વડગામ તાલુકાના કોદરાલી ગામનો નામકરણનો ઇતિહાસ.
[વડગામ તાલુકામાં આવેલુ કોદરાલી ગામનું નામ કોદરાલી શાથી પડ્યું તે જાણવા માલણના વતની અને ઉત્તર ગુજરાતના લોકસાહિત્યના ખ્યાતનામ લેખક અને સંશોધક મરહુમ મુરાદખાન ચાવડા લેખિત રસપ્રદ ઐતિહાસિક લેખ “પરંદાની પરખ” સંપૂર્ણ વાંચવો જ રહ્યો. આ લેખ મરહુમ મુરાદખાન દ્વારા લિખિત પુસ્તક ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ લોકકથાઓ “માટીના રંગ” માંથી સાભાર વડગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. ]
ઉનાળાના ઘોમધખતા દિ’ પુરા થ્યા. જેઠ ઉતર્યો, અષાઢ બેઠો. અષાઢ પણ ઉતરવા આવ્યો. ક્યાંય વાદળ દેખા નદે. ધરતી માથે કાળના ઓળા ઉતર્યા, આથમળે દશ્યેથી શરીરને દઝાડે તેવી લૂ ફૂંકાય છે. પારેવડા પણ અસહ્ય લૂ થી તંગ આવી ઝાડની ઓથ લઈ ભરાઈ ગ્યાં છે. ઢોરોનો ખાસચારો ખૂટવા આવ્યો છે. ઝાડોની ડાળખીઓ પણ લોકોએ નીરણમાં લીધી છે. આનાથી ઝાડો પણ બોડાંબટ્ટ થઈ ગયાં છે. કાંટાળી વસ્તી પોતાનો કસબ રાતે અજમાવે છે. ચોરી ચખારીઓ વધી છે. તળાવડા સૂકાઈ ગયા છે. ચાર દિશાએ કાળનું જડબું ખૂલી ગયું છે. અને આ જડબામાં જાણે આખો મલક ગળી જાય તેવો ભસે છે. દેવીપૂજક, રાવળીયાઓ માટીના લોંદો સૂડલીના છબોયામાં મૂકી ઘેર ધેર ઢૂંઢિયો કરી ફર્યા. લોકોએ ઇંદર મારા’જ ને રીઝવવા આ ઢૂંઢિયા મારા’જ ઉપર ઘડાના મોઢે પાણી રેડ્યાં તો પણ ઇંદર મા’રાજ નોં રીઝ્યા. અને સૌ કોઈને વરસાદનો પ્રશ્ન સતાવી રિયો છે. ‘ઓણ કાળ પડશે ?” શું આભે બુંદ નહિ વરસે?” લોકો કાળના ભયે ઉદાશ થઈ ગયા છે. રસલપુરના જાગીરદાર મહોબતખાન પણ વિમાસણમાં છે. યા અલ્લા ! નજરો કરમ કર, ઔર બારિશ ભેજ, મેરી રૈયત ખત્મ હો જાયેગી, તો બારીશ ભેજ “ એમ અલ્લાહ પાસે દુવા માંગી રહ્યા છે.
સૂરજ મા’રાજ અંગારા ઓકતા માથા પર આવ્યા છે. ગરમી ને લૂથી અકળાઈ મહોબતખાન પોતાની ડેલીમાં પલંગ માથે આડા પડ્યા છે.
આ ગરમ લાયમાં એક ઘોડેસવાર લાંબી ખેપથી આવી રહ્યો છે. પોતાનું શરીર પરસેવે નાહી રહ્યું છે. ઘોડો પણ પરસેવે નાહી રહ્યો છે અને ઘોડાને હાંફ ચડી છે. ઘોડેસ્વાર રસલપુરના પાદરે ઘોડાને થંભાવ્યો અને ઉતર્યો હેઠે. ઘોડાને દોરી ડેલી આગળ થોભાવ્યો.
“આવો કઈ બાજુ રે’વું ને કેવા છો ? ઘોડેસ્વારાને ભાળી મહોબતખાને સવાલ કર્યો.
“બાપુ, રે’વું તો જંગરાળ અને રાવ છું”
“પધારો રાવજી, મારો દરબાર પાવન કર્યો.”
એમ મીઠો આવકાર દઈ દરબાર ડેલીના બારણા સુધી આવકારવા સામા આવ્યા.
રાવ ને લઈ મહોબતખાન પોતાની ડેલીની અંદર આવેલા ચોગાનમાં લીમડાની નીચે જઈ બેઠાં રાવજીને પાણી પાયું એમ થોડીવાર વિસામો ખાઈ વાતે વળગ્યા.
“રાવજી વરસાદના કયાંય વાવડ છે ? શું મલક માથે કાળ પડશે ?”
ત્યાં લીમડાના ઝાડ માથે કાગડો બોલ્યો. રાવે બોલતા કાગડા તરફ ભાળ્યું અને તેની બોલી પર કાન દીધા.
“બાપુ ફકર છોડી દો. આ કાગડો ઈમ વદે છે કે વરસાદ આજ સાંજના આવશે ! અને ઘણો પડશે”
“રાવજી કંઈ ભાંગ બાંગ તો નથી પીધી ને ?” વરસાદના ચાળા તો દેખાતા નથી , આભે વાદળું કળાતુ નથી ને તમે હાંકે રાખો સો, કે પછી આ ગરમીમાં અવ્યા સો તો મથે ગરમી તો નથી ચડીને ?”
“બાપુ, આ કાગડો જે વદે છે ઇ હું આપને જણાવું સુ, આજ દિ’ આથમતાં હુધીમાં વરસાદ આવે અને આખા મલક માથે ઇંદર મા’રાજ ની મેર થાય.”
“રાવજી કાગડા કા, કા કરે ઇના હાટુ થોડો વરસાદ થાય ? આખું આભલું કોરું ધાકોર છે. એકે વાદળ તો દેખાતું નથી.”
“બાપુ મશ્કરી નથી કરતો કે, ગપ્પા નથી હાંકતો”
“તો ગપ્પા નથી તો સું સે?”
“બાપુ મારું માથુ માંડી દઉ સું. જો આ વતારો ખોટો પડે તો, મારું માથુ ડૂલ કરી દેજો.”
“ના રાવજી ! ઈ માથુ લેવું એ મારું કામ નઈ, તમે બારોટ અને તમારું માથુ મારાથી નોં લેવાય પણ એક શરત”
“કઈ શરત?”
“જો તમારી આ કાગવાણી ખોટી પડે તો, મારી જેલની એક કોટડી ખાલી પડી સે ઇમાં જિંદગીભર પુરાઈ રે’વું પડશે જો હાચી પડે તો મારી જાગીર માંથી તમારી પસંદગીનું ગામ દઈશ.
“ કબુલ !”
સૂરજ દાદા માથા પરથી ચલિત થયાને પશ્વિમ તરફ ઢળ્યા છે. ત્યાં ઇશાનનો ચલી પવન છૂટ્યો. થોડીવાર પવન ફૂકાઈ થોભી ગયો અને આકાશમાં વાદળનુ દળ કટક ચઢી આવ્યું. આકાશ વાદળોથી ઘેરાવા લાગ્યું અને સૂરી પવન ફૂંકાવા લાગ્યો, ને દિ’ મેર બેસે ઈ પહેલાં ધરતી પર અમી છાંટણા થઈ ગયાં. ઇંદર મા’રાજએ મે’ર કરી. ધોધમાર વરસાદ પડવો શરૂ થયો ને આખી રાત વરસાદ પડતો રહ્યો.
આ કાગની ભાષા જાણનાર જંગરાળના રાવ નરસિંહના નાનાભાઈ નહાલસિંહ હતા. મોટાભાઈને જગરાળની જાગીર મળેલી. નહાલસિંહને ભાભીએ મે’ણું મારેલું જેથી પોતાની ભોમકાને જુહાર કરી પેર્યે લૂગડે ઘોડેસ્વાર થઈ પોતાનું નસીબ અજમાવવા ધાણધાર મલક તરફ પ્રયાણ કર્યું ત્યાં રસ્તામાં રસુલુપુરના દરબારની ડેલીએ બપોરો ગાળવાના આશયથી આવી ચડ્યા છે. નહાલસિંહ જાનવરોની બોલી પારખનારા, પરંદાઓની બોલી સમજનાર ભારે શુકનાવળી.
બીજો દિવસ ઊગ્યો, મોહબ્બતખાનનો દરબાર ભરાણો.
“ કારભારી લાવો કાગળ કલમ અને આ રાવજીને ઇમની પસંદગીનું ગામ લખી દયો ઇમનાં વેણ હાચાં, ઇમનું શુકન જોવાનું હાચું.”
કારભારી કલમ કાગળ લઈને આવ્યો.
“ રાવજી, મારી જાગીરમાનું મન પસંદ ગામ માગી લ્યો.”
“ બાપુ, મારે ગામ નોં જોઈએ, પણ મારી પસંદગીની જમીન મને આપો.”
“અરે ગામ લ્યો. મારી જાગીરમાંનું ભલામાં ભલું”
“ મારે તો જમીને જોઈએ, અને તે પણ મારી પસંદગીની.”
“ તો સારું. તમને પસંદ પડે એવી ધીંગી ધરતી માગી લ્યો !”
“ તો હાલો મારી હારે”
મહોબતખાન અને કારભારી રાવની હારે ચાલ્યા. સાથે રાવજીએ કોદાળી લેવડાવી.
આગળ નહાલસિંહ પાછળ મહોબતખાન અને તેમના માણસો. નહાલસિંહ ધરતીને નિરખતા નિરખતા આગળ વધ્યા અને આમ રસુલપુરથી પૂર્વે ચાર પાંચ ગાઉ નીકળી ગ્યા છે.
ખાડા ટેકરાવાળી ઉબડ ખાબડ જમીન આવી. વગર નીપજની ધરતી. ભંઠ વાવો તોય બીજવારો માથે પડે તેવી ધરતી. ઉંટના બરડા જેવી ઢાળવાળી ઘરતી ભાળી રાવજી થોભ્યા.
“કોદાળી લાવો. હું કોદાળીથી હેલાણી કરતો જાઉ એટલી ધરતી મને દયો આ જમીન મને ઘણી પસંદ છે.
“રાવજી આ ઉંટના બયડા જેવી ધરતીને કાં પસંદ કરો ? લ્યોને કોઈ ઘીંગી ધરતી જેથી તમારું સાત પેઢીયું નું દળદર ફીટે. આંય તો ભંઠનો બીજવારોય માથે પડશે.”
“ના બાપુ ! આ ધરતી તો મારે મન ધીંગી ઘરા કરતાં ય અદ કેરી સે. મને તો આંય જ આલો.”
“ભલે રાવજી, તમારી મરજી !”
નહાલસિંહ કોદાળી હાથમાં પકડી કોદાળીથી ખાડા કરી નિશાન કરતા ગયા. એક ગામ વસે તેટલી ધરતી પર નિશાન કર્યા.
”રાવજી, આ દુબળી જમીન કાં પસંદ કરી ?
મહોબતખાને નવાઈ પામતા પૂછ્યું.
“બાપુ, વાઘના કાળજા જેવી ધીંગી ઘરતી લઉં અને ઈ ઘરતી માથે કોઈની કૂડી નજરું થાય, તો મારા વારસદારો પર આફત ઉતરે ! વારસદારોને જમીન છોડી દેવી પડે કાંતો ત્રાગું કરવું પડે. જેથી આ જમીન મારે મન તો ઘીંગી ધરતી કરતાંયે અદકેરી સે.”
“ ભલે રાવજી, તમારી મરજી, લખી દયો પટ્ટો અને આ જમીન તમને “ યાવત ચંન્દ્ર દિવા કરો” ની શરતે બક્ષીસ કરૂં છું.
જે જમીન નહાલસિંહ બારોટને બક્ષીસ કરેલ તે જમીન વચ્ચે નહાલસિંહે ગામ વસાવેલું અને કોદાળીથી આ જમીન વાળેલ તે પરથી ગામનું નામ રાખ્યું “ કોદરાલી”
છાપી રેલ્વે સ્ટેશનથી બે એક ગાઉ અગ્નિ ખૂણામાં આજ પણ કોદરાલી ગામ આબાદ છે. અને નહાલસિંહના વંશજો હાલ આ ગામમાં વસે છે.
રસલુપુર (રસુલપુર) ગામ સિધ્ધપુર તાલુકામાં આવેલ છે.
- મુરાદખાન ચાવડા ( માલણ)
ખુબજ સરસ
ખુબજ સરસ અને નવી પેઢી માટે તો ખાસ જાણવા જેવુ છે પપ
Vah bhai Jay matajii bhai