ત્રણ રાજ્યોના સિમાડે આવેલ મોરીયા વાસ……
“ધડ કૂંડાળ ચાદોં ધણી,જળ અરજણ પાસ,
લખ્યુ હશે તે પામશે મોરીયા વાસ”
ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય જીલ્લો ગણાય છે.બનાસકાંઠાની પશ્વિમ-ઉત્તરે પાકિસ્તાનનો સિમાડો આવેલો છે.એ જ રીતે રજવાડાઓના શાસન વખતે મોરીયા ગામ પાલણપુર નવાબના શાસનમાં સરસ્વતી નદીના તટે આવેલા અંતિમ સિમાડાનું ગામ હતુ,નદી પાર નાગલ ગામ ગાયકવાડના રાજ્યમા ગણાતુ,જ્યારે પૂર્વ માં દાંતા સ્ટેટનો સિમાડો લાગતો હતો.એ જમાનામા નાગલ-મોરીયા વચ્ચે માત્ર નદી જ આડી હતી.ચીજવસ્તુની હેરફેર કરતા લોકોને પરસ્પર રાજ્યના વેરા ભરવા પડતા હતા.
કુંવારિકા અને અર્જુના નદીના સંગમ તીર્થ પર આવેલા ત્રણ અક્ષરનુ મોરીયા ગામ ઐતિહાસિક,ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવે છે.શ્રધ્ધા સુમનનો સમન્વય કુદરતી છે.મોરીયા ગામની પશ્વિમે ગુરૂ ધુધંલીમલ,પૂર્વમાં બોડા બાવજી અને દક્ષિણે ગુરૂ રખેશ્વર બિરાજમાન છે.આમ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેવા ત્રણ દેવોના સાનિધ્યમાં મોરીયા ગામ ત્રણ અક્ષરનું ઘણુ મહત્વ ધરાવે છે.તેની ઐતિહાસિક મહત્તા પણ એટલી જ છે.તેમા કેટલીક ઉલ્લેખનીય બાબતોને વાચકોના જ્ઞાન માટે આગળ આવરી લીધી છે.
કહેવાય છે કે બિહારી અને બારોટ મોરીયાની બે આંખો છે.જ્યારે ગામનું મસ્તક શ્રાવકો છે.ત્રણ કોમોનું ઐતિહાસિક મહત્વ પણ એટલુ જ છે.તેમા શ્રાવકો ધધાં અર્થે ભલે દેશ-વિદેશ ગયા કેટલાક ત્યાંજ ઠરીઠામ થયા,પણ “મારો દેશ-મારૂ ગામ મોરીયા” તેમના હૈયે વસેલું જ છે.
વડગામ તાલુકાના છેવાડે આવેલ આ ગામમાં શિક્ષણનો ભારે અભાવ હતો.ગરીબ-મધ્યમ વર્ગના બાળકો દાંતા સુધી લાંબો પ્રવાસ કરી શક્તા ન હતા.આ તકનો લાભ લઈને જીલ્લા બહારના કેટલાક લોકોએ આવીને સને ૧૯૭૦ની આસપાસ જ્ઞાનમદિંર હાઈસ્કુલના નામથી સંસ્થા ઉભી કરી.પણ વ્યવસાયિક દ્રષ્ટિવાળા તે લોકો નિષ્ફળ ગયા.અને સંસ્થાને તાળા લાગવાનો વખત આવ્યો.એવા કપરા કાળમાં ગામના શ્રાવકો જ પ્રથમ આગળ આવ્યા.ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓની મિટીંગ બોલાવી તેમા સ્વ.મોહનલાલ પારેખ, મોરીયાના માજી સરપંચ સ્વ.પહાડખાનજી બિહારી,સ્વ.ચદુંલાલ મહેતા અને સોમચંદભાઈ પોપટલાલ દોશી વગેરે એ ઉત્સાહપુર્વક મોરીયા પંથકમાં શિક્ષણનો વ્યાપ વધારવા તમામ પ્રકારની સ્વૈચ્છિક જવાબદારી લઈ વહીવટ સ્વીકારી લીધો.પ્રજા આજે તેના મીઠા ફળ ખાઈ રહી છે.
આ સંસ્થામાં માતબર દાન આપનાર દાતા “શ્રી પોપટલાલ ગોપાલદાસ દોશી”નું નામકરણ પામતા સંસ્થાના પ્રમુખ શ્રી સોમચંદભાઈ પોપટલાલ દોશી અને તેમના પરિવારજનોમાં કનુભાઈ,નટુભાઈ અને સેવંતીલાલ પોપટલાલ દોશીના સહીયારા પુરૂષાર્થના લીધે જ સને ૧૯૮૧ આસપાસ સંપૂર્ણ સુવિધાપૂર્ણ શૈક્ષણિક સંકુલ અસ્તિત્વમાં આવેલ અને આજે બનાસકાંઠા જિલ્લામાં શૂન્યમાંથી સર્જન થયેલ વટવ્રુક્ષની જેમ શૈક્ષણિક છાયા આપી રહેલી આ સંસ્થાના પૂર્વ આચાર્યપદે શ્રી અલીભાઈ બિહારીએ કરેલ પુરૂષાર્થ ભૂલી શકાય તેમ નથી.
શ્રીમતી બી.પી.દોશી ઉચ્ચતર માધ્યમિક શાળા,પ્રાથમિક શાળા,શ્રીમતી વી.સી,મહેતા છાત્રાલય તેમજ કોમ્પ્યુટર અને અધ્યતન લેબ માટે શ્રીમતી તારાબેન રસિકલાલ પારેખ અને શ્રી ભોગીલાલ સી.દોશીનું યોગદાન ઉલ્લેખનીય છે.આમ આ શૈક્ષણિક સંસ્થામાં સૌ એક બીજા ઉપર વિશ્વાસ સંપાદન કરી પોતાના કુટુંબનું જ કાર્ય હોય તે રીતે ચિંતિત રહી ઉત્સાહપૂર્વક સોમચંદભાઈ પોપટલાલ દોશીની રાહબરી હેઠળ પી.જી.દોશી હાઈસ્કૂલ હાઈક્લાસ રીતે ચલાવી રહ્યા છે.
વડગામ મહાલના શ્રાવકોની વિશેષતા એ છે કે તેઓ પોતે કરેલા કાર્યોની પ્રસિધ્ધી આપવાનું ટાળે છે પણ વડગામ ગાઈડના ઇતિહાસના ખણખોદિયાઓએ મોરીયાની ઘણી ઉલ્લેખનીય ઐતિહાસિક વિગતો મેળવતાં તેમાં મોરીયાનો એક છેડો પાડોશી ખેરાલુ તાલુકાના ડુંગરાળ પ્રદેશના સુદાસણા ગામના જંગલોમાં હોવાનું જણાતાં નવાઈ લાગી.પણ તેની સત્ય હકીકતો માલુમ થઈ તો ખુબ જ આશ્રય થયું.
અમોને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ,ખેરાલુ તાલુકાના સુદાસણાના ઘનઘોર જંગલમા મોરીયા નિવાસી પોપટલાલ ગોપાલદાસ દોશીના પરિવારજનોના માતબર દાનથી પાંજરાપોળ ચાલે છે.જે આશિર્વાદ ચેરીટેબલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ”નિભાવે છે.જેમા વડગામ તાલુકાના કોદરામ ગામના છનાલાલ શેઠ યાને કીર્તિલાલ છનાલાલ શેઠનો રૂ. ૨૫ લાખનો ફાળો ઉલ્લેખનીય છે.એ સિવાય પણ ઘણા નામી અનામી શ્રાવકો (જૈનો) તેમાં ભરપુર સહયોગ આપી રહ્યા છે.
સુદાસણા રાજદરબારની કુંવાસી કુ.હેમાંગીનીબા કીર્તિસિંહજી ઠાકોરના સુપુત્રી છે.દાંતા સ્ટેટના રાજવી પરમારો તેઓના ભાયાત હોવાનું જાણવા મળેલ છે. કુ.હેમાંગીનીબાએ બાલ્યાવસ્થાથી જ જીવદયાના ઉદેશ્યને સાર્થક કરવા પોતે પોતાના જીવનમાં લગ્ન નહિ કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેતા મોટો હોબાળો થઈ જવા પામેલ.પણ કુ.હેમાંગીબાના અડગ નિર્ણયને સૌએ વધાવી લેવો પડેલ.જીવદયાના ઉદેશ્યને સાર્થક કરવા તેઓએ પાંજરાપોળ શરૂ કરવાનું જાહેર કરતાં જ ચોમેરથી આવકાર અને દાનનો પ્રવાહ ધોધ શરૂ થઈ ગયો હતો.
વખત જતાં કુ.હેમાંગીબાના પિતાજી કીર્તિસિંહજી ઠાકોરે પણ જીવહિંસા અને માસાંહારનો ત્યાગ કરવાનો સંકલ્પ લઈ લેતા ચારેકોર જીવદયાની લહેર ફેલાઈ ગયેલ.મોરીયા નિવાસી પી.જી.દોશી હાઈસ્કુલના પૂર્વ આચાર્ય અલીભાઈ પહાડખાનજી બિહારી પોતે મુસ્લીમ હોવા છતાં તેઓએ માસાંહારનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી જીવદયાનો ઉત્તમ દાખલો બેસાડેલ છે.
સુદાસણાના જંગલમા આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળમાં દ્રષ્ટાંતરૂપ જીવદયાના કાર્યો થાય છે. જંગલમાં દરેક પ્રકારના પશુ પંખીઓની સાર સંભાળ લેવાય છે.રીંછ,શિયાળ,અધવાઘા,વરૂ,દિપડા જેવા હિંસક પશુઓને થતી નાની-મોટી ઇજાઓની સારવાર તથા પીવાના પાણી માટે ચેકડેમો જેવી વ્યવસ્થા કરાઈ છે.પંખીઓને માટે પણ અનાજ –પાણીની વ્યવસ્થા સાથે તેમની સારવારનું પુરેપુરૂ ધ્યાન રખાય છે.અને આવી સેવાકીય પ્રવ્રુત્તિમાં આસપાસના ગ્રામજનો નો સુંદર સહયોગ પણ મળી રહે છે.
વડગામ મહાલના મોરીયા નિવાસી પોપટલાલ ગોપાલદાસ દોશી પરિવારના સોમચંદભાઈ,જ્યંતિભાઈ,કનુભાઈ,નટુભાઈ,નવીનભાઈ અને મોરીયાના એસ.પી.ના હુલામણા નામથી ખ્યાતિ પામેલા સેંવતીલાલ પોપટલાલ દોશીની સેવાકીય પ્રવ્રુત્તિઓ નોંધવી જ પડે.શ્રીમતી બબુબેન પોપટલાલ દોશી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી એસ.પી.અસંખ્ય લોકોને ઉપયોગી થઈ રહ્યા છે.આ પરિવારે શ્રી મહાવીર જૈન ડેવલોપમેંટ ફેડરેશન તથા શ્રી સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર તારંગા-તળેટીને રૂ. ૨૫ લાખ ઘરડા ઘર માટે દાન આપી વડીલોની સેવા કરવાનો ઉત્તમ નમુનો પુરો પાડેલ છે.તેઓએ નિઝામપુરા-સીસરાણા ખાતે પણ શૈક્ષણિક વિકાસ માટે સારી એવી રકમનું દાન કરેલ છે.મોરીયા પંથકના ગરીબ-મધ્યમ વર્ગના કુટુંબોને પગભર કરવા,તેજસ્વી બાળકોના વધુ અભ્યાસ માટે આર્થિક મદદ,ગંભીર પ્રકારની બિમારીવાળા દર્દીઓને આર્થિક સહાય કરવા કનુભાઈ,નટુભાઈ અને એસ.પી હંમેશા તત્પર હોય છે.આમ ત્રણ રાજ્યોને સીમાડે આવેલ વડગામ મહાલના ત્રણ અક્ષર મોરીયાના મોરીયા ગામની પ્રેમપૂર્વકની પ્રગતિ શ્રાવકોને આભારી છે તેમ કહેવામા આવે તો કંઈ ખોટુ નથી.
વીર વાઘેલા સ્મ્રુતિ મંદિર:
”વીર”….નાથુસિંહ વાઘેલાનું મંદિર મોરિયા ગામનું શક્તિ પ્રતિક છે.દરેક ધર્મપ્રેમી પ્રજા,શ્રધ્ધા,ભક્તિભાવથી મહાસુદ અગિયારના રોજ વાર્ષિકોત્સવ મનાવે છે.”વીરના વરઘોડા” માં ઉત્સાહ ઉમંગથી ભાવ વિભોર બની સમગ્ર ગ્રામજનો ભાગ લે છે. “વીર વાઘેલા” નું મદિંર ગામની દક્ષિણે આવેલ છે.જેની લોકકથા મુજબ ગોરક્ષા માટે તેઓએ શહીદી આપી હતી.તેમના પ્રચલિત “ગરબા” ના શબ્દો…(આશરે ઇ.સ.૧૮૯૩ આસપાસ બનેલી બિના)
“ રાણીજીને રણમાં મેલી, ભારે ભીડાવી હામ,
ગરદને ઘા ઘણા થાયે, કાયર નર કંપી જાયે,
ઝટ ઝટાઝટ ઝાટકા વાગે, રાયને વ્યાપી રીસ,
ધડ ધડાધડ લડતાં આથડે, કુરબાન કર્યુ શીશ,
છોડાવી ગામની ગાયો, મોરીયામાં પડયું ધડ,
વાઘેલાની વીરતા ચાલી, રંગ રાખ્યો વીર વાઘેલાએ”
સપ્તપુરી બાવાજી- સમાધિ સ્થળ :-
પાલણપુર રાજ્યના તાબામાં આવેલ વાઢંવા ગામે ગોસ્વામી બાવા જાતિનાં મહાન સિધ્ધપુરૂષ પરમહંસશ્રી સપ્તપુરીનો જન્મ ઇ.સ.૧૮૩૧માં થયો હતો.તેમના પિતાનું નામ હરદેવપુરી અને માતાનું નામ સીતાબા હતું.તેઓ બાલ્યાવસ્થામાં પ્રભુભક્તિમાં લીન થયા હતા.સંસાર પ્રત્યે દુ:ખી થતાં પિતાએ લગ્ન કાલાવાલા કર્યા પણ એક દિવસ સંસાર ત્યાગ કરી તેઓ ઘરબાર છોડી ચાલ્યા ગયા હતા.
ફરતાં ફરતાં પાલણપુર તાબાના મોરિયા ગામે આવ્યા.મોરિયા ગામ સરિતાના ત્રિવેણી સંગમ,પશ્વિમે ગુરૂ ધૂધંલીમલ,પૂર્વમાં બોડા બાવજી તેમજ દક્ષિણે ગુરૂ રખેશ્વર મહારાજ બિરાજમાન હતા.
બ્રહ્મા,વિષ્ણુ,મહેશ જેવા ત્રણ દેવોના સાનિધ્યમાં મોરિયા ગામ એક યાત્રાધામ સમાન હતું.મોરિયાના ગ્રામજનો સપ્તપુરી મહારાજને આવકારી ગુરૂ તરીકે માની ધર્મપાલન કરતા.
આત્મચેતનાથી અલૌકિક શોધમાં અને માનવ જાતિના આધ્યાત્મિક વિકાસના પ્રતિક એવા આ સંતે જીવતા જાગતા મોરિયા ગામે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં સમાધિ લીધી હતી.મોરિયા ગામની પૂર્વ દિશામાં તેમનું સમાધિ સ્થળ આવેલ છે.આજે પણ લોકો સમધિ સ્થળે સેવા-પૂજા દર્શન કરી પુનિત બનવાનો અહેસાસ કરે છે.
જૈન દેરાસર :
મોરિયા ગામની શોભામાં જૈન ધર્મના મહાન તીર્થકર “અજિતનાથ દાદા” નું ભવ્ય દેરાસર આવેલું છે.તેમજ બાજુમાં જૈન ઉપાશ્રયની નવીન ઇમારત તમામ સુવિધાઓ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.દર વર્ષે “વસંત પંચમી” ના રોજ દેરાસર સ્થાપના દિને વિશાળ સંખ્યામાં જૈન સમાજના તમામ સભ્યો હાજર રહી ભક્તિ-ભાવ સેવા-અર્ચના કરી મોહોત્સવ ઉજવે છે.ધંધાર્થે દૂર-સુદૂર રહેતા હોવા છતાં આજે પણ ૬૦ જેટલા જૈન પરિવાર ગામ વિકાસમાં અગ્રેસર રહી મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
મોરીયાવાસ નામથી પણ ઓળખાતા મોરીયાનું મધ્યકાળથી જ રાજકીય અસ્તિસ્વ મજબૂત હતું.પાલણપુર સ્ટેટના જાગીરદાર બિહારી ચાંદખાનજી આલમખાનજી મોરીયાવાસના પટાના અઢાર ગામોનો વહીવટ કરતા હતાં.છેલ્લે પાલણપુર સ્ટેટના તાજના સાક્ષી સમા બિહારી પહાડખાનજી ૧૯૬૮ થી ૧૯૭૯ સુધી મોરીયાના સરપંચ તરીકે રહ્યા હતા.આજે તેઓશ્રીના વંશજો મોરીયા ખાતે તેમનો વારસો સંભાળી રહ્યા છે.
બિહારી,બારોટ અને શ્રાવકોની મુખ્ય વસ્તીની સાથે બ્રાહમણ,ઠાકોર,દલિત, મળીને આશરે સાડા ત્રણ હજારની વસ્તી મોરીયા ગામ ધરાવે છે.
(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)
Nice 1
સર
આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
તેના માટે આપે સર્વ પ્રથમ http://www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
Vijaykumar Thakkar
mo-8000919100