પાલણપુર અને ગાયકવાડ સ્ટેટના સિમાડાનું ગામ કોદરામ.
વડગામ તાલુકાનું બનાસકાંઠા જીલ્લાના છેવાડે આવેલ કોદરામ ગામ પાલણપુર સ્ટેટના સમયમા પણ વડગામ મહાલના સિમાડે ગાયકવાડ સ્ટેટની લગોલગ આવેલ છેલ્લુ ગામ હતુ.આ ગામ માં મુખત્વે ચૌધરી પટેલો,ઠાકોર,અને પંચાલોની વસ્તી છે.તે સિવાય અન્ય ઇત્તરકોમો વસે છે.આ ગામની વિશેષતા એ રહી છે કે સૌ સંપથી હળીમળીને રહે છે.લોકો ગામના હિતમાં સૌ પ્રથમ વિચાર કરે છે,અને પવનની સાથે ચાલે છે.સંઘર્ષથી દૂર રહે છે અને વિવેક સાથે હમેંશા વણિક બુધ્ધિથી જ વર્તે છે.
વડગામ ગાઈડના ગ્રંથ માટે સૈયદ શરીફભાઈ ચશ્માવાલા માહિતી મેળવવા અને તેની ખરાઈ માટે તેઓ એક વખત કોદરામ ગયેલા તો ગામના ગોદરે માધ્યમિક શાળા માં લોકોની ચહલપહલ વધુ પડતી જણાતા તેઓ તેઓનું સ્કૂટર તે દિશામા લઈ જઈ શાળાના આચાર્યશ્રીના ખંડ તરફ ગયા તો ગામના આગેવાનો ઉપસ્થિત હતા,તેમા માજી સરપંચ સવજીભાઈ ચૌધરી પણ હતા,તેઓએ જણાવેલ કે ,શિક્ષણમંત્રી અહિથી પસાર થવાના હોઈ તેઓને આવકારવા એકઠા થયા છીએ.તેઓને પણ બેસાડીને ગરમ ગરમ ગોટા અને ચા પિવડાવી.મહેમાનો આવવાની વાર હતી,એટલે તેઓએ ગામ આવવાનો હેતુ સવિસ્તાર જણાવેલ.
તેમની ઔપચારિક વાતચીતમા લોકોને રસ પડ્યો,તેઓને પણ તે ગમ્યુ.વાતોમા ને વાતોમા કોદરામ ગામની પાલણપુર અને ગાયકવાડ સ્ટેટને લગતી રસપ્રદ હકીકતો જાણવા મળેલ,તે વડગામ ગાઈડમાં ઉલ્લેખ કરવાનું વ્યાજબી લાગતા વાંચકોની જાણકારી માટે તેઓશ્રી ધ્વારા પ્રસ્તુત કરેલ છે.
કોદરામ ગામ પાલણપુર સ્ટેટ અને ગાયકવાડ સ્ટેટના સિમાડે આવેલ હોવાથી કોદરામ ગામ બને તરફ રહેતુ અને ગામ લોકો બને રાજ્યકર્તાઓને હમેશા ઉંઠા ભણાવતા હતા.
ગાયકવાડ સ્ટેટ માંથી વાર્ષિક મહેસૂલ લેવા માટે જ્યારે રાજ્યના માણસો આવતા ત્યારે કોદરામ ગામના તમામ મોટીયારો (જુવાનો) પોતાના ઘરડા કુટુંબીજનોને ગામમા મૂકીને પાલણપુર સ્ટેટ માં જતા રહેતા.અને ગામના ઘરડીયા રાજના માણસોને એવુ કહેતા કે,અમો તો પાલનપુર સ્ટેટ માં છીએ એટલે છોકરાઓ મહેસૂલ ભરવા ત્યા ગયા છે.એ જ રીતે પાલણપુર સ્ટેટ માંથી પટવારી તેના કાફલા સાથે મહેસૂલ લેવા આવતા ત્યારે તેઓને એવુ કહેવામા આવતુ કે, અમે તો ગાયકવાડ સ્ટેટ માં છીએ એટલે લોકો ત્યા મહેસૂલ ભરવા માટે જ ગયા હશે. આવુ કહીને ગામ લોકો મહેસૂલ વેરો બચાવી લેતા હતા.થોડાક સમય આમ ચાલ્યા પછી પાલણપુર સ્ટેટ અને ગાયકવાડ સ્ટેટના રાજવીઓ ધ્વારા મસલત કરી કોદરામવાસીઓ પાસેથી મહેસૂલ કઈ રીતે વસુલ કરવુ તે નક્કી કરવામા આવ્યુ.
યુક્તી મુજબ પાલણપુર સ્ટેટના કારભારીએ રાજના થોડાક ઘોડા અને અન્ય પશુઓના ઝુંડ કોદરામની સીમમા ઉભા ખેતરોમાં છૂટા ચરવા માટે મૂકી દીધા.આ જોઈ ગામ લોકોએ નારાજ થઈ પાલણપુર સ્ટેટના મુખ્ય કારભારી પાસે જઈને ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે ,ભાઈઓ તમે તો ગાયકવાડને મહેસૂલ ભરો છો,તેમના રાજ્યના છો એટલે ત્યા જઈને ફરિયાદ કરશો તો ન્યાય મળશે. આ જવાબ સાંભળી ગામના બુધ્ધિજીવી આગેવાનો આખી વાત સમજી ગયા અને પાલણપુર રાજ્યમા જ કોદરામ ગામને ગણવા વિનંતી કરીને “અમો તો તમારી રૈયત છીએ,અમો વફાદારીપૂર્વક રહીશુ અને સમયસર તમોને મહેસૂલ ભરપાઈ કરીશુ” તેવુ જણાવતા કોદરામ ગામ વડગામ મહાલના દિવાન શમશેરખાનના તાબામાં કરવામા આવેલ અને પાલણપુર સ્ટેટમા સમાવેશ કરી દેવાયેલ.
ત્યારબાદ ગામની સરહદ મર્યાદામાં પણ આંબલી અને વડલાની નિશાનીઓ બતાવી ગામ લોકોએ કોદરામ ગામની લાંબી પહોળી જમીન સમાવી લીધી.દરેક ગામમાં એક જ પોલીસ પટેલ હોય છે જ્યારે કોદરામ ગામ મા બે ચૌધરી અને એક રાજપૂત પોલીસ પટેલ કુલ ત્રણ પોલીસ પટેલો બનાવવામા આવેલ.૧૯૦૧ની પાલણપુર સ્ટેટની કરાયેલી વસ્તી ગણત્રી મુજબ કોદરામ ગામની કુલ વસ્તી ૧૨૬૬ની હતી.આજે ૨૦૦૧ની વસ્તી ગણત્રી મુજબ ૪,૩૫૧ની વસ્તી છે.
કોદરામ ગામના પંચાલો ગુજરાતના રજવાડાઓમાં અને રાજસ્થાનના જયપુર,જોધપુર,જાલોર,શિરોહીના રજવાડાઓમાં તેમની કલાકારીગરીથી પ્રખ્યાત હતા.
કોદરામના પંચાલો કટાર-હોકો-તલવાર અને અફીણની દાબડીઓ ઉપર ચાંદીના ઢોળ ચઢાવી નકશીકામ કરવામા ભારે નિપુણ હતા.પાલણપુર-ગાયકવાડ અને રાજસ્થાન રાજ્યના રજવાડાઓને તેઓની પસંદગી મુજબ નકશીકામની કારીગરી બતાવી મોટી ભેટ સોગાદો મેળવતા હતા.દેશ આઝાદ થયા પછી ગોદરેજ કંપનીમાં તેઓ તિજોરીઓ,કબાટ અને તાળા બનાવવામા અગ્રેસર બની ગયા.આજે પણ કોદરામ અને વડગામ તાલુકાના મોટાભાગના પંચાલો ગોદરેજ કપનીમાં તેમનો કસબ બતાવી રોજી રોટી મેળવી રહ્યા છે.
પાલણપુર સ્ટેટમાં કોદરામ ગામનો સમાવેશ થયા બાદ એક રસપ્રદ બનાવ બનવા પામેલ. તેમા બન્યુ એવુ કે વડગામ મહાલના દિવાન શમશેરખાન તેમના તાબાના ખાસ માણસો સાથે હસી મજાકના મુડમાં વડગામ રાજગઢીમા બેઠા હતા અને વાતવાતમા લાડુજી ઠાકરડા અને મીરખાન બહારવટીયાની વાત નીકળી.તેમા દિવાન શમશેરખાનના મોઢામાંથી નીકળી ગયુ કે ,મારો હાથી અને હોકો કોઈ ઉઠાવી જાય તો તેનો ખરો ચોર,બહારવટીયો માનું .આ વાત કોદરામ ગામના સરૂપાજી ઠાકરડાના કાને પહોંચતા તેણે લાગ જોઈને કોદરામ ગામના જ ત્રિભોવનદાસ મોતીરામ પંચાલના હાથનો બનાવેલ ચાંદી ની નકશી કામનો હોકો અને રાજદરબારનો હાથી વડગામની રાજગઢીમાંથી ઉઠાવી લાવેલ.હોકો તો ઘરના આળીયામા સંતાડી દીધેલ.પણ હાથીને કોદરામ ગામના ગોદરે અડધી રાત્રે વડલાના ઝાડ સાથે બાંધ્યા વગર છૂટકો ન હતો.
સવાર પડતાની સાથે જ ગામ લોકો રાજ દરબારનો હાથી જોઈને ઘણા મૂંઝાયા,ઘણા ગભરાયા.છેક મધ્યાહને ખબર પડી કે,આ તો સરૂપાજી ઠાકરડાનું કારસ્તાન છે.સરૂપાજીની પુરી વાત સાંભળ્યા બાદ કેટલાક સમજુ બુધ્ધિશાળી આગેવાનો સલામતીની ખાત્રી આપીને તેને વડગામ મહાલની રાજગઢીમાં લઈ ગયા અને સુબેદાર મારફત વાત પહોચાડી.નવાઈની વાત તો એ બની કે,સરૂપાજીને કોઈ સજા આપવાની જગ્યાએ દિવાન શમશેરખાને સિરપાવરૂપે તેને સુબેદારની નોકરી આપી ચોર,બહારવટીયાઓથી ગામનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી દીધી હતી.
કોદરામ ગામ આઝાદી પહેલા મોટુ વ્યાપારી મથક હતુ. કેરોસીન-રાયડો,ખાંડ,કપાસ વગેરેની લે વેચ માટે દુર દુર થી હોલસેલ વેપારીઓ કોદરામ ગામ આવતા હતા.કપાસની મોટી આવકના લીધે ગામમા હેંડલુમની મિલો (સંચા) પણ ચાલતી હતી.કોદરામ અને આસપાસ ના ગામો માંથી વણકરો અહિ રોજી રોટી મેળવતા હતા.ગાયકવાડ સ્ટેટ અને પાલણપુર સ્ટેટના સિમાડે આવેલ કોદરામ ગામ બોર્ડરનું કસ્ટમ કેન્દ્ર બની જવાથી ગામનું મહત્વ વધારે હતુ.એક બીજાના રાજ્યમાંથી માલની આવક જાવક પર વેરો લેવા માટે બને રાજ્યોએ પોત પોતાને સિમાડે ચોકીઓ મૂકી હતી.ખેરાલુ ખાતે ગાયકવાડની ચોકી હતી.પાલણપુર સ્ટેટના કસ્ટમ અધિકારી તરીકે નાનાભાઈ કોઠારી નિયુક્ત કરાયા હતા.
શેઠ વીઠ્ઠલદાસ હિરાચંદની પેઢી મધ્યકાળમાં ખૂબ જ મશહૂર હતી. “જે.વી. ગાડવો” નું નબર વન કપાસનું ઘી સમગ્ર ગુજરાતમાં અને દેશમા ધુમ વેચાતુ હતુ. આ ઘી પેક ટીન માં લોકો આંખ બંધ કરીને ખરીદતા હતા તેની સારી શાખ હતી.પાલણપુરના ડો.શોધન શેઠ મૂળ કોદરામ ગામના બાબુભાઈ વિઠ્ઠલદાસ શેઠના વંશજ છે.કીર્તીલાલ છનાલાલ નહાલચન્દ શેઠ સનિષ્ઠ અને સેવાભાવી દાનવીર હોવાની સાથે શિક્ષણપ્રેમી હોવાના નાતે કોદરામ ગામ મા માધ્યમિક શાળાની સુવિધા તેમના પ્રતાપે મળેલ છે.તેઓ સંસ્થાના સ્થાપક પ્રમુખ છે.સ્વ.છનાલાલ નહાલચન્દ શેઠ અને તેમના પરિવારનો સુદાસણા પાંજરાપોળ ખાતે તેમનો મોટો ફાળો છે.હાલમા બાબુભાઈ વિઠ્ઠલદાસ શેઠ સંસ્થાના પ્રમુખપદે છે.
(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)