Uncategorized

કારકિર્દી – પ્રો. કીર્તિભાઈ કોરોટ

(Ref:-From Reliable Web sources)

પરીક્ષાનું પરિણામ આવશે એટલે આપણા બાબાને બારમું ધોરણ પાસ કર્યા પછી ક્યાંક કૉલેજમાં દાખલ તો કરી દેવો પડશે! એ ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા’ – દાદીમાએ કહ્યું.

‘અરે! પણ એને ઠેકાણે પાડવાનું કામ સહેલું નથી! ટકાના ડખા અને ડોનેશનનો ચક્રવ્યૂહ ભેદવાનું કામ ભલભલાનાં હાંજા ગગડાવી નાખે એવું છે! બાબો પરીક્ષા આપે અને બાપો અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહે એનું નામ કળિયુગ’ – દાદાજીનો પ્રત્યુત્તર!

દરેક માતા-પિતાને પોતાના બાળકને એના રસ અને રુચિ અનુસારના ઉચ્ચ શિક્ષણ માટે તક પ્રાપ્ત થાય એવી ઇચ્છા હોય તે સ્વાભાવિક છે. પરંતુ ‘દેખાદેખી’ના આજના યુગમાં મા-બાપ કે સંતાનો પણ પોતાની કારકિર્દીના ક્ષેત્રનો નિર્ણય દેખાદેખી અથવા પોતે માની લીધેલી આકર્ષક કારકિર્દી વિશેના અપૂરતા – અધૂરા કે કોઈકે ઊંડાણપૂર્વકના અભ્યાસ વગર આપેલી સલાહ પર આધારિત હોય છે. હકીકતમાં સંતાન કે તેનાં માતા-પિતા કારકિર્દી વિશે વિદ્યાર્થી નવમું ધોરણ પાસ થાય પછી જ વિચાર કરતાં હોય છે. ખરેખર તો બાળક ૬ઠ્ઠા-૭મા ધોરણમાં આવે ત્યાં સુધીમાં એના રસ કે રૃચિનું ક્ષેત્ર વિકસતું હોય છે. માતા-પિતા એ વિશે બેખબર હોય છે પણ બાળક જાણે-અજાણે પોતે શું બનવું છે, તેની તસવીર મનોમન અંકિત કરતું જ હોય છે. અલબત્ત, એમાં જે તે ક્ષેત્રનાં બાહ્ય આકર્ષણો પણ બાળકને આંજતાં હોય છે, પણ મોટે ભાગે બાળક કારકિર્દીનાં સપનાં નાનપણથી જ જોતું થઈ જાય છે.

કારકિર્દીને માત્ર નોકરીની તક, ઊંચા પગાર કે માન-મરતબાની શક્યતાની દ્રષ્ટિએ મૂલવવાની જરૃર નથી! કારકિર્દીને જીવનના એક મહત્વના વળાંક અને માર્ગની નજરે જોવાની-જાણવાની-તપાસવાની જરૃર છે. અહીં કેટલાક શબ્દો પ્રત્યેની તમારી સમજ કેળવવાની પણ આવશ્યકતા રહેશે.

૧. કાર્ય :

તમે જે કામ કારકિર્દી માટે પસંદ કરો તેમાં તમારી નિષ્ઠા, એકાગ્રતા અને પરિશ્રમથી ઉત્તમ પરિણામો લાવવાની કે નોકરી દાતાને તેવું પરિણામ લાવી આપવાની તમારી તૈયારી છે કે પછી કેવળ ‘નોકરી કરી ખાવા ખાતર’ નોકરીમાં જોડાવાની કે ધંધો કરવાની તમારી ઇચ્છા છે. પોતાના પિતાનો બિઝનેસ છે માટે તમારે વધુ કામ કરવાની જરૃર નહીં પડે એવા ખ્યાલમાં રાચશો નહીં.

૨. કાર્ય કૌશલ્ય :

જે ક્ષેત્રમાં તમે જવા કે જોડાવા માગો છો, એ ક્ષેત્ર માટે તમારા જ્ઞાાન, સામર્થ્ય અને કુશળતાનો વિકાસ કરવાની તમારી તૈયારી છે? અમુક ક્ષેત્ર માટે તેને સંબંધિત તમારે કાર્યકૌશલ્ય વિકસાવવાનો વિચાર નોકરી કે ધંધામાં જોડાયા બાદ નહીં પણ તેની પૂર્વ સજ્જતા અભ્યાસકાળથી જ શરૃ કરવી પડશે.

૩. નોકરીની શક્યતા :

તમે જ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો તેમાં જો નોકરી જ તમારું લક્ષ્ય હોય તો તે ક્ષેત્રમાં નોકરી પ્રાપ્તિની શક્યતા, પદોન્નતિની શક્યતા અને મનોવાંછિત સુવિધાઓ સંતોષાવાની શક્યતા છે કે કેમ તેનો પણ પૂર્વ વિચાર કરી લેવો આવશ્યક છે.

૪. નોકરીમાં પોઝિશન કે હોદ્દો:

જો તમે ઉચ્ચ હોદ્દો કે પોઝિશન ઝંખતા હો તો કારકિર્દી માટે તેવું જ ક્ષેત્ર પસંદ કરી તેને માટેની પૂરતી જાણકારી માહિતી, પગાર, પ્રમોશન વગેરેથી વાકેફ થવાનું રાખશો.

૫. પડકાર માટેની તમારી સજ્જતા : 

તમારે એ નક્કી કરવું પડશે કે એક જ પ્રકારની નોકરીનું ક્ષેત્ર પસંદ કરી એકધારી નોકરી કરતા રહેવું છે કે પડકારો ઝિલીને આગળ વધવા સજ્જ બનવું છે? વિકાસ માટે ઇચ્છા અને સાધના બન્ને જરૃરી છે. નોકરી બદલી-બદલીને તેનાથી મળતા લાભો માટે તમારે તમારા વ્યક્તિત્વ અને ગુણવત્તા સુધાર માટે પણ સતત સજ્જ રહેવું પડે!

૬. તમારું પોતાનું મનોવિજ્ઞાન સમજવાની તૈયારી :

માણસે કારકિર્દી માટે પોતાનું મનોવિજ્ઞાાન સમજવાની જરૃર છે. પોતાનો રસ, રુચિ, અભિરુચિ, ગમા-અણગમા, પોતાની માનસિક મર્યાદાઓ અને સ્વભાવની વિચિત્રતાઓ તથા વિશિષ્ટતાઓ સમજવી જોઈએ. જેનામાં કામની એકાગ્રતા, ચીવટ, કાળજી જેવી બાબતોનો અભાવ હોય એણે મિકેનિકલ કે ઈલેક્ટ્રિકલ જેવાં ક્ષેત્રોની કારકિર્દીની પસંદગી પૂર્વે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બેદરકાર પાયલટ કે ડ્રાઈવર જાત અને જગત બન્ને માટે જોખમી.

૭. પારિવારિક આવશ્યકતાઓ અને આર્થિક સ્થિતિ :

આજે શિક્ષણ મોઘું દાટ બની ગયું છે ત્યારે મેડિકલ જેવી વિદ્યા શાખામાં જોડાયા બાદ એમ.બી.બી.એસ. કે એમ.ડી/એમ.એસ. સુધી અભ્યાસ કર્યા બાદ યોગ્ય રીતે સ્થિર થતાં દસકો વીતી જવાનો. એ દરમ્યાન તમારી પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓનું વહન કરવાની બાબતોની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ.

૮. ટૂંકાગાળના અને લાંબા ગાળાના ઉદ્દેશોની વિચારણા :

માણસે પોતાના કારકિર્દીના સ્પષ્ટ લક્ષ્યાંકો વિશે વિચાર કરવો જરૃરી છે. તમારી તાત્કાલિક આવશ્યકતાઓ અને અપેક્ષાઓ શું છે અને લાંબા ગાળે તમે શું પ્રાપ્ત કરવા ઇચ્છો છો તેના વિચાર પણ પહેલેથી જ કરી લેવો અપેક્ષિત છે.

૯. નિર્ણયશક્તિની ગંભીરતા :

કારકિર્દીની પસંદગી કેવળ ઉતાવળે પતાવી દેવાની પ્રક્રિયા નથી. ગંભીરપણે વિચારીને નિર્ણય કરવાનું ક્ષેત્ર છે તેથી ઃ તમે પસંદ કરેલા ક્ષેત્રનું તટસ્થપણે મૂલ્યાંકન કરો, જે તે ક્ષેત્રની મર્યાદાઓ અને વિશેષતાઓને ધ્યાનમાં લો, જે તે ક્ષેત્રમાં તમે જે કાંઈ પ્રાપ્ત કરવા માગો છો, તે ફળીભૂત થવાની શક્યતા છે કે કેમ તેનો વિચાર કરો, અમુક ક્ષેત્રમાં જવાનો નિર્ણય કર્યા પછી તે ક્ષેત્ર અનુકૂળ ન આવે તો તે પછીના તમને ગમતા વૈકલ્પિક ક્ષેત્ર વિશે પણ વિચારી રાખો. જિંદગી કેવળ વૈતરુ કરીને પૂરી કરી નાખવાનો વિષય નથી!

૧૦. અણધાર્યા પરિણામો કે પરિસ્થિતિઓ ઉદ્ભવે ત્યારે :

જીવન સરિતા એકસરખા પ્રવાહથી વહેતી રહેતી નથી. એટલે નોકરી કે વ્યવસાયમાં ક્યારેક આપણા નિયંત્રણ બહારનાં પરિણામો કે પરિસ્થિતિ સર્જાય છે. તેવી પરિસ્થિતિમાં નોકરી કે વ્યવસાય દરમ્યાન તમારે અન્ય ક્ષેત્રે કામમાં જોડાવાની કાર્યકુશળતા કેળવવાનો વિચાર પણ કરી લેવો જોઈએ. એ માટે બહુજ્ઞાતા એટલે કે અનેક વિષયોની જાણકારી તમને મદદરૃપ બનશે. ઇજનેર બન્યા પછી એમ.બી.એ.ની તૈયારી એ માટે મદદરૃપ થઈ શકે. એટલું જ નહીં પસંદગીની એક વિદ્યાશાખામાં પ્રવેશ ન મળ્યો એટલે જીવનનાં તમામ સ્વપ્નો રોળાઈ ગયાં. તેમ ન માનશો.

૧૧. જીવનશૈલી અંગેની પૂર્વ વિચારણા :

તમારે કેવા પ્રકારની જીવન શૈલી અપનાવી છે, તેનો વિચાર કરીને જ કારકિર્દી વિકસાવવી જોઈએ. તમે શાન્તિપ્રિય છો, ક્રાન્તિપ્રિય છો, વૈભવપ્રિય છો કે સાદગીપ્રિય, એનો સ્પષ્ટ ખ્યાલ કારકિર્દીની પસંદગી માટે આવશ્યક છે.

૧૨. તમારા જુદાં-જુદાં કર્તવ્યોની અદાયગીનો વિચાર :

તમારા જીવનઘડતરમાં, શિક્ષણમાં માતા-પિતાની ભૂમિકા મહત્વની હોય છે. ભણ્યા પછી તમે પારિવારિક જીવન શરૃ કરશો ત્યારે પુત્ર, પતિ, પિતા, તરીકે તમે જ દામ્પત્ય-જીવન પ્રત્યે તમારી ભૂમિકા મહત્વની બની રહેશે. સાથે સાથે સહકર્મચારીઓ સાથેના સંવાદી સંબંધો પણ મહત્વના બનશે. આ બધાંનો વિચાર પણ કારકિર્દી સંદર્ભે ગંભીરપણે કરી લેવો જોઈએ.

૧૩. આરામ અને આનંદદાયક જીવનની તકો વિશેનો ખ્યાલ :

તમે જીવનમાં શાને મહત્વ આપો છો, આરામ, નિરાંત, આનંદ કે સુવિધાઓને? એનો વિચાર પણ કારકિર્દી સાથે પ્રગાઢ રીતે સંકળાયેલો છે. ફાવતું ને ભાવતું જ્યાં ન જ મળવાનું હોય તેવા ક્ષેત્રને કારકિર્દીના નિર્ણયમાં અગ્રતા ન અપાય.

૧૪. તમારી પોતાની નોકરી/વ્યવસાયના ક્ષેત્રમાં ‘માગ‘ ઉભી થવાની શક્યતા:

તમારી આયોજન શક્તિ, કાર્યકુશળતા, દૂરંદેશીપણું, સંચાલન કે વહીવટની ક્ષમતા, તમારા સામર્થ્યથી ‘નોકરીના ક્ષેત્રો’માં તમારી માગ ઉભી કરવાની આવડત, આ બધું કારકિર્દી વિકાસમાં મદદરૃપ બને છે.

૧૫. સર્વવાઈલ ઓફ ધ ફીટેસ્ટનો જમાનો :

દિવસે-દિવસે નોકરી કે વ્યવસાય અથવા ધંધાનું ક્ષેત્ર અતિશય સ્પર્ધાનું ક્ષેત્ર બનતું જાય છે. તેથી નબળો, બોદો કે ઓછી સજ્જતાવાળો માણસ કોઈ સ્વીકારશે નહીં. તેથી તમે જે કોઈ ક્ષેત્રનો કારકિર્દી માટે વિચાર કરો, તેમાં શ્રેષ્ઠ બનવાની કોશિશ નહીં કરો તો જીવનમાં ભટકતા રહ્યા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.

૧૬. અને અંતે…:

‘સુનિયે સબ કી લેકિન કરિયે મનકી‘ તમને ગમતું જ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો, પણ તરંગી કે તુક્કાબાજ બનીને નહીં. અને માતા-પિતા વડીલો-સલાહકારોનું પણ એ કર્તવ્ય બની જાય છે કે તમારા ખ્યાલો કે વિચારો કારકિર્દી વિકસાવવા ઇચ્છનાર યુવક કે યુવતી પર લાદશો નહીં. એટલું જ નહીં તમારા પરિવાર, રાજ્ય અને દેશે તમને ભણાવી-ગણાવી તૈયાર થવામાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મદદ કરી છે એટલે સદ્ગૃહસ્થ કે શ્રેષ્ઠ નાગરિક બનવાનું પણ તમારે યાદ રાખવું જ.