આપાણા તહેવારો

હોળી આઈ…ઉડે રે ગુલાલ…. – ‘અલિપ્ત’ જગાણી

[ વડગામ.કોમ ને આ લેખ મોકલવા માટે શ્રી અલિપ્ત જગાણીનો  ખૂબ ખૂબ આભાર. “અલિપ્ત” તખલ્લુસ થી લેખ લખતા શ્રી દિનેશભાઈ જગાણી વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની છે.   આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી શકો છો. ]

 

કેલેન્ડરમાં નજર પડી. અરે ફાગણ શરુ થઇ ગયો! ફાગણના આગમનની જાણ કેલેન્ડર થી થાય એ ઘટના શરમની ગણાય. થોડા સમય પહેલા બાલારામ ગયો હતો. પરમેશ્વર સાથે પ્રકૃત્તિ દર્શન. જંગલમાં કેસુડાના ફૂલ જોવાની ઈચ્છા હતી પણ દેખાયા નહિ. શું હું બેધ્યાન હોઈશ? ના…ના.. એમ તો ન દેખાય એવું ન બને. કદાચ જંગલ મા ઊંડે સુધી ગયો હોત તો જોવા મળી જાત. અહી શહેરમાં તો એવી અપેક્ષા જ કેવી રીતે રાખવાની. કરવતધારી માણસો સામે પુષ્પધારી વૃક્ષોની શી વિસાત કે ટકી શકે!

કેસુડાનું એક અન્ય નામ પલાશ છે. વિનેશ અંતાણીની મને ખુબ જ પ્રિય એવી એક નવલકથાનું નામ ‘પલાશવન’ છે. આ નવલકથાના એક સંવાદમાં કથાનાયક કહે છે:’ હું આખી જિંદગી મારા એક ખોવાઈ ગયેલા પલાશપુષ્પ ને ઝંખતો જીવ્યો છું.’ વડોદરામાં ઓફીસના કેમ્પસમાં થોડા જંગલી વૃક્ષો હતા એમાંનું એક પલાશનું વૃક્ષ હતું. ઓફીસના એન્જીનીયરીંગ માહોલ વચ્ચે અમે એકબીજાને ‘હેલ્લો’ કરી લેતા.

વાત ફાગણની હોય તો હોળીને કેમ કરી ભૂલાય? હોળી સાથે કેટલીક સુખદ યાદો જોડાયેલી છે. એ શાળાના દિવસો હતા. હોળીના થોડા દિવસ પહેલાં અમારી દુકાનમાં હાયડા, ખજુર, પિચકારીઓ, રંગો વેચાણ માટે આવી જાય. કોઈ એક બપોરે રીસેસમાં દુકાન આગળથી પસાર થાઉં ત્યારે હાયડાની હારમાળા જોઈ ખુશ થઇ જાઉં. પીચકારીઓમાં નવી આવેલી વેરાયટી જોવાની તો ખુબજ ઉતાવળ હોય. દુકાનમાંથી જેટલી ખાવી હોય એટલી ખજુર ખાવાની છૂટ. જોઇને જ ધરાઈ જવાય ! ફાગ ગાવાવાળા મારવાડી લોકો આવી પહોચે. દુકાને દુકાને ફરી પૈસા એકઠા કરે. એક પુરુષ ડફલી વગાડતો હોય. બે-ત્રણ સ્ત્રીઓ ફાગ ગાય ને બીજી સ્ત્રીઓ નૃત્ય કરે. આખું વાતાવરણ ફાગણમય બની જાય.

હોળીનો દિવસ આવી પહોચે. સવારથી હરખ સમાતો નહોય. શાળામાં તો ધ્યાન લાગે જ નહિ. જેવી શાળા છૂટે કે તરત થેલો ફગાવી ગામને ગોદરે ભાગી જવાનું. એક જુદા જ લયમાં ઢોલ વાગતો હોય ગામના વડીલો ડાયરો ભરીને બેઠા હોય. આખા વરસની સામટી વાતો નીકળી હોય. ગામના સૌ છાણા લઈને આવવા લાગે. બે જુદા જુદા ઢગલામાં છાણા ગોઠવાતા જાય. ઢગલા મોટા થતા જાય. બન્ને ઢગલા પર લાંબા લાકડા વડે ધજા ખોસવામાં આવે. સહેજ અંધારું થતાજ બે વડીલો હાથમાં ઉપર અંગારા મુકેલા ચારના પૂળા લઇ ગોળ-ગોળ પ્રદક્ષિણા કરવા લાગે. એમની ઝડપ ધીમે ધીમે વધવા લાગે. સાથે ઢોલ નો તાલ પણ બદલાય. અચાનકજ પૂળામાં આગ પ્રગટે. જેના વડે હોળી પ્રગટાવવામાં આવે.

ધુમાડાના ગોટા આકાશને આંબાવા લાગે. નજીક ઉભા હોઈએતો ગરમી લાગેને આંખોમાં બળતરા શરુ થઇ જાય. લોકો દ્વારા નવા પાક નું નૈવેધ હોળીમાતાને ચડાવાય. છેવટે આગ ધજા લગી પહોચી જાય. ધજાનું લાકડું સળગવા લાગે. વાતાવરણ કીકીયારીઓથી ગુંજી ઉઠે. જે દિશામાં ધજા પડે એના આધારે વડીલો આખા વર્ષ દરમિયાનની ગામની સ્થિતિ વિશે ભવિષ્યવાણી કરે. ગામમાં સમૃદ્ધી કે બીમારી વગેરે વિશે અટકળો થાય. પછી સળગતા છાણાને ઘરે લઇ જવા હોડ જામે. છાણું ઘરે લઇ જઈ નૈવેધ ધરાયા બાદજ બધા ઉપવાસ ખોલે. સાંજે ઘરે મોટાભાગે ચુરમાના લાડુ બન્યા હોય. જમીને પાછા હોળી તરફ જવાનું. સળગવાનું હજુ ચાલુંજ હોય. ગામમાંથી સૌ પગે લાગવા આવતા હોય. જેમના ઘરે પ્રથમ વાર પુત્ર અવતર્યો હોય એ લોકો ‘જેમ ’ નામની વિધિ કરે જેમાં બાળકની માતા તેના દિયર સાથે બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે.

અમારા માટે તો સૌથી મહત્વનો હોય હોળી પછીનો બીજો દિવસ-ધૂળેટી! મમ્મીએ જુના કપડા શોધી રાખ્યા હોય. રંગવાનો તેમજ રંગાવવાનો ખુબ જ ઉત્સાહ. આગલા દિવસથી જ જૂથ બંધીઓ કરી રાખી હોય! પણ પછીતો એકબીજાને જ રંગવા લાગીએ. આખો દિવસ ધમાલમાં પસાર થઇ જાય. નાના-મોટા સૌ ઉંમરનો તફાવત ભૂલીને ભીંજાઈ જાય.

સાંજે આખા ગામની પ્રદક્ષિણા કરતુ યુવાનોનું સરઘસ નીકળે જેને ‘ગેર’ કહેવાય. માર્ગ માં જે કોઈ પણ આવે તેને અંદર ખેચીને રંગી દેવામાં આવે. આ બધા જ્યાંથી પસાર થાય ત્યાં આસપાસના ઘરોમાંથી પાણી ખાલી થતું જાય.સાંજે બાવાના ખેતરમાં ધર્મશાળા નામની જગાએ બધા એકઠા થાય. ખોબે ખોબે ખજુર અને ધાણી વહેચવામાં આવે. ત્યાર બાદ હોળીના ઉત્સવની પુર્ણાહુતી થાય. બીજા દિવસે શાળાએ જઈએ ત્યારે આખો દિવસ આગલા દિવસના પરાક્રમો ની વાતો થાય. હથેળીમાં, ગાલ પર કે નખમાં થોડો રંગ રહી ગયો હોય તે મિત્રોને બતાવાવાની મજા પડે. ધીમે ધીમે રંગ ઉતારવા લાગે. યંત્રવત જીવન ફરી શરુ થઇ જાય.

આજે પણ ગામમાં પરંપરાગત હોળી ઉજવાય છે. હજુ પણ છાણાનો ઉપયોગ થાય છે. રીત રિવાજો પણ ખાસ બદલાયા નથી. હાં, લોકો જરૂર બદલાયા છે. છાણાના ઢગલા દર વર્ષે નાના થઇ રહ્યા છે. ધૂળેટી નાના છોકરાઓ પુરતી સીમિત રહી ગઈ છે. ‘આધુનિકતા’ નામ ની બીમારી મારા ગામમાં પણ આવી ગઈ છે.

હોળીની વાત નીકળી છે તો શ્રી ભોળાભાઈ પટેલે શાંતિનિકેતનની હોળી નું કરેલું વર્ણન યાદ આવે છે. અબીલ ગુલાલ થી હોળી રમતા વિધાર્થી-વિધાર્થીનીઓ અને અધ્યાપકો. આંખો દિવસ ગીત -સંગીત અને નૃત્યના કાર્યક્રમો. લીલી કિનારી વાળી પીળી સાડી ને લાલ બ્લાઉઝ પહેરેલી સાક્ષાત વસંત જેવી યુવતીઓ! આંખોમાં વસંત અને અંબોડે કેસૂડાની વેણી!. હાથે કેસુડાના બાજુ બંધ, છાતી પર કેસૂડાની માળા સાથે પગમાં નર્તનનો તાલ. આખું દ્રશ્ય નજર સમક્ષ ઉપસ્થિત થાય છે. આપણી શાળાઓ-કોલેજો ક્યારે પ્રેરણા લેશે?

છેલ્લા આઠ-દસ વર્ષ થી તહેવારોથી જાણે દુર થઇ જવાયું હોય એમ લાગે છે. મોટે ભાગે વતનથી દુર અપરિચિતો વચ્ચે રહેવાનું બન્યું છે. જ્યાં હોઉં છું ત્યાં ‘અજનબી’ જેવું લાગ્યા કરે છે. છેલ્લે વડોદરાના આકાશમાં પુનમનો ચાંદ જોયાનું યાદ આવે છે. દોસ્તો બધા વ્યવસાય અર્થે દુર થઇ ગયા છે. એવું કોઈ છે નહિ જેના પર અધિકાર પૂર્વક ગુલાલ ઉડાડી શકાય. હવે પહેલાની જેમ કોઈ રંગવા આવતું નથી. વધુ એક દિવસ પસાર થઇ જશે. બારીમાંથી હું જોતો રહીશ કીકીયારીઓ સાથે રસ્તે ભાગતાં ટોળા. આસપાસ ઢોળાયેલા રંગો.

એ સાચી વાત કે હોળીના રંગો જિંદગીને ખુશીઓથી ભરીદે છે. પણ, બધાના નસીબ માં આવું મેઘધનુષી બનવાનું લખાયેલું નથી હોતું.