આપણા તિર્થસ્થળો

વરસડામાં આવેલ પરચાધારી સધી માતાજી નું સ્થાનક.

Sadhi Mataji - Varasada
Sadhi Mataji - Varasada

વડગામ થી આશરે ૧૦ કિ.મી ના અંતરે નાનુ એવુ વડગામ તાલુકાનું વરસડા ગામ આવેલુ છે,જે પરચાધારી સધી માતાજીના સ્થાનક તરીકે વિશેષ નામના ધરાવે છે.સધી માતાના સ્થાનક વિશે વાત કરતા પહેલા ગામનો થોડો ઇતિહાસ પણ જાણી લેવો જરૂરી છે જે મુજબ લોકવાયકા પ્રમાણે આ ગામની સ્થાપના લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે થઈ હોવાનુ મનાય છે.આ ગામમાં ગુરૂ મહારાજની શ્રી ગુરૂ જમનાપુરી મહારાજની જીવત સમાધી છે,જેને ગામ લોકો વર્ષોથી પૂજે છે,ગુરૂ મહારજમાં ગામ લોકોને શ્રધ્ધા હતી,જેથી કરીને ગામમા કોઈના પણ ઘેર દિકરો જન્મે એટલે તેની યથા શક્તિ પ્રમાણે લોટ કરીને બાબરી વડી થતી,જે પરંપરા આજે પણ ચાલુ છે અને ગામ લોકો ને પણ ગુરૂની જગ્યામાં અપૂર્વ શ્રધ્ધા છે.વર્ષો પહેલા આ ગામની મુખ્ય વસ્તી સુમરા (મુસલમાનો)ની હતી અને જ્યારે સુમરા લોકો ગામ છોડીને ગયા ત્યારે વરસડા ગામના સ્મશાનમાં લીમડા નીચે પાંચ ઇંટો મુકીને ગયા હતા તે જગ્યા આજે વરસડામાં સધી માતા ના સ્થાનક તરીકે વડગામ તાલુકામાં પ્રખ્યાત છે.અને જ્યારે સુમરા લોકો આ ઇંટો મુકીને ગયા ત્યારે માતાજી ત્યાં રોકાઈ ગયેલા તેવી સત્યકથા આજે પણ ગામમાં લોકમુખે સાંભળવા મળે છે.

Sadhi Mataji-Varasada
Sadhi Mataji-Varasada

ત્યારબાદ વર્ષો સુધી આ જગ્યામા દર્શનાર્થે  કોઈ ભાગ્યેજ જતુ અને આ જગ્યા ગામની સ્મશાનની જગ્યા હોઈ કોઈ માણસ મરણ પામે ત્યારે જતા બાકી તો રસ્તે આવતા જતા ભાગ્યે જ કોઈ લોકો દર્શનાર્થે જતા.

સધી માતાનો ઇતિહાસ વર્ષો પુરાણો હોઈ,આ જગ્યામાં ઘણા જ ચમત્કારો થયા છે.ગામ લોકો ના જણાવ્યા અનુસાર એક સમયે ગામમાં દુષ્કાળ પડેલો અને પહેલાના જમાનામાં દુષ્કાળ પડે એટલે લોકો ઢોર-ઢાંખર સાથે નીકળતા અને કોઈ જગ્યાએ રોકાતા..સમય જતા આ જગ્યા માં રાવળ યોગી સમાજનો ભાઈ પોતાના ઉંટ માટે લીમડો પાડવા ચડેલો ત્યારે તે લીમડો પાડી ન શકેલો તેથી કરીને આજ દિન સુધી ગામની કે કોઈ બહારની વ્યક્તી આ લીમડાનું દાતણ કે બળતણ કરેલ નહિ.સમય જતા આ લીમડો ઘટાદાર થયો અને તેમાંથી અનેક ભાગો છુટા પડેલા અને સુકાઈ ગયેલા,તેમાના એક લિમડાનો સુકાયેલો ભાગ આજે લીલો છે,જે આજે પ્રત્યક્ષ જોઈ શકાય છે.આ જગ્યામાં ખાસ કોઈ અવરજવર ન હતી કે માતાજીની વ્યવસ્થિત કોઈ પૂજા અર્ચના થતી ન હતી,માત્ર સાંજના સમયે ગામનો દિવો થતો અને દેવીપૂજક સમાજ તેમજ અન્ય સમાજના લોકો આ જગ્યા માં બલી ચડાવતા અને કોઈ પણ જાતની આ જગ્યામાં વ્યવસ્થા ન હતી.

આખા ગામનું ગંદુ પાણી ચોમાસુ આવતા આ જગ્યા માં થઈને તળાવ માં જતુ.દશેરાના દિવસે આ જગ્યા માં ભાગ્યે જ લોકો ગરબા ચડાવવા જતા અને ગામના લોકોમા એવી શ્રધ્ધા હતી કે કોઈ બીજા સમાજના લોકો અથવા દેવીપૂજક સમાજના કોઈ દિકરાને બોલાવીને તેને ગરબો ઉપડાવીને ગરબો ચડાવતા.મંદિરની આજુ બાજુ રસ્તો હોવાથી ગામની બહેનો આ માતાજીની લાજ કાઢતી અને કહેતી કે માતાજી સાથે થઈ જશે તેવી બીક હતી અને તેથી ગામના લોકો ખૂબ જ ડરતા અને માતાજીનો પ્રસાદ પણ બહેનો તો ખાતી ન હતી અને ભાઈઓ પણ ડરતા હતા.

Sadhi Mataji - Varasada

અને આ ડરના લીધે  આ સધિમાતાના સ્થાનકમાં ભાગ્યે જ કોઈ જતુ અને ગામની પ્રણાલી મુજબ આ જગ્યાનું કોઈ નૈવેધ ચડાવવામાં પણ આવતુ નહતુ,ભાગ્યે જ લોકો દર્શને જતા જે મા નો મહિમા જાણતા ન હતા અને ખૂબ જ ડરતા હતા.

આજ થી થોડા વર્ષો પહેલા ગામના થોડા માણસો એ ભેગા મળીને આ જગ્યા માં એક દાન પેટી મુકી અને આ પેટી એક વર્ષ પછી આ લોકોએ ખોલી તો તેમાંથી આશરે ૧૧,૧૧૧/-જેટલી રકમનું દાન નીકળ્યુ અને તે જ વખતે ગામલોકોને વિચાર આવ્યો કે આ જગ્યા સુધારવા જેવી છે અને તેનો વિકાસ કરવો છે,પણ લોકો જગ્યાના નામથી ડરતા હતા.

Sadhi Mataji - Varasada
Sadhi Mataji - Varasada

ગામના રીવાજ મુજબ ગામલોકો દર વર્ષે આસો સુદ-૧૧ના દિવસે સાધુઓને જમાડતા એ  દરમિયાન ગામના લોકો અને વડીલો સામે આ વાત મુકી કે ગામની સધી માતાજીની જગ્યાએ દાન પેટી મુકેલી જેમાંથી રૂ.૧૧,૧૧૧/-જેટલી દાન ની રકમ મળેલ છે તો આ દાનની રકમ નું શું કરવુ ? તેની ગામના લોકો વચ્ચે ચર્ચા કરવામા આવી.ગામના બધા લોકો આ આસો સુદ-૧૧ ના દિવસે સધી માતાજીના સ્થાનકે ગયા અને આ જગ્યા સુધારવા માટે પહેલા કોટ અને ઓટલો કરવાનું નક્કી કર્યુ કારણ કે  આ જગ્યા માં કોટ કરવાથી ચોમાસામા આવતુ ગંદુ પાણી બંધ થાય અને માતાજીની જગ્યા માં સફાઈ રહે  તેવુ આયોજન કરી આ કામ કરવુ કે નહિ તે જાણવા માટે એક ચિઠ્ઠી નાખવામાં આવેલી અને ચીઠ્ઠી એક નાના બાળક પાસે ઉપડાવવામા આવી ત્યારે તેમા “ના” આવેલી ત્યારે ગામના બાવજી અમ્રુતપુરી રતનપુરી એ કહેલુ કે ગામના તમે બધા જવાબદાર માણસો ભેગા થયા છો તો કોઈ એક માણસ આ કામ પુરુ થાય ત્યાં સુધી બાધા (આખડી) રાખે તો મતાજી આ કાર્ય માટે રજા આપશે.આ સમયે ત્યાં હાજર રહેલાઓ માંથી ઘાણા બધા ડરતા હતા,થોડીવાર માટે કોઈ કાંઈ જ બોલ્યુ નહી ત્યારે માતાજી એ કોઈને સૂઝવાડ્યું એટલે હાજર રહેલાઓ માંથી ફલજીભાઈ વિરજીભાઈ પટેલે કહ્યુ કે હું બાધા રાખીશ અને બાધા રાખી ટોપરાની, અને પછી ફરીથી ચિઠ્ઠી નાખવામાં આવી અને ફરીથી નાના બાળક પાસે આ ચિઠ્ઠી ઉપડાવવામાં આવી અને તેમાં “હા” આવી અને તરજ માતાજીના સ્થાનકમાં કોટ અને ઓટલાનું કામકાજ શરૂ કરવામાં આવ્યુ.

Sadhi Mataji - Varasada
Sadhi Mataji - Varasada

શરૂઆતમાં કામકાજ ધીરે ધીરે ચાલતુ થયુ અને એક વિશાળ જગ્યા તૈયાર કરવામાં આવી.આ કામ કરવામાં ગામના તમામ જાતિના લોકોએ તેમની યથા શક્તિ પ્રમાણે ફાળો આપીને આ કામને લોક ભાગીદારી તેમજ માતાજીના આવેલ દાન માંથી સૌના સાથ સહકાર થી કામ પુરૂ કરવામાં આવ્યુ.ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરેલુ કામ પૂર્ણ થતા તેનુ ઉદઘાટન કરવાનું વિચાર્યુ અને તા.૨૬.૦૧.૨૦૧૧ના રોજ તેનુ ઉદઘાટન ગામના જ લોકોની હાજરીમાં કરવામાં આવ્યુ અને તે દિવસે ૧૫ કિલો ઘી ની સુખડી બનાવીને માતાજીને ધરાઈને લોકોમા પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને આજે પણ આ દિવસે ૨૬મી જાન્યુ ના દિવસે ૧૫ કિલો સુખડીની બનાવીને પ્રસાદ કરવામાં આવે છે.દશેરાના દિવસે આખા ગામ તરફથી એક થાળી,શ્રીફળ,0II શેર ચોખા નૈવેધ માને ધરવામાં આવે છે.

ત્યારબાદ સમય જતા ધીમે ધીમે આ સધીમાતા ના સ્થાનકની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી અને દર રવિવારે લોકો શ્રધ્ધાથી મા ના દર્શન કરવા વરસડા સધીમાના સ્થાનકે આવવા લાગ્યા અને મહિનામા દર રવિવારે મેળો ભરાવવા લાગ્યો.

સધીમા ના ચમત્કારોની તો અનેક વાતો લોક મુખે ચચાર્ય છે.સધિ માતાએ અનેક લોકોના દુ:ખ દર્દ દૂર કર્યા છે અને શ્રધાથી માની માનતા માનવામા આવે તો તેનુ ફળ અવશ્ય મળે છે.વડગામ તાલુકાના ઘણા ગામડાઓ માંથી દર રવિવારે અસંખ્ય લોકો પગપાળા માના દર્શને વરસડા પોતાની ટેક પુરી કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વરસડા સધી માતાજી મદિંર  તરફથી દરરોજ માતાજીના દર્શને આવનાર ભક્તો માટે ચાની ફ્રી વ્યવસ્થા કરેલ છે અને તેમા પણ શ્રધાળુઓ તેમની યથા શકિત પ્રમાણે દૂધ પણ માને ચડાવવા લાવે છે.

એવુ કહેવાય છે કે સધી માતાની ખોટી સોગંદ કોઈ ખાતુ નથી અને ઘણા પ્રશ્નોનું સમાધાન આ જગ્યા મા સધિ માતાની સાક્ષીએ થયેલા છે.આમ વડગામ તાલુકા ના વરસડા ગામ માં આવેલ સધી માતાજી નું સ્થાનક દિન પ્રતિદિન ખાતિ પામી રહ્યુ છે..આ જગ્યાની એકવાર મુલાકાત લઈ માતાજીના દર્શનનો લ્હાવો લેવા જેવો ખરો…

(પૂરક માહિતી :- શ્રી ફલજીભાઈ વિરજીભાઈ પટેલ (વરસડા) અને ગ્રામજનો,

ફોટોગ્રાફ :- ક્રિષ્ના મ્યુઝીક -ઘોડીયાલ,ધવલ એન ચૌધરી.

વિડીયો :- ક્રિષ્ના મ્યુઝીક –ઘોડીયાલ.)