ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમા ગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,જે વડગામ વેબસાઈટ ઉપર સમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.

ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું સંપાદન આદરણિય શ્રી રઘુવીરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ, તો પ્રથમ ચરણમાં અહીં આદરણિય શ્રી રઘુવીરભાઈ ચૌધરીનો સંપાદકીય લેખ લખવામાં આવ્યો છે. – તંત્રી- www.vadgam.com ]

Galba Bhaસ્વર્ગસ્થ ગલબાભાઈ સાથે મારે પ્રત્યક્ષ પરિચય ન હતો. તસવીરો પરથી લાગ્યું કે એમને જોયા હતા. મોતીભાઈને પૂછેલું, એમણે ‘ ઓલિયા સંત જેવો કોઈક શબ્દ આદર સાથે ઉચ્ચારેલો. ગલબાભાઈ સ્મૃતિગ્રંથનું સંપાદન કરતાં એક નાના માણસના મોટા જીવન વિશે જાણવા મળ્યું. અહીં જીવન એટલે કાર્ય. જીવન અને કાર્ય નહિ, જીવન એ જ કાર્ય. ગાંધીજીએ જ્ઞાન કરતાં આચરણને અબજો ગણું ચડિયાતું કહ્યું છે. ગલબાભાઈના જીવનમાં તો બધું આચરણ જ છે અને એનું પ્રેરક બળ સેવા છે, ચાલક બળ સત્ય છે. સત્યના ભોગે સેવા ન કરવાની સભાનતા પણ એમનામાં છે અને તેથી વિદ્વત્તા નથી એની ઊણપ સહેજે સાલતી નથી. અલબત્ત અનુભવ-સિધ્ધ જ્ઞાન છે જ, જે સતત વધતું રહ્યું છે.

 

એના ચાર સુપરિણામ આ ગ્રંથમાં ઠેર ઠેર નોંધાયા છે :

૧. હરિજનો સાથે આત્મીયતા

૨. સ્ત્રી-કેળવણી અને કુરિવાજ નાબૂદી

૩. ખેતી અને ગ્રામોદ્યોગની સુધારણા

૪. સહકારી-પ્રવૃત્તિ અને એનું દ્રષ્ટાંત : બનાસ ડેરી.

ગલબાભાઈએ બીજું કશું ન કર્યું હોત અને માત્ર બનાસડેરીની સ્થાપના કરી હોત તો પણ એમણે ઉત્તર ગુજરાતની યાદગાર સેવા કરી ગણાત. જીવનના જે રસ્તે અગવડો પાર કરતાં કરતાં એ બનાસડેરીના સ્થાપનાકાળ સુધી પહોંચ્યા છે એ રસ્તો પણ કેવા કેવા વળાંકો નિર્દેશે છે ! એમની નિષ્ફળતાઓ તો એ જ જીરવી શકે. ભલભલા ખમત્તીધર ભાંગી પડે, ત્યાં ગલબાભાઈ એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા વચ્ચે સ્વસ્થ ચિત્તે સંચર્યા છે. સફળતાનો માર્ગ તો પસંદ કર્યો જ ક્યાં હતો ? એ તો ટૂંકો હોય છે અને એવો અજાણ્યો પણ નથી હોતો. એ માટે વ્યાપક સંમતિ પણ આપણા રૂઢિચુસ્ત સમાજમાં પડેલી હોય છે. ત્રણ ચોપડીનું શિક્ષણ તો શું તારવાનું હતું, પણ ગાંધી યુગના સંસ્કાર અને જે જગતનો તાત કહેવાયો છે એ ખેડૂતના દીકરાની યોગ્યતાએ એમને અનેક ઉમદા પ્રવૃત્તિઓમાં નિમિત્ત બનાવ્યા, નિષ્ફળતાઓ જીરવી સન્માર્ગે આગળ વધવાની શક્તિ આપી.

ગલબાભાઈ માટે મને જે કારણે સહુથી વધુ માન છે એ એમની હરિજનો અને સમાજના દબાયેલા વર્ગો માટેની આત્મીયત્તા છે. ભલભલા સમાજસેવકોનાં મન પણ ક્યારેક આ બાબતે અસ્વચ્છ લાગ્યાં છે. પોતાના વહીવટમાં હરિજનો માટે જુદાં કપ-રકાબી જોઈને જાગી ઊઠેલો ગલબાભાઈનો પુણ્યપ્રકોપ આજે કેવું મોટું આશ્વાસન લાગે છે ! એમણે કિશોરવસ્થામાં જ અસ્પૃશ્યતાનો ભાવ ભૂંસી નાખવામાં વિરલ સફળતા મેળવી હતી અને વણકર-પ્રવ્રુત્તિમાં સક્રિય રસ લઈને છેક છેવટ સુધી એ વર્ગના સામાજિક-આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

કન્યા-કેળવણી શરૂ કરવામાં, આંજણા-પાટીદાર કોમના કુરિવાજો દૂર કરાવવામાં એ સમય કરતાં આગળ રહ્યાં છે. આમાં એમનું સાહસિક અને નિર્ભય વ્યક્તિત્વ દેખાય છે. મોટા રાજકીય નેતાને પણ બે શબ્દ સાંભળવાની ફરજ પાડી શકે છે.

ધારાસભામાં જવું, જિલ્લા-પંચાયતના પ્રમુખ થવું કે ડેરીના પ્રમુખ થવું, આ બધી વસ્તુઓ તો બનાસકાંઠાના ગ્રામસમાજના ધોરણે ઘણી મોટી કહેવાય. માણસને તુરત સભાન કરી દે, ‘ મોટાભા’ ની રીતે વર્તવાની ફરજ પાડે. પરંતુ કોઈ પદ કે મોભાએ એમને છેતર્યા નહીં, એમની અંતરતમ સચ્ચાઈ અને સાદગી પૂર્વવત રહ્યાં. જે તબક્કે પહોંચેલા માણસને છાણ કે છાણાની સૂગ આવે એ તબક્કે એ પોતાની ટોપીની મદદથી છાણ સાચવી લઈ રાષ્ટ્રીય સંપત્તિના એક લઘુત્તમ એકમનો દુર્વ્યય થતો અટકાવે છે. આમ કરવામાં એમણે વિચાર કરવો પડતો નથી. બધુ અનાયાસ થાય છે. ઘર કે ખેતરનું કામ પણ એ જ રીતે કરતા રહ્યા અને એક મુસ્લિમ બિરાદરની ખબર કાઢવા દવાખાને ગયા ને ત્યાં મૃત્યુ પામ્યા એ ઘટના પણ ઓછી સૂચક નથી.  મૃત્યુ પાસે પણ એ પોતાની ચિંતાથી તો નહોતા જ ગયા અને ગયા ત્યારે જીવનનું કોઈ ઋણ બાકી નહોતું રાખ્યું. એક જીવનમાં, વતનની આજુબાજુ રહીને એક નાનો પણ સાચો માણસ કેટકેટલું કરી શકે એનું દ્રષ્ટાંત બનનાર ગલબાભાઈનું જીવન આપણને સહુને સ્મરણ-રૂપે મળેલો એક વારસો છે.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

સહકારના શિલ્પી ગલબાકાકા ,/ કરોડોમાં એક ક્યારેક ! /આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત.. / બનાસડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ / વિશિષ્ટ દાન