આપણા તિર્થસ્થળો

મોક્ષેશ્વર – મુક્તેશ્વર – મોકેશ્વર…….

વડગામ તાલુકા નું  મુક્તેશ્વર ગામ પૌરાણિક સમય મા મોક્ષેશ્વર તરીકે પ્રચલિત હતું.એની પાછળ એવી કથા છે કે , પાંડવો જ્યારે કૌરવો સાથે ના જુગાર દરમિયાન રાજ્પાટ હારી ગયા ત્યારે તેમને ૧૩ વર્ષ માટે વનવાસ મળ્યો હતો.જેમા તેમને એક વર્ષ માટે ગુપ્તવાસ માં  રહેવાનુ હતુ.જો ગુપ્તવાસ દરમિયાન કૌરવો પાંડવોને શોધી કાઢે તો તેમને ફરી ૧૩ વર્ષ માટે વનવાસ ભોગવવો પડે તેમ હતુ.એટલે પાંડવો છુપા વેશે ગુપ્તવાસ માં  ભ્રમણ કરતા ફરતા હતા.એ વખતે તેઓ ફરતા ફરતા હાલ ના મુક્તેશ્વર ગામ ની જગ્યા મા આવી ચડ્યા હતા.અહી તેઓ ગુપ્ત રીતે એક ગુફા મા રહ્યા હતા. જે પાછળ થી પાંડવ ગુફા તરીકે પ્રસિધ્ધ થઈ.પાંડવો જે ડુંગર ઉપર રહ્યા એ ડુંગર પણ પાંડવા ડુંગર તરીકે હાલ મા ઓળખાય છે અને પાંડવો ના નામ થી મુક્તેશ્વર થી અડીને પાંડવા ગામ પણ વસેલુ છે. પાંડવો ની કુળદેવી ચામુંડા માતાજી હતા,જેથી પાંડવોએ  એ વખતે માતાજી ની સ્થાપના કરી એક મંદિર  બાંધ્યું  હતુ.જે આજે પણ છે. આ મંદિર  નો વહિવટ હાલ મા સમસ્ત પાંડવા ગામ ના લોકો મળી ને કરે છે.

એક માન્યતા મુજબ અહી આવેલા એક ડુંગરમા પાંડવો ધ્વારા શિવજીની આરાધના કરવામા આવતા સ્વયંભુ  શિવજી પ્રગટ થયા હતા ત્યારે પાંડવો એ શિવજી પાસે માંગણી કરી હતી કે, અમારા  પિતાશ્રી પાંડુ રાજા ને મોક્ષ મળતો નથી તેનુ કારણ શુ છે ? ત્યારે શિવજી બોલ્યા હતા કે ,તેમની અશ્વમેઘ યજ્ઞ  કરવાની ઇચ્છા અધુરી રહી ગઈ હોઈ તેઓ ગતિ મુક્ત થતા નથી.હુ આ સ્થળે તમારી પ્રાર્થના  થી પ્રસન્ન થયો છુ.માટે શ્રી ક્રુષ્ણ ને અહી બોલાવી આ જગ્યા પવિત્ર કરી અહી  સરસ્વતી માતા ને સદા ને માટે પ્રગટ કરાવો અને તમારા પિતાશ્રીનુ શ્રાધ્ધ (પિતૃ શ્રાધ્ધ) અહી કરો.જેથી તમોને કાર્ય ની સફળતા મળે અને તમારા પિતા ને મોક્ષ મળે આ સ્થાન સદાય ને માટે મોક્ષેશ્વર નામે ઓળખાશે.પાંડવો એ શિવજી ના કહ્યા મુજબ પિતૃશ્રાધ કરતા પાંડુરાજાને મોક્ષ મળ્યો હતો.ત્યારથી આ સ્થાન મોક્ષેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.

એક દંતકથા એવી પણ છે કે ,ભીમ શિવજી નો પરમ ભકત હતો અને શિવજી ની આરાધના કર્યા વગર અન્ન લેતો ન હતો.ભીમે જ મુક્તેશ્વર માં  આવેલા ડુંગર ઉપર બે પથ્થર ની શિલાઓ વચ્ચે શિવજી નુ મંદિર  બનાવ્યુ હતુ.પાંડવોએ આ મંદિર  મા શિવજી ની આરાધના કરતા શિવજી પ્રસન્ન થયા હતા અને પાંડવો ને પિતૃશ્રાધ કરવાનુ સુચન કર્યુ હતુ.

મુક્તેશ્વર મા પારસ પીપળો છે. અહી લોકો દૂર દૂર થી અને તેમના પિતૃઓને મોક્ષ માટે નારાયણ બલિ , પિતૃશ્રાધ્ધ કાલસર્પ યોગ,નાગદોશ જેવી વિધીઓ અહી કરાવે છે અને ભાદરવા સુદ 11 નો મુક્તેશ્વર મહાદેવ નો નુમ,દશમ,અગિયારસનો મોટો મેળો ભરાય છે. તે દિવસે સવારે લોકો આ પીપળાને પાણી ખૂબ જ પ્રેમ થી તાંબા ના લોટા વડે ચડાવે છે.તેથી તેમના પિતૃઓ મોક્ષ ગતિ ને પામે છે.


મુક્તેશ્વર વડગામ તાલુકા મા સરસ્વતી નદી ના કિનારે આવેલુ છે.અહી એક ડેમ પણ બાંધવામાં  આવ્યો છે.જે મોકેશ્વર ડેમ તરીકે ઓળખાય છે.મુક્તેશ્વર ડેમ ની સામે પાંડવા ડુંગર ઉપર ભીમ ની કચેરી અને ભીમ નો દડો નામથી પ્રચલિત સ્થળ છે.ત્યાંથી ભીમ રક્ષણાત્મક દ્રષ્ટિથી ચોકી કરતા હતા તેવુ કહેવાય છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

(ફોટોગ્રાફ્સ:-ધવલ એન.ચૌધરી-વડગામ)