માદરે વતન વડગામની યાદ : ભાગ -૨
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૨ અત્રે પ્રસ્તુત છે. ભાગ -૧ વાંચવા અહીં ક્લિક કરો. ]
ત્યારબાદ ધીરે ધીરે વડગામનો વિકાસ થતો ગયો તાલુકા પંચાયત ,ગુજરાતી શાળા બની એક થી સાત ધોરણ જેમાં આચાર્ય તરીકે છગનકાકા સાહેબ હતા. ત્યાર પછી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ જેનું જુનું નામ નવયુગ વિદ્યાલય હતું ,જેમાં ગોપાલચંદ્ર બારોટ સાહેબ આચાર્ય હતા તેઓ કડક સ્વભાવના હતા. નળિયાવાળા ઘરોમાં શાળા શરૂ કરેલ તથા નામ એવા ગુણ એ સ્કૂલમાં ભણેલ મોટાભાગના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સારી નોકરીઓ તથા તથા વેપાર ધંધામાં આગળ આવેલ. આર્મીમાં પણ ઘણા ગયેલા. આ શાળામાં વડગામ તથા આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરવા આવતા. ધોરણ પાંચ થી અંગ્રેજી રાખવામાં આવતું. પ્રદર્શન વિજ્ઞાન મેળા આનંદમેળા આ સ્કૂલમાં થતા મહાદેવના વરઘોડામાં સ્કૂલનું બેન્ડ હું વગાડતો. બીજા અન્ય પણ વગાડવામાં સાથ આપતા સ્કાઉટની પણ તાલીમ અપાતી તથા અલગ ડ્રેસ સાથે જુદા જુદા ગામોમાં કેમ્પો પણ કરતા,તે ચાર પાંચ દિવસના રહેતા. જુનું રામજી મંદિર દેરાસરથી આગળ દરબાર વાસ જોડે હતું અને હાલ પણ છે. આ મંદિરમાં જે તે સમયે ખૂબ જાહોજલાલી તથા મંદિરની જમીન હતી, જેની પૂજા મણિલાલ સાધુ કરતા. ગામના વડીલ હૈયાની વાત જાણતા જાણવા મળ્યું કે પાલનપુર થી નવાબ સાહેબ કન્યા શાળાએ પગરખાં ઉતારી ઓઘવદાસ મહારાજને મળવા આવતા. રામજી મંદિરના ઓઘવજી મહારાજ નિતિમત્તા વાળા ચમત્કારી મહાપુરુષ હતા, જેઓએ નવાબ સાહેબને શેર માટેની કમી હોવાથી પુત્ર સંતાન પ્રાપ્ત માટે આશિર્વાદ આપેલ અને નવાબ સાહેબને પુત્ર પ્રાપ્તિ થયેલ.વડગામ તેમના કારભારી તરીકે સમશેરખાન હતા ,જેમના નામથી સમશેરસાગર તળાવ એ સમયે બનાવેલ. જે તળાવ એક સમયે વધુ વરસાદ આવવાથી ફાટી ગયેલ તથા ગામના નિચાણવાળા ભાગોમાં પાણી આવેલ. નવાબ સાહેબને સફેદ હાથી નો પરચો ઓઘવજીજ મહારાજે આપેલ. જુના પોલીસ સ્ટેશનમાં વાંદરા રખવાળતા તીર લાગવાથી એક વાંદરાનું બચ્ચું મરી ગયેલ જે તે સમયના ફોજદારની હાજરીમાં હાલ જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં એ વાંદરાને તપોધનો તથા દરજી સમાજના નટુકાકાના સહકારથી ત્યાં દફનાવવામાં આવેલ પછી લીમ્બાચીયા સાહેબ ફોજદાર વખતે મંદિર બનાવેલ તથા તેનું બાલા હનુમાન નામ રાખેલ તથા ધામધૂમથી ગામ લોકોએ હવન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ સમયે ગામમાં ખૂબ જ ભાઈચારો હતો. આગળ ચોકમાં ભગવતી મંડળ રમતું જેમાં મુસલમાનો પણ સભ્યો હતા તથા ગરબા રમવા જોવા ભાઈ-બહેનો બધા આવતા તથા એમના તાજીયામાં મેઈન તહેવારમાં અમે પણ જતા.એ સમયે ગામમાં ઇન્ટર જીપ તુળજાશંકર પાસે 2852 નંબરની હતી પછી ગલબાભાઈ માનજીભાઈ પટેલ લાવેલ.
એકંદરે જૈન સમાજ પણ માયાળુ અને મજબૂત હતો, તેઓ દેશાવર ધંધાથી રહેતા તથા જે ગામમાં હતા તે દુકાનો અને ધીરધારનો ધંધો કરતા.
એ સમયે રાવળ ગધેડા રાખતા હરીજનો પશુઓનું કામકાજ સંભાળતા ખેડૂતો જાત મહેનતથી ખેતી કરતા કોઈ જાનવર મરી જાય તો જે ચમાર જેનો ગરાગ હોય તે મરેલા ઢોરનો ગામચરામાં જઈ નિકાલ કરતા, પરંતુ મ્યુનિસિપાલટી નું કામ સમડીઓ ગીધો અને કાગડા કરતા એ હાલ નથી ગીધ પણ નથી.
વડગામ એ સૌરાષ્ટ્રનો ટુકડો કહેવાય છે અને ખરેખર સુરાપુરા ની સંત ફકીર પીર પયગંબર ની ધરતી છે. જે આ વડગામની વણઝારી વાવના પાણીથી સંકળાયેલ છે.
રાજપૂત સમાજમાં ગંગામાં સતિ થઈ ગયા. જેમનું હાલ મગરવાડા રોડ પર મંદિર છે, ત્યાં સમાધી લઈ પાટણ પ્રગટ થયેલ. પાટણ પણ મંદિર છે અને ત્યાંના મહંત દર સાલ એ સમયે વડગામ સમાધીપટ આવે છે. સમગ્ર રાજપૂત પરિવાર આ ઉત્સવ ધામધૂમથી દિલથી ઉજવે છે. એ સતિબાના સત્યના ફાળે જાય છે. ત્યાં અંબાજી મેળા વખત ચા પાણીના કેમ્પો પણ થાય છે. આ સુંદર સેવા કાર્ય રાજપૂત સમાજ કરે છે એ ધન્યવાદને પાત્ર છે.
જૈન સમાજના બ્રહ્મલિન સંત ( અતુલ શાહ ) હિતુરુચી મહારાજ સાહેબ ખૂબ જ પ્રેરણાસભર જીવન જીવી ગયા, એ કુટુંબને એમના માતા-પિતાને અંતર દિલથી વડગામ ગ્રામજનો વતી ખૂબ જ પરાવાણીના આશિર્વાદ અર્પણ કરું છું. અને હાલમાં શ્રી સેતુકભાઈ શાહ એ જ પરિવારમાંથી કરોડોની સંપત્તિ છોડીને જૈન મુનિ મહારાજ સાહેબના માર્ગના પંથે ટૂંક સમયમાં પાલીતાણા થી શુભ પ્રયાણ કરશે એ પણ એક ખૂબ પ્રેરણાદાયક વાત ખૂબ લાગણી અને આનંદની કહાની ઇતિહાસ રચાશે એમને પણ દિલથી પરાવાણીના આશીર્વાદ.
વડગામની ધાનધાર ધરામાં સંતો ભક્તો ઘણા થઈ ગયા. હાલ પણ છે અને આગળ પણ થવાના આ ભૂમિ ઓઘવદાસ મહારાજ, સપ્રાનાથ મહારાજ, વાસુદેવ મહારાજ નાગરપુર, શિવગિરિ મહારાજ તથા સોમપુરી મહારાજની ચરણરજથી રગદોળાયેલ છે જે લોકોના હૃદય સ્પર્શી છે.
પસવાદળના વતની ગુલાબનાથ મહારાજ પોતે વડગામને કર્મભૂમિ બનાવી નાથ સંપ્રદાયમાં વિસનગર મુકામે ભજન કરી મોટું નામ કરાયેલ કે જેમની સમાધિ સમયે યોગી આદિત્યનાથ પોતે આવેલ એ વડગામની ભૂમિ ના ફાળે જાય છે.
ગલબાકાકા ધુળીયા,ભગવાનભાઈ ઝુંપડી વાળા, ઓશો રજનીશના મહાન ઉપાસક સવ. શ્રી લક્ષ્મણભાઈ હાથીભાઈ ધૂળિયા, કુંવરફઈ વાડેતરિયા વાસમાં કે હાલ હરદ્વાર કાશીમાં આપણે કુંવરફઈ નું નામ લઈએ તો ચોપડો બોલે કે આ કુંવર ફઈ વડગામના વતની છે, આ પણ એક મહાન સતી માતા જીવન જીવી ગયા.
રહીમશા ફકીર બકરા ચરાવતા ,ચપટી માગતા પરંતુ એ ફકીર પરિવારનું કુટુંબ ના ગુલાબશા સુલેમાન વિગેરે છોકરાઓની દવાઓ કરતા તથા સ્ત્રીઓની પ્રસુતિ કરાવતા એ પણ નિર્વિઘ્ને એક દવાખાના નું કામ આ લોકો ચલાવતા એ કેમ ભુલાય ભાઈ ગુણની પૂજા તો થવાની જ.
હરિભાઈ ઉજમાભાઈ પટેલ પણ એમના પિતાજીની જેમ વારસાઈમાં આવતા ગામખેડાની માતાજીની તથા સંતસેવા કરતા.
આ સમગ્ર લેખ આપનો બાળક તપોધન રાવલ દિનેશભાઈ મૂળશંકર ગામ ખેડા ની માતાજી અમારા ઇષ્ટદેવ તથા ગુરુજી વાસુદેવ મહારાજ નાગર પુરાની પ્રેરણાથી રજૂ કરેલ છે, છતાં આમાં અમારી કોઈપણ પ્રકારની ખામી હોય તો અમને ક્ષમા આપવા વિનંતી સાથે….
કોણ કહે છે કે આ ધરતી અમારે મન પરાઈ છે. અમારા દેહમાં એની તો ખુશ્બો લપાઈ છે. ખરેખર તો હવે રંગમાં આવ્યા છે સબંધો વતન સાથે અમારે લોહીની સગાઈ છે.