શકિત ભકિતના શિરમોર સમા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૩ નો પ્રારંભ..
या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥
વડગામ તાલુકામાં છેક શ્રાવણ માસથી શરૂ થયેલી ઉત્સવોની હારમાળા અત્યારે એની ચરમસીમા પર છે. જન્માષ્ટમી અને ભાદરવી પૂનમ બાદ નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ત્યારે ધ્વની અને પ્રકાશની લીલા નવરાત્રિ રૂમઝૂમ પગલે તા.૦૫.૧૦.૨૦૧૩ને શનિવારના રોજ આવી પહોંચી છે. નવરાત્રિ પર્વને લઈને વડગામ તાલુકાના વિવિધ મંડળો અને માઇ ભક્તોમાં અનેરી ભક્તિના માહોલ સાથે ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડગામ તાલુકામાં અન્ય સ્થળોની જેમ શ્રધ્ધા, ભક્તિ અને ઉલ્લાસરૂપી પર્વ નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ દશમ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામોમાં અનેરા ઉત્સાહ સાથે ઉજવાશે ત્યારે તાલુકામાં આ સમય દરમિયાન અનેરો ધાર્મિક માહોલ જામશે.
ગામેગામ પ્રાચિન અને આધુનિક ગરબાનું સ્વરૂપ અનેરું આકર્ષણ જમાવશે. જગત જનની મા અંબાની આરાધનામાં સમગ્ર તાલુકો ડૂબેલો જોવા મળશે, જે સમગ્ર વાતાવરણમાં અનોખી સુવાસ પ્રસરાવશે. ધંધા-રોજગાર અર્થે માદરે વતનથી બહાર સ્થાયી થયેલા વડગામવાસીઓ આ સમય દરમિયાન ખાસ તો આઠમ-નોમ દરમિયાન અચૂક સ્થાનિક લોકોની સાથે સાથે પોતાના કૂળદેવી અને કૂળદેવતાની પલ્લી (કરવટું) ભરવા આવી પહોંચે છે,અને પોતાની મનોકામના અને વિધી-વિધાન પૂર્ણ કરી પોતાનું અહોભાગ્ય માને છે.
મિત્રો, કુટુંબીજનો, સ્નેહીજનો સાથે ઉજવાતા આ સામુહિક ઉત્સ્વમાં સહભાગી થઈ દરેક જણ પોત-પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે. રાત્રીના સમયમાં તાલુકાના ગામેગામ વિવિધ ગરબાઓ સાથે ગુંજતા લાઉડ-સ્પિકરો અને લાઈટોના ઝગમગાટ વચ્ચે ગરબે ઝુમતા ખેલૈયાઓએ સમયના પ્રવાહની સાથે સાથે તબલા થી ડિજે સુધી, ગરબી થી ગરબા સુધી અને શેરી ગરબા થી પાર્ટી-પ્લોટ સુધી અનુકૂલન સાધી લીધુ હોય તેમ જણાયા વગર રહેતુ નથી.
નવરાત્રિ એ ગુજરાતનો લોકોત્સવ છે સાથે સાથે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની ખુશાલીનો ઉત્સવ છે. જો ઉત્સવ ન હોત તો મનુષ્ય કદાચ આટલી બધી ઉતક્રાંતિ ન કરી શક્યો હોત અને જીવન કદાચ આટલું આકર્ષક ન હોત.
મહિષાસુર નામના એક અતિ પ્રભાવી રાક્ષસે પોતાના સામર્થ્યના જોરે બધા દેવ તેમજ મનુષ્યોને ત્રાહિમામ પોકારતા કરી મૂક્યા હતા. હિમંત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આધ્યદેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા. એમના પુણ્યપ્રકોપ માંથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ. બધા જ દેવોએ જયજયકાર કરી એને વધાવી, એનું પૂજન કર્યુ, એને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દેવી શક્તિએ નવ દિવસના અવિરત યુધ્ધ પછી મહિષાસુરને હણ્યો, આસુરી વૃતિને ડામી, દેવી સંપત્તિની પુન:સ્થાપના કરી અને દેવોને અભય આપ્યું. આ દૈવી શક્તિ એ જ આપણી જગદંબા !
સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થિકપરાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહ્યા છે. આપણા વેદોએ શક્તિપૂજાને ખૂબ જ મહત્વ આપ્યુ છે.
અગાઉ જણાવ્યું તેમ આપણે ત્યાં જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરથી ઉત્સવોની પરંપરા શરૂ થઈ જાય છે. અષાઢથી માંડીને આસો સુધી ઉત્સવો જ ઉત્સવો. કાળક્રમે જેમ બધામાં પરિવર્તન આવ્યું તેમ ઉત્સવમાં પણ પરિવર્તન આવ્યું છે. ધર્મ ધીમે ધીમે પાછળને પાછળ ધકેલાય છે અને પ્રજાનો સામુહિક આનંદ આગળ પડતો છલકાય છે. જે લોકો ધર્મને ઉજવે છે એમાંથી બહુ ઓછી વયક્તિને ધર્મની મૂળ ભાવના કે વિભાવનાનો ખ્યાલ હોય છે. નવરાત્રિમાં પણ પ્રજા અઢળક ખર્ચો કરે છે અને ગરબા-દાંડિયા-રાસની પાછળ શક્તિની આરાધનાની વાત વિસરાઈ ગઈ છે. દર્શન કરતા પ્રદર્શનનું મહત્વ વધી ગયું છે.
એક જમાનામાં ગરબા સીધા સાદા હતા. માઈકની માફિયાગીરી નહોતી. હવે ઉત્સવે ધાંધલ-ધમાલનું રૂપ લીધુ છે. ગોળ ગરબો ચોરસ થઈ ગયો અને નર્તનની અનેક છટા સાથે ફિલ્મી થઈ ગયો. જગદંબા આપણને બુધ્ધિશક્તિ, શ્રધ્ધાશક્તિ અને દૈવીશક્તિ આપે જેથી આપણી અંદર રહેલી આસુરી શક્તિને મહાત કરી શકીએ.
દશેરા વિજયાદશમી તરીકે પણ ઓળખાય છે. નવરાત્રિમાં માતૃશક્તિની આરાધના છે તો દશેરામાં શોર્યની સાધના છે, પુરુષાર્થની પૂજા છે. નવરાત્રિ અને દશેરા અનુક્રમે છે તે સૂચક છે. અહીં ભક્તિ અને શક્તિનું સંગમસ્થાન છે.
ખરેખર તો ગુજરાતીઓએ નવરાત્રિને માત્ર દાંડિયા-ગરબાની રમઝટરૂપે નહી, પણ એમાં જે દુર્ગામાતાની ભક્તિ અને સ્ત્રોતો હોય છે એનો આધ્યાત્મિક સંદેશ લેવા જેવો છે. ખરેખર જો તમે ભક્તિભાવપૂર્વક અને શક્તિની ઉપાસનારૂપે નવરાત્રિમાં નૃત્ય-સંગીતને સાત્વિકરૂપ આપો તો આવતા આખા વિક્રમ વર્ષમાં તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો છો.
નવરાત્રિ અને બિજા ઉત્સવો માનવીના જીવનને રસાળ બનાવે છે. જીવન એટલે જ સંગીત, જીવન એટલે જ ગરબામાં મગન બનીને ડોલવું તે.
નવરાત્રિની પૂર્ણાહુતિમાં દુર્ગામાતા કે અંબામાતા કે શક્તિની તમામ દેવીઓની દુર્ગાષ્ટમીને દિવસે ઉપાસના તેમજ હોમ-હવન થાય છે. ભારતમાં નવરાત્રિનું એ રીતે મહાત્મય છે કે આ તહેવારને બહાને સ્ત્રી શક્તિને બહાર આવીને એના ભક્તિમય નાચ-ગાનની કળા બતાવવાનો મોકો મળે છે. ભારતીય લોકો નવરાત્રિમાં નાચે છે તે ખરેખર શું છે ? ધેટ ઈઝ એન એક્સરસાઈઝ ઇન ઇન્ટરનલ એન્ડ એટરનલ ડિલાઈટ અર્થાત નવરાત્રિના નૃત્ય-ગરબા એ માનવીને આંતરિક અને સાત્તત્યવાળો પરમાનંદ આપનારો વ્યાયામ છે. આ ઉત્સવ નારીનો છે અને નારીનું સન્માન કરવાનો છે.
પ્રત્યેક મા દીકરાને કહે કે બેટા, એવું કોઈ કામ ન કરતો કે જેથી મારા કપાળે ચોરની મા એવું કલંક લાગે ! પ્રત્યેક બહેન જો પોતાના ભાઈને કહે કે એવું કોઈ કામ ન કરતો કે તને રાખડી બાંધતા મને શરમ આવે ! પ્રત્યેક પત્ની જો પોતાના પતિને કહે કે મને સોનાની બે બંગડી ઓછી હશે તો ચાલશે, પણ તમારા હાથમાં લોખંડની બેડી આવે એવું કોઈ કામ ન કરતા !
નવરાત્રિના દિવસોમાં માની આસપાસ ઘૂમતા ઘૂમતા આવા શ્રેષ્ઠ વિચારો વાગોળતા રહીએ તે સાચી શક્તિપૂજા(જેમાં સમાજસેવા અને રાષ્ટભક્તિ અપેક્ષિત છે) થશે.
મા તો કલ્યાણમયી છે.
માતા તો વરદાનમયી છે.
મા તો શક્તિપ્રદાન છે. મા ચંડી છે.
જે સતત પુરુષાર્થ કરતો રહે છે,
ને સાથે પુરતો નમ્ર રહ્યાં કરે છે,
ને એવો મથતો માણસ માને મદદ માટે
લાગણીથી, ભાવનાથી જ્યારે જ્યારે પુકારે છે
ત્યાં મા મદદ કર્યા વિના રહી શક્તી જ નથી….
અને અંતે નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. આપ સહુને નવરાત્રિની શુભેચ્છાઓ.. માં જગદંબાની કૃપાદ્રષ્ટિ સદાય વરસતી રહે એવી અભ્યર્થના
[ પરમ પૂજ્ય શ્રી મોટા, આદરણિય શ્રી સુરેશદલાલ, આદરણિય શ્રી હરિભાઈ કોઠારી, આદરણિય શ્રી કાંતિભટ્ટ, શ્રી નિતિન પટેલ ના સંકલિત શબ્દોથી આ લેખ આભાર સહ લખવામાં આવ્યો છે. ]