ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

વ્યસન મુક્તિ નું પ્રભાત : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. “સંઘર્ષની વચ્ચે” એ પુસ્તકનું નવમું પ્રકરણ છે.આ અગાઉ આઠ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું].

 

આ વેબસાઈટ ઉપર લખાયેકા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવા અહીં  ક્લીક કરો.

 

પ્રકરણ : ૯

ઉત્તમભાઈએ આબાદ કોઠાસૂઝથી એવી દવાઓનું ઉત્પાદન કર્યું કે જેમાંથી સારો એવો નફો થાય અને મોટી આવક મળી રહે. એમની દવાઓની માંગ હોવા છતાં એકલે હાથે આ બધી કામગીરીઓમાં એનો જોઈએ એટલો પ્રચાર થતો નહી. વળી એ સમયે એમના મનમાં ઊંડે ઊંડે દહેશત રહેતી કે જો માંગને કારણે સઘળી દવાઓ વેચી નાખીશ, તો ફરી એ દવાઓના નિર્માણમાં સમય જશે.

આ બધા કરતાં એમની નિષ્ફળતાનું મુખ્ય કારણ તો એમની લથડેલી તબિયત હતી. છેક હોઠ સુધી આવેલો કોળિય એકાએક ઝુંટવાઈ જાય એવી ઘટનાઓ, ઉત્તમભાઈના જીવનમાં ફક્ત એકવાર નથી બની, કિંતુ એનું વારંવાર હર્દયવિદારક પુનરાવર્તન થયું છે. જીવનમાં આવેલા વાવાઝોડાને પરિણામે ક્યારેક વિચારતા પણ ખરા કે કરોડપતિ થવાની કલ્પના કરનારને ‘રોડ’પતિ બનીને જીવવાનું આવ્યું ! એમની શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાં આર્થિક મુશ્કેલીઓ ઉમેરો કરતી ગઈ. વળી આર્થિક સંકડાશમાંથી બહાર આવવાના અતિ પરિશ્રમ અને ટેબ્લેટની આદતને કારણે નવી-નવી શારીરિક અને માનસિક આપત્તિઓ ઊભી થવા લાગી. ભલભલા મક્કમ માનવીની હામ ભાંગી નાખે તેવું આ વિષચક્ર હતું. એક મુશ્કેલી બીજી મુશ્કેલીને વકરાવી દેતી હતી અને તેને પરિણામે મુશ્કેલીઓમાં વળી નવી આફતનો ઉમેરો થતો હતો.

આવે સમયે ઉત્તમભાઈ કોઈ મનોચિકિત્સકને બતાવવા જતા હતા, ત્યારે એમની આસપાસ સમાજમાં પગ કે પાંખ વિના કેટલીયે અફવાઓ ઊડવા લાગતી અને ચોપાસ ફેલાતી હતી. સમાજનો અભિગમ પણ એવો હતો કે વ્યક્તિને ટી.બી. કે કેન્સર થાય તો તેને સાહજિક રીતે સ્વિકારી લેતા હતા. એ બાબત ક્યારેય ચર્ચાનો વિષય બનતી નહીં. પણ કોઈ માનસિક બીમારી થઈ હોય તો સમાજમાં સહુ એમ માને કે જરૂર કોઈ મોટી ગરબડ હોવી જોઈએ.

આવી અજંપાયુક્ત માનસિક સ્થિતિમાં સાથ કે સહારો આપવાની વાતથી તો સમાજ દૂર રહેતો હતો, કિંતુ આવી વ્યક્તિને એની પાસેથી માત્ર જાકારો, ઉપહાસ અને ઉપેક્ષા જ મળતા હોય છે. એના ચિત્તના જખમને જોવા-સમજવાને બદલે એ ઘા વધુ ઊંડો કરવામાં રસ દાખવતા હતા. માનસિક વ્યાધિગ્રસ્તને સમજવાને બદલે હસી કાઢતા હતા. નજીકના સાથીઓ જાકારો આપવા માગતા હતા. કેટલાક એવો ઉપહાસ પણ કરવા લાગ્યા કે, “જુઓને ! ગજા બહારની મોટી ફાળ ભરવા ગયા અને કેવા બરાબરના ભોંય પર પછડાયા !”

ઘટનાઓ પણ એવી બનતી કે ઉત્તમભાઈ સંજોગોના સકંજામાંથી બહાર નીકળી શક્તા નહીં. એક વાર એવું બન્યું કે એમને લોન લાઈસન્સ પર મુંબઈમાં દવાઅ બનાવવાની પરવાનગી મળી. આ માટે કેમિકલ્સની ખરીદી કરવા મુંબઈ જવું પડે તેમ હતું. આ સમયે રહેવાનું તો છાપીમાં જ હતું. પરિણામે તેઓ વારંવાર છાપીથી મુંબઈ જતા હતા. આદતે એમને મજબૂર બનાવ્યા હતા. મુંબઈ જેવા મહાનગરમાં ‘ઓમ્ફેટોમિન’ ની ગોળી આસાનીથી મળી રહેતી. છાપીમાં એ ગોળી મેળવવાની મુશ્કેલી હતી. ગોળી હોય તો કુટુંબના સભ્યોની હાજરીને કારણે લેવામાં મુશ્કેલી હતી. પણ મોહમયી મુંબઈ એમને માટે મોહરૂપ બની.

ધીરે ધીરે સ્થિતિ એવી આવી કે માનસિક અસ્વસ્થતાને કારણે ઉત્તમભાઈની તબિયત બગડી. હવે તો મુંબઈની હાડમારી સહન કરી શકે તેમ ન હતા. આ સમયે પાલનપુરની હાઈસ્કૂલના એમના એક વખતના સહાધ્યાયી જેસિંગભાઈનો મેળાપ થયો. એ બનેં મિત્રો દસ ધોરણ સુધી એક જ વર્ગમાં સાથે ભણ્યા હતા, પરંતુ એ પછી કશો ગાઢ સંપર્ક રહ્યો નહોતો. માત્ર અલપઝલપ કોઈ પ્રસંગે મળવાનું બનતું હતું. ઉત્તમભાઈના લગ્ન સમયે અણવર તરીકે જેસિંગભાઈ હતા.

જેસિંગભાઈ અત્યંત મહેનતુ માનવી હતા. આસાનીથી રોજના પંદર કલાક મહેનત કરી શકતા હતા. વળી એમના હર્દયમાં ઉત્તમભાઈ અને શારદાબહેન પ્રત્યે કૌટુંબિક લાગણી પણ ખરી. એમની ભાગીદારીમાં ઉત્તમભાઈએ દવાઓના ઉત્પાદનનો ધંધો શરૂ કર્યો. પાલનપુરમાં ઓફિસ રાખી. માલને માટે મુંબઈ જવાનું દોડઘામ કરવાનું અત્યંત સ્ફુર્તિવાળા અને પરિશ્રમી જેસિંગભાઈ માટે સહેજે મુશ્કેલ નહોતું. વળી ઉત્તમભાઈને ચિત્ત અસ્વસ્થ થતાં નામું લખવાની તકલીફ પડતી હતી એટલે જિસિંગભાઈ નામું પણ લખી આપતા હતા.

ઉત્તમભાઈની દોડધામ ઓછી થઈ, પરંતુ બે વર્ષના અંતે જેસિંગભાઈએ જોયું કે આ દવાના ઉત્પાદનના વ્યવસાયમાં તો આટલી બધી દોડધામ પછીય લાભને બદલે નુકશાન જ છે. આ અનુભવને કારણે એમણે મનમાં ગાંઠ વાળી કે દવાની લાઈનમાં કોઈ બરકત નથી, અને તેથી એમણે ભાગીદારીમાંથી છૂટા થવાનો વિચાર કર્યો. જેસિંગભાઈ ભાગીદારીમાંથી છૂટા થયા, છતાં અંગત સ્નેહને કારણે એમણે સદાયે ઉત્તમભાઈને હૂંફ અને શારદાબહેનને હિંમત આપ્યા હતાં.

ઉત્તમભાઈ એ છાપીમાં એમના સાળાના મકાનમાં ‘ટિનિટિ’ કંપનીની ઑફિસ ખોલી. ૧૯૬૫-૧૯૬૬માં જ્યારે દવાઓના વેચાણનું કામ શરૂ કર્યુ, ત્યારે ઉત્તમભાઈ જુદા જુદા ડૉક્ટરોને ત્યાં બુશશર્ટ અને પેન્ટ પહેરીને જતા હતા; આ સમયે સ્થિતિ એવી હતી કે એમણે પેન્ટ પણ સાળા પાસેથી ઉછીનું લીધું હતું. આખો દિવસ જુદા જુદા ગામડાઓમાં ફરવાનું રહેતું. ધૂળિયા ગામડાઓમાં પેન્ટ ધણું મેલું થઈ જતું. રાત્રે શારદા બહેન પેન્ટ ધોઈને સૂકવતા અને સવારે ફરી એ પેન્ટ પહેરીને ઉત્તમભાઈ એમના કામે નીકળી જતા.

એ સમયે દૂરદૂરનાં ગામડાંમાં ભાગ્યે જ કોઈ મિડિકલ રીપ્રેઝન્ટેટિવ જતા હતા. નાનાં ગામડાંમા રહેતા ડૉક્ટરોને પણ એમ લાગતું કે એમની ઉપેક્ષા થાય છે. આવી પરિસ્થિતિમાં ટાઈ, શર્ટ અને પેન્ટ પહેરેલા ઉત્તમભાઈ એમને મળવા જાય એટલે સ્વાભાવિકપણે એ ડૉક્ટરોને અપાર આનંદ થતો હતો.

એમની દવાઓનો વ્યાપક પ્રચાર શરૂ થયો હતો અને એમ લાગતું હતું કે ધીરે ધીરે બધું ગોઠવાઈ જશે. ‘ટ્રિનિપાયરીન’ ગોળી એ પીળા રંગની વિદેશી ગોળીના જેવા રંગની જ હતી, પણ એની કિમંત માત્ર બે આનાની હતી. ‘ઇરગાપાયરીન’ એ માત્ર ચાર આનામાં વેચતા હતા અને ટ્રિનિહેમિન’ એ વિટામીનની ગોળી હતી. ડૉ. બાવીશીના કહેવા મુજબ આ દવાઓની કિમંતમાં દર્દીને પચાસ ટકાનો ફાયદો થતો હતો. વળી દવાની ગુણવત્તા સાથે ઉત્તમભાઈ કદી સમાધાન કરતા નહીં. આથી અમદાવાદના ડૉ. વીરેન્દ્ર દલાલ અને ડૉ. રાજેન્દ્ર દલાલ ‘ટ્રિનિટી’ ની દવાઓ મોટા જથ્થામાં ખરીદતા હતા. આ બનેં પાસેથી ઉત્તમભાઈને ઘણો મોટો ઓર્ડર મળતો હતો.

ઉત્તમભાઈમાં દવાના ક્ષેત્રની કોઈ વિલક્ષણ સૂઝ હતી. ભારતમાં જો છ હજાર કરોડની દવાનુ વેચાણ થતું હોય તો પાંચ હજાર કરોડની દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે વેચાય છે. બાકીની એક હજાર કરોડની દવા સરકારી હોસ્પિટલોમાં અને અન્યત્ર ખરીદવામાં આવે છે. આથી જે વ્યક્તિને આ વ્યવસાયમાં પ્રગતિ સાધવી હોય તેણે પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓ બનાવવી જોઈએ. દવાના નિર્માણ વિશેની ઉત્તમભાઈની આ વિચારધારા હતી.

વળી આ ક્ષેત્રનો અનુભવ એમ કહેતો હતો કે આવી પ્રિસ્ક્રિપ્શનવાળી દવામાં બે વસ્તુનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. એક તો એવી દવા બનાવવી કે જે ડૉક્ટર દર્દીને લખી આપે અને બીજં એ કે દવા એવી બનાવવી કે બીજું કોઈ ન બનાવતું હોય.

આવી ‘અનકોમન’ દવા બનાવવાનું વલણ ઉત્તમભાઈમાં વિશેષ જોવા મળ્યું. આવી તદ્દન નવી દવા ન બનાવાય, તો વધુમાં વધુ એવી દવા તો બજારમાં મૂકવી જ કે જે વિદેશનીબહુરાષ્ટ્રીય કંપની બનાવતી હોય અને ભારતમાં ખૂબ મોંઘા ભાવે વેચાતી હોય. આની પાછળ ઉત્તમભાઈની એક એવી ભાવના પણ ખરી કે આવી દવા સસ્તી કિમંતે બનાવીને તમે દર્દીને માટે આશીર્વાદરૂપ પણ બની શકો. ઉત્તમભાઈએ આવી દવા સસ્તી કેમ બને તેવો પ્રયાસ શરૂ કર્યો. પરિણામ એ આવ્યું કે પરદેશમાં બનતી દવાઓ અહીં સસ્તામાં મળવા લાગી. એટલું જ નહી, પણ દવાની ગુણવત્તા જાળવવા માટે પણ ઉત્તમભાઈ સતત જાગ્રત રહેતા.

એમના જીવન પર ‘એમ્ફેટેમિન’ ગોળીનું વ્યસન ભરડો લઈને બેઠું હતું. એક વાર એની લત લાગે, એટલે માનવી ભાગ્યે જ એમાંથી બહાર નીકળી શકે.

આવી ગોળી લેવાની ભૂલનું ભયાનક પરિણામ એમને ભોગવવું પડ્યું. માત્ર નોંધપાત્ર બાબત એટલી કે એ ગોળીની આદતમુક્તિ એ એમનો સૌથી મોટો પુરુષાર્થ ગણાય. આને માટે અપ્રતિમ નિર્ધાર જોઈએ. અશક્યને શકય કરે એવું સંક્લ્પબળ જોઈએ. આદતમાંથી છૂટવા માટે એમણે ભગીરથ પ્રયાસ કર્યો અને અંતે એમાંથી મુક્ત થઈ શક્યા. આ આદતમુક્તિ માટે સૌથી વધુ તો દેહની માંગણી અને વૃતિઓના સળવળાટ પર મજબૂત અંકુશ જોઈએ. એમણે અપાર પ્રયત્નો પછી આવો અંકુશ હાંસલ કર્યો.

‘ટેબ્લેટ’ ની ટેવને પરિણામે એમના અંગત જીવનમાં ઘણા વાવંટોળ આવ્યા. વેપારી જીવનમાં આફતોની આંધી ઊઠી. સામાજિક જીવનમાં તિરસ્કાર વેઠવા પડ્યા. એ ટેબ્લેટના જોશમાં એમણે પોતાના ઘરના કુટુંબીજનોને ઘણીવાર મુશ્કેલીમાં મૂક્યા હતા. ક્યારેક આવેશમાં આવીને લાંબા લાંબા કાગળો લખી નાખે. ક્યારેક ટેબ્લેટ લેવા માટે ક્યાંક દૂર દૂર ચાલ્યા જાય. ક્યારેક પોલીસ સ્ટેશને જઈ ખોટી ફરિયાદ કરે. ટેબ્લેટ લેતા ત્યારે એમની આંખોની કીકી થોડી ડરામણી બની જતી. પોતાના વર્તનનો એમને ખુદને ખ્યાલ રહેતો નહીં. એમાં પણ આ ટેબ્લેટનો સૌથી પ્રબળ વિરોધ શારદાબહેન કરતા હતા એટલે એમને સૌથી વધુ સહન કરવું પડતું હતું. આવા આવેગ કે આવેશના સમયે જો કોઈ શારદાબહેનને ઠપકો, ગુસ્સો કે મારથી બચાવવા જાય તો તેના પર પણ ઊકળી ઊઠતા હતા. ઉત્તમભાઈના બહેન ચંદનબહેન વચ્ચે પડીને સમજાવવાની કોશિશ કરે, તો પણ એમનું કશું કાને ધરે નહીં.

મરોલીમાં માનસિક રોગોની હૉસ્પિટલમાં એમને શોક પણ આપ્યા. વિચિત્રતા તો એ હતી કે બહારની વ્યક્તિઓને એમની આ આદતનો કશો ખ્યાલ ન આવે. સમાજમાં કોઈને અણસાર ના આવે. માત્ર એમના ઘરના સભ્યોને – વધુમાં વધુ તો એ મકાનમાં રહેતાં પડોશીઓને આનો અનુભવ થયો હતો. એની અસરમાંથી ઉત્તમભાઈ મુક્ત બને ત્યારે એમના ચિત્તમાં ખૂબ વસવસો પણ થતો હતો. ઘણી વ્યક્તિઓ એમ માનતી કે હવે શારીરિક અને માનસિક રીતે લાચાર ઉત્તમભાઈ વેપારમાં કે જીવનમાં કશું કરી શકે એમ નથી.

આવા કાળમીંઢ અંધકારમાં એક નવી સમસ્યા ઊભી થઈ. સવાલ એ હતો કે હવે છાપીમાં રહેવું કે અમદાવાદ જવું ? છાપીમાં પ્રમાણમાં ખર્ચ ઓછું આવતું હતું. બીજી બાજુ એ સમયે ડિસ્પેન્સિંગની દવાઓમાંથી ૮૦૦-૯૦૦ રૂપિયા મળતા હતા, આથી છાપી જેવા ગામમાં રહેવા-જમવા માટે આટલી રકમ પૂરતી હતી. એ સમયે અમદાવાદમાં શ્રી રવિન્દ્ર ગાંધી મારફતે એમની દવાઓના વેચાણનું કામ તો ચાલતું હતું. ‘એમ્ફેટેમિન’ ની આદત પણ છૂટી ગઈ હતી.

જિંદગીના સતત ખળભળતા રહેતા જળ શાંત થયાં હતાં. હવે એ જિંદગી ઠરીઠામ થાય તેવી ઉત્તમભાઈની ઇચ્છા હતી. એમને એમ હતું કે એકાદ વર્ષ છાપીમાં વધુ રહેવું અને વ્યવસાયમાં સ્થિર થવું. અમદાવાદમાં વસવાટ કરે તો ઓછામાં ઓછો એક હજારનો ખર્ચ વધી જાય. બીજી બાજુ એમના સંતાનો મોટા થતાં હતાં. એમના ભવિષ્યનું શું ? એમની કેળવણીનું શું ?

ઉત્તમભાઈને એમની મહત્વકાંક્ષાને કારણે જીવનમાં ઘણી મોટી કિંમત ચૂકવવી પડી હતી, આમ છતાં હતાશ કે નિરાશ થવાને બદલે અવિરત મહેનત કરતા રહ્યા. આની પાછળ ઊંડે ઊંડે એક એવી પણ ભાવના હતી કે સ્વપ્ન સિધ્ધ કરવા માટે પોતાને જીવનની આકરી તાપણી માંથી પસાર થવું પડ્યું. પરંતુ પોતાના સંતાનોને આવી કસોટીમાંથી પસાર થવું ન પડે તેવું કરવું. ઉત્તમભાઈના મનમાં ઇચ્છા એવી હતી કે એમના મોટા પુત્ર સુધીર સતત વિદ્યાભ્યાસમાં આગળ વધતા રહે. એની પાછળ એવો ખ્યાલ હતો કે સમય જતાં તે એમની દવાની કંપનીનો સધળો કારોબાર સંભાળી લે.

ઉત્તમભાઈ છાપીમાં રહે અને સુધીરભાઈ અમદાવાદમાં અભ્યાસ કરતા હોય, એ સરળતાથી સિધ્ધ થયું હોત, પરંતુ શારદાબહેનની ઇચ્છા એવી કે માત્ર પુત્રો જ નહીં પરંતુ પુત્રીઓ પણ પુરતો અભ્યાસ કરે. એમને કેળવણીની તમામ તક મળવી જોઈએ. સૌથી મોટી પુત્રી મીનાબહેનને એમણે સમાજનો વિરોધનો પ્રતિકાર કરીને પણ ભણાવ્યાં હતાં. હવે જો તેઓ છાપીમાં રહે તો ભણવા માટે અમદાવાદ જઈ રહેલી નાની પુત્રી નયનાબહેનને હોસ્ટેલમાં રહેવું પડે. વળી બે વર્ષ પછી નાના પુત્ર સમીરભાઈ પણ કોલેજ જવાને યોગ્ય થતાં એને પણ હોસ્ટેલમાં રહેવું પડે. આથી ૧૯૬૮માં અમદાવાદ આવવાનું નક્કી કર્યુ.

દરિયામાં વહેતા જહાજનો સઢ બદલાય અને આખીય દિશા બદલાઈ જાય એ રીતે અમદાવાદથી છાપી આવેલાં ઉત્તમભાઈ અને શારદાબહેન ફરી એકવાર અમદાવાદ જવાનું નક્કી કર્યું. આમાં અપાર મુશ્કેલીઓ અને અનેક પડકાર હતાં. છાપીના સગાઓની ઓથ ગુમાવવાની હતી. આર્થિક ભીંસમાં વધારો થવાનો હતો, પરંતુ બંનેને માટે પોતાના સંતાનોનો અભ્યાસ એ સર્વોપરી બાબત હોવાથી ફરી અમદાવાદ આવવાનું નક્કી કર્યુ. છાપીની યાતનાનો અંત સુખદ આવ્યો. ઉત્તમભાઈનુ સિગરેટ અને ટેબ્લેટનું વ્યસન છૂટી ગયું. અમદાવાદ જતા અગાઉ શારદાબહેનને શ્રી તારંગા તીર્થની યાત્રા કરીને જવાની સ્ફુરણા થઈ. પરિણામે ઉત્તમભાઈ અને શારદાબહેન તારંગા તીર્થની યાત્રા કરી આવ્યાં. છાપીથી અમદાવાદ જવા માટે સામાન ભરાયો, ત્યારે ટ્રેઇનનું ભાડું બચે તે માટે બધા સામાન સાથે ટ્રકમાં બેસીને અમદાવાદ આવ્યાં.

૧૯૬૮ના જૂન મહિનામાં છાપીથી અમદાવાદ આવ્યાં. અમદાવાદના મણિનગરમાં કમલકુંજ સોસાયટીમાં ઉત્તમભાઈએ મકાન ભાડે લીધું. શરૂઆતની કારમી આર્થિક તંગીને કારણે એ દિવસો ઘણા દોહ્યલા હતા. એ બખતે ઉત્તમભાઈ પાસે દવાના નિર્માણની કોઈ ફેક્ટરી નહોતી એટલે બીજી જગ્યાએ દવાનું ઉત્પાદન કરે અને પછી પોતે જાતે ફરીને એનું વેચાણ કરે. અમદાવાદમાં ઘરમાં પંખો નહીં. જૂન મહિનાની બળબળતી બપોરે પંખા વિના રહેવાય કેવી રીતે ? બીજી બાજુ પંખો લવાય તેટલા પૈસા નહોતા. ૧૧૪ ડિગ્રી જેટલી સખત ગરમી હોવા છતાં પંખા વિના કેટલાય દિવસો પસાર કર્યા. જો કે પ્રતિકૂળ સંજોગોથી પરેશાન થવાને બદલે શારદાબહેન અને ધરના સહુએ આ પરિસ્થિતિ સામે કશી ફરીયાદ કરી નહીં. આર્થિક સંકડામણને કારણે અભાવને સહન કરવાની આદત પડી ગઈ હતી. ઉનાળાના બળબળતા તાપના કેટલાય દિવસો પસાર કર્યા બાદ અંતે પંખો લાવવાનું નક્કી કર્યું. એ સમયે એક એક આનાની કિંમત હતી. એક આનો બચાવવા માટે શારદાબહેન બે સ્ટેન્ડ દૂર આવેલા પુષ્પકુંજના સ્ટેન્ડ પર ઊતરીને ચાલતાં-ચાલતાં ઘેર આવતાં હતાં.

એ સમયના ઉત્તમભાઈના મિત્રોમાં ‘લેડરલી’ કંપનીમાં કાર્ય કરતા સુમનભાઈ, ‘બાયર’ માં કામ કરતા અમૃતલાલભાઈ, ‘રેપ્ટેકોસ’ માં કામ કરતા શાંતિભાઈ, ‘ગાયગી’ માં કામ કરતા કામદાર અને ગુજરાત લેબોરેટરીમાં કામ કરતા રસિકભાઈ- જેવા વ્યવસાયી મિત્રો અવારનવાર ભેગા થતા હતા. અમદાવાદના નગરશેઠના વંડામાં રહેતા સ્વ. સુમનભાઈ મહેતા અને સુશીલાબહેન મહેતા સાથે ઉત્તમભાઈને ગાઢ સબંધ હતો. આ બધા મિત્રો મળવા આવે તો ધરમાં બેસાડવા ક્યાં ? આથી બજારમાં જઈને ઉત્તમભાઈ એક સોફો ખરીદી લાવ્યા. જે દિવસે ઘરમાં સોફાનો પ્રવેશ થયો, ત્યારે જાણે કોઈ ઉત્સવનો આનંદ પ્રગટ્યો. કોઈ કીમતી વસ્તુ ધરમાં આવ્યાનો ઉલ્લાસ છલકાતો હતો.

આ સમયગાળામાં ઉત્તમભાઈનું વાચન તો સતત ચાલુ હતું. વ્યવસાયના વિકાસની અદમ્ય ઇચ્છા એટલી જ તીવ્ર હતી. એ સમયનું સ્મરણ કરતાં સુમનભાઈના પત્ની સુશીલાબહેન કહે છે કે એ વખતે અમને સહુને ઉત્તમભાઈના વ્યક્તિત્વની બે બાબતો હર્દયસ્પર્શી લાગી હતી. એક તો ઉત્તમભાઈ કયારેય ગુસ્સે થતા નહી; બીજુ એમનામાં ભારોભાર નમ્રતા વસતી હતી.

ઉત્તમભાઈ મણિનગરના કમલકુંજના મકાનમાંથી એ જ વિસ્તારની જલારામ પાર્ક સોસાયટીમાં આવ્યા. અહીં ૧૯૦ રૂ. મકાનભાડું હતું. એ સમયે ઉત્તમભાઈને ચાર હજાર રૂપિયાનું ‘ઇમ્પોર્ટ લાઈસન્સ’ મળ્યું હતું. એમણે એમન એક સ્નેહીને કહ્યું કે જો દસ હજારનું લાઈસન્સ મળે તો આરામથી અમદાવાદનો ખર્ચો તો નીકળી જાય. ઉત્તમભાઈ જાતે એ માટે પ્રયાસ કર્યો અને દસ હજાર રૂપિયાનું લાઈસન્સ મેળવ્યું.

આ સમયે જલારામ સોસાયટીના સોળ નંબરના મકાનમાં ઉત્તમભાઈએ એક રૂમ લીધી. ૧૪ ફૂટ X ૧૦ ફૂટની રૂમ એટલે ઉત્તમભાઈને અનેકવિધ કારોબાર ચલાવતી કચેરી. અહીં એમનું ઑફિસનું કામ ચાલતું હોય, માલનું પેકિંગ થતું હોય અને તૈયાર કરેલો માલ બહાર મોકલવામાં આવતો હોય. આ સમયે શારદાબહેન તેમને સક્રિય સાથ આપતા હતાં અને ઉત્તમભાઈના વ્યવસાય પર જાતદેખરેખ રાખતા હતા. વીસનગર, પાટણ અને અમદાવાદના ડૉક્ટરો ‘ટ્રિનિટી’ ની દવાની ભલામણો કરવા લાગ્યા. એ પછી મણિનગરની શાહઆલમ વિસ્તારની પોસ્ટઑફિસ પાસેની એક જગા ફેક્ટરી માટે લીધી.

આ ફેક્ટરી ત્રિકોણિયા મકાનમાં હતી. કેટલાકે કહ્યું કે આવા ત્રિકોણિયા મકાનમાં ફેક્ટરી શરૂ ન કરો તો સારું, કારણ કે ત્રિકોણિયું મકાન ફેક્ટરી માટે અપશુકનિયાળ મનાય છે. ઉત્તમભાઈ કયારેય શુકન-અપશુકનમાં માને નહીં, પણ બન્યું એવું કે જે દિવસે એમણે ફેક્ટરી શરૂ કરવા માટે આ મકાન લીધું, બરાબર એ જ દિવસે એક નવો, અણધાર્યો ઝંઝાવાત એમના જીવનમાં આવી ચડ્યો. મદ્રાસની એક કંપનીએ ઉત્તમભાઈની ‘ટ્રિનિટી’ કંપની પર ટ્રેડમાર્ક ભંગ માટે કેસ દાખલ કર્યો.

વિધિની વિચિત્રતા પણ કેવી ? અથાક પ્રયત્નો બાદ પ્રગતિ કરવાની માંડ સુવર્ણ તક ઊભી થઈ, દવમાંથી કમાણી થાય એવી પરિસ્થિતિ સર્જાઈ, ત્યારે જ ટ્રેડમાર્ક અંગે કેસ શરૂ થયો. પરિણામે મદ્રાસની કોર્ટમાં વારંવાર ધક્કા ખાવા પડ્યા. દર પખવાડિયે કેસ માટે મદ્રાસ જવું પડતું હતું. જે મુસાફરીથી અત્યાર સુધીમાં ખૂબ કંટાળ્યા હતા, એ જ મુસાફરી ફરી સામે આવીને ઊભી રહી !

ઉત્તમભાઈ ટ્રેડમાર્ક બદલવા તૈયાર હતા, પરંતુ સામા પક્ષના વકીલે આ બાબતને ‘વટ’ નો પ્રશ્ન બનાવ્યો. બીજી બાજુ ઉત્તમભાઈને થયું કે એમની દવાઓ વેચાવા લાગી છે, ત્યારે જ જો કોર્ટ મનાઈહુકમ આપે તો કરેલી સઘળી મહેનત પર પાણી ફરી વળે ! સુખનો સૂરજ ઊગવાની તૈયારીમાં હતો અને આફતના કાળા વાદળો ક્યાંકથી એકાએક ઘસી આવ્યાં અને એમને ઘેરી વળ્યાં. તેઓ અમદાવાદથી મદ્રાસ જતા, સાથે વકીલને પણ લઈ જતા. મદ્રાસની અદાલતની બેચ પર કલાકોન કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. ક્યારેક તો આખો દિવસ કેસ નીકળશે કે નહીં, એની રાહમાં બેસવું પડે અને સાંજે જાહેર થય કે કેસ મુલતવી રહ્યો છે.

પરિણામે ઉત્તમભાઈ ખર્ચના ઊંડા ખાડામાં ઊતરતા જતા હતા. વકીલોને અમદાવાદથી પ્લેનમાં મદ્રાસ લઈ જવા પડતા હતા. એમની સાથે એમને પણ પ્લેનમાં જવું પડતું હતું. બીજી બાજુ મદ્રાઅ શહેર પેલી કંપનીનું ‘હોમ ગ્રાઉન્ડ’ (પોતીકું મેદાન) હતું. એને કશો વાંધો નહોતો. ઘણા લાંબા સમય સુધી કેશ ચાલ્યો. ઉત્તમભાઈ સામે ટ્રેડમાર્ક ભંગનો કેસ કરનાર કંપની પણ આખરે થાકી હતી. અંતે ૧૯૭૫માં બનેં વચ્ચે સમાધાન થયું. ઉત્તમભાઈએ ‘ટ્રિનિટી’ નામને બદલે ‘ટોરેન્ટ’ નામ રાખ્યું.

જિંદગીનો કેવો અજાયબ ખેલ ! અરમાન સિધ્ધ થવાની ઘડી આવે અને સઘળાં અરમાન રાખમાં મળી જાય ! ‘ટ્રિનિટી’ ને નામે બજારમાં ખ્યાતિ મળી અને ત્યાંજ એ નામ ઝુંટવાઈ ગયું ! મહેનતના પાયા પર સમૃધ્ધિની ઇમારત ચણાય અને એ ઇમારતમાં વસવાનો વિચાર કરતા હોઈએ ત્યારે આખી ઇમારત ઘારાશાઈ જાય ! વિધિની કેવી તરકીબ ! નસીબ, તારો ખેલ કેવો અજબ ! કિસ્મત તારી કેવી દગાબાજી !‘ટોરેન્ટ’ ના નામે ફરી એકડે એકથી દવા-ઉત્પાદન વ્યવસાયમાં ઝુકાવવાનો સમય આવ્યો. ઉત્તમભાઈ રાત-દિવસ પુસ્તકોનું વાંચન કરતા હતા. એમાંથી લોકોની માંગ ધરાવતી દવાના ઉત્પાદનનો વિચાર કરતા હતા. વળી એ દવા બીજી કોઈ કંપની બજારમાં મુકે તે પહેલા ઉત્તમભાઈ બજારમાં મુકતા હતા. તેઓ માનતા કે બજારમાં બીજાઓ કરતાં એ પ્રકારની દવા સૌથી પહેલા મૂકવી એ પધ્ધતિ નવી દવાને અડધી સફળતા અપાવે છે ! પહેલો ઘા રાણાનો ! પહેલો આવે તે ફાવે ! જલારામ સોસયટીના મકાનમાં તેઓ ત્રણેક વર્ષ રહ્યા. આ સમયે એવું બનતું કે અમદાવાદના ચેક તે છાપીની બેંકમાં જમા કરાવતા હતા, આથી પૈસા લેવા માટે તેમને ઘણી વાર છાપી જવું પડતું હતું.

મણિનગરના નિવાસ વખતે ઉત્તમભાઈ પોતાની નજીકમાં વસતા પાડોશી બાબુભાઈ સાથે પ્રતિક્રમણ કરવા જતા હતા. આ સમયે બાબુભાઈના બનેવી મૂળ ખેરાળુ ગામના વતની અને અમદાવાદમાં રહેતા ડાહ્યાભાઈ જમનાદાસા શાહ જર્મ્સકટર, બી-ટેક્સ જેવી દવાઓનું વેચાણ કરતા હતા. દિલ્હી અને કલકત્તામાં તેમની ઑફિસ હતી. બંગાળ, દક્ષિણ ભારત, બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં એમની દવાઓનું વ્યાપકપણે વેચાણ કરતા હતા. ઉત્તમભાઈએ ટોરેન્ટ વતી ભારતના જુદાં જુદાં રાજ્યોમાં શ્રી ડાહ્યાભાઈ શાહને વેચાણ કરવાની દરખાસ્ત મૂકી, પરંતુ ડાહ્યાભાઈએ કહ્યું કે એમને આવી ડૉક્ટરના ‘પ્રિસ્ક્રિપ્શન’ પર વેચાતી દવાઓના વેપારમાં રસ નથી. આ સાંભળી ઉત્તમભાઈ થોડા નારાજ થયા, પરંતુ નાસીપાસ ન થયા અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા. છેવટે ડાહ્યાભાઈ શાહે એટલી વાતનો સ્વીકાર કર્યો કે દિલ્હી અને કલકત્તામાં તમારું વેચાણ હું સંભાળીશ. અને પરિણામે ‘ટોરેન્ટ’ ની દવાઓ ગુજરાતની બહાર સમગ્ર દેશમાં ફેલાવા લાગી.

ઉત્તમભાઈના મણિનગર જલારામ સોસાયટીના ઘરમાં પહેલી વાર ફ્રીઝ આવ્યું ત્યારે આનંદ-આનંદ છવાઈ ગયો હતો. એક સમતે અમદાવાદના કાળઝાળ તાપમાં પંખા વિન ચલાવવું પડતું હતું. જ્યારે હવે ઘરમાં ફ્રીઝનું આગમન થયું, તે ઘટના સહુને માટે ઉત્સવરૂપ બની. આ સમયે ઉત્તમભાઈના જીવનમાં પારાવાર વિટંબણા હતી, પરંતુ તેઓ કુટુંબને માટે સારો એવો સમય ફાળવી શક્યા. મહાબળેશ્વર, માથેરાન, આબુ, ગિરનાર, પાલીતાણા જેવાં સ્થળોએ તેઓ કુટુંબને લઈને ફરવા જતા હતા. ક્યારેક આખું કુટુંબ સાથે મળીને સિનેમા જોવા જતું હતું. ધીરે ધીરે દવાના વેપારથી આમદની થતી હતી અને પરિણામે આર્થિક સધ્ધરતા અવતી જતી હતી.

ઉત્તમભાઈ અવનવી દવાઓના ઉત્પાદનમાં ડૂબેલા જ રહેતા હતા. એમની પાસે મૂડી નહી, આથી મોટી રકમ ખર્ચીને દવા તૈયાર કરવાને બદલે હજાર કે બે હજાર રૂપિયા ખર્ચીને નવી-નવી દવાઓ બજારમાં મૂકતા ગયા. ક્યારેક ઉત્તમભાઈની શારીરિક અસ્વસ્થતા જોઈને એમને શારદાબહેન ના પાડે તો પણ ઉત્તમભાઈ નવી-નવી દવાઓ બનાવતા હતા. એમણે ટ્રાંક્વિલાઈઝરની ટેબ્લેટ બનાવી અને એમાંથી પણ થોડી કમાણી કરી. એ પછી એમણે બીજી બે ટેબ્લેટ બજારમાં મૂકી. એક હતી ‘ટ્રિનિબિયમ’ અને બીજી હતી ‘ટિનિસ્પાઝમીન’. આ દવાઓ તૈયાર કરી બજારમાં મૂકવા પાછળ ઉત્તમભાઈનું ભેજું આબાદ રીતે કામ કરતું હતું.

તેઓના વ્યવસાયના મુખ્ત્વે ત્રણ સિધ્ધાંત હતા. પહેલી વાત તો એ કે વ્યાપાર પુરી નિષ્ઠા અને પ્રામાણિક્તાથી કરવો. ‘કટ’ કે ‘કમિશન’ નો રિવાજ આ વ્યવસાયમાં સર્વત્ર ફેલાયો હતો, તેમ છતાં તેઓ એનાથી હંમેશા દૂર રહ્યા. બીજો સિધ્ધાંત એવો હતો કે દવાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય તેવી દવા તૈયાર કરવી. ત્રીજો સિધ્ધાંત એ કે એ પ્રકારની દવા બનાવવી કે જે દવા માંડ એક-બે કંપની જ બનાવતી હોય. વળી દવાની ગુણવત્તા જાળવવી, પરંતુ એ જ પ્રકારની બીજી કંપનીની દવા કરતાં તેની કિંમત અત્યંત સસ્તી રાખવી.

‘ટ્રિનિબિયમ’ અને ‘ટ્રિનિસ્પાઝમીન’ એ ટેબલ્ટેસ કિંમતમાં એટલી સસ્તી હતી કે અમદાવાદના એક ડૉક્ટરે એમને બે લાખ ટેબ્લલેટ્સનો ઓર્ડર આપ્યો. ઉત્તમભાઈને માટે આ એક ઘણી મોટી ઘટના હતી, કારણ કે આને પરિણામે એમનો અમદાવાદનો એક વર્ષનો ખર્ચ નીકળી ગયો. આ દવામાં અમદાવાદમાં કોઈ તેમની હરીફાઈ કરે તેમ નહોતું. અનેક ઝંઝાવાતો સહન કર્યા પછી વિકાસના પગથારે પગ મૂકતા હતા. નસીબે જીવનને એટલી બધી વખત ફંગોળ્યુ હતું કે ઉત્તમભાઈને દહેશત તો હતી કે કોઈ નવી આફત ન જાગે તો સારું ! બીજી બાજુ ગમે તેટલી હરકતો આવે, પણ સ્વપ્નસિધ્દિ મેળવ્યા વગર મેદાનમાંથી હટવું નથી, એવો મક્કમ નિર્ધાર પણ હતો. તળેટીમાં ઊભા રહીને ઉત્તુંગ શિખરો નિહાળવાથી કે પર્વત પરના માર્ગની ચર્ચાથી તમારું ધ્યેય સિધ્ધ નહીં થાય. આને માટે તો ક્ષણભરનો પ્રમાદ કર્યા વિના આરોહણ શરૂ કરવું જોઈએ. ઉત્તમભાઈ બંધ અને ધૈર્યનું પાથેય લઈને આરોહણ કરી રહ્યા હતા.

આ વેબસાઈટ ઉપર લખાયેકા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવા અહીં  ક્લીક કરો.