મેમદપુરથી મુંબઈ સુધી – કુમારપાળ દેસાઈ
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. મેમદપુરથી મુંબઈ સુધી એ પુસ્તકનું બીજુ પ્રકરણ છે.આ અગાઉ પ્રથમ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]
દોઢ વર્ષની નાની વયે ઉત્તમભાઈએ માતાની વાત્સલ્યભરી હૂંફ ગુમાવી. એમની માતાના અણધાર્યા, અકાળ અવસાન પછી એમના પિતા નાથાલાલભાઈએ પુનલગ્ન કર્યા નહી, બલ્કે સંતાનોના ઉછેર પર વિશેષ ધ્યાન આપવાનું પસંદ કર્યુ. નાથાલાલભાઈના સંતાનોમાં એમની સૌથી મોટી દીકરી બબુબહેનના લગ્ન મેમદપુરમાં થયા હતાં. નાથાલાલભાઈના સૌથી મોટા પુત્ર અંબાલાલભાઈ હતા. ત્યારબાદ એમના બીજા પુત્ર ચારેક વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા. એ પછી એમનાં બીજા પુત્રી ચંદનબહેનના લગ્ન ગઠામણ ગામમાં થયા હતાં. ચંદનબહેન સાવ નાની વયે વિધવા બન્યાં હતાં. વળી એમનાં શ્વશુરપક્ષના બે-ત્રણ વડીલોનું અવસાન થતાં તેઓ મેમદપુર રહેવા આવ્યાં હતાં. એ પછી જીવનના અંત સુધી તેઓ ઉત્તમભાઈ સાથે જ રહ્યાં. નાથાલાલભાઈના સૌથી નાના પુત્ર તે ઉત્તમભાઈ.
નાથાલાલભાઈના પ્રથમ પુત્ર શ્રી અંબાલાલભાઈએ મેમદપુરમાં ચાર ચોપડી સુધી અભ્યાસ કર્યો. એ પછી પાલનપુરમાં પોતાના માસાને ત્યાં રહીને સાત ચોપડી સુધી ભણ્યા. ભણવા પાછળનો તેમનો આશય એવો હતો કે પાલનપુર સ્ટેટમાં સારી નોકરી મળે. એવી નોકરી મળી ખરી, પણ ફાવી નહીં. તે પછી નસીબ અજમાવવા માટે રંગૂન પણ જઈ આવ્યા. આખરે મેમદપુર પાછા આવ્યા. આવીને અસામી સાથે ધીરધારનું કામ સંભાળવા લાગ્યા. અંબાલાલભાઈને વખતોવખત યતિઓને મળવાનું થતું. તે સમયે યતિઓ જ્યોતિષ અને વૈદકના જાણકાર હતા. આવા યતિને ગોરજી મહારાજ કહેવામાં આવતા. એમની પાસેથી વૈદકના પ્રાચીન પુસ્તકો મળ્યાં અને તે વાંચ્યાં. એમાંથી રસ જાગતાં તેમણે વૈદ તરીકે કામ શરૂ કર્યું.
નાથાલાલભાઈના સૌથી મોટા પુત્ર અંબાલાલભાઈ મેમદપુરથી દસ કિલોમીટર દૂર આવેલા છાપી ગામમાં જઈને વસ્યા. આ છાપી ગામમાં રેલવેસ્ટેશન હતું અને રેલવેસ્ટેશનને કારણે દર્દીની અવરજવર પણ સારી રહેતી હતી. અંબાલાલભાઈએ જીવ્યા ત્યાં સુધી વૈદકનો વ્યવસાય કર્યો. બીજી બાજુ ૧૯૪૭ પછી ધીરધારના ધંધામાં ઓટ આવી. દેવું માફ કરવાની સરકારની નીતિને કારણે ધંધો બંધ પડ્યો અને ઘણાખરા આ વિસ્તારમાંથી નીકળીને પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ અને નવસારી ગયા. આમાંથી મોટાભાગની વ્યક્તિઓએ હીરાઉદ્યોગમાં કામ શરૂ કર્યુ. તે સમયે વારસાગત ધંધો છોડીને બીજા ધંધામાં ઝંપલાવવું તે બાબત આફતરૂપ લાગી હતી, જે સમય જતાં આશીવાર્દરૂપ બની રહી.
આ સમયે બનાસકાંઠા જિલ્લામાં કેળવણીનું પ્રમાણ ઘણું ઓછું હતું. પાલનપુર રાજના તાબા હેઠળનાં ૫૫૦ ગામમાં પાંચમા ધોરણ સુધીની ૫૫ પ્રાથમિક શાળાઓ હતી. તાલુકા મથકના શહેરમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરાવવાની સગવડ હતી. ડીસામાં માધ્યમિક શાળા હતી, પરંતુ છેક મેટ્રિક સુધીના અભ્યાસની સગવડ તો માત્ર પાલનપુરમાં જ હતી. સમગ્ર રાજ્યમાં એકલા પાલનપુરમાં જ હાઈસ્કૂલ હોવાથી ઉત્તમભાઈને પાંચમા ધોરણમાં દાખલ થઈને અભ્યાસ ધપાવવા માટે પાલનપુર જવું પડ્યું.
મેમદપુરથી પાલનપુરનું અંતર અઢાર કિલોમીટર હતું. એ સમયે પાલનપુરથી રોજ સાંજે એક બસ મેમદપુર આવતી હતી અને વહેલી સવારે ઊપડતી હતી. એ બસ એના માલિકના નામથી ઓળખાતી હોવાથી તે ‘વિનોદભાઈની બસ’ કહેવાતી હતી અને મેમદપુરથી પાલનપુર જવાનું ભાડું પાવલી(ચાર આના-૨૫ પૈસા) હતું. મોટાભાગના લોકો તો મેમદપુરથી પાલનપુર ચાલીને જ જતા હતા. મેમદપુરથી પાલનપુર જવા નીકળે ત્યારે સાથે ખાખરા અને પાપડનો નાસ્તો લઈ જાય. વચ્ચે આવતા ખરોડિયા ગામના વહેળા પાસે બેસીને સહુ નિરાંતે વાતો કરતાં કરતાં નાસ્તો કરે, પછી વહેળાનું પાણી પીએ અને આગળ ચાલે.
પાલનપુરની હાઈસ્કૂલમાં આચાર્યશ્રી મોહનલાલ ગોકુળદાસ ઉદ્દેશી હતા. ઉત્તમભાઈના ઘેરથી હાઈસ્કૂલ ત્રણ-ચાર કિલોમીટરના અંતરે હતી. નિશાળની માસિક ફી આઠ આના હતી. “સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ” નો એ જમાનો હતો. શિક્ષકો વિધ્યાર્થીઓને શિક્ષા કરતા, બેંચ પર લાંબો વખત ઊભા રાખતા. આવી શિક્ષા કરતા હોવા છતાં એમના પ્રત્યે વિધ્યાર્થીઓને સદાય આદરભાવ રહેતો હતો. એ સમયે ઉત્તમભાઈના સહાધ્યાયીઓમાં જેસિંગભાઈ અને શ્રી રસિકલાલ ભણશાળી હતા, જેમની સાથે જીવનના પછીના સમયમાં પણ ગાઢ સબંધ રહ્યો.
ભાડાના મકાનમાં ચાલતી આ હાઈસ્કૂલમાં ઇંટની લાદી પર બેસવાનું હતું. એ સમયે પરથીભાઈ મૂળજીભાઈ પટેલ, મેઘરાજભાઈ પટેલ, સોમાભાઈ અમૃતલાલ મહેતા, ધરમચંદ મહેતા, કાંતિલાલ મહેતા જેવા ઉત્તમભાઈના સહાધ્યાયીઓ હતા. આખા વર્ગમાં ઉત્તમભાઈ સહુથી નાની વયના વિધ્યાર્થી હતા, તો ત્રિભુવન રાયચંદ અને પરથીભાઈ પટેલ સૌથી મોટી ઉંમરના વિધ્યાર્થીઓ હતા.
ઉત્તમભાઈએ પાલનપુરમાં પોતાની મોટી બહેન ચંદનબહેનને ત્યાં રહીને અભ્યાસ કર્યો. ચંદનબહેને ઉત્તમભાઈની ખૂબ સંભાળ લીધી. ભગિનીપ્રેમનો ઉત્તમભાઈને મધુર અનુભવ થયો. ચંદનબહેને ખુદ મુશ્કેલી વેઠીનેય ઉત્તમભાઈના અભ્યાસમાં કશો અવરોધ આવે નહી, તેનો ખ્યાલ રાખ્યો. ઉત્તમભાઈ બહેનોનો પ્રેમ અને ઋણ જીવનભર ભૂલ્યા નહોતા. એ વખતે એમના બાળપણના સાથી મેમદપુરના ખૂબચંદભાઈ મહેતા પાલનપુર બોર્ડિંગમાં રહેતા હતા. આ હાઈસ્કૂલના મંકોડી સાહેબ, જોષીપુરાસાહેબ અને જનાર્દન ભટ્ટસાહેબ- એ ત્રણે શિક્ષકો વધુ જાણીતા હતા. મેટ્રિકમાં જોશીપુરાસાહેબ ઉત્તમભાઈના વર્ગશિક્ષક હતા. એ વખતે સગરામમાં બેસીને શિક્ષણ વિભાગના ડેપ્યુટીસાહેબ છોટુભાઈ પરીક્ષા લેવા આવતા હતા.
આ સમયે એક નવો પવન ફૂંકાતા વ્યવસાયની વંશપરંપરાગત ચાલી આવતી પરંપરામાં પરિવર્તન આવ્યું. પાલનપુરમાંથી કેટલાય જૈનો મુંબઈમાં હીરાના વ્યવસાય માટે ગયા. પાલનપુરમાં સ્થાનકવાસી અને દેરાવાસી એમ જૈન ધર્મના બે સંપ્રદાયોના અનુયાયીઓ હતા, પણ તેમની વચ્ચે સુમેળ ભર્યો સબંધ હતો. પાલનપુરની હાઈસ્કૂલમાં ઉત્તમભાઈ અનેક પ્રકારની રમત ખેલતા હતા. ફૂટબોલ અને ક્રિકેટનો એમને શોખ હતો તો વળી રજાઓમાં મેમદપુર જાય ત્યારે ગિલ્લીદંડા અને આંબલી-પીપળી ખેલતા હતા. રમતગમતના શોખના કારણે એમનું શરીર કસાયેલું રહ્યું. વિજ્ઞ્યાન વિદ્યાશાખાના સ્નાતક (B.Sc.) થયા ત્યાં સુધી ઉત્તમભાઈએ ક્યારેય કોઈ દવા લીધી નહોતી. ઉત્તમભાઈ જીવનના પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં તંદુરસ્તી કેવી રહી, તેની કવચિત તુલના કરતા હતા. પૂર્વાધમાં કસાયેલુ, નિરોગી શરીર અને ઉત્તરાર્ધમાં બીમારીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલું શરીર !
બાળપણથી જ ઉત્તમભાઈમાં અભ્યાસ અંગે સજાગતા હતી. અભ્યાસના સમયની બાબતમાં પૂરતી ચીવટ રાખતા હતા. વળી અભ્યાસ પૂરો ન થાય, ત્યાં સુધી ઊંઘે નહી ! અભ્યાસની આવી લગનીએ જ એમના વિધ્યાવ્યાસંગને તેજસ્વી બનાવ્યો. બીજા બધા દસ વાગ્યે સૂઈ જાય ત્યારે તેઓ મોડી રાત સુધી અભ્યાસ કરતા હોય. એમણે મનમાં ધાર્ય હોય કે આજે રાતના બે વાગ્યા સુધી વાંચવું છે, તો એટલો સમય વાંચ્યા પછી જ એમને જંપ વળે. બીજી કોઈ બાબતમાં ક્યારેક મિત્રો બાંધછોડ કરે, પણ અભ્યાસની બાબતમાં કોઈ બાંધછોડ નહીં.
પાલનપુર જૈન વિધ્યાલય બોર્ડિંગમાં ઉત્તમભાઈની સાથોસાથ પોપટલાલ લલ્લુરામ મહેતા, કાંતિલાલ ભીખાભાઈ મહેતા, સોભાગચંદ અમૃતલાલ કોઠારી અને જ્યંતીભાઈ ચેલજીભાઈ મહેતા જેવા વિધ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હતા.
ઉત્તમભાઈ જ્ઞ્યાતિએ દશા શ્રીમાળી જૈન. એમનો બાર ગામનો ગોળ કહેવાતો. એમાં મેમદપુર, છાપી, બસુ, મેસર, ચંડીસર જેવાં બાર ગામનો સમાવેશ થતો. આ બાર ગામ વચ્ચે દીકરા-દીકરી આપવાનો લગ્નસંબંધ હતો. સમાજ પર જ્ઞ્યાતિના પંચનું મજબૂત વર્ચસ્વ હોવાથી આ બાર ગામની બહાર કોઈ પોતાનાં દીકરા-દીકરીને વરાવવાની હિંમત કરી શકતા નહી.
આ જ્ઞ્યાતિમાંથી ભણવાની ધગશ સાથે બહાર આવેલા ઉત્તમભાઈએ પાલનપુરમાં સારા પ્રમાણમાં ધાર્મિક અભ્યાસ કર્યો અને સૂત્રોનું અધ્યયન કર્યું. આ સમયે પણ વિચારશીલ વિધ્યાર્થી તરીકે ઉત્તમભાઈને મનમાં એમ થતું કે ધર્મગ્રંથોના સૂત્રો માત્ર યાદ રાખવાથી શું વળે ? એનો અર્થ જાણ્યો હોય તો વધુ સારું. આમ છતાં અર્થ જાણ્યા વિના માત્ર સુત્રો ગોખવાં, એ વ્યર્થ માથાકૂટ છે, તેમ તેઓ માનતા નહીં. એને બદલે એમ વિચારતા કે સૂત્રો જાણીએ જ નહીં, એના કરતાં ધાર્મિક સૂત્રો જાણવા એ ઘણું સારું ગણાય. કોઈ બાબતને નકારાત્મક દ્રષ્ટિએ જોવી નહીં, બલ્કે એ વિશે વિધેયાત્મક દ્રષ્ટિકોણથી વિચારવું. છેક કુમારવસ્થાથી જ ઉત્તમભાઈનું આવું માનસિક વલણ હતું.
હાઈસ્કૂલ સવારે શરૂ થાય અને અગિયાર વાગ્યે પૂરી થઈ જાય. એ પછી જમવાનું હોય. કોઈને રમવા જવું હોય તો રમવા જાય. સાંજે સાત વાગ્યા પછી પાઠશાળામાં જાય. પાઠશાળામાં રોજ એક કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. પાંચ-છ વર્ષ સુધી ઉત્તમભાઈનો પાઠશાળામાં ભણવાનો ક્રમ ચાલ્યો. પાઠશાળામાં અમરતભાઈ નામના ધાર્મિક શિક્ષક સૂત્રો શીખવતા હતા. પાઠશાળાના આ સંસ્કારોએ એમનામાં ધાર્મિક ભાવનાઓનું સિંચન કર્યુ. યુવાનીમાં ચોતરફના અપાર સંઘર્ષો ખેલવાના કારણે એ ધર્મસંસ્કારોનું પ્રત્યક્ષ પ્રગટીકરણ થયું નહી, પણ સમૃધી સાંપડતાં જ ઉત્તમભાઈની એ ધર્મભાવનાનાં બીજ વૃક્ષરૂપે મહોરી ઊઠ્યા !
મેમદપુર નાનું ગામ હતું, ત્યારે પાલનપુર શહેરનું વાતાવરણ એનાથી સાવ જુદું હતું. મેમદપુરની દુનિયા સીમિત હતી. પાલનપુરની હાઈસ્કૂલમાં આવવાથી એકબીજાના પરિચયમાં આવવાનું બનતું હતું. એ વખતે છોકરો ઇંગ્લિશ ભણે અને મેટ્રિક પાસ થાય તે બહુ મોટી સિદ્યિ ગણાતી હતી. ઉત્તમભાઈનું અંગ્રેજી તો પહેલેથી જ ઘણું સારું હતું. તેઓ મેટ્રિકમાં આવ્યા.
એ સમયે સમગ્ર ગુજરાતમાં મેટ્રિકની પરીક્ષાના માત્ર ત્રણ કે ચાર જ કેન્દ્રો હતાં. એ સમયના જૈન વિદ્યાર્થીઓ મેટ્રિકના કેન્દ્ર તરીકે ભાવનગરને વધુ પસંદ કરતા હતા, કારણ એ કે ભાવનગરમાં બહારગામના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે રહેવાની સારી સુવિધા મળતી હતી. વળી બીજું કારણ એ પણ ખરું કે પરીક્ષા પુરી થયા બાદ ધર્મપરાયણ વિદ્યાર્થીઓને સરળતાથી નજીક આવેલા પાલીતણામાં શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાની તક મળતી હતી. વળી આમેય અમદાવાદ કરતા ભાવનગર આર્થિક રીતે ઘણું સસ્તું હતું. ઉત્તમભાઈ મેટ્રિકની પરીક્ષા આપવા માટે ભાવનગરની બોર્ડિંગમાં રહ્યા અને આ પરીક્ષામાં ઉત્તમભાઈએ બાસઠ ટકા ગુણ મેળવ્યા.
આભ્યાસની એક મજલ પૂરી થઈ. મેમદપુરની ધૂળિયા નિશાળમાંથી શરૂ થયેલી વિધ્યાયાત્રાનું વધુ શિખર હાંસલ કર્યુ. મેટ્રિક થવાની સાથોસાથ એમની સામે કેટલાય પ્રશ્નો ઊભા થયા. એમના ઘરના વાતાવરણમાં કોઈએ વિશેષ અભ્યાસ નહોતો કર્યો એટલે ઘર અને સમાજની દ્રષ્ટિએ તો આ ઘણો અભ્યાસ ગણાય. આવી પરિસ્થિતિમાં વધુ અભ્યાસ કરવાની વાત ક્યાંથી હોય.? પરંતુ ભણવાની પારાવાર ઇચ્છાને કારણે ઉત્તમભાઈએ વિચાર્યુ કે હજી આગળ વધવું છે. આટલું ભણવાથી અને ચારે બાજુ આટલી વાહવાહ થવાથી અભ્યાસનું પૂર્ણવિરામ આવી જતું નથી. વિદ્યાની યાત્રાને કોઈ અંત કે સીમા હોતાં નથી.
કઈ વિદ્યાશાખામાં આગળ અભ્યાસ કરવો એ અંગે ઉત્તમભાઈએ મનોમંથન શરૂ કર્યુ. એ વિચારવા લાગ્યા કે આર્ટ્સ વિદ્યાશાખામાં ભણીને બી.એ. થઈએ છતાં નોકરી મળતી નથી, આથી વિજ્ઞાનની વિદ્યાશાખામાં જ અભ્યાસ કરવો જોઈએ. એમ પણ થયું કે વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે હરણફાળ ભરી રહ્યાં છે ત્યારે જો વિજ્ઞાન વિદ્યાશાખામાં જઈશું તો કંઈ મહત્વનું કામ કરી શકીશું. નોકરીની વધુ તક અને પ્રગતિની વિશેષ શક્યતા આમાં છે.
ભાવનગરમાં એ સમયે સાયન્સની એક જ કોલેજ હતી. ઉત્તમભાઈ એમાં દાખલ થયા અને ભાવનગરની શામળદાસ કોલેજની હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું. હવે પૈસાની ખેંચનો બરાબર અનુભવ થવા લાગ્યો. કોલેજનો ખર્ચ મહિને પચીસ રૂપિયા આવતો હતો. પહેલાં સ્કૂલમાં તો માંડ આઠ-નવ રૂપિયા જ થતા હતા. એમાંય સ્કૂલની ફી તો એક રૂપિયો જ હતી.
ઉત્તમભાઈએ ભાવનગરમાં કોલેજના અભ્યાસનો પ્રારંભ કર્યો. મહેનતથી માર્ગ શોધ્યો. નિષ્ટાથી અભ્યાસ કર્યો. જ્યાં હ્રદયમાંથી જ બળ સાંપડતું હોય,ત્યાં બાહ્ય પ્રેરણા કે પ્રોત્સાહનની કશી જરૂર હોતી નથી. બીજાને બાહ્ય સાથ કે હૂંફની જરૂર પડે, પણ એકલા ઉત્તમભાઈના જીવનમાં આવો પ્રોત્સાહનનો પ્રશ્ન જ ઊભો ન થયો. ‘દીવે દીવો પેટાય’ તેમ નહીં, પણ ‘તું જ તારો દીવો થા’ – એ ભાવના એમના હ્રદયમાં હતી. પરિસ્થિતિ એ એમને આ દર્શન આપ્યું હતું.
ભાવનગરમાં ઉત્તમભાઈ હોસ્ટેલમાં રહેતા હતા. ભણવામાં તેજસ્વી હોવાથી કોલેજનું એડમિશન મેળવવામાં કશી મુશ્કેલી પડી નહીં બન્યું એવું કે ઉત્તમભાઈના એક મિત્રને કોલેજ-પ્રવેશ માટે જરૂરી ટકા નહોતા એટલે એમને કોલેજમાં એડમિશન મળ્યું નહીં. પરગજું ઉત્તમભાઈએ આચાર્યશ્રીને જઈને કહ્યું એ અમે ત્રણ જણાં સાથે આવ્યા છીએ. જો એમને એડમિશન મળી જાય તો જ હું અહીં રહીને અભ્યાસ કરી શકું તેમ છું અને તેમનેય એડમિશન મળી ગયું. આ સમયે ઉત્તમભાઈને એમના ઘેરથી માસિક ખર્ચ માટે ૨૫ રૂપિયા મળતા હતા. જો કે મનમાં તો થતું કે આટલી રકમ પણ ન મંગાવવી પડે તો સારું. એફ.વાય.સાયન્સમાં ઉત્તમભાઈ બીજા સ્થાને ઉર્તીણ થયા. પરીક્ષાના પરિણામમાં ભાવનગરના વતનીને ‘ફર્સ્ટ પ્રેફરન્સ’ આપવામાં આવતો હતો. આથી ઉત્તમભાઈને બીજો નંબર મળ્યો અને તેનો એમને અફસોસ થયો. સદાય પહેલા નંબરે જ રહેવાની એમની ઝંખના. એનાથી ઓછું કશું ખપે નહીં. પરિણામે આવી ઘટનાઓ એમના ચિત્ત પર ઊંડી અસર કરી જતી.
કલાપ્રેમી શહેર ભાવનગરમાં વિદ્યાનું વાતાવરણ ઘણું સારું હતું. એ સમયે આચાર્ય તરીકે અત્યંત માયાળુ સાહની સાહેબ હતા. એમના માટે એમ કહેવાતું કે નવો કોટ હોય તો પણ થીંગડાં મારીને પહેરે. આ કંઈ ડોળ કે ગરીબી બતાવવાના દંભ ખાતર કરતા નહીં, પણ થીંગડાં મારેલું કપડું પહેરવું એ કંઈ ગુનો નથી, શરમ નથી, તેમ સાબિત કરવા માટે. ગરીબાઈ કોઈ શરમની બાબત નથી. એનાથી સહેજે હીનતા અનુભવવાની જરૂર નથી એવો પાઠ પોતાના વર્તનથી પૂરો પાડતા અને આ રીતે ગરીબ વિધ્યાર્થીઓમાં રહેલી લઘુતાગ્રંથિને દૂર કરતા હતા. ૧૯૪૧માં ભાવનગરની શામળદાસ કોલેજમાં એફ.વાય.સાયન્સની પરીક્ષામાં ઉર્તિણ થયા. આ સમયે એમને ખ્યાલ આવ્યો કે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તેઓ લોન વિધ્યાર્થી તરીકે ભણી શકે તેમ છે અને વિધ્યાલયની મુખ્ય શાખા મુંબઈમાં હોવાથી મુંબઈમાં અભ્યાસની સગવડ ઉપલબ્ધ થાય તેમ છે. ઉત્તમભાઈએ પાલનપુરમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી પછી જો આ સંસ્થાનો ખ્યાલ હોત તો તેઓએ ભાવનગરના બદલે મુંબઈમાં જ કોલેજ-કારકિર્દીનો પ્રારંભ કર્યો હોત.
૧૯૪૧ના જૂનમાં મુંબઈના શ્રી મહાવીર જૈન વિધ્યાલયમાં લોન-વિધ્યાર્થી તરીકે દાખલ થયા. લોન-વિધ્યાર્થીનો અર્થ એટલો કે એ વિધ્યાર્થીના અભ્યાસનો, નિવાસનો અને ભોજનનો તમામ ખર્ચ એ સંસ્થા ચૂકવે. જ્યારે એ વિધ્યાર્થી પોતે જાતે કમાય ત્યારે એ ખર્ચ એટલે કે લોન પાછી ચૂકવી આપે. ઉત્તમભાઈનો મુંબઈના શ્રી મહાવીર જૈન વિધ્યાલયમાં રહેવા-જમવાનો વાર્ષિક ૩૦૦ રૂ. ખર્ચ સંસ્થા ચૂકવતી હતી. પરિણામે ઘેરથી રકમ મંગાવવાની જરૂર ન પડી અને ઘરના લોકોને પણ ઓછો ખર્ચ આવતો હોવાથીઆમાં કોઈ વાંધો નહોતો. આમ મેમદપુરથી શરૂ થયેલી વિધ્યાયાત્રા આપબળે પાલનપુર થઈને ભાવનગરમાં આગળ ધપી. હવે મુંબઈ નવી દુનિયામાં એમણે પગ મૂક્યો. (ક્રમશ..-પ્રકરણ-૩ )
પ્રકરણ : – ૧ વાંચવા અહીં ક્લીક કરો.
www.vadgam.com