાનાં. જો બિલાડીથી પણ ના નીકળે તો પછી ગામના કોઈ તરવૈયાને બોલાવી લાવવાનો. તે એકાદ ડૂબકી મારીને કૂવાના તળિયેથી શોધી લાવે!

અમારા ભણતરનું જ્યાં ખાતમુરત થયેલું એ તીર્થભૂમિ ગામ-કૂવાથી સામે જ હતી! અમે એ કૂવાના કાંઠે અને હવાડા ઉપર ઘણું કૂદ્યા છીએ. એ જ કૂવામાંથી ડોલે ડોલે પાણી ભરીને અમારી નિશાળના બગીચાને સીંચ્યો હતો!

એ ગામકૂવાને ચોમાસાથી છલકાતો જોયો હતો અને ઉનાળામાં સુકાતો પણ! અમે પણ એ કૂવેથી મોચડું માથે મૂકીને માટલા ભર્યા છે, અમે પણ એના કાંઠા ઉપર ઊભા ઊભા નાહ્યા છીએ. અમે પણ કૂવા ઉપર લૂગડાં થપથપાવ્યાં છે, અમે પણ એ કૂવાના કાંઠા ઉપર આવેલી વહુવારુઓને હેરાન કરેલી છે કે કુંવાસીઓને અડપલું કરેલું છે, એ જ કૂવાના કાંઠે ઊભા રહીને કાંકરીઓથી કેટલાંય બેડા ફોડ્યાં છે અને બેડું ઉપડાવવાના બહાને કોઈને હેરાન પણ કર્યા છે. એ કૂવાના કાંઠા ઉપર અમે ઘણી વાર લપસ્યા છીએ, પડયા પણ છીએ. ત્યારે કેવો કલ્લોલ કરતો હતો ગામકૂવો!

અને આજે ! આજે તો ઘેર ઘેર નળ આવી ગયા છે. અમારો ગામકૂવો હવડ બની ગયો છે. કોઈ ભયંકર જીવલેણ રોગમાં સપડાયેલા વૃધ્ધ ને જેમ એને એક બાજુ નાખવામાં આવ્યો છે. નથી રહ્યો એનો કાંઠો કે એના ઉપર લોખંડની જાળી, પાણી પણ કેવું? કોઇ જ જોતુ  નથી તેની સામે! હવાડો પણ લૂણો લાગીને ખવાઈ ગયો છે, અને મરેલા માણસની ખોપરીના હાડકાં જેવો લાગે છે! કોઈ સાર કે સંભાળ લેતું નથી એની. હા, એની અંદરથી ખવાઈ ગયેલી ઇંટોના પોલાણમાં કબૂતરોએ માળા કર્યા છે, અને સવાર-સાંજ ઘટર ઘૂ..ઘટર…ઘૂ એવા કબૂતરોના અવાજથી કૂવાને પોતે જીવે છે એનો આનંદ જરૂર રહ્યો છે, ત્યારે દયા આવે છે એની અને અમારી પણ !