આપાણા તહેવારો

દિવાળી : ૨૦૧૩ – નિતિન પટેલ

શુભ દિપાવલી – ૨૦૧૩ : આપ સૌને દિપાવલીના તહેવારોની શુભકામનાઓ !!!

દિવાળી-૨૦૧૩ આવી સાથે અનેરો ઉમંગ લાવી. પ્રકાશનું આ પર્વ દર વર્ષે કંઈક સંદેશ લઈને આવે છે અને અનાદીકાળથી આ પરંપરા ચાલી આવે છે. આપણે સૌ આ પરંપરાને અનુસરીયે પણ છીએ પરંતુ તહેવાર પાછળના મુખ્ય ઉદ્દેશને અનુસરવાનું ભુલતા ચાલ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી આપણા જીવનમાં વ્યાપેલા અંધકારને દૂર કરી આપણા જીવનમાં માનવતાનો પ્રકાશ ફેલાવવાનો સંદેશ લઈને આવે છે. માટીના કોડિયામાં શુધ્ધ ઘી થી થતા દિવા ની સાથે અંતરમાં પણ દિવા થતા એ સમય હતો, આજે મીણબત્તી અને કુત્રિમ લાઈટોથી ઝગમગાટ તો થાય છે પણ દિલના દિવાની જ્યોત ધીમે ધીમે બુઝાતી જતી હોય તેવો માહોલ બનતો જાય છે. દિવાળી કાર્ડ લખવા પાછળની જે ભાવના હતી, જે મઝા હતી તે ઈ-મેલ માં ક્યાં છે.?

એ સમય હતો કપડાના મૂલ્ય કરતા મનૂષ્યનું મૂલ્ય વધુ હતું. સંયુક્ત કુટુંબો હતા, એક પરિવાર હતો, જેમાં કોઈ પરાયું ગણાતુ નહોતુ. ઘેર ઘેર દિવાળી હતી પડોશીના ઘરમાં પણ મીઠાઈ બેરોકટોક ખાઈ શકતા હતા. લેવા કરતા આપવાની દાનત વધુ હતી. નાનપણમાં આખા ગામમાં પરિચિત કે અપરિચિત દરેકના ઘરે સાલ-મુબારક કહેવાની સાથે સાકરીયો પ્રસાદ મુઠીઓમાં ભરીને ખાવાની મઝા કોઈ અલગ જ હતી. બેસતા વર્ષે સવારે ત્રણ-ચાર વાગે ઊંઘ ઊડી જતી. ઝટપટ તૈયાર થઈને મિત્રો,સબંધીઓને મળવાની તાલાવેલી રહેતી. વાતાવરણમાં એક અનોખો જીવંત ધબકાર જોવા મળતો હતો. સબંધો સાચવવા પડતા નહોતા. ગણતરીઓ ઓછી હતી એકબીજા પ્રત્યેની લાગણીઓ વધુ હતી. અવકાશ હતો સમયના કોઈ બંઘન ન હતા. સુખ-દુખ સહિયારા હતા.

હોઠે હોઠે દીવા પ્રકટે એનું નામ દિવાળી

કોઠે કોઠે દીવા પ્રકટે એનું નામ દિવાળી.

આજના સમયમાં જ્યારે તહેવારો ભાવશૂન્ય બનતા જાય છે તેવા સંજોગોમાં ઉપરોક્ત પંક્તિઓ ઘણુબધુ કહી જાય છે. હજુ સુધી કોઠે કોઠે દિવા તો લોકો ઇલેક્ટ્રીસીટીની મદદથી કરતા હોય છે,પરંતુ દિવાળીની ઉજવણી એ સાચી ઉજવણી ત્યારે જ કહેવાય જ્યારે પ્ર્ત્યેક વ્યક્તીના અંતરમાં દિવા પ્રગટે, એકબીજા પ્રત્યે સહાનુભૂતિની સાથે સાથે ભાવનાત્મક સબંધ જોડાય. યાંત્રિકરણના આ યુગમાં આજે આપણે સૌ પ્રગતિના નામે કશુંક મેળવીને ઘણુંબધુ ખોઈ ચૂક્યા છીએ, ત્યારે દિવાળી જેવા તહેવારો દર વર્ષે આશાનું એક કિરણ લઈને આપણને જીવંત હોવાનો અહેસાસ કરાવતા હોય છે અને આપણી ભૂલોને સુધારવાનો એક અમૂલ્ય અવસર પ્રદાન કરતા હોય છે. આપણું સ્વ-મૂલ્યાંકન કરવાની સાથે અંતરના દિવાની જ્યોત સતત ઝળહળતી રહે તેવા પ્રય્ત્નો કરવાની મોસમ છે આ દિવાળી.

આદરણિય શ્રી સુરેશ દલાલ સાહેબના શબ્દોમાં જોઈએ તો બારસ પહેલા અગિયારસ આવે. અગિયારસ એટલે ઉપવાસનો દિવસ. ઉપવાસનો સાચો અર્થ છે ઇશ્વરના સહવાસમાં બેસવું એ. અગિયારશનું જો મૌન હોય અને પછી વાકબારશ પ્રગટે તો મૌનમાંથી પ્રગટેલા શબ્દોનો પ્રકાશ જુદો જ રહેવાનો. વાકબારશ પછી ધનતેરશ આવે છે આનો પણ મહિમા છે. ધન બધા પાસે હોય એમ ઇચ્છીએ. ધન સાધન-સગવડ આપે છે. સાહ્યબી અને ઐયાશી આપે છે, પણ ધન સાધન-સગવડ સુખ આપશે જ એની કોઈ ગેરંટી નથી હોતી, જ્યારે આપણું ધન અન્યને માટે વાપરીએ તો એ લક્ષ્મી થાય. આપણા પ્રત્યેકની ભીતર અશુભ અને શુભ હોય છે. કાળી ચૌદશ અશુભનું પ્રતિક છે. આ કાળી ચૌદશ વટાવી જઈએ, અશુભને ઓળંગી જઈએ તો દિવાળીનો સાચો તહેવાર પ્રગટે.

એક એક વર્ષ ક્ષણ ભેગા થતા મિનિટ, કલાક, કલાકમાંથી દિવસ અને દિવસો ભેગા થતાં ૩૬૫ દિવસનું વર્ષ વીતી જાય છે તો પણ આપણને વીતેલા સમયના સરવાળા-બાદબાકી. લેખા-જોખા કે શું ગુમાવ્યું અને શું મેળવ્યું એની ખાતાવહી તપાસવની ગતાગમ હોતી નથી. દિવાળીએ  આયુષ્યમાં વર્ષો નહી પણ વર્ષોને વહેતા કરવાની, વર્ષોને માણવાની, સમયનો યોગ્ય ઉપયોગ કરવાની, કુટેવો છોડવાની અને અંતે અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની તક આપતો તહેવાર છે.

અને છેલ્લે લેખિકા વીણાબેન શાહે સાચુ જ કહ્યું છે કે ભલે આપણે કંઈ જ ન કરીએ. જાત્રા ન કરીએ, પ્રવચન ન સાંભળીએ, વ્રત-ઉપવાસ ન કરીએ તો કંઈ નહી. ભગવાનને આ બધું કંઈ જ ભાવતું નથી. એને જોઈએ છે અરીસા જેવું સાફ, નિર્મળ મન, બીજાના દુ:ખે દુ:ખી થતું પારદર્શક હૈયું, પરોપકાર કરવાની વ્રુત્તિવાળો સાચો વૈષ્ણવજન જોઈએ છે. આ વરસમાં શું કરવું એનો નિશ્ચય કરીએ. પ્રતિજ્ઞા નહિ. કારણ કે પ્રતિજ્ઞા એ તો બંધન થઈ જાય. આજે બંધન કોઈને ગમતુ નથી. ધન, વૈભવનું પ્રદર્શન, અતિરેકનો આડંબર તો ત્યજવો જ જોઈએ. અંગ્રેજીમાં જેને “Vulgar Display of wealth” કહીએ છીએ તેને તિલાંજલી આપવી જોઈએ. સાદાઈ સરળતા અને સત્યનિષ્ટા જ ઇશ્વર સમીપ લઈ જાય છે.

સંઘર્ષ અને ચડતી-પડતીના આટલા વર્ષો પછી માનવસમાજ વિશ્વની સાથે સતત વિકાસ અને સમૃદ્ધિ  ના નવા ઇતિહાસ રચે તેવી દિવાળીની શુભેચ્છા…