નવું વરસ : – કિશોરસિંહ સોલંકી
[જ્યારે એ સમય હતો કે જ્યારે આજના જેવી સગવડો ગ્રામીણ સમાજમાં ઉપલબ્ધ ન હતી સગવડો અને નાણાનાં અભાવે જરૂરિયાતોનું પ્રમાણ ઘણું ઓછુ હતું. લોકો પાસે તહેવારોને ઉજવવાનો ભરપુર સમય હતો. તે સમયકાળમાં ગ્રામીણ સમાજ દિવાળીના તહેવારો કેવી રીતે ઉજવતો હતો તેનું રસપ્રદ વર્ણન આપણી ગામઠી ભાષામાં આદરણિય શ્રી કિશોસિંહ સોલંકી એ પ્રસ્તુત લેખમાં કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે પ્રસ્તુત લેખના લેખક વડગામ તાલુકાના મગરવાડાના વતની છે જે આપણા સૌ ના માટે ગૌરવની બાબત છે. – નિતિન ]
www.vadgam.com
ચોમાસું તો અમારા જીવનનો ધબકાર સે, ભૈ; અમારી નસોમાં વહેતું લીલું લીલું લોહી છે, તે જો ઇમાં કાંય આઘા-પાછું થાય તો જીવવાનો અધાર કશોય ના રહે. એટલે તો ચોમાહાના ચાર મઈનામાં સૂકા-ભીના થવાનો પણ લહાવો વોય સે અમારા માટે છત્રીઓ અને રેઇન-કોટ તો તમોને મુબારક મારા ભાઈઓ ! અમારે તો કોથળાની ખૂંપડી કરીને, માથે નાંસી લૂગડાં ઊંચાં કરીને અડવાણા પગે વગડામાં નેંકળી પડાવાનું વરહતા વરસાદમાં, અમોને ઇનો આનંદ વોય સે.
અમોને અહાડમાં આભલાની આશા, શ્રાવણમાં સરવડાં, ભાદરવામાં ભરપૂરતા અને આસો મઈનામાં વરહાદની વિદાય…માણસો, પશુઓ, પંખીઓ, વૃક્ષ-વનરાજી, જંગલ-ઝાડી, નદી-નાળાં પોતપોતાની મસ્તીમાં મસ્ત બનીને મ્હાલતાં વોય સે, જગતની મોટાભાગની ચિંતાઓ ચોમાસાએ ધોઈને સાફ કરી દીધી હોય વોય સે. વગડાના એક ખૂણામાં ઊભા રહીને નજર નાંખો તો સર્વત્ર સંતોષ રેલાતો વોય સે, જ્યાં સંતોષ સે, ત્યાં આનંદ વોય સે.
આનંદના ઘોડાપૂર લઈને આવી જાય નવું વરહ ! તમારે તો નવા વરહની નવાઈ જ નઈ, ચ્યમ ખરું ને ? તમારે તો ક્યારેય લૂગડે ડાઘ પડવા દેવો નઈ, કપડે ને ચપડે રહેવાનું, એટલે આ બધું નઈ હમજાય. પણ અમે તો વગડાનાં વનેર ! પાણી જ અમારો આધાર, જો ભરપેટે વરહાદ ના થાય તો અમોને ઊંધ પણ ના આવે. તમારે તો વરહાદ આવે કે દુકાળ પડે, ખોડિયારનું કોઈ ખોટું કરવાનું હતું ખરું ? પહેલી તારીખ થાય કે, ફટ દઈને બેંકનો ચેક વટાવવાનો, ઈમાં થોડો દુકાળ પડવાનો અતો ? અમારે તો જાત વગડાની વાડે હુકાઈ જાય પછી જ બે-ચાર મઈને દાણા ભાળીયે, એ વેચાય પછી જ રૂપિયા ચેવા વોય ઇની ખબર પડે, ઇયેય જો વરહ હારું વોય તો ઠીક સે નઈતર શેઢા ઉપર બેસીને રોવાનું અમારાં જણનારાંને !
નવી સવંત શરૂ થાય એ પહેલાં તો જૂની સવંતના છેલ્લા બે-ચાર દાડા અમારે માટે તિયારીના વોય સે, આસો સુદ તેરસ, ચૌદશ અને પછી દિવાળી !
તમે તો ધન-તેરસના દાડે તો ભગવાંનની પૂજાના બદલે ધનની પૂંજા કરો ને ? અમારે તો અમારું ધન એટલે જ ઢોર-ઢાંખર, વગડો, સેતર અને શેઢો. ઈની તો અમે બારે મઈના અને ચોવીસે કલાકે સેવા કરતા જ આયા છીએ એટલે અમારે એવાં બધાં વળગણ નઈ. પણ રાતે અમારા સેતરના કૂવે ઘીનો દીવો અને અગરબત્તી કરવાની : ‘હે મારા ધણી…હજાર હાથવાળા…અમારા ગરીબોના રખવાળ…અમારી લાજ રાખજે. કોઈનું ખરાબ-ખોટું ના કરાવતો અમારા હાથે; અને બે ટંક પેટ ભરીએ એટલું આલ્યા કરજે. અમારી ઇજ્જત-આબરૂ હચવાય એ જ જોઈએ અમારે.’ આટલી વેંનતી ઈને કરીએ. તમારી જ્યમ મોટર્-બંગલા અમે નઈ માગીએ. હારી રીતે જિવાડે એ ઓછું સે માણહ માટે ?
અમારી પાહણ ન્હાવા-ધોવાના જાતજાત ને ભાતભાતના સાબુ અને લૂગડાં પલાળવાના પાઉડર ચ્યાંથી વોય ? એટલે ધન-તેરસના દાડે અમે ઊહ ભેગો કરીએ ખારી જમીનમાંથી. ભૈ, ભેંનાશ પછી જે ઊહ ઊઘડે એ તો તમે જોયો વોય તો તમારા સાબુને પણ ટક્કર મારે એવો ધોળો-ધફ્ફ ! અમે તો ભેગો કરીને ઈને એકાદ તગારામાં કે ડોલમાં પલાળીને લૂંગડા કાઢીને ફટાફટ બોળી દઈએ-રૂમાલનું લંગોટિયું મારીને. તમારી જ્યમ અમારી પાહણ વધારે જોડી લૂંગડાં ચ્યાંથી વોય ? અમારે તો ધોતિંયું કે પટાવાળો લેંઘો, પહેરણ કે ઑગડી અને માથે બાંધવાનો રૂમાલ ! આ અમારો અસબાબ ! ધોતિયું કે લેંઘો ધોઈએ એટલે રૂમાલ પહેરવાનો, રૂમાલ ધોઈએ એટલે ધોતિયું પહેરીએ. અદલા-બદલી ચાલ્યા કરે અમારે તો.
ઘનતેરસના દાડે બધા ગધાડાં કાઢે. ન્હાઈ-ધોઈને તિયાર થાય એટલે ગધેડાં કાઢ્યાં એવું કહેવાય ! અલ્યા, તી ગધાડા કાઢ્યાં ? તો બીજો કહે, ‘ના, લ્યા. અજી તો બાચી સે.’
સેતર-વગડાનું કામ પરવારી , બપોરે ઊહ ભેગો કરીને, જઈએ કોઈ વ્હોળા-વાંકળાના કાંઠે. ઊંડો ધરો જોઈને ભફાભફ કૂદી પડીએ રખવાળ મા’રાજનું નામ લઈને, ડમચીઓ ખાઈએ એક-બે એટલે ન્હવરાઈ રહ્યું. વધારે મેલ વોય તો ઊહ કે ઈંટાળો ઘસીએ, એટલે એ ઊભો રહે જ નઈ ! ભૈ, ઊંડા ધરામાં ન્હાવાની પણ મજા હોં કે. તમારી જ્યમ અમારા શાવરબાથ કે, ટબબાથ જેવી હંકડામણ નઈ. અમે તો આ કાંઠે ડમચી મારી તે આવજો હાંમો કાંઠો ! અને પાણી પણ વહેતું એટલે પછી પૂછવાનું જ શ્યું વોય ? જ્યારે મન થાય એટલે ડમચી ખાઈ લઈએ, તમારી જ્યમ નઈ કે, પાણી આવે ઈની રાહ જોવાની, વારંવાર નળની ચકલી આઘા-પાછી કરવાની કે ઘરના માથેથી ટાંકીમાંથી વાસી પાણીમાં નાહવાનું.
ઊહમાં કપડાં પલાળ્યાં વોય એટલે મેલ-બેલ પણ ઓગળી જાય પછી અમે એક ઘોકો લઈને ઘરાના કાંઠે વળગી પડીએ ઘબાધબ. જોતજોતામાં તો બગલાની પાંખ જેવાં થઈ જાંય. પાણીમાં ઝબકોળીને હૂકવી દઈએ. વાડે-ઝાંખરે ! અને જોતજોતામાં તો હૂકાઈ જાય તે ખબર પણ ના પડે ! પછી પહેરી લઈએ રાજકુમારની અદાથી. આ અમારી ધનતેરશ.
અમે રાહ જોતા વોઈએ નવા વરહની. આંમ તો જુવાર-બાજરીનો રોટલો ને ખાટિયું ખાઈ ખાઈને અમળાઈ જયા વોઈએ. આવો કાંક હારો વાર-તે’વાર આવે તાણં મુંઢું મેઠું થાય, કડાઈ ને કણશી ભેગાં થાય. પણ તોય ઘરની ભેંસનું દૂધ અને છાહ, તાજાં વલોણાનું માખણ રોટલા ઉપર મેલીને ખાઈ લઈએ, એ જુદું. પણ તમારે તો દૂધ-માંખણેય વાસી જ ખાવાનાં ને ? એટકે વલોણાનાં તો નઈ જ ને ? વાસી ખાઓ ને તાજા થાઓ !
ધનતેરશની રાતે ઘરમાં બીજું કાંઈ નઈ તો ઘી, ગોળ અને ઘઉંનું ભઈડકું ભેગું થાય અથવા હુંવાળીઓ તો તળાય જ. નળિયાંની ખાપટોમાંથી સુગંધ ઘેર ઘેર પહોંચી જાય. તમોને એક વાત કઉ ? એક ઘેર જે બનાયું વોય એ આડોશી-પાડોશીને તાંહળાં ભરીને આલી આવવાનું, એકલા એકલા તો ખવાય પણ નઈ, આવો તો ભાયપો વોય અમારે. કોઈ એકલપેટું ના મળે. તમારે તો પાડોશણમાં કુણ રહે સે ઇનીય કદી પરવા પણ નઈ કરવાની.
દિવાળીના દિવસોમાં તમોને ગાંમમાં ચ્યાંક ચ્યાંક-વાંણિયા, બાંભણના ઇયાંથી ધડાકા હંભળાય પણ એ તો હમજ્યા મારા ભૈ. હા, હારું ખાવાનું કરીને ખાવાનું, ખરું. છોકરાં ફટાકડાંની હઠ લ્યે પણ ઇયાંને કહેવામાં આવે કે, ધુમાડામાં પૈસા ખરચી નાંખવાનો શ્યું અરથ સે ? ઇમાંથી શ્યું મળવાનું ? ઇના કરતાં બે પૈસાનું કાંક ખાધું વોય તો મજરે પણ આવે ને ?
કાળી ચોદશના દાડે તો કાંઈ વધારે પડતી માથાકૂટ ના મળે. જે કાંઈ રાંધ્યું વોય, કે ભૂત-ભૂવો કે મેલડી-બેલડી કરતા વોય ઈયાંને કાળીચૌદશનું મોટું માત્યમ ! ઇયાંના વિશે તો ગાંમમાં જાત જાતની વાતો થાતી વોય : ભૈ એ તો કાળી ચૌદશના દાડે મસાણે જાઈ સે. કોઈનું છોકરું-છઈયું મરી જ્યું વોય, ઈને દાટેલું વોય તો એ ઘોર ખોદીને ઈની ખોપરી કાઢી ઇમાં લોઈ પીએ, ચોખા ખાય. અરે ! પેલો તો મરેલા માંણનું કાળજું કાઢીને ખાય સે. અરે ! તમોને નવાઈ લાગશે પણ ફલાણા ભૈ તો મસાણોમાં જાય, જગા ચોખી કરીને લોટામાંથી પાણીની ગોળ હદ બાંધે, પછી પલાંઠી વાળીને બેહી જાય. ઈની હારે લઈ જાય શેર-બશેરની હુખડી અને ઘંઉની ઘૂઘરી…થોડી વારમાં બધા ભૂતડાં આઈ જાય. ઈને જે કુંડાળું કર્યુ વોય ઈની આજુબાજુ ઊભા રઈ જાય. એ હૂઘડી અને ઘૂઘરી નાખે, અરે ! તાણ તો એવી ચિચિયારીઓ થાંય કે ના પૂછો વાત. જો કોઈ કાચોપોચો વોય તો ઈયાં ને ઈયાં ઈનો જીવ નેંકળી જાય.
અરે ! ઢેંકણાં ભૈ ખરા ને ? એ તો ઈયાંના સેતરમાં કાળીચૌદશના દાડે કૂવા ઉપર પછેડી પાથરીને બેહે સે. ભૈ, કૂવા વચોવચ પલાંઠી વાળીને બેહવું એ કાંય જેવાતેવાનું કાંમ છે ? પછી ઈયાંની સાધના શરૂ થાય. આમ જેટલાં મુઢાં એટલી વાતો.
પણ તમોને એક ગમ્મતની વાત કઉં. અમે બે-તૈણ ભાયબંદો કાળી ચૌદશની રાતે એક સાધકની પાછળ પડ્યા. એ તો સુખડી લઈને નેંકળી પડ્યા મસાણે જાવા. અમે પણ અંધારિયાનો લાભ લઈને ઈયાંની પાછળ પાછળ પહોંચી જ્યા. એ તો પલાંઠી વાળીને એક જગ્યા એ બેઠા. અમે તો બાજુના કૂવા પર જ્યા. ત્યાં જઈને કોસ કૂવામાં લટકતો અતો તે કાઢ્યો. કોસની સૂંઢ હુકાઈ ગયેલી. અમારામાંથી એક જણે આખો કોહ માથા ઉપર ઓઢી લીધો અને પેલા ભૈ બેઠા અતા ત્યાં ઈને મોકલી આલ્યો. અમે એક ભોંય બાવળના જાળાના ઓઠે બેસી જ્યા. પછી મુઢેથી એવી તો ચિચિયારો કરી કે, ભલભલાનું મુતર પડી જોય. ઈમાંય પેલો કોહવાળો કાળોમેંશ ભાંખરો આવતો વોય એ જોઈને પેલા ભૈ તો બધું એમનું એમ મૂકીને, મૂઠીઓ વાકીને નાઠા તે આવજો ગાંમ ઢૂંકડું ! અમે તો પછી ઇયાંની સુખડી, ઘઉંની ઘૂઘરી, ગોળ, વાહણ બધું જ લૈ આયેલા. પણ એ ભૈ પછી તો એવા માંદા થયેલા કે ના પૂછો વાત. ઇયાંની સાધના પછી તો કાયમ માટે બંધ થઈ જેલી. તમારે ત્યાં વોય સે આવા સાધકો ?
પછી બીજા દાડે તો ઓવે દિવાળી ! આખા વરહનો છેલ્લો દાડો ! કાંઈ સુખ-દુ:ખ, વેર-ઝેર, લડાઈ-ઝગડા કે ભલાઈ-આખા વરહના સરવૈયાનો દાડો ! ખેડુની જાતને જે ગણો તે પોતાનાં ઢોર-ઢાંખર એ માયા ને મૂડી !
ખેતરમાં ઘી અને લાલરંગી લઈ જવામાં આવે. આ દાડે ભેંસો, બળદો અને રેલ્લાના શેંગડે ઘી લગાવવામાં આવે. લાલ રંગી પલાળીને ભેંસોને શણગારવામાં આવે. બળદોને રણકતા ઘૂઘરા બાંધવામાં આવે. ઇયાંને પણ લાગવું જોઈએ કે, આવતી કાલે નવું વરહ બેહશે.
મજા તો દિવાળીની રાતે આવે. આખુ ગાંમ સાંજે વગડેથી ઘર તરફ વળે. સૌ પોતપોતાના માળામાં ગોઠવાઈ જાય. ટાબરિયાં ચ્યાંક ચ્યાંક ફટાકડાં ફોડાતાં વોય. બૈરાં રાંધવાના કામમાં ગૂંથાયા વોય. દરેકના ઘરમાંથી ભાતભાતના ને જાતજાતની સુગંધ આવતી વોય. દરેકના ઘર ઉપર ધુમાડાના વર્તુળો રચાયાં વોય ! ઘેર ઘેર બહારના ટોડલે દીવા ટમટમતા વોય.
રાતે દરેક વાસનાં ટાબરિયાં પોતપોતાના વાસમાં ‘મેર મેરાયાં’ કાઢે ! માટીનાં કોડિયાં, લીલા ઝાડના કાપી લાવેલી ડાળીના ડંડાને ચીરી, એના એક છેડે, ચાર ભાગ બનાવી એમાં કોડિયું ભરાવવાનં એમાં દિવેલ પૂરી, દિવેટ બનાવી, સળગાવે. અથવા કેટલાક ટાબરિયાં તો ડંડાના એક છેડે લૂગડાંના ગાભા વીંટાળી, મશાલ બનાવી એને દિવેલમાં પલાળી સળગાવવામાં આવે.
પછી આખા વાસનાં ટાબરિયાં સળગતાં કોડિયાં કે કાકડા લઈને ઘેર ઘેર નીકળી પડે. અંધારી રાતમાં મેર મેરાયાંનું અજવાળું, આ ટેણિયાંને યુધ્ધભૂમિના યોધ્ધા જેવાં દેખાડે, આખું એક લશ્કર નીકળ્યું વોય એવું જ લાગે આપણને.
ટેણિયાં એક જ સાથે મોટે મોટેથી દરેકન આંગણામાં જઈને લલકારે :
આજ દિવાળી….કાલ દિવાળી
ગોકળિયાની ગાંડ્ય ઘૂવાળી,
ઘહણી મહણી મેર મરાયાં….
એનો પડઘો અંધારી રાતને ચીરતો દૂર દૂર સુધી નીકળી જાય. કોઈ ઘરમાંથી દિવેલ લઈને બહાર આવે તે દરેકને એક એક ડેકલી આપે. ટેણિયાં તે લેવા માટે પડાપડી કરે. કોઈ બાકી ન રહી જાય એની પણ કાળજી લેવાય. ભૂલથી પણ એકાદ પાછળ રહી જ્યું વોય તો એ પણ લેંટ લૂહતું લૂહતું દેડતું આઈને ઈના દીવામાં દિવેલ નંખાવે. દરેકને પોતાનો દીવો ઓલાય નહીં એની ઘણી ચિંતા વોય. વાત તો સો ટકા સાચી છે કે, દરેકને પોતાનો દીવો સળગતો રાખવો છે., એટલે વાયરની એકાદ લ્હેર આવે તો પોતાના ખમીસની ચાળ વડે આડશ કરે. જો એકાદનું ઓલવાઈ જાય તો બીજામાંથી સળગાવી દે. અરે ! છોકરાં એકબીજાના દીવાને ફૂંકો મારીને પણ ઓલવવાનો પ્રયત્ન કરે. ભૂલથી જો બીજાનો દીવો ફૂંકથી ઓલવાઈ જાય તો પાછું એનં આવી જ બને. એને બેચાર ગડદા-પાટુ ખાવાં જ પડે, એકાદબે ગાળ મળે એ તો વધારામાં પણ તોય, બધાં ધકંધક્કા ખાતાં મારતાં હારે ઘેર ઘેર ફરી વળી મોટે મોટેથી બરાડા પાડે :
ઘહણી મહણી મેર…મરાયાં…
તેલ પૂરે ઈને તેર છિયા,
ધી પૂરે ઈને ઘેટો છિયો
પાંણી પૂરે ઈને કાંણી છોડી…
ઘહણી…મહણી મેર…મરાયાં…
ઘરના નળિયાં પણ બરાડાથી ખડબડી ઊઠે. ટેણિયાં લાઈનમાં ઊભાં રહી જાય. પોતપોતાનો દીવો આગળ ઘરીને. અમારે તમારી જ્યમ ચાંપ દાબી કે દીવો થ્યો એવું નઈ. એટલે અમે ભલા અને અમારું અંધારુ ભલું. જૂઓને, તમારા ટેણિયાને આ બધું ચ્યાંથી આવડવાનું આવું ? અરે તમે જ ની જાંણતા વોય પછી બીજાની શું વાત કરવાના અતા ? એ પણ એક આનંદ અતો. પૂરા થતા વરહને વાજતે ગાજતે ગાંદરા હુધી મેલી આવવાનો એ અવસર અતો. વરહને પણ પોતાનું ગૌરવ હાચવવાનું વોયને ? તમારે તો દફનાઈ જાતા વરહની કેંમત વોય ખરી ? અરે ભૈ, ધોળા ધોળા ચોપડામાં કાળા કાળા અક્ષરોથી કાળે કાળું કર્યા વણા તમારે બીજું શ્યું કરવાનું વોય ? તમારે તો નવું કે જૂનું વરહ – બધું જ સરખું !
ટેણિયાં આખા વાસમાં ફરીને, પછી ગાંદરે આવે અને દરેક ભેગાં થઈને રેતના ઢગલા કરીને બધાંનાં મેરાયાં એક જ જગ્યાએ ભેગાં ઊભા કરવામાં આવે. પછી મોટિયાઈડા અને જુવાનડીઓ બધાં આવે ને ટેટા ફટાકડાં ફોડે, આનંદ આનંદથી આખું ગાંદરું ભરાઈ જાય. જતા વરહની વિદાય અને આવતા વરહનું આગમન. એનું સ્વાગત કરવામાં આવે ગાંદરે. કેટલાક તો મેરાયા કૂદે, અરે ! કોઈ તો કૂદતા ઇમાં પડે અને બળે પણ ખરા. આખું ગાંદરું હાસ્યના ફુવારાથી ભરાઈ જાય.
મોડી રાત હુધી ટેણિયાં રમતાં રહે ગાંદરે. મોડી રાતે ટપોટપ વીખરાઈ જાય. જઈને લપાઈ જાય પાથરેલા માંચામાં તો ઊગજો હવાર વહેલું. છે તમારા છોકરાને ગાંદરાની મોકળાશ ? એ તો પોળોની કે સોસાયટીઓની ભીંતો વચ્ચે બચારાં કેદ થઈને જીવતાં વોય સે.
બીજા દિવસનો સૂરજ નવી સવંત લઈને ઊગવાનો હોય. એટલે તો આખું ગામ પરોઢિયે ઊઠી જાય. અંધારી રાતમાં પણ વહેલી હવારે જોઈએ તો આભલાના તારાઓનું અજવાળું સૌમ્ય રીતે પથરાયેલું વોય શેરીઓમાં ફટોફટ દાંતણ-પાણી પતાવીને, ચા-પાણી કરી લઈએ.
બૈરાં તો ધરને ઝાપટી-વાળીને સાફ કરી નાખે પછી એક જૂના ફૂટેલા માટલામાં બધો કચરો ભરીને નાખી આવે ગાંમના ગાંદરે. છોકરાં-છઈયાંને વ્હેલા વ્હેલા જગાડીને તિયાર કરવામાં આઈ. ઊઠીને ચૂલા દેગડી કે તપેલામાં પાની ગરમ મુકવામાં આઈ. પછી આંગણામાં પાટલો વોય તો ઠીક સે નઈતર બે આખી ઈંટો મુકીને છોકરાને બેહાડીને નવડાવી લેવાનું ફટોફટ ! બૈરાં પણ આંગણામાં બે બાજુ બે માંચા ઊભા કરી, ઈની ઉપર સાડી નાખીને બનાવી દે બાથરૂમ અને કળશિયા ભરીને ગરમ પાણી નાંખી લે શરીર ઉપર. ભૈ તમારી જ્યમ લાંબા થૈને હૂઈએ એટલો, ટાઈમસવાળો બાથરૂમ ના વોય અમારે. ઈમાં ગીઝર કે ફુવારો ના વોય જેથી નિરાંતે ન્હાઈએ. અમારે તો આંગણું, સેતરમાંના કૂવાનો હવાડો કે વ્હેતી નેંક એ જ અમારો બાથરૂમ ! આખું આકાશ ઓઢીને ન્હાવાનું અમારે તો.
બધાં વહેલી સવારે ન્હાઈ-ધોઈને તિયાર થૈ જાંય. કોઈ વલોણાં વલોવવામાં ગૂંથાય, કોઈ ભેંસો દોવા જાય, કોઈ ગામના કૂઈથી દોડતાં બે બેડાં ભરી આવે. મોડા ઊઠવાની માન્યતા પણ જબરી ! જો મોંડા ઊઠીએ તો આખા ગાંમની આળસ આપણામાં ભરાઈ જાય અને બારેબાર મઈના આપણા એવા જ જાય ! એટલે વહેલા ઊઠીને પરવારી પોતપોતાના કાંમે વળગવાનું.
ગાંમમા કેટલાંક તો તિયાર થૈને દેવ દર્શને દોડે. ગાંમમાં એક-બે દેવ નહીં પણ ચારેય બાજુ દેવ વોય, એટલે એકેય દેવને ખોટું ના લાગે તે જોવાનું. બધી જ જગ્યાએ જઈને, દીવો-અગરબત્તી કરીને હાથ જોડી આવવાના પછી સેતરમાં જાતી વેળાએ પણ દીવો-બત્તી લેતા જાવાનું – સેતરપાળને ધરવા માટે.
અમારે તો હળવા-મળવાનું નવું વરહ શરૂ થાય રાતે. આખો દાડો પોતપોતાનાં કાંમમાં બધાં પરોવાઈ જાંય. રાતે જમીપરવારીને શરૂઆત થાય હળવા-મળવાની. અમારા માટે આ નવા વરહનો પહેલો દાડો તે “ઝાયણી -!” પુરુષો-બૈરાં-છોકરાં-છોડીઓ એક ઘેરથી બીજા ઘેર ! ‘આવો રા…રાંમ…રાંમ..’ એ દાડો કોઈના રીહણાં મનામણાં બધાં જ મટી જાય, ભાઈચારો થાય. જે ઘઈડાં વોય, વડીલો વોય ઈયાંના ઘેર જૈને રાંમ રાંમ કરવાના, પગે પડવાનું, આશીર્વાદ લેવાના.
બૈરાં-છોડીઓ તો ખભેખભા મેળવી-ભેટીને રાંમ રાંમ કરે – આદમીઓ સાથે પણ. વેર-ઝેર, ઇર્ષ્યા-લડાઈ-ટંટા-બધું જ દાટી દેવાનું ભોંયમાં ! રાતે તો જાંણે આખું ગાંમ કીડીનગરાની જ્યમ ઊભરાય વોય એવું લાગે. ઘેર ઘેરથી મોંઢું મેઠું કરતા જવાનું અને ફરતા જવાનું. તમારી જ્યમ તો અમારે નઈ કે, ‘હલ્લો હેપી ન્યૂ ઈયર, નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક’ કહીને હાથ મેળવ્યા, મળ્યાને છૂટા પડ્યા પછી તમે કુણ ને અમે કુણ !
મોડી રાતે પછી નવું વરહ પૂરું થાય ! પણ તમોને કાંનમાં એક વાત કઉં ? અતારે ગાંમની શેરીઓ અને સેંમાડો બધું જ વઢાઈ જાવા આયું સે. અને લોકોના મન પણ કાળા થૈ જ્યાં સે. એ હાચું સે કે, તમારો રેલો આંય હુંધી આઈ જ્યો સે. અમારું જે સે ઈને અભડાઈયોં સે. તો આવતી કાલ્ય અમારી વિદાય લેતી અને આવતી કાલે આવતી સંવતનું શ્યું થાહે ? વિક્રમનું નામ ભૂંસાઈ જાહે આપણી પોથીમાંથી ?
GOOD