આપણા તિર્થસ્થળો, શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ-૪

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. આ અગાઉ  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના ભાગ-૧, ભાગ-૨ , ભાગ -૩ આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યા છે. પુસ્તકમાંથી આ ચોથો ભાગ છે .  – નિતિન ]

 

વણિક પુત્રી જિનપ્રિયાનું ભણતર ભલે ઓછું હતું, પરંતુ ગણતરમાં કોઈ ઉણપ નહોતી, બુધ્ધિ, બળ, વ્યહવાર-પટુતા અને હિંમતથી તે જવાબદારીઓ વહન કરવા લાગી. માણેકના યથાયોગ્ય ઉછેરની તેણે વ્યવસ્થા ગોઠવી દીધી. વિશ્વાસુ મુનીમોની મદદથી તેણે પતિનો કારભાર સંભાળી લીધો. પ્રેમાળ પતિના આદર્શોને મૂર્તિમંત કરવાના કર્તવ્યપાલન સાથે જપ, તપ, આરાધના તથા પ્રભુદર્શનને પ્રાધાન્ય આપી, જિનપ્રિયાએ જીવનને ત્યાગ વૈરાગ્ય અને કર્તવ્યના રંગે રંગી નાખ્યું. આલિશાન ભવનમાં નિર્મિત સુંદર ગૃહમંદિરમાં બિરાજિત જિન પરમાત્માની પ્રતિમા તેના જીવનનું પ્રેરક બળ બની ગઈ.

‘મોરનાં ઇંડાને ચીતરવાં ન પડે’ એ ઉક્તિ પ્રમાણે બુધ્ધિશાળી પરિશ્રમી અને હોંશિયાર ધર્મપ્રિય શેઠનો પુત્ર માણેક ચપળ, ચતુર અને સમજદાર હતો. માતા જિનપ્રિયાની સ્નેહાળ છત્રછાયામાં તેની કેળવણી શરૂ થઈ. વ્યહવારિક જ્ઞાનની સાથે સાથે ઉપાશ્રયમાં બિરાજતા ગુરુ ભગવંતોની નિશ્રામાં રહી માણેક ધર્મજ્ઞાન અર્જિત કરવા લાગ્યો. તેની મૌલિક વિચારશક્તિ ખીલવા લાગી. ટૂંક સમયમાં જ માણેક વેપાર વાણિજ્ય વ્યવહાર તથા ધર્મ ઇત્યાદિથી સઘળી બાબતોમાં નિપુણ થઈ ગયો.

જિનપ્રિયા ખુશ હતી. તેની કર્તવ્યનિષ્ઠા ફળી હતી. તેનો પુત્ર માણેક હવે યુવાન થઈ કુશળતાથી વેપાર સંભાળવા લાગ્યો હતો. સાહસિક, બુધ્ધિશાળી અને વ્યહવાપટુ માણેકમાં ધર્મના સંસ્કાર ઉતર્યા હતા. આજ્ઞાંકિત માણેક પરમ માતૃભક્ત હતો. પ્રતિદિન પ્રાત: કાળે વહેલા ઉઠીને તે દેવદર્શન કરી ધર્મધ્યાન કરતો હતો. નિત્ય માતાનો ચરણસ્પર્શ કર્યા પછી જ તે પેઢીએ જતો. માતાનો પ્રત્યેક બોલ, પ્રત્યેક આજ્ઞાને આદેશ ગણી તેનું પાલન કરવું એ આદર્શ માણેકના જીવન સાથે વણાઈ ગયો હતો. પોતાના બુધ્ધિ, બળ, ચાતુર્ય અને આવડતથી તેણે વેપારવૃધ્ધિ કરી હતી. અઢળક ધનસંપત્તિ તેના પગમાં આળોટતી હતી. ઉજ્જેન નગરીના શ્રેષ્ઠીઓની પ્રથમ પંક્તિમાં તેની ગણના થવા લાગી હતી. યુવાન, સફળ, સમૃધ્ધ વેપારી માણેક હવે સર્વત્ર માણેકશા શ્રેષ્ઠી તરીકે માન સન્માન પામવા લાગ્યા. પોતાના પિતા શેઠ ધર્મપ્રિયથી પણ માણેકશા ધન ઐશ્વર્યને માન પ્રતિષ્ઠામાં ક્યાંય આગળ વધી ગયા. ધાર્મિક માતા અને સંસ્કારી પુત્રના જીવનમાં સુખની વસંત પાંગરી હતી.

પુત્રની અપ્રતિમ પ્રગતિ અને ચોમેર પ્રસરતી કીર્તિ નિહાળી જિનપ્રિયા મનોમન હરખાતી, ફુલી ન સમાતી. પોતાના પુરુષાર્થની ફલશ્રુતિ જોઈ તેનાં હૈયે અપાર શીતળતા વ્યાપી જતી. યુવાન આકર્ષક કમતા ધમાતા કુળદીપકને જોઈ જિનપ્રિયા ક્યારેક લાગણીવશ થઈ વિચારતી…’બસ, હવે તો આ સુંદર હવેલીમાં એક સદ્દગુણી સ્વરૂપવાન પુત્રવધૂનાં કુમ કુમ પગલાં થઈ જાય તો ધન્ય થઈ જાઉં…!’ અને જિનપ્રિયા એ પછી સંસ્કારી પુત્રવધૂના આગમનના શમણાંમાં ખોવાઈ જતી.

એક દિવસ સંધ્યા ઢળતાં માણેકશા ધરે આવ્યા, ત્યારે જિનપ્રિયા વિચારોમાં ખોવાઈ ઝરુખેથી દૂર પહાડી પાછળ અસ્ત થતા સૂરજને નિહાળતી ઊભી હતી. માણેકશા ચૂપચાપ માતાની પાસે પહોંચી ગય અને હળવેથી માતાના ખભા પર હાથ મૂકીને સ્નેહભર્યા સાદે બોલ્યા….

‘બા ! આમ અસ્ત પામતા સૂર્યને જોઈ શું વિચારો છો ?”

‘બેટા !’ પ્રત્યુતરમાં મમતાળુ માતા બોલી, ‘વિચારું છું….સમયનો કોઈ ભરોસો નથી…આ ડૂબતા સૂરજની જેમ હવે મારી પણ ઉંમર ઢળવા લાગી છે….ન જાણે ક્યારે આ જીવનદીપ બુઝાઈ જાય…!’

નિશ્વાસ નાખતી જિનપ્રિયાની સન્મુખ જઈ માણેકશાએ માતાના બને હાથ પોતાના હાથમાં લઈ ચૂમી લીધા, પછી, લાગણીથી બોલ્યા….‘આવી અશુભ વાત હવે ફરી ન કરતાં બા ! તમારા સ્નેહ-પ્રેમના સથવારે તો હું જીવી રહ્યો છું….તમારા વિના જીવનની કલ્પના માત્રથી હું કંપી ઊઠું છું. તમે નહીં હો તો એકલા જીવવું મારા માટે દુષ્કર થઈ પડશે….!’

‘એવુ નહી બોલ બેટા !’ કહેતા જિનપ્રિયાદેવીએ માણેકશાના મુખ પર હાથ રાખી દીધો.

થોડીવાર માતા અને પુત્ર એકબીજાની આંખોમાં જોતાં ગહન મૌનમાં ખોવાઈ ગયા. ત્યાર પછી સ્નેહથી માણેકશાનાં મસ્તક પર હાથ ફેરવતાં જિનપ્રિયાદેવી બોલ્યાં…

‘બેટા ! એક કામ કરીશ ?’

‘આજ્ઞા આપો બા….’

‘હવે તું પરણી જા….’

‘શું…..? શું કહ્યું બા….?”

‘માણેક તું બહેરો છે કે શું ? મે કહ્યું તું પરણી જા…એક સુંદર પરી જેવી વહુ લઈ આવ…!’

‘પરણી જાઉ? લગ્ન કરી લઉં? પણ આટલા જલ્દી ? આટલી ઉતાવળ શાને?

‘બેટા માણેક ! તારે ભલે ઉતાવળ ન હોય પરંતુ મારે તો છે…..! હવે તું જ્લ્દી લગ્ન માટે હા ભણી દે….’

‘પણ બા…!’

‘પણ બણ કંઈ નહીં,માણેક ! આ મારી આજ્ઞા છે, સમજ્યો ?’

થોડીવાર સુધી માણેકશા ગંભીરતાથી વિચારતા રહ્યા. પછી શરણાગતિના ભાવથી બોલ્યા…

‘ભલે બા…આપની ઇચ્છા મારા સારુ આજ્ઞા છે. આપનો આદેશ સર આંખો પર !’

‘હાશ ! બેટા, આજે તો મારા મન પરનો બોજ ઉતરી ગયો, ચાલ જલ્દી હાથ મોં ધોઈ લે. ચૌવિહારનો સમય થઈ ગયો છે.’

અને થોડીવારમાં જ બને જણ જમવા બેસી ગયાં.

શ્રીમંતાઈમ, સમૃધ્ધિ, સુયશ ને સંસ્કારોની સંપત્તિથી માણેકશા પરિવારની સમગ્ર માલવ પંથકમાં ખ્યાતિ હતી. શ્રેષ્ઠી માણેકશા લગ્ન કરવા તૈયાર થયા છે, એ સમાચાર સઘળે વાયુવેગે પ્રસરી ગયા. ઘણા શેઠ શાહુકારોએ સામે ચાલીને પોતાની દીકરીનું પાણિગ્રહણ કરવા કહેણ મોકલાવ્યાં. કુશળ ઝવેરીની જેમ જિનપ્રિયાદેવીએ વિવિધ કન્યાઓની પરખ શરૂ કરી. અંતમાં ધારાનગરીના શ્રેષ્ટી ભીમરાજની પુત્રી આનંદરતિ પર પસંદગીનો કળશ ઢોળાયો અને એક શુભ માંગલિક દિવસે……

વર્ષો પછી શેઠ ધર્મપ્રિયાનાં આલિશાન ભુવનમાં મંગલ શહનાઈના મધુર સૂર ગૂંજી ઊઠ્યા. શુકનવંતા ઢોલ ધ્રબુકી ઊઠ્યા. રંગરોગાન કરેલી હવેલીના દરવાજા લીલા તોરણો અને પુષ્પમાળાઓથી શોભી ઊઠ્યા. આંગણામાં સુંદર રંગોળીઓ પુરાઈ. દબદબાભેર માણેકશાનો વરઘોડો નીકળ્યો. ખૂબ જ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં, અત્યંત ધામધૂમથી માણેકશાનાં લગ્ન આનંદરતિ સાથે થઈ ગયાં. નગરીના સધળા શ્રીમંત શ્રેષ્ટીવર્યોની સાથે સાથે ગરીબ લોકોએ પણ સુંદર સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી તૃપ્તિના ઓડકાર ખાધા.

શાંત હવેલીમાં પ્રાણસંચાર થયો હતો. આનંદરતિના આગમનથી વાતાવરણ પ્રાણવાન થયું હતું. હવેલીમાં ફરતી નવવધુન ઝાંઝરના ઝણકારથી અજબ સંગીત ઉત્પ્ન્ન થતું હતું. અપ્સરા જેવી આનંદરતિને પુત્રવધૂરૂપે પામી જિનપ્રિયા બેહદ ખુશ હતા. ભલભલા તપસ્વીઓને પણ ચલાયમાન કરી દે તેવું તેનું રૂપ હતું.

કામદેવની પ્રિયા રતિને પણ ભૂલાવી દે તેવા અનુપમ રૂપલાવણ્યની સામ્રાજ્ઞિઆનંદરતિ હતી. સુંદર હરણી જેવી નિર્દોષ ભોળી આંખો….લાંબા કાળા નિતંબ સુધી લહેરાતો કેશ કલાપ…ઢળતું વિશાળ તેજસ્વી લલાટ…ઉન્નત દેદીપ્યમાન કપોલ…પૂર્ણિમાના ચંદ્ર સમાન ગોળ મુખ પર ગુલાબની પાંખડી જેવા રતાશભર્યા ઓષ્ટ અને દાડમની કળી જેવી દંતાવલિ….અણિયાળું સપ્રમાણ નાક….હંસ સમાન ગ્રીવા….સપ્રમાણ અંગોપાંગને તામ્રવર્ણી કાયા…ફૂલડાં ઝરતું સ્મિત અને કોકિલ જેવો કર્ણપ્રિય મધુર કંઠ….ખરેખર આનંદરતિ નખશિખ સૌંદર્યની અપ્રતિમ અદ્વિતિય મૂર્તિ હતી. (ક્રમશ:)..

બાહ્યરૂપરંગની સાથે સાથે આનંદરતિનું આંતરિક સૌદર્ય પણ બેનમૂન હતું. આજ્ઞાંકિત અનુશાસનપ્રિય, પતિ પરાયણ, વિનયી, વિનમ્ર, સેવાભાવી, ધર્મપરાયણ, ચકોર, ચપળ, ચતુર ને બુધ્ધિશાળી આનંદરતિ આદર્શ સંસ્કારોની જીવંત પ્રતિમા હતી. થોડા જ સમયમાં પોતાની અસાધારણ પ્રતિભાના કારણે તે માણેકશાની પ્રાણપ્રિય હર્દય સ્વામિની બની રહી. જિનપ્રિયા પણ આનંદરતિના ગુણિયલ સ્વભાવથી ભારે પ્રભાવિત થયાં. આનંદરતિએ વાણીવર્તન તથા આચારવિચારથી સાસુમાનું દિલ જીતી લીધું. જિનપ્રિયા માટે તે પુત્રવધૂ મટીને સગી દીકરીથી પણ વિશેષ વહાલી બની ગઈ. આનંદ, સુખશાંતિને સંતોષથી હર્યાભર્યા પરિવારમાં સ્વર્ગના સુખોની અનુભૂતિ થતી હતી. (ક્રમશ:)

****

વરસાદ અપડેટ :-

વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ તા.૧૩.૦૯.૨૦૧૪ સુધીમાં ૮૬૫ મી.મી (૩૪.૬ ઇંચ) નોંધાયો છે. આ વર્ષે ભાદરવાએ પોતાનું રોદ્ર રૂપ ધારણ કરતા પાછલા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે મોસમના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ થતા પંથકના લોકો હાલ તો સંભવિત દુષ્કાળની આફતમાંથી ઉગરી ગયા છે.