શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૬

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ ભાગ અગાઉ ની  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલી માહિતી વાંચવા  અહીં ક્લિક કરો.   – નિતિન ]

 

માણેકશાના બદલાયેલા વાણી વર્તન ને વ્યહવારથી માતા જિનપ્રિયા ભારે આઘાત પામ્યાં. નાસ્તિકતાને વરેલા પુત્રે પૂજાપાઠ, દેવદર્શન તથા જિનધર્મના મૂળભૂત સિધ્ધાંતોનો ત્યાગ કરી મનસ્વીતા અપનાવી હતી. સઘળી સમજાવટ , સલાહ અને ઉપદેશ નિષ્ફળ નીવડ્યાં હતાં. જિનપ્રિયા નિરાશ થઈ ગયાં, હતાશ થઈ ગયાં. બોલવાનું તેમણે ઓછું કરી નાખ્યું. દિનભર મૌન રહી પુત્રને સદ્દબુધ્ધિ પ્રાપ્ત થાય….પુન: તે સન્માર્ગે વળે તે માટે દિલથી ગૃહમંદિરમાં રહેલા પરમાત્માને પ્રાર્થના કરવામાં તેમનો સમય વ્યતીત થવા લાગ્યો. ઘણીવાર પ્રાર્થના કરતા કરતા તેમની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગતી. દુભાયેલાં દુ:ખી જિનપ્રિયાનું ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું. ભૂખ મરી પરવારી હતી. નિદ્રા હણાઈ ચૂકી હતી. શરીર તેમનું નંખાઈ ગયું હતું. ગુમરાહ પુત્રની અધોગતિ તેમના સારુ મહાસંકટ બની હતી.

‘ આ મહાસંકટમાંથી મુક્તિ ક્યારે પ્રાપ્ત થશે ?’ એ જ યક્ષપ્રશ્ન હરપળ તેમના અંતરમાં ઉલ્કાપાત મચાવી રહ્યો હતો. રહી રહીને નિ:શ્વાસ નાખતા જિનપ્રિયા વિચારતાં…..‘અરેરે! આ સંકટની ઘડીમાં જો ગુરુદેવ અહીં હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં…ગુમરાહ થયેલો માણેક ગુરુદેવની કૃપાથી અવશ્ય સુધરી જાત…! કરમની કઠણાઈ છે….! ન જાણે ક્યાંય વિહાર કરતા હશે? હે પ્રભુ ! તું ગુરુદેવને જલ્દીથી મોકલી આપ…! તેમના સિવાય આ બગડેલી બાજી કોઈ સુધારી શકશે નહીં…!’

સાસુમાના દુ:ખથી આનંદરતિ અજાણ નહોતી. તે પણ પથભ્રષ્ટ થયેલા પતિદેવનાં કારણે ભારે દુ:ખી હતી. તેણે પણ માણેકશાને સમજાવવા પ્રયાસ કર્યા હતાં, પરંતુ તેઓ એકના બે ન થયા અને પોતાની વાત પર અડગ રહ્યા. છેવટે તો આનંદરતિ એક સ્ત્રી હતી, પત્ની હતી. તેની પણ મર્યાદા હતી. આખરે લાચાર થઈ તેણે પતિદેવને સુધારવાની વાત પડતી મૂકી. આનંદરતિ ગમગીન ઉદાસ સાસુમાની કાળજીપૂર્વક સેવા કરતી. ઘણીવાર તેમને દિલાસો આપીને ધીરજ ધરવા સમજાવતી. તે પણ પરમાત્માને દુ:ખ નિવારવા પ્રાર્થના કરતી.

ધીરજ ખૂટી જતા એકવાર જિનપ્રિયાએ થોડાં રોષિત થઈ માણેકશાને સમજાવા પ્રયાસ કર્યો, પરંતુ માણેકશાએ મૌન ધારણ કરી માતાનો ઠપકો ચૂપચાપ સાંભળી લીધો. તેમના વર્તનમાં લેશ માત્ર પરિવર્તન ન થયું. તે પછી પણ જિનપ્રિયાએ ધણીવાર પ્રયાસ કર્યો, પરંતુ પરિણામ ? પથ્થર પર પાણી ! માણેકશા ન સુધર્યા તે ન જ સુધર્યા.

જિનપ્રિયાએ હાર ન માની. પુત્રનું કલ્યાણ સાધવા તેમણે વ્રતનો સહારો લઈ ભોજનમાંથી છ વિગઈનો ત્યાગ કર્યો. કુળવાન પુત્રવધૂ આનંદરતિએ પણ સાસુમાનાં પગલે તેમને અનુસરી છ વિગઈનો ત્યાગ કરી દીધો. ધરમાં માતા તથા પત્નિએ ધારણ કરેલા વ્રતથી માણેકશા અજાણ હતા. તેઓ તો પોતાની મસ્તીમાં મસ્ત હતા, પરંતુ લાંબા ગાળે એક દિવસ તેમને જાણ થઈ. તેમને ભારે દુ:ખ થયું, દુ:ખ થવું સ્વાભાવિક હતું. માણેકશા માતૃભક્ત હતા. કોમળ હર્દયના સ્વામી હતા. નાસ્તિક જરૂર થયા હતા માણેકશા, પરંતુ નિષ્ટુર નહીં. તેમણે માતા તથા પત્નિને કઠોર વ્રત છોડી દેવા ખૂબ સમજાવ્યા. તો સામે માતા જિનપ્રિયાએ પુત્રને અધર્મનો માર્ગ છોડી દેવા આગ્રહ કર્યો. જિદ્દી પુત્રે માતાની વાત ન સ્વીકારી. વ્રતપાલનની વાત પર અડગ રહેતા માતાએ સ્પષ્ટ શબ્દોમાં તેમને સાફ સાફ જણાવી દીધું…..

“ જો બેટા! આપણો કુળધર્મ તું ચૂકી ગયો છે…વ્રત જપ તપમાં તો તને વિશ્વાસ નથી. ભલે ભાઈ ભલે, પરંતુ અમારી વાત અલગ છે. અમને તો વિશ્વાસ છે. જપ, તપ, દેવદર્શનને આરાધનાથી આત્માનું કલ્યાણ થાય છે..અંતે મોક્ષપ્રાપ્તિ થાય છે.”

“ થતી હશે બા ! પરંતુ હું નથી માનતો કે આત્માના મોક્ષ સારુ મૂર્તિપૂજા અનિવાર્ય હોય. આગમોમાં પણ મૂર્તિપૂજાનો કયાં કોઈ ઉલ્લેખ છે?” માણેકશાએ દલિલ કરી.

“ માણેક ! મારુ જ્ઞાન તો સીમિત છે. આગમ શાસ્ત્રો ન તો મેં વાંચ્યા છે, ન એમને સમજવાનું મારું ગજું છે. પણ હા, આપણા ગુરુદેવને આગમોનું ઊંડુ જ્ઞાન છે. યાદ આવ્યું….એકવાર પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે મૂર્તિપૂજાનો ઉલ્લેખ આગમોમાં છે.”

“ એમ વાત છે બા ! ચાલો પળવાર તમારી વાતને સાચી માની લઉં, પરંતુ મને બતાવશો કે મૂર્તિપૂજાથી આખરે લાભ શું છે ?”

“ લાભ જ લાભ છે, બેટા ! મૂર્તિપૂજાથી મન શાંત થાય છે, ચિત્ત નિર્વિકાર થાય છે. પરમાત્માની ભક્તિથી જીવન નિર્મળ થાય છે.”

“ ક્ષમા કરજો બા ! પરંતુ આપની વાત મારા ગળે ઉતરતી નથી.”

“ વારુ માણેક ! એક વાતન જવાબ આપીશ?”

“ બોલો બા ! શું પૂછવા ચાહો છો ?”

“ બેટા ! તુ કહે છે કે આગમોમાં મૂર્તિપૂજાનો ઉલ્લેખ નથી. શું આ વાત સાચી છે?”

“ સાચી ? અરે સો ટકા સાચી છે.”

“ અચ્છા, હવે તુ મને જણાવ કે તે આગમ ગ્રંથો કદી જોયા છે ?”

“ સાચું કહું તો મારો જવાબ છે-ના. આગમ ગ્રંથો તો મેં કદાપી જોયા નથી.”

“ જે ગ્રંથો તે કદી જોયા જ નથી, એમને વાંચવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી…તો પછી તારી વાતને સાચી શી રીતે માનું?”

“ કેમ વળી ? જેમ તમે ગુરુદેવને મુખેથી કહેવાયેલી મૂર્તિપૂજાની વાતને સાચી માની લીધી, એમ મારા નવા ગુરુદેવની વાત પણ સાચી જ છે.”

જિનપ્રિયા હવે મુંઝાઈ ગયા. તેઓ નિરુત્તર થઈ ગયા, કારણ ? શાસ્ત્રો વિષે તેમને ઝાઝી જાણકારી નહોતી. પોતાના કુલગુરુ પૂજ્ય આચાર્ય હેમવિમલ સૂરિજીની વાત પર તેમને પાકો ભરોસો હતો, પરંતુ માણેકશાના નવા ગુરુની વાતને અસત્ય સાબિત કરવા શાસ્ત્રોનું પ્રમાણ આપવાની તેમની ક્ષમતા નહોતી. એટલે એક નિ:શ્વાસ નાખીને તેઓ મૌન થઈ ગયા. પાસે બેઠેલી આનંદરતિ પણ ઉદાસ થઈ ગઈ. પરંતુ માણેકશા ? તે તો મલકાતા મલકાતા વિજયી રણવીરની જેમ પેઢીએ જવા રવાના થઈ ગયા. પોતાના ગુરુદેવની જેમ મૂર્તિપૂજાના હિમાયતીને પરાસ્ત કર્યાના સૂક્ષ્મ અહંકારમાં રાચતા માણેકશાના અંતરમાં છૂપો સંતોષ વ્યાપેલો હતો.

સમયની અવિરત ધારામાં દિવસો, મહિના પસાર થઈ ગયા. એક…બે અને ત્રણ વર્ષ વીતી ગયા. માતા અને પુત્ર વચ્ચેનો મતભેદ યથાવત રહ્યો.

અને એક દિવસ જિનપ્રિયાના શુષ્ક અંધકારભર્યા જીવનમાં સોનાનો ઝળહળતો સૂરજ ઊગ્યો પ્રફુલ્લિત પ્રભાતે આશાસ્પદ અને આનંદદાયી સમાચાર સાંપડ્યા. ખુશીની ખબર સાંભળીને જિનપ્રિયાના વિષાદગ્રસ્ત વદન પર તેજસ્વી ચમક વ્યાપી ગઈ, ઉલ્લાસથી મનમયૂર નાચી ઉઠ્યો. કુલગુરુ પૂજ્યાચાર્ય હેમવિમલસૂરિજી ઉજ્જૈન ભણી આવી રહ્યાના એ સમાચાર હતા. ગુરુદેવના આગમનની ખુશખબર સાંભળીને આનંદરતિનું અંતર પણ પુલકિત થઈ ગયું. તેના અંગે અંગમાં ઉમંગની લહેર વ્યાપી ગઈ.

‘દુ:ખના દા’ડા વીત્યા બેની, હવે સુખ આવશે રે….

કૃપા ગુરુની વેળા વાળશે રે…..!”

કંઈક આવા જ મનોભાવ બન્નેના હૈયામાં ગૂંજવા લાગ્યા.

માત્ર જિનપ્રિયા અને આનંદરતિનાં જ હર્દય જ શા માટે ? ઉજ્જૈન નગરીના પ્રત્યેક આસ્તિક જૈન પરિવારનાં હૈયે અપાર હર્ષહેલી વ્યાપી હતી. પૂજ્ય ગુરુદેવનાં પાવન દર્શન, તેમની અમૃતવાણી અને શુભાશિષ પામવા સઘળા ભક્તો આતુર થયા હતા. અનોખા આનંદના અવસરને વધાવવા સૌનાં મન થનગની રહ્યાં હતાં.

અને આખરે એ શુભ પળ આવી ગઈ. ચાતક નજરે પ્રતીક્ષારત ભાવિકોની આતુરતાનો અંત આવ્યો. પૂજ્ય ગુરુદેવનું નગરી બહાર આગમન થયું. પૂજ્યાચાર્ય શ્રીમદ હેમવિમલસૂરીશ્વરજી મ.સા. તેમના શિષ્યરત્ન શ્રી આનંદવિમલસૂરિ મ.સા તથા અન્ય સોળ સાધુ ભગવંતોનું નગરીના દરવાજે શાનદાર સ્વાગત થયું. ઢોલ નગારા ને શહનાઈના મધુર સૂરો સાથે વાજતે ગાજતે ધામધૂમપૂર્વક તેમના નગર પ્રવેશનો વરધોડો યોજાયો. નગરમાં ઠેર ઠેર જોરદાર ભાવભીનાં સામૈયાં ને પૂજન કરી સઘળાં કૃતકૃત્ય થયાં.

સાચા સાધુ તો સ્વતંત્ર પ્રકૃતિના સાધનાપ્રેમી હોય છે. ઉપાશ્રયમાં સ્વાગત થયા પછી મનનીય પ્રવચનના અંતે શાંત મધુર વાણીમાં પોતાનો વિશિષ્ટ સંકલ્પ જાહેર કરતાં પૂજ્ય ગુરુદેવે ભક્તોને જણાવ્યું…

‘હે ધર્માનુરાગી ભાગ્યશાળીઓ! અમારી ભાવના છે……! આ વખતે પવિત્ર ક્ષિપ્રાના તટ પર રહેલા ગંધર્વ સ્મશાનની શાંત એવમ એકાંત ભૂમિ પર અમે એક માસની તપશ્વર્યા કરીએ…તપસ્યા પૂર્ણ થયા પછી અમે પુન: અહીં આવીશું….પરમાત્મા સૌનું કલ્યાણ કરે ! ધર્મલાભ !! ધર્મલાભ…!! ધર્મલાભ…!!!!’

ગુરુદેવની જાહેરાતથી પળવારમાં સભામાં નિ: શબ્દતા છવાઈ ગઈ, પછી ધીમા સાદે થોડોક ગણગણાટ થયો. કેટલાક લોકો ગુરુદેવના નિશ્ચયથી આશ્ચર્ય પામ્યા. કેટલાકે ગુરુભક્તિથી વંચિત રહેવા બદલ વસવસો જાહેર કર્યો. તો કેટલાક સૂરિ ભગવંતની તપશ્વર્યાની ઘોષણાથી અભિભૂત થઈ પ્રશંસા કરતા અંદરોઅંદર કહેવા લાગ્યા….

“ સાચે જ આપણા ગુરુદેવ મહાન છે….! કેવી કઠોર તપસ્યા….! અરે ! આવા ભૂત-પ્રેત પિશાચોથી ઉભરાતા ભયંકર સ્મશાનમાં તો ધોળે દિવસે પણ ડર લાગે ! પરંતુ ગુરુદેવ તો ભારે નીડર ને નિર્ભય છે હોં…! ધન્ય છે તેમની આત્મશક્તિ….! ધન્ય છે તેમની અડગતા…!! ધન્ય છે તેમની અભયતા….!!!!

ત્યાં જ સભા સમાપ્ત થઈ. પૂજ્ય ગુરુદેવ પોતાના શિષ્ય સમુદાય સાથે તત્કાળ ગંધર્વ સ્મશાન ભણી વિહાર કરી ગયા. સઘળા ભાવિકો તેમને નગરીના દરવાજા સુધી વળાવી આવ્યા. ગુરુદેવની કઠોર તપશ્રયાની ચર્ચા કરતા સૌ વિખરાયા. ગુરુ ભગવંતના કઠોર તપની વાત જાણી પળવાર તો જિનપ્રિયા નિરાશ થયાં, પરંતુ પ્રતીક્ષા કર્યા સિવાય અન્ય ઉપાય નહોતો….ગુરુદેવની તપશ્રયા પૂર્ણ થાય ત્યારે તેમને પારણું કરાવવાનો તેમણે નિશ્ચય કરી લીધો.

ઘણા લોકો કીડિયારું પૂરતા હોય છે. ઘણા પક્ષીઓને ચણ નાખતા હોય છે. કેટલાક લોકો કૂતરાંને નિયમિત રોટલા ખવડાવતા હોય છે. ઉત્તરાયણ જેવા પર્વના દિવસે ઘણા લોકો ગાયોને ઘાસ નિરવતા હોય છે. ગુજરાતના યોગીરાજ રંગ અવધૂત મહારાજના નારેશ્વર ધામમાં તથા પૂજ્ય જલારામ બાપાના વીરપુર ધામમાં વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. આ ઉપરાંત પણ ઘણી જગ્યાએ અન્નક્ષેત્રો ચાલે છે.

સઘળા દાનોમાં અન્નદાન શ્રેષ્ઠ છે અને તેમાં પણ તપસ્વી સાધુ સંત ફકીરને સ્ન્માનપૂર્વક આહારપાણી વહોરાવવાનું ફળ અસાધારણ છે. તીર્થકર ભગવંતોને દીક્ષા પછી તપનું પારણું કરાવનારા ભક્તજનોના ઘેર દેવતાગણ સ્વયં કૃપા કરી તેમને ન્યાલ કરી દેતા હોય છે. આ વાત જિનપ્રિયાદેવી સુપેરે જાણતાં હતાં. વળી પારણાં નિમિત્તે પૂજ્ય ગુરુદેવની ધરે પધરામણી થાય તો તેમના ઉપદેશના પ્રભાવથી ધર્મવિમુખ થયેલા માણેકશાને પણ કદાચ સન્મતિ પ્રાપ્ત થાય, એવી ભાવના મમતાળુ માતા સેવે એ સ્વાભાવિક છે.

ગ્રીષ્મ ઋતુની પ્રખર ગરમીમાં જાણે મન અને ચિત્તની સહનશીલતાની કસોટી કરવા કૃતનિશ્વયી થયા હોય તેમ આચાર્યદેવ તથા તેમના શિષ્યો ગંધર્વ સ્મશાન ભૂમિમાં ભારે તપશ્વર્યા કરતા કાર્યોત્સર્ગ મુદ્રામાં અડગ હિમાલયની જેમ ઊભા છે. દિવસે અસહ્ય તાપ, તડકો, સ્મશાનમાં સળગતી ચિતાઓનો ધુમાડો અને રાત્રિકાળે ભયંકર અંધકાર, મચ્છરો, જીવજંતુઓ તથા રાની પશુઓનો ઉપદ્રવ સહન કરતા ભયાનક એકલતા ને નીરવતાના ભેંકાર વાતાવરણમાં હઠયોગીની જેમ સઘળા સાધુ ભગવંતો કઠોર તપ કરતા દિવસો વ્યતીત કરી રહ્યા છે. નગરીના લોકો તેમના તપથી આશ્વર્યચકિત થઈ મ્હોંફાટ વખાણ કરતા અપાર અનુમોદના કરી રહ્યા છે. જિનપ્રિયાના અંતરમાં પણ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ભારોભાર માન સ્ન્માન અને અહોભાવ છલકાઈ રહ્યાં છે. દિવસો વ્યતીત થતા જિનપ્રિયાના મનમાં ગુરુદેવની ઘરે પધરામણી કરાવવાનો વિચાર દ્દઢીભૂત થયો.

અને એક દિવસ તેમણે યોગ્ય સમય જોઈ માણેકશાને કહ્યું…..

‘બેટા માણેક !’

‘બોલો બા…’ કહેતાં માણેકશાએ પ્રશ્નસૂચક દ્રષ્ટિએ માતા સામે જોયું.

‘બેટા ! મારા અંતરમાં ભાવ જાગ્યો છે….’ કહેતા જિનપ્રિયા પળભર અટક્યા.

‘ખચકાશો નહીં, બા ! તમારા અંતરની વાત જણાવી દો.’

‘તને તો ખબર હશે જ કે આજકાલ આપણા કુળગુરુ સ્મશાનમાં રહીને કઠોર સાધના કરી રહ્યા છે….’

‘હા, મને ખબર છે. નગરીમાં તેમના તપની ચર્ચા છે.’

‘બેટા ! મારી હાર્દિક ઇચ્છા છે કે ગુરુદેવ તપસ્યા પૂર્ણ કરી વ્રતનું પારણું આપણા ઘેર કરે…..’

‘વિચાર સારો છે, પરંતુ એમાં મારે શું કરવાનું છે ?’

‘હું ઇચ્છું છું કે એક વાર તું એમની પાસે જાય….’

‘ના, બા ! ક્ષમા કરજો….એ મારાથી નહી થાય.’

‘પણ કેમ? માણેક બેટા ! કેમ?’

‘પુન: ક્ષમા, માગતા મારે કહેવું પડે છે કે મને તમારા ધર્મમાં કે ધર્મગુરુમાં ન તો કોઈ શ્રધ્ધા છે ન કોઈ વિશ્વાસ !’

માણેકશાનો આવો સપાટ સંવેદનહીન ઉત્તર સાંભળીને જિનપ્રિયાદેવીનું અંતર વલોવાઈ ગયું. તેમના વદન પર ગ્લાનિ છવાઈ ગઈ. તેમના નેત્રના ખૂણા પલળી ગયા. તેમણે પોતાનું મુખ બીજી દિશામાં ફેરવી લીધું. માણેકશા માટે આ દ્દશ્ય અકારું-અસહ્ય થઈ પડ્યું. પોતાના નિષ્ઠુર વર્તન પર તેમને પશ્વાતાપ થયો. તેમનાં અંતરમાં માતાનું દિલ દુભવવા બદલ ક્ષોભ થયો. માણેકશા વ્યથિત થઈ ગયા. માતૃભક્ત પુત્ર પળવાર રડમસ થઈ ગયો. મૃદુતાથી વાત્સલ્યમૂર્તિ માતાના ખભા પર હાથ મૂકી માણેકશા બોલ્યા…..

‘બા ! ભૂલ થઈ ગઈ…મને ક્ષમા કરો….તમારા નાદાન પુત્રને માફ કરી દો ! બા ! હું વચન આપું છું….હું ગુરુદેવ પાસે જઈશ, જરૂર જઈશ…!’

‘ખરેખર……? સાચે જ તું જઈશ…..!’

‘વિશ્વાસ નથી આવતો, બા ? તમારી દ્રષ્ટિએ ભલે હું નાસ્તિક થઈ ગયો, પરંતુ અસ્ત્યનો સોદાગર નથી થયો. હવે બોલો, ગુરુદેવ પાસે જઈ મારે શું કરવાનું છે?’

‘શું કરવાનું પૂછે છે?……અરે બુધ્ધુરામ! ગુરુદેવને પારણા માટે સાદર વિનંતી કરવાની, બીજું શું? વાણિયાનો દીકરો થઈને, પધરામણીની રીતરસમ પણ ભૂલી ગયો?’

‘નિશ્વિંત રહો, બા કામ થઈ જશે…..આપની આજ્ઞા સર આંખો પર.’

‘બેટા ! શક્ય હોય તો આજે જ જઈ આવ. ન કરે નારાયણ ને અન્ય કોઈ પારણાનો લાભ લઈ જશે તો આપણે વંચિત રહેવું પડશે.’

‘ચિંતા ન કરો બા ! આજે જ કામ પતાવી દઈશ.’

આટલું કહી માણેકશા માતાને પ્રણામ કરી પેઢીએ જવા રવાના થયા.

એકવાર દુભાયેલી માતાનું માન રાખવા માતૃભક્ત માણેકશા તૈયાર થયા હતા, પરંતુ લોંકાગચ્છના પ્રભાવ તળે નાસ્તિક થયેલા માણેકશાને મૂર્તિપૂજા, વ્રત જપ તપ, તપશ્વર્યામાં સહેજે વિશ્વાસ નહોતો. આવા આચાર વિચાર પાળનારા લોકો ચાહે તો સંસારી હોય યા સંન્યાસી, શ્રાવક હોય કે સાધુ, સઘળા ઢોંગી, દંભી, આડંબરી પ્રદશનકર્તા જ હોય એવી ખોટી ખરી માન્યતા તેમના મનમાં બંધાઈ ચૂકી હતી. એમાં માણેકશાનો દોષ નહોતો…..કહેવત છે ને….જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ! જેવો આચાર તેવો વિચાર!

પેઢી પર બેઠેલા માણેકશા વિચારવા લાગ્યા….“આ મૂર્તિપૂજક ગુરુ પાસે જવું પડશે…મજબૂરી છે…મજબૂરી છે…બાની ઇચ્છા પૂર્ણ કરવાની મારી ફરજ છે…બાકી આપણને તો કોઈ રસ નથી. આ ધર્મભીરુ લોકો પણ રાતદિન જોયા વિના આંખો મીંચીને તેમના તપની પ્રશંસા કર્યા જ કરે છે…અરે એમાંથી કોઈએ ગુરુનાં તપની સચ્ચાઈ જાણવા કોશિશ કરી છે ખરી? બેવકૂફ બીકણોમાં હિમ્મત ક્યાં છે કે સ્મશાનમાં જઈ પારખાં કરે?”

જેમ જેમ માણેકશા વિચારતા ગયા, તેમ તેમ તેમનાં મનમાં શંકાની સીમા વિસ્તરતી ગઈ. અચાનક તેમના મસ્તિષ્કમાં એક ભારે સંશયાત્મક સવાલ નાગની ફેણની જેમ ખડો થઈ ગયો…..“આ હેમવિમલ સૂરિ અને તેમના ચેલકાઓ ખરેખર તપસ્યા કરે છે કે લોકોને પ્રભાવિત કરવાનો દેખાવ કરી રહ્યા છે? શક્ય છે આ લોકો તપનો ઢોંગ કરી ભક્તોને મંતરતા પણ હોય…! મારે તેમની સાધુતાની કસોટી કરવી જ પડશે…તેમની સહનશીલતાનું માપ કાઢીને જ જંપીશ. જો આ લોકો મારી પરીક્ષામાં ખરા ઉતરે, તો જ તેમને નિમંત્રણ પાઠવું..બાકી ઠગારા સાધુઓને વળી માનપાન શાનાં ?”

બિંદુ થઈ સિંધુની પરીક્ષા લેવા નીકળ્યા હતા માણેકશા….! કૂવાના દેડકા જેવું જ્ઞાન ધરાવતા માણેકશા સાગરના ઊંડાણનું માપ નીકાળવા ચાલ્યા હતા….! નાનકડો તેલનો દીવડો તેજસ્વી દિવાકર સાથે હરીફાઈ કરવા મેદાને પડયો હતો…! પથભ્રષ્ટ થયેલા માણેકશાને ક્યાં ખબર હતી કે એ સમયે આચાર્યા ભગવંત શ્રીમદ હેમવિમલ સૂરિજી સંવેગી પરંપરાના કેવા મહાન જ્ઞાની, ધ્યાની ને ત્યાગી મહાપુરુષ હતા?

માત્ર આઠ વર્ષની વયે જ દીક્ષા ગ્રહણ કરી સમગ્ર જીવનમાં ધર્મ સરંક્ષણને સંવર્ધનની પડકાર રૂપ ભૂમિકા ભજવનાર પૂજ્યાચાર્ય શ્રીમદ હેમવિમલ સૂરિજી ત્યાગ અને તપસ્યાની સાક્ષાત મૂર્તિ હતા. જિનશાસનના એ અંધકારભર્યા યુગમાં તેમણે નીડરતાથી જ્ઞાનજ્યોત પ્રગટાવીને શિથિલાચારી સાધુઓના જીવન અલોકિત કર્યા હતાં. શુધ્ધ આચારવિચાર, શાસ્ત્રોક્ત સિધ્ધાંતો અને નીતિપૂર્ણ સાધુજીવનના તેઓ પ્રખર હિમાયતી હતાં. જ્યાં સુધ્ધિ ત્યાં સદ્દબુધ્દિ અને જ્યાં શુચિતા ત્યાં સાચી સાધુતા એ સિધ્ધાંતને અનુસરીને તેમણે પોતાના ગચ્છના શિથિલાચારી સાધુઓને ગચ્છ બહાર મૂકી, સાધુતાની ગરિમાનું જતન કર્યું હતું. પૂજ્ય ગુરુદેવનું એ ક્રાંતિકારી કદમ હતું. તેમની નીડરતા તથા શુધ્ધતાના આગ્રહથી પ્રભાવિત થઈ શુધ્ધ સાધુ જીવન વ્યતીત કરવાના શુભાશયથી લોંકાગચ્છના લગભગ ૬૮ જેટલા સાધુઓએ તેમની પાસે સંવેગી દીક્ષા લીધી હતી.

ધર્મ સમર્પિત, પરમ પરમાર્થી આર્ષદ્રષ્ટા ગુરુદેવે જિનશાસનના ભાવિનો વિચાર કરીને પોતાના શિષ્યરત્ન આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજીને સાધુઓના શુધ્ધિકરણ સારુ ક્રિયોધ્ધારનો આદેશ આપ્યો. ગુરુ આજ્ઞાને અનુસરીને ગુજરાતના ચાણસ્મા પાસે વડાવલી ગામે વિ.સં. ૧૫૮૨ માં શ્રી આનંદવિમલસૂરિજીએ લગભગ ૫૦૦ સાધુઓને લઈ ક્રિયોધ્ધાર કર્યો અને સમુદાય માટે પાળવાના ૩૫ નિયમોની ઘોષણા કરી.

અત્યાર સુધી  આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવા અહીં ક્લિક કરો.