ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

બનાસકાકા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

 

(૧)

તમામના રાહબર ગલબાભાઈ : – ચીમનભાઈ પટેલ

ગલબાભાઈ પટેલ સાથે મને કામ કરવાની તક મળી હતી. તેઓ સારા ખેડૂત આગેવાન હતા. અને મેં જોયું કે, તેઓ ખૂબ વ્યહવારુ હતા અને જે કોઈ પ્રવૃત્તિ લેતા તેની ગૂંચો ઉકેલવાનું કામ પણ કુશળતાપૂર્વક કરી શકતા હતા. તેઓની રહેણીકરણી ખૂબ સાદી હતી અને તેનાથી જ અનેક લોકો પ્રભાવિત થતા. કે કાંઈ લાગે તે કહેતા હતા.

આજના વિકાસના જમાનામાં આપણી અનેક સુંદર યોજનાઓ ખોરંભે પડે છે અને તે માટેના જવાબદાર કારણોમાં સ્થાનિક નેતૃત્વનો અભાવ એ મુખ્ય હોય છે. ગલબાભાઈએ જુદી જુદી સામાજિક અને પંચાયતની સંસ્થાઓ મારફતે જુદી જુદી કક્ષાએ સ્થાનિક નેતૃત્વ ઊભું થાય તેને માટે ભારે મથામણ કરી હતી અને તેઓને સફળતા પણ મળી હતી. આજે પણ એ કામ અધૂરું છે તે કામ પુરુ કરીને જ આપણે તેઓને સાચી અંજલી આપી શકીએ.

નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો વિષે તેઓ ખૂબ સજાગ હતા. ખેડૂતોને પૂરક આવક મળે તે માટે અનેક યોજનાઓ ઘડવાની તેઓને હોંશ હતી. તે દિશામાં તેઓએ નક્કર કામ પણ કર્યું છે. વિશેષ કરીને જ્યાં સુધી ખેડૂતો સંગઠિત ન હોય ત્યાં સુધી તેઓની તાકાત વધે નહિ અને સોદા શક્તિનો ઉમેરો થાય નહિ તે વાત તેઓએ બરાબર સમજી સમજી લીધી હતી અને એ સમજથી ખેડૂતોના પ્રશ્નો ઉકેલી ખેડૂતોને આબાદ કરવાના પ્રયાસરૂપે જ તેઓ ખેડૂત સંગઠન ઉપર ભાર મૂકતા હતા અને તે માટે કામ કરતા હતા. તેઓએ જ્યારે જ્યારે ખેડૂતોની વાત કરી છે ત્યારે ખેતમજૂરો તેમની નજર બહાર ન હતા. સાચુ કહું તો ગરીબ અને આર્થિક રીતે પછાત તમામના તેઓ રાહબર હતા.

આખી જિંદગી સુધી ગલબાભાઈએ સામજસેવા દ્વારા અત્યોંદય માટે જ કામ કર્યુ છે. તેમના જીવન અને કાર્ય માંથી આપણે પ્રેરણા મેળવીને ગરીબો, ખેડૂતો, ખેતમજૂરો અને આર્થિક રીતે પછાત એવા વર્ગોની ઉન્નતિ માટે કંઈપણ કરી શકીએ તો તેઓના આત્માને જરૂર શાંતિ મળશે.

ગલબાભાઈ બનાસકાંઠા જિલ્લાના એક આગેવાન લોકસેવક હતા અને જિલ્લાને નવું સ્વરૂપ આપવાના પ્રયાસોમાં મોખરે હતા. બનાસકાંઠા જિલ્લાની આર્થિક સુધારણા માટે તેઓએ જિલ્લા કક્ષાની અનેક યોજનાઓ વિચારી હતી. ડેરીની પ્રવૃતિ પણ તેના ભાગ રૂપે હતી.

 

(૨)

ધન નહિ, ધાન :-  ચેલજીભાઈ નાનજીભાઈ અટોસ

સને ૧૯૫૯ની સાલનો આ પ્રસંગ છે. હું અને મારાં પત્નિ શ્રી રૂપાલને મેળે જતાં શ્રાવણ વદ-૬ ની રાત્રે સ્વ. ગલબાભાઈને ત્યાં રાતવાસો રહેલા. તે દિવસે ઘરને તાળું માર્યા સિવાય સ્વ. ગલબાભાઈ બહારગામ ગયેલા હતા. તેમનાં પત્નિશ્રીએ ઠપકો આપતાં ગલબાભાઈએ રોકડું સંભળાવી દીધું કે ‘આપણા ઘરમાં શું ધનના ભંડાર ભર્યા છે કે કોઈ લૂંટી જાય ? આપણે ત્યાં તો ધન નહીં પણ ધાન છે તે ચોર બિચાર કેટલું ઊપાડી જશે ? ‘કેવો ઉમદા વિચાર છે !

એક સમયે છાપી સહકારી મંડળીના મકાનને ગાદી પર આડા સૂઈ ગલબાભાઈ કેટલાક ખેડૂત આગેવાનોને ખોટાં વ્યસનો, કુરિવાજો, તેમજ શિક્ષણ અને સંસ્કાર બાબતોનો વાર્તાલાપ ચલાવી રહ્યા હતા. હું બાજુમાં એકચિત્તે વાત સાંભળી રહ્યો હતો. તેમણે કહ્યું : ‘‘સમાજના ઉત્થાનમાં મારું આખુ જીવન ખપી જાય અને મારા મરણ પછી મારા શરીરનાં અંગોથી પણ કોઈપણ આત્મા તૃપ્ત થાય તેને હું મારું સદ્દભાગ્ય લેખું છું.’

ગલબાભાઈના આત્માની તૃપ્તિ માટે આપણે તેમના સિધ્ધાંતો અને કાર્યને જીવનમાં ઉતારી એક આદર્શ સમાજ રચના ખડી દેશના ઉત્થાનમાં ખપ લાગીએ.

 

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.