ગામડાઓ નો પરિચય

રૂપાલ

વડગામ થી નવ કિલોમીટરનાં  અંતરે આવેલ રૂપાલ મધ્યકાળમાં   મેતા તાલુકામાં   આવેલ હતું. તે સમય દરમ્યાન ગામ ની જનસંખ્યા માત્ર નવસો ચોસઠની જ હતી. તે સમયે ગામ નું   નામ રૂપાલ રાખવા પાછળ એક ઐતિહાસિક બનાવ બન્યા નું  કહેવાય છે.

દિવાન શેરખાનનાં  ઇ.સ.૧૭૮૫ થી ૧૭૯૨ નાં  વહીવટ દરમ્યાન અનેક વિઘ્નો આવેલા.તેમનાં  પિતા સલીમખાન નાં  અવસાન બાદ દિવાન શેરખાન ને પાટવી તરીકે નક્કી કરવા પણ બારડજીબાઈ અને જાગીરદારો નો પક્ષ દિવાન શેરખાન ની વિરુધ્ધ મજબુત હતો. પાછળથી જેને માણકા ગામ બક્ષીસ માં   આપવામાં   આવેલ તે આનંદરાવ ચારણ અને ફુલા મહેતાની કુનેહ અને વફાદારીનાં  લીધે દિવાન શેરખાનને રાજગાદી હાંસલ કરવામાં   સફળતા મળેલ. પણ ચારેકોર થી રાજ માં   દિવાન શેરખાનને હંફાવવામાં     માનાજીરાવ ગાયક્વાડ અને મરાઠી લશ્કરનાં  સેનાપતિ પાંડરા સરદાર નાં રાયણરાવ અને તુંવર લાડુજી જે ઠાકરડાઓનો આગેવાન હતો તે બધા ભેગા મળીને રાજકીય કવતરાનાં  ભાગરૂપે રાજ નાં  ગામોમાં   લૂંટ્ફાટ કરતા અને ખેડૂતોને રંજાડતા હતા.

હાલ નું   રૂપાલ ગામ એ વખતે સુખી અને સાધન સંપન્ન હોવાની બાતમીનાં  આધારે ત્રીસ થી પાંત્રીસ બહારવટીયાઓ ગામ ને લુંટવાનાં  ઈરાદેથી સૂર્યાસ્ત સમયે આવેલા. ગામ લોકોને વાતાવરણ ની ગંધ આવી જતા લાકડીયો તાર ફેરવી ગામ લોકો ને સચેત કરી બહાદુર યુવાનો ને સામનો કરવા સજ્જ કરી દીધેલા.બહારવટીયાઓને આ વાતની ખબર પડતા દહેશત ફેલાવવા તેઓએ ભડાકા શરૂ કરી દીધા. ગામનાં  યુવાનોએ પણ ગભારાયા વગર ભડાકાનો સામો જવાબ દીધો. મોડી રાત સુધી ધડાકા-ભડાકા થયા,દારૂગોળો ઓછો પડતા ગામ લોકો એ રૂપાનાં  દાગીનાં  ગોફણો માં   ભરાવી ગોળીઓની જેમ ફેંકતા બહારવટીયા ગામ લોકો ની હિમ્મત અને બહાદુરી જોઈ પોબારા થઈ ગયેલા અને ગામ લુંટાતુ બચી જવા પામેલ. ગોળીઓનાં  સ્થાને રૂપાનો ઉપયોગ થતા ગામનું   નામ રૂપાલ પડી ગયાની લોકકથા છે.

વડગામ મહાલ માં   રૂપાલ ગામ માં   દર વર્ષે શ્રાવણ વદ –સાતમ નાં  રોજ શીતળા સાતમનો મેળો ભરાય છે. તેમાં  લોકોની જબરજસ્ત આસ્થા રહેલી છે. શીતળા માતા, ઓરીયાળ માતા અને લક્ષ્મીજીમાતા   મંદિર  બહાર નાં  ભાગ માં   હનુમાન નું   મંદિર  છે. અહી વખતો વખત સમારકામ-જીર્ણોધ્ધાર કરવામાં આવેલ છે. પણ આ મંદિરો ખુબ જ પ્રાચિન મંદિરો કહેવાય છે, ભૌગોલિક ભૂ-ભાગ માં   ફેરફારો થવાથી મંદિર  લેવલ માં   બનાવવા પડેલ છે. તેમાં   સૌથી ઉપરનાં  શીવલીંગ ની નીચે બે જળધારી  ભૂ-ભાગ માં   આવેલ છે. અમો એ રૂપાલ ગામનાં  વયોવૃધ્ધો ની રૂબરૂ મુલાકાતો લઈને આ પવિત્ર સ્થળોની સત્ય હકીકતોની જાણકારી મેળવી વાંચકો સુધી પહોચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

એક સમય માં કહેવાય છે કે ,અહિ આગળ વાવ હતી. છેલ્લે પગથિયે હનુમાનનું   મંદિર  છે. પૂર્વકાળ માં બળીયા નીકળતા હતા. આ વાવનું  પાણી શૂરાતનવાળુ વેરીલુ હતું. એમ કહેવાય છે કે ,બે સગા ભાઈ આ વાવ નું પાણી પીએ તો વેરભાવનાં  જાગતી. ગામમાં   લોકો વચ્ચે કુસંપ અને કંકાસ વધતા ગયા.

વળી એક દંતકથા મુજબ ,આ વાવ માં   સોનાં ની વેલ (રથ) હતી એટલે લોકો વધારે ગભારાતા હતા. ગામ નાં  મોભીઓએ ભેગા થઈ મસલત કરી એક જાણ્કાર તપોધન રાવલ બ્રાહ્મણ ધ્વારા વિધિ કરાવીને વાવને પૂરી દેવડાવી અને ખરેખર ચમ્ત્કાર થયો. ગામ માં   ભાઈચારો વધી ગયો અને લોકો સંપ થી રહેવા લાગ્યા. આ વાવ નો છેડો ચૌધરી દેવજીભાઈ પરથીભાઈની ખારી વાડીમાં   છે તેવુ લોકો જણાવે છે.

ઓરીયાળ માતાનું   મંદિર  ગુજરાતમાં માત્ર  રૂપાલ ગામમાં જ છે. આ મંદિર  સમગ્ર ગામનું   કુળ મંદિર  કહેવાય છે. ગામ નાં  લોકો લગ્ન માં   મીંઢળ છોડવા અહી આવે છે. આખા દેશ માં  આવુ મંદિર ક્યાય નથી. દર વર્ષે બળેવ નાં  દિવસે અહિ હવન થાય છે. આ મંદિર નાં  ચોક માં   પથ્થર ઉપર માતા નીકળેલા તેને ઓરીયાળ માતાનો ચમ્ત્કાર નહિ તો બીજુ શુ કહેવાય ? આમ રૂપાલ નાં  પવિત્ર ધાર્મિક સંસ્થાનો પ્રાચિન હોવાની સાથે સાક્ષાત ચમત્કારિક પણ છે.

રૂપાલ નાં  આ પવિત્ર પ્રાચિન મંદિર  નો વહીવટ હટારકોમ પાસે હતો. તેઓ નાથાબાવાઓ પાસે પૂજાવિધિ કરાવતા હતા. નાથબાવાઓનાં  હાથ માં   વહીવટી પકડ આવતા લોકોને અંધશ્રધ્ધામાં  ધકેલી ધનનાં  પ્રલોભન માં   તેઓ ગળાડૂબ થઈ ગયાની હકીકત ગામનાં  સજ્જનોને ધ્યાન માં  આવતા મેમદપુરથી દલાભાઈ અને વેલાભાઈ તપોધન બ્રાહ્મણોને પૂજા સારસંભાળ માટે લાવી નાથબાવાઓને રીતસરનાં  તગેડી મૂક્યા હતા.

ગામ લોકોએ આ મિલકત ગામની મિલકત છે તે ગામ ને સોપી દેવા નવાબ સાહેબ ને વિનંતી કરતા લોકો ની વ્યાજબી માંગણી સાંભળીને ઈ.સ.૧૯૪૦ની આસપાસ ગામ નાં  ટ્રસ્ટ ને નવાબ સાહેબે આ મિલકત સોપી દીધેલ.

રૂપાલ ગામની અમારી ત્રીજી વખતની મુલાકાત વખતે ગામનાં  એક વૃધ્ધ પટેલે જણાવેલ કે, અમારા પૂર્વજો દ્વારા જાણવા મળેલ કે ,મંદિર  નાં  વિકાસ અને સમારકામ વખતે મંદિર  ને અડીને ઓળબીનું   વૃક્ષ આવેલ તેને હટાવ્યા સિવાય મંદિર  નું   કામ શક્ય ન હતું   . આ ઓળબીનાં  વૃક્ષ સાથે પૂર્વજો ની ધાર્મિક માન્યતા સંકળાયેલી હોવાથી આ વૃક્ષ ને કાપવા માટે કોઈ હિમત કરતુ ન હતું. વારવાર ચોરે ખાટલા પરિષદો યોજાતી પણ પાકો નિર્ણય થયેલ નહિ. એક રાત્રે ગામનાં  ત્રિકમજી નામનાં  ભીલને સપનું   આવ્યુ કે , મંદિર  નાં  કુવા માં   સાંકળ તરસે, નાલા શેઠ (નિહાલચંદ) ની ઘોડી સાપ કરડીને મરશે,ગામનાં  કોટવાળ (વાલ્મીકી) કાળુભાઈ ની બકરી મરશે. ખરેખર શ્રાવણ વદ સાતમનાં  દિવસે આ સપનું   સાચુ પડ્યુ પછી ગામ લોકો એ ધાર્મિક વિધિ કરીને ઓળબીનું   વ્રુક્ષ હટાવીને મંદિર નું   કામ હાથ ધરેલ. ત્યારબાદ વખતો વખત ધીરે ધીરે વિકાસ પામેલ છે. શ્રાવણ વદ સાતમ નાં  દિવસે નવાબી શાસનકાળમાં   મેળો ભરાતો ત્યારે ભારે જાહોજલાલી રહેતી હતી. અવનવી દુકાનો લાગતી ખાણીપીણીનું   બજાર લાગતુ ચોમેર થી વસ્તી આવતી આજે ચારે બાજુ બાંધકામો અને દબાણોનાં  લીધે મેળાનો મહિમાં   ઘટી ગયો છે.

રૂપાલ વડગામ તાલુકાનું   મધ્યમ મથક કહેવાય છે. અહી ચૌધરી પટેલોની વસ્તી મુખ્ય છે. એ સિવાય ઠાકોર,બ્રાહ્મણ વગેરે ઈતર કોમો હળીમળીને રહે છે. રૂપાલનાં  મૂળ વતની અને હાલ અમેરિકા સ્થિત એન.આર.આઈ. શ્રી ઉમેશભાઈ ચૌધરી શિક્ષણપ્રેમી વ્યક્તી છે. તેઓએ વડગામ ખાતે નિર્માણાધીન કોલેજ માટે માતબર દાન આપેલ છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

(ફોટોગ્રાફ્સ:-ધવલ -(વડગામ)