શ્રી ડોસલા પાર્શ્વનાથ.
ભાવના ભવનાશીની
સર્વથા સ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
વડગામ તાલુકાના ધોતા સકલાણા ગામના મનોહર ઘુંમટબંધ જિનાલયમાં શ્રી ડોસલા પાર્શ્વનાથનું નયન મનોહર જિનબિંબ બિરાજમાન છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. દર્શકના સઘળા આત્મપ્રદેશમાં આનંદનો ચેપ લગાડતા આ આહ્લાદક પ્રતિમાજીની ઊંચાઈ 23 ઈંચ અને પહોળાઈ 181/4 ઈંચ છે. પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.
ધોતા-સકલાણા ગામના શ્રી ડોલસા પાર્શ્વપ્રભુ શ્રી દોહ્યલા પાર્શ્વનાથના અપર નામથી પણ ઓળખાય છે. સંભવિત છે કે , પૂર્વકાળમાં આ પ્રતિમાજીનાં દર્શન ઘણા દુર્લભ હશે. તેથી કદાચ આ પરમાત્મા શ્રી દોહ્યલા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ બન્યા હશે. તે સિવાય આ પરમાત્માના આવા વિશિષ્ટ નામની ભીતરમાં પડેલી કોઈ ઘટના કે કથા સાંભળવામાં આવી નથી.આ પ્રતિમાજી સંપ્રતિ કાળનાં છે. પ્રતિમાજીનું અનુપમ સૌંદર્ય નયનોને દર્શનનું ઘેલું લગાડી દે છે.આ જિનાલય સંવત 1880 આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. દર વર્ષે કાર્તિક સુદ 15 નો અહીં મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લાનું આ અજ્ઞાત તીર્થ ખરેખર દર્શનીય છે.
શ્રી ડોસલા પાર્શ્વનાથનું ધોતા સકલાણા તીર્થ વડગામ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને પાલનપુર શહેરની નિકટમાં આવેલું છે. ગામમાં જૈનોની જૂજ વસ્તી છે.નાનકડું ગામ અને અજ્ઞાત તીર્થ હોવા છતાં , પરમાત્માનો પ્રભાવ અલૌકિક છે.
: એડ્રેસ :
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ
મુ. પો. ધોતા-સકલાણા , જિ. બનાસકાંઠા (ગુજરાત)