ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

ઝળહળતો સિતારો : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભાર સહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “ઝળહળતો સિતારો ” એ પુસ્તકનું બારમું પ્રકરણ છે.આ અગાઉ અગિયાર પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

U N Maheta
નજર છે નવી ક્ષિતિજો પર

ઉત્તમાભાઈને ૧૯૯૬-’૯૭માં ગુજરાતના ‘વર્ષના શ્રેષ્ઠ ઉદ્યોગપતિ’ નો ચેમ્બર્સ ઑફ કૉમર્સે શરૂ કરેલો સર્વપ્રથમ એવૉર્ડ મળ્યો. માત્ર ઉદ્યોગનો જ અવિરત વિકાસ નહીં, બલકે જીવનશક્તિનો પ્રબળ વિકાસ ઉત્તમભાઈનાં જીવનકાર્યોમાંથી પ્રગટ થાય છે.એમની સફળતાનું પ્રથમ સોપાન તો એમણે જે દવાઓનું નિર્માણ અને ઉત્પાદન કર્યુ, તેની પાશ્ચાદભૂમાં એમની ઊંડી સૂઝ અને ગહન વિચારશક્તિ દ્દષ્ટિગોચર થાય છે. વ્યવસાયની સૂઝ એક જન્મજાત સાંપડતી પ્રતિભા છે. આ પ્રતિભા પાસે મૌલિક્તા અને સર્જકતાની મૂડી હોય છે. અન્ય વ્યક્તિઓ એક ઘરેડમાં ચાલતી હોય છે. બીજી દવાઓને જોઈ સ્પર્ધાત્મક બજારમાં પોતાની દવાઓ મૂક્તી હોય છે. જ્યારે ઉત્તમભાઈએ પરંપરાગત ચીલા પર ચાલવાને બદલે નવીન પંથ પસંદ કરતા હતા. આ પસંદગીની પાછળ સૌથી પહેલાં તેઓ માર્કેટનો ઊંડાળથી સર્વે કરતા હતા. એમણે જોયું કે દેશમાં માનસિક રોગોની દવાઓનું ઉત્પાદન થતું નથી. આ દવાઓ વિદેશથી આયાત કરાતી હોવાથી અત્યંત મોંધી હતી.

પાટણના ડૉ. રાવળ એવી કલ્પના કરે છે કે ઉત્તમભાઈએ પોતે અપાર માનસિક મુશ્કેલીઓ અનુભવી હતી. આથી તે સમયે એમને આ પ્રકારની દવાઓનું ઉત્પાદન કરવાનો વિચાર હોય. !

આમાં ગમે તે કારણ હોય, પરંતુ ઉત્તમભાઈએ આ દવાઓ દ્વારા બહુરાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) કંપનીઓની માનસિક રોગો માટેની દવાઓની ઇજારાશાહીનો અંત આણ્યો. અત્યાર સુધી વિદેશથી આયાત થતી આવી દવાઓ કયારેક બજારમાં ઉપલબ્ધ બનતી નહોતી, ત્યારે દર્દીઓને એની અછતનો વિદારક અનુભવ થતો હતો. બીજી બાજુ ડૉ, ચન્દ્રકાંત વકીલ કહે છે તેમ ઉત્તમભાઈએ ક્યારેય દવાની ગુણવત્તાની બાબતમાં સહેજે સમાધાન કર્યુ નહી. વિદેશથી આયાત થતી દવાની ગુણવત્તાની બરાબરી કરે તેવી દવાઓ તૈયાર કરીને બજારમાં મૂકવા માંડી.

આ પ્રકારની દવાઓના ઉત્પાદનની ભીતરમાં ઉત્તમભાઈની એકે વિશેષ દીર્ઘદ્રષ્ટિ છુપાયેલી હતી. એમને દવાના ક્ષેત્રમાં એકલે હાથે આગળ વધવાનું અને ઝઝુમવાનું હતું. વધુમાં વધુ એમને એમના સુશીલ, કર્મનિષ્ટ પત્ની શારદાબહેન અને મહેનતુ પુત્ર સુધીરભાઈનો સાથ હતો. પણ આટલી વ્યક્તિથી ઉત્પાદન અને વેચાણનું બહોળું કામ થાય કેવી રીતે ? જો લોકોમાં વ્યાપકપણે વપરાતી દવાઓનું ઉત્પાદન કરે, તો મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે અનેક ડૉક્ટરોને મળવું પડે. ઠેર ઠેર ઘૂમવું પડે ! એમાં સમય અને શક્તિ બંનેનો વ્યય થાય. જ્યારે માનસિક રોગોની દવા માટે આખા દેશમાં માંડ હજારેક ડૉક્ટર હતા. બસ એમની સાથે સંપર્ક સાધો એટલે તમારું કાર્ય સિધ્ધ. આ રીતે ઉત્તમભાઈએ પોતાના સાધનોની અલ્પતા, કામ કરનાર વ્યક્તિઓની સંખ્યાની મર્યાદ અને સૌથી વિશેષ તો આર્થિક રોકાણ કરવાની સીમારેખા – આ ત્રણેને લક્ષમાં રાખીને માનસિક રોગોની દવાઓના ઉત્પાદનના નવીન ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને એ ક્ષેત્રમાં નવી ક્ષિતિજો ખોલી આપી.

ઉત્તમભાઈના નિકટના સ્વજન ડૉ. રસિકલાલ પરીખે કહ્યું કે જેને અમે ‘બ્રેક થ્રુ’ કહીએ છીએ એવી ઘણી દવાઓ યુ.એન.મહેતાએ સમાજને આપી. એમની નવી પહેલ એમને લાભદાયી થઈ, સાથોસાથ સમાજને પણ એટલી જ ઉપયોગી બની નવો ચીલ પાડનાર પાસે સૂઝ અને સાહસનો સમન્વય હોવો જોઈએ. આ સાહસ અવળું પડે તો નિષ્ફળતાના આકરા આઘાતો સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ વિષયમાં ડૉ. અનિલ શાહ કહે છે કે વિશ્વના બજારમાં મુકાતી છેલ્લામાં છેલ્લી અદ્યતન દવાઓને તેઓ ભારતમાં પ્રાચલિત કરતા હતા. એથીય વિશેષ એ મોંઘીદાટ દવાઓને અત્યંત સસ્તા ભાવે બજારમાં મૂક્તા હતા.

ઉત્તમભાઈની દવાની નિર્માણની સૂઝ અંગે ડો. વિરેન્દ્ર દલાલે કહ્યું કે ઉત્તમભાઈની સૌથી વિશિષ્ટ બાબત તે ‘ખરે વખતે શું કરવું તેની તેમની પાસે જાણકારી હતી.’ વ્યવસાયમાં સમયની સૂઝ મહત્વની બાબત છે. પરિસ્થિતિ પારખીને આવી દવાઓ બજારમાં મૂકવાની હોય છે. કારકિર્દીના પ્રારંભે દવાનો કોઈ મોટો ઑર્ડર હોય તો ઉત્તમભાઈ સ્વયં ઊંચકીને દવા લાવતા હતા. આ રીતે ડૉ.વિરેન્દ્ર દલાલને એમની સખત મહેનત અને ઊંડી સૂઝ એ બે વિશેષતા સ્પર્શી ગઈ.

શ્રી સુરેશભાઈ શાહના કહેવા પ્રમાણે ઉત્તમભાઈનું ‘માર્કેટિંગ’ ઉદાહરણરૂપ ગણાય. ડૉક્ટરને ક્યાર જાણ કરવી, કેવી રીતે સરક્યુલર મોકલવા, એમને મળતી વખતે પોતાની ‘પ્રોડક્ટ’ની વિશેષતા કેમ દર્શાવવી- આ માર્કેટીંગની સઘળી કળામાં તેઓ નિષ્ણાત ગણાય. ઉત્તમભાઈની આ સૂઝને તેમના સ્વજન શ્રી કે.સી. મહેતા ‘નેચરલ ગિફ્ટ (કુદરતી બક્ષિસ) તરીજે નવાઝે છે. તેઓ કહે છે કે એમનામાં આંતર પ્રેરણાની ઘણી શક્તિ હતી અને એમની વિચારવાની પધ્ધતિ પણ એટલી જ અનોખી હતી. પરિણામે નસીબ યારી આપતું ન હોય છતાં મહેનતથી વ્યક્તિ કેવી રીતે વિકાસ કરી શકે તે ઉત્તમભાઈના જીવનમાં જોવા મળ્યું છે. વાસ્તવમાં પ્રારબ્ધ ઉત્તમભાઈ સાથે સતત સાતતાળી ખેલતું રહ્યું ! એક કાર્ય સિધ્ધ થાય, ત્યાં વળી નવી મુસીબત આવી પડે ! ક્યારેક તો વિધાતા, એમની આકરી કસોટી કરતી હોય તેવું લાગે. પ્રયત્ન મહેનત ને પુરુષાર્થ છતાં પરિણામમાં સાવ શૂન્ય, તેવું પણ બનતું હતું.

એ મહેનતનું સ્મરણ કરતા સિધ્ધપુરના ડૉ. અમૃતલાલ મહેતા કહે છે કે ઘણીવાર ઉત્તમભાઈ કોઈ સ્ટેશનના ‘વેઇટિંગ’ રૂમમાં બેસીને કામ કરતા જોવા મળતા હતા. સિધ્ધપુરના રેલ્વેસ્ટેશનના વેઇટિંગ રૂમમાં એમણે આ રીતે ઉત્તમભાઈને કાર્ય કરતા નજરો નજર નિહાળ્યા હતા. વેઇટિંગરૂમના ખૂણામાં બેસીને કંઈ લખતા હોય, કોઈ યોજના બનાવતા હોય, કોઈ નોંધ કરતા હોય.

એમને દવાના ક્ષેત્રમાં નવું સંશોધન કરવાની ખૂબ દિલચસ્પી હતી. કઈ વનસ્પતિ કે કયા કેમિકલમાંથી ઔષધ તૈયાર થાય છે તે જ્ઞાન ને ‘ફાર્મોકોપિયા નોલેજ’ કહેવાય છે. આવું જાણકારીભર્યુ જ્ઞાન સંપાદન કરવા માટે ઉત્તમભાઈ સતત પોતાના વિષયના ગ્રંથોના અભ્યાસ અને મનનમાં ડૂબેલા રહેતા હતા. ઉત્તમભાઈના વિચાર, વાંચન અને યોજનાઓ ચાલતાં હોય, એનું અમલીકરણ પણ થતું હોય. વિદેશમાંથી આવતી ‘બ્લડપ્રેશર’ માટેની દવા ઘણી મોંઘી હતી. એ કેમિકલવાળી દવા ઉત્તમભાઈએ બનાવી અને ૧/૧૦ જેટલા ઓછા ભાવે બજારમાં મૂકી. વળી એમની દવાની ગુણવત્તા એવી કે ડૉક્ટરને કોઈ પણ દિવસ સહેજે શંકા થાય નહીં.

દવા તૈયાર કરીને ખૂબ ઝડપથી બજારમાં મૂકવી તે સ્પર્ધાત્મક જગતમાં મહત્વની બાબત ગણાય. એમની આ ઝડપ વિશે શ્રી દિનેશ મોદીએ કહ્યું કે આજે વિચાર કર્યો હોય અને થોડાક જ દિવસમાં બજારમાં દવા મળે એવી એમની ત્વરિતતા હતી. સામાન્ય રીતે નવી દવાનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે પહેલાં એનો ‘સર્વે’ કરવામાં આવે, એની માંગ વિશે વ્યાપક વિચારવામાં આવે , પછી એની સાહિત્ય-સામગ્રી તૈયાર કરાય. ત્યારબાદ કારખાનામાં દવા તૈયાર થાય અને યોગ્ય પેકિંગમાં એ બજારમાં મૂકવામાં આવે. આ વિષયના ડૉક્ટરોને એની જાણકારી અપાય અને દવાની દુકાનોએ એ દવા ઉપલબ્ધ થાય.

આમ ઉત્પાદન કરેલી દવા બજારમાં આવતાં છ મહિનાનો સમય વીતી જતો હતો. ઉત્તમભાઈએ જેમ ત્રણ ટેબ્લેટને બદલે ત્રણેના ‘કોમ્બિનેશન’ થી ‘ટ્રિનિકામ ફોર્ટ’ની એક ટેબ્લેટ તૈયાર કરીને નવી પહેલ કરી, તો એ જ રીતે એમણે અત્યંત ત્વરિતતાથી દવાઓનું ઉત્પાદન કરવા માંડ્યુ. દવા બજારની એક રીત એવી કે જે કોઈ નવી દવા બજારમાં પ્રવેશે. કે તરત જ એના જેવી જ દવા બીજી કંપની છ મહિનામાં બનાવીને બનાવીને બજારમાં મૂકતી હોય છે, પરિણામે દવા પ્રચારમાં આવે પછી ખૂબ ઝડપથી એનો પ્રચાર કરવો પડે તો જ દવાને પુરતું ‘માર્કેટ’ મળે. જો દવા થોડા સમયમાં જાણીતી થઈ જાય, તો પછી આવનારી એ પ્રકારની બીજી કંપનીની દવાઓ બહુ ફાવી શકે નહીં.

ઉત્તમભાઈ પાસે ત્વરિત કાર્યશક્તિ હતી. નવી દવા બજારમાં મૂકે, કે તરત પૂરતો પ્રચાર પામે અને બધે પહોંચી જાય, તે માટે અથાક પરિશ્રમ કરતા હતા અગાઉ દેશમાં માનસિક રોગોની દવાઓ આયાત થતી હતી. ૧૯૮૨માં આ દવાઓની નિકાસ થઈ શકે તેવો પ્રથમ વિચાર ઉત્તમભાઈને આવ્યો અને એ વિચારને એમણે એટલી જ ત્વરાથી અમલમાં મૂક્યો. પરિણામે કોઈ કંપની ક્રમશ: વિસ્તાર સાધીને જે સિદ્ધિ બે-ત્રણ પેઢિના પ્રયત્નો બાદ હાંસલ કરે, એ સિદ્ધિઓની હરણફાળ ઉત્તમભાઈએ એમના જીવનકાળમાં હાંસલ કરી. એમના પછી એમના પુત્રો અને સ્વજનોએ સિદ્ધિની આ આગેકૂચ બરાબર જાળવી રાખી.

ઉત્તમભાઈ કોઈ પણ કાર્યક્રમ કે કોન્ફરન્સનું આયોજન કરે, ત્યારે નાનામાં નાની વ્યવસ્થાનો ઊંડામાં ઊંડો વિચાર કરે. ગાડીની પાર્કિંગ સુધીની સગવડનો તેઓ આગોતરો વિચાર કરી રાખે. શરૂઆતમાં ઑલ ઇન્ડિયા સાઈકિયાટ્રિક કોન્ફરન્સ યોજાઈ ત્યારે ઉત્તમભાઈ છેક કલકત્તા જઈ આવ્યા. એ પછી ઉત્તમભાઈએ ભારતમાં મેડિકલ કોન્ફરન્સના આયોજનમાં હમેંશા મજબૂત સાથ આપ્યો. આને પરિણામે મેડિકલની દુનિયામાં એમની સારી એવી નામના થઈ.

ઉદ્યોગના સંચાલનની ઉત્તમભાઈની દ્રષ્ટિ અત્યંત વિલક્ષણ રહી. શ્રી દુષ્યંતભાઈ શાહે કહ્યું કે તેઓ રોજ રોજની બાબતમાં કશી દખલગીરી કરે નહીં. વ્યક્તિએ મેળવેલાં પરિણામો પર જ લક્ષ આપે. વળી તમે કોઈ સિધ્ધિ હાંસલ કરો, તો તમારી એ શક્તિ-સિધ્ધિની પ્રશંસા કરે. એનાથી એમનું હર્દય પુલકિત થતું હોય તેવું લાગે ! આ રીતે આપણા આનંદમાં તેઓ સહભાગી બની જાય.

શ્રી દુષ્યંતભાઈ શાહને એમની માર્કેટિંગની પદ્ધતિમાં જૈનદર્શનનો ‘સ્યાદવાદ’ નો સિદ્ધાંત દ્રષ્ટિગોચર થાય છે. સ્યાદવાદ’ એટલે સત્યને પૂર્ણ રીતે પામવું હોય તો તમારે અન્યની દ્રષ્ટિ અને એના અભિગમનો વિચાર કરવો જોઈએ. ઉત્તમભાઈ પાસે બીજાની દ્રષ્ટિએ વિચારવાની ક્ષમતા છે. આ સદ્દગુણની ગંગોત્રી એમની સાહજિક નમ્રતા છે. ગમે તેટલું કામનું ભારણ હોય, મુશ્કેલી હોય, ટેંશન હોય તેમ છતાં એમનામાં કયારેય આવેગપૂર્ણ ઉત્તેજના (એકસાઈટમેન્ટ) જોવા ન મળે. ઉત્તમભાઈ પોતાના સહકાર્યકરોને કામ કરવાની પૂર્ણ મોકળાશ આપે, જેથી એના કામમાં સ્વનિર્ણય લેવાનો હોય તો વ્યક્તિને રૂબરૂ બોલાવીને એની સાથે વિચારવિમર્શ કરતા હતા.

આવી રીતે એમનાં પુત્રી નયનાબહેને કહ્યું કે પોતાના વ્યવસાયમાં સાથ આપનાર નાનામાં નાની કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને એ ક્યારેય વિસરતા નહોતા. આ વ્યક્તિ પાસે ભલે કોઈ હોદ્દો રહ્યો ન હોય કે એનું કશું વર્ચસ્વ રહ્યું ન હોય, પણ એમની સાથે વ્યહવાર ઓછો કરવાની કોઈ વૃત્તિ એમનામાં જોવા મળે નહીં. એથીય વિશેષ સામી વ્યક્તિની નાનામાં નાની બાબતનો તેઓ સતત વિચાર કરતા હતા. આ રીતે વ્યવસાયમાં એમને કોઈની સાથે મતભેદ થયા હશે કિંતુ મનભેદ કયારેય થયા નહોતા.

કંપનીના ડિરોક્ટરોની બોર્ડની મિટિંગ હોય ત્યારે પણ જે વસ્તુ પૂછવા જેવી હોય તે પૂછતા હતા. પરંતુ ત્યારબાદ અન્ય સહુ જે નિર્ણય કરે તેને તેઓ સ્નેહથી સ્વીકારી લેતા હતા. પોતાનો કક્કો સાચો ઠેરવવાની જીદ એમનામાં સહેજે નહોતી. ક્યાંક કોઈ વ્યક્તિ વ્યાપારમાં –ઉદ્યોગમાં નુકસાની કરે, તો પણ ગુસ્સે થયા વિના શાંતિથી એને યોગ્ય સલાહ અપતા. એને સ્નેહથી સમજાવતા ખરા, કિંતુ એની કાર્ય કરવાની ક્ષમતા ક્યારેય ઝૂંટવી લેતા નહીં.

આવી ગુણસમૃદ્ધિ અને કાર્યદક્ષત્તાને કારણે શ્રી મોરખિયા ઉત્તમભાઈની પ્રગતિને ‘ફોનોમિનલ રાઈઝ’ તરીકે ઓળખાવતા હતા. તેઓએ કહ્યું કે ‘સેંડોઝ’ કંપનીમાં હતા ત્યારથી જ ડૉક્ટરોના સમૂહમાં એમ.આર.આર. તરીકે ઉત્તમભાઈ જુદા તરી આવતા હતા. કોઈ પ્રલોભન આપીને કે શોર્ટકટ અપનાવીને વેપાર કરવાને બદલે દવાની ગુણવત્તા પર તેઓ વ્યવસાયન મદાર રાખતા હતા. એમનું ધ્યેય શ્રેષ્ટ થવાનું હતું અને તેને માટે અપ્રતિમ પુરુષાર્થ કરતા રહ્યા. એને પરિણામે ‘ટોરેન્ટ’ ના વિશાળ ઔદ્યોગિક સામ્રાજયનું સર્જન થયું. ડૉ. સુધીરભાઈ શાહના શબ્દોમાં કહીએ તો ‘ટોરેન્ટ એ ગુજરાતના મસ્તક પરનો ગૌરવશાળી શિરતાજ બની રહ્યુ.”

આ વેબસાઈટ ઉપર લખાયેલા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં  ક્લીક કરો.