ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

સહજ રટણા – પન્નાલાલ પટેલ

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે, જે વડગામ વેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.- નિતિન]

 

સ્વર્ગસ્થ ગલબાભાઈને મારે માત્ર પરોક્ષ જ ઓળખાણ હતી. અમે એક મેક ને મળી શક્યા નહિ એ વાતનો વસવસો મારા દિલમાં હંમેશને માટે રહી ગયો ! મારું ને ગલબાભાઈનું કાર્યક્ષેત્ર પણ આમ તો જૂજવુ હતું. પણ મારી ષષ્ઠીપૂર્તિ વખતે એમણે મારા માટે જે પ્રેમ અને સમભાવ દેખાડ્યો હતો એ બાબત મારા જીવનમાં અવિસ્મરણીય બની રહી છે.

ષષ્ઠીના આ પ્રસંગને લીધે જ મારે મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના આપણા કેટલાક સનિષ્ઠ આગેવાનોના પરિચયમાં આવવાનું બન્યું હતું. આ બધા મિત્રોમાં મારી તરફનો બલ્કે સાહિત્ય તરફનો સદ્દભાવ જોઈને મારામાં રહેલું ‘આજણા’ માટેનું ગૌરવ બેવડાઈ ગયું.

આ પહેલા હું માત્ર માનસિંહભાઈને જ જાણતો હતો. જો કે શ્રી નાથુભાઈ સ. દેસાઈ તેમજ મોતીભાઈ ચૌધરી સાથે થોડોક સબંધ ખરો; પણ ગલબાભાઈ તો જાણે કે અચાનક જ જડી ગયા !

પછી તો મને ગલબાભાઈમાં રહોલો સાહિત્યપ્રેમ તેમ જ લોકો પ્રત્યેની અમર્યાદ લાગણી અને કાર્યો વિષે પણ ઘણું બધુ જાણવા મળ્યું. ષષ્ઠી નિમિત્તે પરોક્ષ રીતે બંધાયેલ સબંધ પછી મને અને એમને પણ એકબીજાને મળવાની તાલાવેલી થતી હતી. ગલબાભાઈ કંઈક ગોઠવવા પણ માગતા હતા.

ત્યાં તો ભગવાને એમને અચાનક પોતાના દરબારમાં તેડી લીધા !

જે રીતે માનસિંહભાઈના મૃત્યુ આધાત આપ્યો હતો એવો જ કારમો આધાત ગલબાભાઈ પણ આપણા માટે મૂકી ગયા !

અલબત્ત માનસિંહભાઈના મહાન કાર્યોની જેમ ગલબાભાઈનાં પણ બનાસકાંઠા ડેરી જેવા મહાન કાર્યો આપણી વચ્ચે અમર થઈને બેઠા છે. ને લોકહિતાર્થે કાર્યો કરતા સાધકોને આવાં કામો પ્રેરણા તથા ઉત્સાહ આપી ચાનક પણ હમેંશા ચઢાવતા જ રહેવાનાં છે.

બનાસકાંઠા ડેરી એ ગલબાભાઈની નાનીસૂની સિધ્ધિ નથી. એની સુવાસ સદાને માટે લોકના વિષે પ્રસરતી જ રહેવાની છે.

પછીના ઋણ સ્વીકાર અર્થે મેં મારી એક લોકપ્રિય નવલકથા મરકટલાલ આપણા આ ચાર મહાનુભાવો સર્વ શ્રી નાથુભાઈ સ. દેસાઈ, વક્તાભાઈ કે પટેલ, સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ અને મોતીભાઈ ર. ચોધરીને અર્પણ કરવાનો નિર્ણય કર્યો ત્યારે મારે અર્પણના ભાવ માટે ઠીક ઠીક ઊંડા ઊતરવું પડ્યું હતું. મારે એમના લોકકાર્યોને અભિનંદવા તો હતા જ , પણ સાથે સાથે ખોટા વખાણ પણ કરવા નહોતાં.

મારે એમને કહેવું હતું કે તમારા હૈયે લોકો માટેની જે લાગણી છે એ કંઈ માત્ર સેવા કરવાના ભાવથી કે લોક તરફની દયાથી પ્રેરાયલી નથી પણ જે રીતે મેધને સહજ એવી ધરતીની માયા છે એવી જ તમને ‘આપણા’ માટીની સહજરટણા છે – એટલે કે લોહીમાં વણાયેલી લોકલાગણી બલ્કે પ્રેમ જ છે ને એ જ તમને લોક તરફ સ્વાભાવિક રીતે દોરી રહ્યો છે.

અર્પણમાં મેં આ ભાવને છંદબધ્ધ કરીને આ રીતે મૂકેલો છે:

હૈયે જેને સહજ રટણા લોકની-ન પરાઈ

એવી જેવી મેવળિયાને ધરતી બાંધી પ્રીતડી.

એટલે ગલબાભાઈ ભલે આજે સદેહે આપણી વચ્ચે નથી પણા આ પૃથ્વી પર એ એમના લોકકાર્યો એવી રીતે સેવી ગયા છે કે સદાય એ આશીર્વાદ બનીને મેધની પેઠે બનાસકાંઠાની જનતા ઉપર વરસ્યા જ કરશે.

આપણે એમનું ઋણ કદીયે ભૂલીએ નહિ.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

—————————————————————————————————————————-

  • Click Here for Fill details for Vadgam Mobile Diary Apps.

  • વડગામ તાલુકામાંથી પ્રસિધ્ધ થતું સાપ્તાહિક “વારંદા એક્ષપ્રેસ” હવે સુરતમાં પણ ઉપલબ્ધ વધુ માહિતી માટે સંમ્પર્ક કરો. શ્રી દિનેશસિંહ રાજ્પૂત :- ૯૫૭૪૨૮૪૮૮૫