ખેતીવાડી

આપણી ખેડૂતોની “દોટ” ખોટી નથી “દિશા” ખોટી છે !

[પ્રસ્તુત ખેતિવાડીને લગતો લેખ આદર્શ દંપતિ એવા આદરણિય શ્રી હીરજીભાઈ ભીંગરાડિયા અને ગોદાવરીબહેન ભીંગરાડિયાના સ્વાનુભવનો નિચોડ છે. આદરણિય શ્રી હીરજીભાઈ માલપરા ગામ જિ. ભાવનગરના વતની છે. કાઠિયાવાડી બોલીમા ખેતિવાડીની રસાળ અને ઉપયોગી માહિતી પુરી પાડતા અનેક લેખો આ આદર્શ દંપતિએ પોતે પ્રયોગો કરીને અનુભવના અંતે લખ્યા છે. આ લેખો સમયાંતરે એક પછી એક આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે જેના વાંચન થકી દરેક ખેડૂતને તેમાંથી કંઈકને કંઈક શીખવાનું મળશે એવી અપેક્ષા છે. આ લેખો વડગામ વેબસાઈટ ઉપર ખેડૂતો લાભાર્થે મુકવાની પરવાનગી આપવા બદલ આદરણિય હિરજીભાઈ ભીંગરાડિયાનો આભાર માનું છું.]

 

ભારે ઝડપથી દોડી રહેલા એક મુસાફરે રસ્તાની બાજુ પરના ઝાડ નીચે બેઠેલા માણસને પૂછ્યું : “ભાઈ હું દિલ્હી ક્યારે પહોંચીશ ? “કયારેય નહીં !” એને જવાબ મળ્યો.

”હેં ! આટલી બધી ઝડપે દોડી રહ્યો છું છતાં ?” મુસાફરે પ્રશ્ન કર્યો, “હા ! ગમ્મે તેટલી ઝડપ હોવા છતાંયે ! કારણ કે તમે જે દિશામાં દોડી રહ્યા છો તે દિશા તો મુંબઈ બાજુની છે. જેટલી ઝડપથી દોડશો, એટલા દિલ્હીથી વધારે દૂર થતા જશો.”

“તો દિલ્હી પહોંચવું શી રીતે ?” મુસાફરને વાત સમજાતી નહોતી.

“તમે અત્યારે જે દિશામાં દોડી રહ્યા છો, ત્યાંથી અટકી જઈ એનાથી ઉલટી (ઊંધી) દિશામાં દોડશો નહીં – માત્ર ઉતાવળી હાલ્યે હાલવા માંડશો તો પણ દિલ્હી પહોંચી જશો, કારણ કે એ દિશા દિલ્હીની છે”

મિત્રો ! દોડવાની ઝડપ માત્રથી મંઝિલે પહોંચાતું નથી. દિશાનો સાચો ખ્યાલ હોવો પણ એટલો જ જરૂરી છે. આપણી ઘણીવાર ‘દોડ’ ખોટી નહી, “દિશા’ ખોટી હોય છે.

અન્ય વિષયોની જેમ કૃષિમાં પણ વિજ્ઞાન સૂર્યકિરણ જેવી વેગીલી ઝડપે આગળ વધી રહ્યું છે. હા એક જમાનો હતો કે જ્યારે ખેડૂતોને મન એનું ‘ખેતર’ એ જ એની દુનિયા હતી. મારી જ વાત કરું તો પડામાં દૂર પાણી વાળતો હોઉ અને કુવા પર ચલતા ઓઈલ એન્જિનનો પટ્ટો તૂટી જાય, ને મશીન ઉતાવળી ઝડપે ભાગવા માંડે ત્યારે, તેમા નુકશાન ન થઈ બેસે માટે જલ્દી જલ્દી બંધ કરવા કેટલીયે વાર હડી કાઢીને દોડવું પડતું. જ્યાર આજે ? આજે પોતાના ખિસ્સા માંહ્યાલા મોબાઈલથી ઘેર બેઠા બેઠા વાડીની સબમર્શીબલ ચાલુ બંધ કરી શકાય છે મિત્રો !

ખેતીના આધુનિક વિજ્ઞાને નવા સંશોધનો, નવા બિયારણો, નવી ટેકનોલોજી, નવા સાધનો અને ચીજ વસ્તુઓ વગેર ખૂબ તરતા મૂક્યા છે. એ બધાન વિવેકસભર ઉપયોગ થાય તો બદલો મળે ઉત્તમ ! પણ એનો અવળી દિશાનો એટલે કે ગેર ઉપયોગ થાય તો ?

આપણા કૃષિવિજ્ઞાને જણાવ્યું જ છે કે ‘નવા બિયારણો પાસેથી વધુ ઉત્પાદન લેવું હોય તો તેને ખાવા-પીવા વધુ આપવું પડશે, અને એનું સરક્ષણ પણ ખેડૂતોએ જ કરવું પડશે” આપણે એ આદેશને માથે ચડાવી, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરીએ, તો એ કંઈ ગેરવ્યાજબી પ્રયત્નો નથી. પ્રયત્નો સાચા જ હોવા છતાં – તમે વિચારજો ! મંજિલે પહોંચવાના રસ્તાની પસંદગી તો આપણા જ હાથમાં છે. કોઈ રસ્તો થોડો લાંબો, ધીરજ રાખી, જોઈ જોઈ ડગ માંડીએ તો વિના વિઘ્ને, સલામત રીતે મંઝિલે ચોક્કસ પહોંચાડવાની ખાત્રી આપનારો હોય છે. તો કોઈ હોય ટૂંકો અને વીઘ્નોથી ભરેલો ખબર નહીં રસ્તામાં ક્યાં આંટવી દે તેવો અને નક્કી નહીં કે તે મંજિલે પહોંચાડશે કે નહી તેનુંયે, તેવી ખાત્રી વગરનો ! રસ્તો કયો પસંદ કરવો તે મુસાફરની મનસુફી, બુધ્ધિ, વિચારશક્તિ અને માનસિકતા પર આધારિત હોય છે.

‘ પાક સંરક્ષણ’ મુદ્દો મહત્વનો છે.

પાક સંરક્ષણના પગલાં ખેડૂતે લેવા જ પડે, એ વાત સાચી, પણ ઝેરીલી દવાઓના છંટકાવ પાછળ ગાંડા થઈને લાગી પડવું, એ સદંતર અવળો રસ્તો છે.

અમારા કૃષિ મંડળની મિટિંગમાં સીતાપરના ખેડૂતે વાત કરી કે “અમારા ગામમાં એક ભાઈની ૯૧૦૦૦ રૂ. માં લીધેલી ભેંશ માત્ર વાડીની નીરણ ખાવાના કારણે મરી ગઈ અને પંદર દિવસ પછી ઉત્તમ એવી દૂઝણી ગાય પણ એ જ કારણે મરી ગઈ. અમે એ ખેડૂતને કહેતા હતા કે ભાઈ ! આટલી બધી દવા નો છંટાય ! પણ માને ઈ બીજા ! એની વાડીમાં પાક ગમે તે હોય, પાકને સંરક્ષણની જરૂર હોય કે ન હોય, દવા તો બસ એમ એગ્રોની દુકાન એના ઘરની હોય એમ, દવા બાબતે એકેય પાક બાકી નહીં ! પછી તે કપાસ હોય કે કારેલી, અરે જુવાર, મકાઈ ઘંઉ ટામેટી, રીંગણી મરચી, શક્કરિયા સુધ્ધામાં એને દવા છાંટતા અમે ભાળ્યો છે એ ભેંશ અને ગાય મરવા પડયા ત્યારે બન્ને વખતે ડૉક્ટરને લાવેલા. ડૉક્ટરે પણ એવું જ નિદાન કરેલું કે “ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આવી ગયો છે.” અમને તો પાક્કું જ હતુ કે રજકામાં જે દવા ધાબડ્યે રાખે છે, તેનું જ આ પરિણામ છે. અરે, હીરજીભાઈ ! એ ખેડૂતના પંડ્યનું, એની ઘરવાળીનું, એના છોકરાઓનું, એના ઢાંઢાનુ, એના કૂતરાનું કે એની જમીનનું, એની વાડીમાં પાકેલા કોઈપણ પેદાશનું કોઈપણ લેબોરેટ્રી કરાવશે તો દરેકમાં ઝેરની બહુ બધી ટકાવારી ન દેખાય તો તમે કહો ઈ હું હારી જાઉ બોલો ! આ ઉત્પાદનલક્ષી દોટને આપણે કઈ દિશાની ગણશું. તમે જ કહો !

આમાં જેમ ગાય-ભેંશના અકાળે મૃત્યું થયાં તેમજ અન્યોની તો વાત કોરાણે રહી, પણ પહેલાં ખેડૂત કુટુંબનો સ્વયંનો જ ખો નીકળી જવાનો ! આ રસ્તો મોતની મંઝીલનો છે. પાછુ વળી જોઈ, આગળ વધતા અટકી, સાચી દિશા પકડવી કે મોતના માર્ગે જ હડી કાઢતાં રહેવું છે ?

અમારા જૂના ગામ ચોસલામાં હિંમતભાઈ મારા મિત્ર છે. હમણા એક દિ’ ઓચિંતાના ભેળા થએ જતાં મે પુછ્યું: ‘આગોતરો કપાસ કેટલો ઉગાડ્યો?” તો કહે “ઈ ધંધો હવે કર્યા જેવો નથી.” મેં પૂછ્યું “કેમ કેમ ! આવી વાત કરે છે ?” તે કહે “ત્રણેક વરહ ઈ પાણી બહુ પાયું, પણ હવે નીમ લીધું છે કે ના છૂટકે જ એનો ઉપયોગ કરવો .” “પણ એનું કારણ શું ?” મે પુછપરછ ચાલુ રાખી.

તો કહે : “ઈ દારનું પાણી હવે પાવાથી કપાસ-જુવાર બધુ ઊગી તો જાય છે, પણ પછી મોલાત સાવ ઓહાણ વગરની-ઠોઠડી થઈને પડી રહે છે. ગમે તેટલા પાણ પાઈએ પણ વધવાને બદલે ઉલટાનો ભોયમાં ગરતો જાય છે.”

એની વાત સાચી હતી. દારનું પાણી નબળું હોવાથી બે-ત્રણ વરસ ઠીક ચાલેલું પણ ચોથા વરસે સરવાળે એનું પોત પ્રકાશ્યું. તમે જ વિચારો, જે પાણી આપણે ન પી શકીએ, ઢોરા ન પીવે, તે પાણી કઈ જમીને ઉપર રેલાવીને મોલને પવાય ? એ બોલીને નહી, કરમાઈ જઈને જવાબ આપે છે. વધારે ઉત્પાદન મેળવવા પાકને પીયત દેવાની ના નથી, પણ જમીન અંદરના સૂક્ષ્મજીવોને, જમીનના બંધારણને જમીનના ગુણધર્મોને, ઉત્પાદક્તાને અને ફળદ્રુપતાને નષ્ટ કરી મેલે તેવા પ્રવાહી તો ન જ પવાયને ?

સાચી દિશા પકડી છે મારા મિત્ર અને કૃષિ વિકાસ મંડળના ખેડૂત મહેન્દ્રભાઈ ગોટીએ. તેમના કૂવામાં ઉનાળો હોય એટલે પાણી હોય છે માત્ર ૧૦ મિનિટ મોટર હાલે એટલું જ, પણ હોય છે મીઠાં ટોપરા જેવું, એણે કૃષિના નવા વિજ્ઞાનની ભેર લઈ દસે વીઘાની વાડીમાં ટપક પધ્ધતિ ગોઠવી દીધી છે અને કપાસ, શાકભાજી અને લીલા ચારાના પાકો પકાવી પૂરતું અને સંતોષકારક ઉત્પાદન લઈ રહ્યા છે.

આપણી વાડીના પાકો પાસેથી ધાર્યુ ઉત્પાદન લેવા પોષણ પુરું અને વધુ ઝેરીલી દવાઓના વપરાશના હિસાબે એ નદીનું પાણી વધુ બગડ્યુ. ને કુદરતી સંપદા જેવી નદીઓના પ્રવાહ પણ બગાડી મૂકે એવી ખેડૂતોની આ દોટને કેવી ગણશું ? કહો !

ઘઉ સશોંધન કેન્દ્ર લોકભારતી સણોસરાની મુલાકાતે ગયો હતો. વિવિધ લક્ષણો દેખાડતી વેરાયટીઓનો કોઈ પાર નહોતો ! એની ફુટ્ય, પાનની છટા, એનો ઘેરો લીલો રંગ, ઊભવાની અદા અને માપસરની ઊંચાઈ – બધી રીતે જે વેરાયટી ગમી ગઈ, તેને દરેક રેપ્લીકેશનમાં જોઈ લેવાનો લોભ લાગ્યો. બીજી, ત્રીજી રેપ્લીકેશન પછીની ચોથી રેપ્લીકેશનમાં આ વેરાયટીનો પ્લોટ નબળો ભાળી મેં સંશોધન વિજ્ઞાનની દેવદાસભાઈને પૂછ્યું કે “આનું કારણ શું ? જમીન માવજત બધું સરખું હોવા છતાં અહીં આવું કેમ ?” તો કહે, “હીરજીભાઈ ! આ જગ્યાએ ધરો (ઘાસ) નું ગૂંડું હતું, એને બાળવા અમે નિંદળનાશક દવાનો છંટકાવ કર્યો હતો.”

આ આપણે ખેડૂતો જીરૂમાં, જુવારમાં, રજકામાં અરે ! કપાસ સુધ્ધામાં મજુરી બચાવવા પાક વાવવાં પહેલા, કે વાવીને પછી, ખેડૂતો નિંદણનાશક દવાઓ છાંટવા માંડ્યા છીએ. જતે દા’ડે એ શું જમીનને નડ્યા વિના રહેવાની છે ?

અરે ! હવે તો રાઉન્ડઅપ રેડી બી.ટી. ની જાતો એવી આવી રહી છે કે કપાસ, મગફળી, તુવેર, સોયાબીન વગેરેમાં નિંદામણનાશક છાંટીએ એટલે એ મુખ્ય પાક સિવાયના કોઈ છોડ ઊગે જ નહીં. ! અરે ભલા ! આ અખતરો કરવા જેવો નથી. આ દોટ અવળી દિશાની છે. બિયારણ સંબંધેની સંપૂર્ણ પરતંત્રતા અને વનસ્પતિ જગતમાં વિવિધતાનો નાશ નોંતરનારું આ અભિયાન આપણોય નાશ નોતરીને જ રહેશે ભાઈઓ !

ગાય-ભેંશ જેવાં દૂઝણાઓમાં સ્વેચ્છાએ પારહો ન વાળતાં જાનવરને પરાણે પારહો વળાવવા હોર્મોસના ઇંજેકશનો આપવામાં આવે છે. ડૉક્ટરો તો આના ઉપયોગની ના કહે છે, પણ આપણે તો પરાણે દૂધ મેળવવાની લાહ્યમાં એનો ઉપયોગ કર્યા જ કરીએ છીએ. એ ઈંજેક્શન દીધા પછી જાનવરને શું થાય છે, એની ખબર છે ? એને પ્રસુતિ વખતની વેદના જેવી વેદના ઉપડે છે અને જાનવર માનસિક રીતે ઢીલું પડી જાય છે અને આંચળના બંધ ઢીલા થઈ જાય છે. એના શરીરમાં બીજી કેટલીય આડ અસરો ઊભી થતી હશે, એની ચિંતા કરવાનું આપણે તો છોડી દીધું છે ખરું ને ?

આલીબાબાની વાર્તા “સમસમ ખુલ જા, સમસમ બંધ હો જા !” જેમ ચાંપ દબાવતા સઘળાં કામો યંત્રોથી થવા માંડ્યા છે. એટલે શરીરશ્રમ પ્રત્યે સુગ દાખલ થઈ. પહેલા બે-ચાર બળદ અને ત્રણ-ચાર દુઝાણાં એ ખેડૂતના ઘરની શોભા ગણાતી. આજે ? ઘણા ઘરોમાં તો બાંડી બકરીયે જોવા મળતી નથી. ખેતી પાક દ્વારા નીકળતી આડ પેદાશ ખાઈ દૂધ, ગોબર, ગોમુત્ર અને ધીંગાધોરી રૂપી શક્તિ પશુઓ પુરા પાડતા, જ્યારે યંત્રો ? એ થોડા “છાણ” કરવાના છે ? એ તો ડીઝલ ખાઈ ખર્ચ કરાવે, ધુમાડો ઓકે, પર્યાવરણ બગાડે અને એના ભારે વજનથી જમીને પર ટોર લગાડે. પણ આપની દોડની દિશા જ બસ, આ બની ગઈ છે આનુ કેમ કરવું ?

આપણી રોજિંદી ખોરાકી જરૂરિયાતોના બધા પાક વાડીમાં પકાવી લેતા. જેથી જમીનના કસ-ખેંચાણમાં સમતોલપણું જળવાતું. આજે આધુનિક ખેતીની નવી પેટંટે જેમાં રોકડ નાણાં રૂપે વધુ વળતર દેખાણું, એ એક જ પાક પાછળ પડી જવાનું. પાકની ફેરબદલી, મિશ્રપાક જેવી પધ્ધતિ આઉટ ડેટ થવા લાગી.

અને પર્યવરણના મોટા રક્ષણ એવા વૃક્ષોને વાડીમાં વિવિધ રીતે વસાવવાને બદલે શેઢેય બસ, ઝાડવું ભાળ્યું ? મૂકો કુહાડી ! બપોરે રોંઢો કરવા ક્યાં બેસશું એનોય વિચાર નહી કરવાનોને !

જે ખેડૂતો નવા વિજ્ઞાનની દોડમાં ભળશે નહીં તે પાછળ રહી જશે, એ વાતેય સાચી હોવા છતાં આંખો મીંચી, ઊંધુ ઘાલી, મૂઠીઓ વાળી હડી કાઢી દોડે છે, તેને લક્ષિત મંઝિલને બદલે આખરી મંઝિલવાળા જમ ભળાવા માંડે તો પછી કહેતા નહીં કે વાત તો કરવી હતી ! માટે હડી કાઢવાને બદલે માપસરની કહોને ‘રેવાળ’ ચાલે ચાલશું તો થાક્યા વિના લાંબો પંથ ઉકેલી શકશું.