ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

બનાસડેરી ના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ

વડગામ મહાલ ના નળાસર ગામની ધરતી પર જન્મ લઈ બનાસકાંઠાની ધરતી ને પોતાની બુધ્ધિ પ્રતિભા અને કુનેહ દ્વારા ઉજ્જ્વળ બનાવનાર સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ની આગવી છાપ થી બનાસકાંઠા ના પનોતા પુત્ર તરીકે આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. બનાસકાંઠા જિલ્લા ના ઇતિહાસ માં  અમર થઈ જનાર ગલબાભાઈ પટેલ માં  એક વિશિષ્ટ વ્યક્તિત્વ છુપાયેલુ હતું. આ વ્યક્તિ ને વેણીચંદ સાહેબે નિહાળ્યું  અને તેઓના મુખ માંથી શબ્દો શરી પડ્યા: “મેલા ફાળિયાની નીચે ઝગારા  મારતા કપાળ મા ભાવિના કઈંક વિશિષ્ટ લેખ લખાયેલા લાગે છે.” પણ શરૂઆત માં  તો નસીબની એ રેખાઓ ગુંચવાઈ ગઈ હતી. ફાળિયાના વળ ની જેમ દુ:ખે ગલબાભાઈની ચોતરફ ભીંસ લીધી હતી.

ગલબાભાઈ ના પિતા નાનજીભાઈ ખેતી કરનારા અને ખાધેપીધે સુખી એવા મધ્યમ વર્ગ ના ખેડૂત હતા.અનેક બાધાઓ અને માનતાઓ પછી પગલીના પાડનાર ગલબાભાઈનો જન્મ થયો અને મોટી ઉમર સુધી જિંદગી  ના અંધારા માં  અટવાયેલા એ દપંતિને ટેકણ લાકડી પ્રાપ્ત થઈ. પરંતુ પિતાને બાળકનુ સુખ અને બાળકને પિતાની છત્રછાયા નસીબ માં  નહી હોય એટલે માત્ર બે વર્ષ ની માસુમ વયે ગલબાભાઈના પિતા અનંતની યાત્રા એ ઉપડી ગયા.

એ વખતે ઘરમા માતાના ડૂસકા સિવાય બધુ જ શૂન્ય હતુ. વૈધવ્ય ના ઘા ને જીરવી ન શકનારા ગલબાભાઈના માતા હેમાબેન પણ માત્ર છ મહિના બાદ પતિના પગલે સ્વર્ગે સિધાવ્યા. ટૂંકા ગાળામા માસુમ વયે માતા-પિતાને ગુમાવનાર ગલબાભાઈ અનાથ થઈ ગયા.

પરંતુ નાનજીભાઈના નાના ભાઈ દલુભાઈ અને દલુભાઈ ના પત્નિ મેનાબેને ગલબાભાઈનુ જીવની જતન કરીને તેમનો દશ વર્ષ સુધી ઉછેર કર્યો. ગલબાભાઈના મોટા કાકા ધનરાજભાઈ નળાસર ગામના પટેલ હોઈ મોટાભાગે પટલાઈમા જ વ્યસ્ત રહેતા,પરંતુ તેમ છતાય માતા-પિતા વગરના ભત્રીજાને તેઓ અંતર થી ચાહતા. બાળપણ માં  ગામ ની સીમ માં  ઢોર ચારવા જતા ગલબાભાઈનુ મન સીમ માં  કે ઢોરોમા ન લાગતુ. તેમને તો ભણવુ હતું, પણ નળાસર માં  નિશાળ ક્યા હતી ? ગામ મા એક માત્ર ભણેલા ગલબાભારથી બાવા ઢોર ચરાવતા ગલબાભાઈની ભણતર પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસા   વૃતિ  ને પામી ગયા અને એક ગલબા એ બીજા ગલબાને ભણાવવાનું  શરૂ કર્યુ.પાછળ થી દલુભાઈને આ વાતની ખબર પડતા તેઓએ ગલબાભાઈ ને પ્રથમ મજાદર અને બાદ માં  તેમના મોસાળ વાસણા માં  મૂક્યા. ગલબાભાઈ એ  વાસણાની પાસે આવેલ કાણોદરની શાળા મા સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બાર વર્ષ ની વયે કાકા-કાકીની છત્ર છાયા ગુમાવ્યા બાદ ગલબાભાઈ ને મોસાળ માં  મૂળી માસીને ઘેર જ રહેવાનુ થયુ.તેઓ કાણોદર માં  પોતાની આગવી પ્રતિભાથી વિધ્યાર્થીઓ માં  છવાઈ ગયા,તેઓએ ગામના હરિજનભાઈઓ ને પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના મિત્રો બનાવ્યા.ગલબાભાઈએ ગામના વાણોતર બેચરભાઈની દુકાન માં  વગર પગારે નોકરી કરી ભણતરની સાથે ગણતર માં  ખૂબ આગવી સૂઝ  કેળવી.ગલબાભાઈને કોઈ પણ કામ કરવામાં  નાનપ ન લાગતી, ઝાડું  કાઢવુ, વાસણ માંજવા, ખાટલા પાથરવા જેવા કામોની ગલબાભાઈને કોઈ સુગ ન હતી.

ભણ્યા બાદ ગલબાભાઈ એ મુંબઈની વાટ પકડી. અહી તેઓએ મુસલનમાનભાઈઓએ બનાવેલ ભેંસોના કોઠા ઉપરથી પ્રેરણા મેળવી ભેંસો નો કોઠો બનાવ્યો.કદાચ બનાસડેરીના સાચા શિલ્પી તરીકે ના પગલાની શરૂઆત અહીથી જ થઈ હશે.આજની બનાસડેરી ની એક નાની પ્રતિકૃતિ  સને ૧૯૪૦માં  ગલબાભાઈએ મુંબઈ મા સર્જી હતી.

ઇ.સ.૧૯૪૨ મા હિન્દ છોડો આંદોલને દેશભરને ધ્રુજાવી મુક્યુ હતું. હજુ દેશી રાજ્યો પોતાની મસ્તીમાં  મસ્ત હતા.એ વખતે પાલણપુર સ્ટેટના નવાબે જીરૂ અને રોકડીયા પાકો પર ટેક્સ નાખતા ખેડૂતો ખળભળી ઉઠ્યા.ત્યારે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેનાર સરદાર વલ્લભભાઈ પટેલ ની જેમ ગલબાભાઈ પટેલે પણ ખેડૂતોની આગેવાની લઈ ખેડૂતોના વિવિધ વેરાઓના સુધારા માટે એક એડવાઈઝરી બોર્ડ ની સ્થાપના કરી.ગલબાભાઈની છાપ એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની હોઈ સીધા સાદા પરંતુ ઉચ્ચ કક્ષાની બૌધિક પ્રતિભા ધરાવતા ગલબાભાઈ સૌ કોઈના પ્રિય બની ગયા.

દેશ આઝાદ  થતા ગલબાભાઈ  તેમના કાર્યો ને લઈ એક સામાજિક નેતા તરીકે ઉભરી આવ્યા અને તેઓએ સને ૧૯૪૮મા ભારતીય રાષ્ટ્રીય કોંગેસ માં  પ્રવેશ કર્યો. આ સાથે તેઓએ સહકારી ક્ષેત્ર માં  પણ ઝપલાવ્યું. એ વખતે અનેક અવરોધો પાર કરી ખેડૂતોને સમજાવી ગામે ગામ ફરી સહકારી મંડળી સ્થાપવામા તેઓ એ સફળતા મેળવી.તેઓએ ખેડૂતોને મંડળીના શેર લેવડાવ્યા.અને સભ્યો પુરા ન થતા વેપારીઓને પણ સમજાવટથી મંડળીમા સમાવ્યા.તેઓ એ જિલ્લાની સૌ પ્રથમ મંડળીની સ્થાપના સને ૧૯૪૯ મા છાપી માં  કરી.

૧૯૫૧ માં  પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામ માં  પૂ.રવિશંકર મહારાજ અને પૂ.મુનીસંત બાલજી મહારાજની હાજરીમાં  તેઓએ  એક ભવ્ય ખેડૂત સમેલન નું  આયોજન કર્યુ.જેમા જિલ્લા ખેડૂત મંડળની સ્થાપના કરવામા આવી અને તેઓ આ મંડળ ના સ્થાપક પ્રમુખ બન્યા.

ભારે લોકચાહનાને કારણે ગલબાભાઈ ૧૯૫૨મા કોંગેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને જનસેવા કરવા લાગ્યા.ધારાસભાનુ સત્ર ન ચાલતુ હોય ત્યારે તેઓ ગામડા ખુંદતા અને ગરીબ પ્રજાજનો પાસે જઈ તેમની નાની નાની વાતો અને સમસ્યા સાંભળતા. આજે પણ પછાત તરીકે ગણાતા બનાસકાંઠાની એ વખતે શુ દશા હશે એ કલ્પી શકાય તેમ છે. ખેડૂતોની કફોડી દશા જોયા બાદ તેઓએ કૂવા ઉપર સિંચાઈ માટે એંજિન મૂકવાના વિચાર ને સાકાર કર્યો.જેના માટે તેઓએ એન્જીન  મેળવવા નળાસર – ટીમ્બાચૂડી ઈરીગેશન સોસાયટીની સ્થાપના કરી મશીન ઉપલબ્ધ કરાવ્યા. તેઓએ વણકરભાઈઓ માટે વીવર્સ સહકારી મંડળની  સ્થાપના કરી અને આ મંડળ ના પ્રમુખ તરીકે હરિજનભાઈને બેસાડી પોતે સભ્ય તરીકે જોડાયા.

ખેડૂતો કુવા જેવા ગામમાં  કૂપમંડૂક સમાન જીવે એ વાત દીર્ઘદ્રષ્ટિ ના સ્વામી ગલબાભાઈ ને શી રીતે પાલવે ? એટલે જ તેઓ એ પછાત બનાસકાંઠાના ખેડૂતો ભારત દેશ શુ છે ? એ સમજી શકે એ માટે ખેડૂતોને ભારત દર્શન કરાવવા સ્પેશ્યલ ટ્રેન નુ આયોજન કર્યુ અને ૪૦૦ ખેડૂતોને ભારત ના દર્શન કરાવ્યા.

દ્રીભાષી મુંબઈ  રાજ્યના ટૂકડા થતા ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ એ વખતે ડીસા ખાતે જિલ્લા ખેડૂત મંડળ નુ અધિવેશન યોજાતા તેઓએ ખેડૂતોના હિત માટે આ અધિવેશન મા રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમની કાર્ય કરવાની રીત આગવી છતાં  નિરાળી હતી.તેમનુ જીવન  “High Thinking” ના ઉચ્ચ વિચાર ને વરેલુ હતું. કર્તવ્ય ની આગવી કેડી પર કૂચ કરતા કરતા ભારે લોકચાહનાને લઈ ગલબાભાઈ આગળ જતા “ગલબા કાકા” ના હુલામણા નામે ઓળખાવા લાગ્યા.

ગલબાકાકા એ રાજ્કીય અને સહકારી ક્ષેત્ર સિવાય સમાજ સુધારણા પ્રત્યે પણ વિશેસ યોગદાન આપ્યુ હતુ. એ વખતે સેદ્રાસણ મુકામે યોજાયેલ સમગ્ર આંજણા જાતિ  સંમેલન  માં  કન્યા કેળવણી , મરણ પાછળ ખોટા ખર્ચ ન કરવા , રોવા કુટવાનો રિવાજ બંધ  કરવો, બાળ વિવાહ પ્રતિબંધ, અંધશ્રદ્ધા નાબુદી, સાક્ષરતા જેવા અગિયાર સુધારાઓ ગલબાકાકાએ રજુ કરી પોતાના સમાજ ને રૂઢિગત વિચાર થી મુક્ત કરવા પ્રયત્નો કર્યા હતા.તેઓએ દારૂ અને અફીણ જેવા માદક પદાર્થો નો પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં  લોકલ બોર્ડ નુ વિસર્જન થતા પ્રથમ પંચાયતી રાજ અમલ મા આવ્યું  .એ વખતે તેમણે પક્ષીય રાજકારણ ન લાવવાનો તમામ પક્ષો ને અનુરોધ કર્યો હોવા છતાં  કોંગ્રેસે ચૂંટણી લડવાનુ નક્કી કરતા તેઓ કોંગ્રેસ થી દૂર રહીને પણ વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના અનેક પ્રયાસ છતાં  કોંગેસે જ્યારે જિલ્લા પંચાયત ના ઉમેદવાર તરીકે તત્કાલીન મહેસૂલ પ્રધાન શાંતિલાલ શાહ ને ટિકીટ આપી ત્યારે ગલબાકાકાએ કોંગ્રેસ નો વિરોધ કર્યો અને એ વિરોધ રૂપે તેઓએ ખેડૂત પ્રતિનિધિ તરીકે શ્રી પોપટલાલ જોષીને જિલ્લા પ્રમુખ તરીકે ની ચૂંટણી માં  સહકાર આપી વિજયી બનાવ્યા હતા.તેઓ પોતે પણ ૧૯૬૮મા જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

આજે આપણે ગલબાકાકાને બનાસ ડેરીના પ્રણેતા માનીએ છીએ ત્યારે ગલબાકાકાએ એ વખતે ડેરીનો પાયો કઈ રીતે નાખ્યો હતો એ જાણવું  રસપ્રદ રહેશે.બનાસ ડેરીનું  જ્યારે કોઈ અસ્તિત્વ ન હતું  ત્યારે ખેડૂતોને દૂધના વધુ ભાવ મળી રહે તે માટે  તેઓએ મહેસાણા ડેરીનો સંપર્ક  કર્યો હતો અને તેમના કહેવાથી ખેડૂતોએ મહેસાણા ડેરીમા દૂધ મોકલવાનુ શરૂ કર્યુ હતુ. બનાસકાંઠા ના ખેડૂતો છેક મહેસાણા સુધી દૂધ ભરાવવા લાંબા  થાય છે ત્યારે કેમ આપણા જિલ્લા માં જ ડેરી ની સ્થાપના ન કરવી ? એવો ક્રાતિકારી વિચાર ગલબાકાકા ના મનમાં  સ્ફુર્યો અને તેમના મક્કમ મનોબળ અને અવિરત પ્રયાસ થી ૧૯૬૯ માં  બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની રચના થઈ,જેના તેઓ સ્થાપક પ્રમુખ બન્યા અને અનેક પ્રયત્નો ના અંતે ૧૯૭૦મા પાલનપુરમાં  વિશાળ જગ્યા માં  બનાસડેરીની સ્થાપના થઈ.બનાસડેરી આજે કુદકેને ભુસકે પ્રગતિંના પંથે ગતિ કરી રહી છે,ત્યારે આ વિકાસ ના મૂળમાં  ,પાયામાં  ગલબાકાકા જેવી દીર્ઘદ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું  મહાયોગદાન સમાયેલુ છે એ વાત વિસારી શકાય તેમ નથી.

તા.૦૩-૦૧-૧૯૭૩ના રોજ ગામડાના એક મુસ્લિમભાઈના ખબર અંતર પૂછવા પાલનપુરની હોસ્પિટલ માં  ગયેલા ગલબાકાકા પોતે હોસ્પિટલમાં  જ બિમાર થઈ ગયા અને ઇંજેક્શન ના રિએક્શન ના કારણે તેઓ ત્યાંજ ઢળી પડ્યા.આમ નળાસર ની ધરતી પર જન્મ લઈ સમગ્ર બનાસકાંઠા ની ધરતી ને પાવન કરતા કરતા સૂર્ય જેવુ પ્રતાપી જીવન જીવી જનાર ગલબાકાકાના જીવનનો અસ્ત પણ એક ભાઈ ના ખબર અંતર પૂછવા ટાણે થયો એ ઘટના પૂરવાર કરે છે કે ,જીવન ના અંત સુધી ગલબાકાકાના હર્દયમા બીજા માટે કઈંક કરી છૂટવાની ભાવના સમાયેલી હતી.પોતાની વિદાય થી જિલ્લાની હજારો આંખોને ચોધાર આંસુએ રડવા મજબૂર કરનાર ગલબાકાકા આજે આપણી વચ્ચે સદેહે હયાત નથી પણ તેમના સેવા કાર્યોની ફેલાયેલી સુવાસ જાણે આપણને કહી રહી છે તેઓ હજુ અહી જ છે……અહી જ છે…..અને એ રીતે ગલબાકાકા અજર અમર બની જિલ્લાવાસીઓના દિલોમા કાયમના માટે વસેલા રહેશે એ નિર્વિવાદ હકીકત છે…….

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

Read more abt Shri Galbabhai Nanajibhai Patel with following Reference Links:-

 

ગલબાભાઈ સ્મૃતિ ગ્રંથ બનાસકાકા ગલબાભાઈ PHOTO ALBUM
Slide Show  શ્રધાંજલી

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

(ફોટોગ્રાફ્સ:-વિપુલ ચૌધરી -(કરનાળા) અને નિતિન -(વડગામ)

——————————————————————————————————————————–

બનાસકાકા ગલબાભાઈ

ગલબાભાઈ માત્ર ત્રણ ચોપડી ભણ્યા હતા પણ પછી જીવનની શાળામાં  સતત કેળવાતા રહ્યા.નિષ્ફળતાઓથી હાર્યા નહિ ને સંકલ્પો માં  ડગ્યા નહિ.

એ ગરીબ હતા પણ એમણે કોઈની દયા ઉઘરાવી નહિ. ગરીબી ને ગૌરવ થી જીરવી એનો પોતાના ઘડતરમા ઉપયોગ કર્યો. ધારાસભા, જિલ્લા પંચાયત , બનાસડેરી જેવી મોટી જવાબદારીઓ આવી ને સાધન-સગવડ વધ્યાં તે પછી પણ પૂર્વવત સાદગીભર્યુ નિર્દોષ-નિખાલસ જીવન એમને પસંદ હતું. મોટાઈના દેખાવ થી બચીને એ સતત વિકસતા રહ્યા.

વતનની ધૂળનો એમણે મહિમા કર્યો. કુટુંબ  ને કોમ સાથે એ સંકળાયેલા રહ્યા,એના સુધારાઓમાં   રસ લેતા રહ્યા પણ ન બન્યા કદી પ્રદેશવાદી કે કોમવાદી. હરિજનો – મુસ્લિમો જેવા સમાજ ના દબાયેલા ઉપેક્ષિત વર્ગો માટે જીવન ના છેલ્લા શ્વાસ સુધી એમણે કામ કર્યુ, ઉમંગ થી સામે ચાલીને. એમનું  કાર્યક્ષેત્ર મુખ્ત્વે બનાસ્કાંઠા અને ઉત્તર ગુજરાત છે.હવેથી એ બનાસકાકા તરીકે ઓળખાય એ સર્વથા યોગ્ય છે પણ એમની લોકચાહના અને સચ્ચાઈ એવા મોટા હતા કે દેશ સમગ્રના જાહેર જીવન માટે એ પ્રેરક દ્રષ્ટાંત બની શકે.

તા.૨૦.૦૧.૧૯૭૯                                                                                           – રઘુવીર ચૌધરી

સ્વ,શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે વધુ માહિતી વાંચવા માટે નિચે જણાવેલ PDF ફાઈલ ને download કરો.

બનાસકાકા ગલબાભાઈ