આપણા તિર્થસ્થળો

ડાલવાણા ગામમાં આવેલ ઐતિહાસિક શ્રી વારંદાવીર દાદાનું મંદિર

વડગામ તાલુકાના ડાલવાણા ગામે ઐતિહાસિક શ્રી વારંદાવીર દાદાનું મંદિર આવેલ છે જ્યાં દરવર્ષે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોની કોમી એકતા સમાન ઐતિહાસિક વારંદાવીર દાદાની પલ્લી પ્રાચીન પરંપરા અનુસાર ડાલવાણા ગામમાંથી નીકળી ગામથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા શ્રી વારંદાવીર દાદાના મંદિરે લઇ જવાય છે. આ પ્રસંગે ડાલવાણાના ગ્રામજનો ઉપરાંત દૂર-દૂરના ગામોમાંથી પણ વીરદાદાની પલ્લીમાં ભાવિકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વર્ષો જુની પરંપરા મુજબ ભરાતી વારંદાવીર મહારાજની પલ્લી ડાલવાણા ગામમાં આવેલા વીરદાદાના પાટસ્થાનમાં ગામ લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે પલ્લી દાદાના પાટસ્થાનથી ઊપાડ્યા બાદ પ્રથમ મુસ્લિમોના મહોલ્લામાં જાય છે. ત્યાં મુસ્લિમો પલ્લીના ઝળહળતા દીવડામાં ‘ઘી’ પુરી શ્રદ્ધાથી પલ્લીના દર્શન કરે છે. આ ઝળહળતા દીવડાવાળી પલ્લી ડાલવાણા ગામના પ્રજાપતિ કોમના કોઇએક વ્યક્તિ માથે ઉપાડી ગામમાં ફરે છે. પલ્લીની પાછળ ભાવિકો પણ ગામમાં ફરે છે. ઝળહળતા દીવડાં સાથે ગામમાં ફરતી પલ્લીમાં લોકો ‘ઘી’ ચડાવે છે. આ પલ્લી ગામમાં ફરી ગામના ચોકમાં આવે ત્યાંથી પલ્લી ઉપાડનાર વ્યક્તિ પલ્લી ઉપાડી ગામથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા વારંદાવીરદાદાના મંદિરે ધૂળીયા રસ્તામાં ખૂલ્લા પગે પવન વેગે દોટ મૂકે છે. તેમની સાથે વયોવૃદ્ધ ભુવાજી પણ લોકો કલ્પના પણ ન કરી શકે એટલી ઝડપે મંદિર તરફ દોડે છે. તેમની પાછળ વારંદાવીર મહારાજના હજારો ભાવિકભકતો પણ દોટ મૂકી મંદિરે જાય છે. ત્યાં પહોંચી ગામ લોકો સાત જાતના અનાજમાંથી બનાવેલા ખીચડાનો પ્રસાદ બનાવી લોકોને આપે છે. આસો સુદ એકમથી નવમા દિવસે ભરાતી વારંદાવીર મહારાજની પલ્લીમાં ડાલવાણા ગામના તમામ વ્યક્તિઓ નિયમિતપણે હાજર રહે છે. જેથી ડાલવાણા ગામના ધંધા અર્થે મુંબઇ, નાસીક, સુરત, નવસારી ખાતે સ્થાયી થયેલા જૈન, પંચાલ, રાજપૂત, પટેલ, સુથાર તથા અન્ય જ્ઞાતિના પરિવારોમાંથી દરેક ઘરનો ઓછામાં ઓછો એક સભ્ય પલ્લીમાં ફરજિયાત હાજર રહે છે,જ્યારે વારંદાવીર દાદા પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઇને ગામલોકો ઉપરાંત દૂર-દૂરના ગામોમાંથી પણ પગપાળા તેમજ વાહન મારફતે હજારો શ્રદ્ધાળુઓ પલ્લીના દર્શનાથે ઊમટી પડે છે. જે શ્રદ્ધાળુઓએ પલ્લી અને વારંદાવીર મહારાજના દર્શન કરી વિવિધ માનતાઓ અને બાધાઓ રાખે છે તેમની શ્રધાપૂર્ણ મનોકામનાઓ દાદા અવશ્ય પુરી કરે છે.

ડાલવાણા ગામના શ્રદ્ધાળુઓ નવરાત્રિમાં શક્તિના બદલે ઇષ્ટદેવ વારંદાવીરની અનોખી ઉપાસના કરે છે. આ શ્રદ્ધાળુઓ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરી દાદાની પલ્લીનો પ્રસાદ લઇ ઉપવાસ છોડે છે. જેમાં નવ દિવસ મંદિરના પટાંગણમાં જ રહી પૂજા-અર્ચના પણ કરે છે. ડાલવાણા ગામના લોકો તેમજ અન્ય ગામોના શ્રદ્ધાળુઓ નવરાત્રિમાં વારંદાવીર દાદાની ઉપાસના કરે છે. વીરદાદાની ઉપાસના કરતા શ્રદ્ધાળુઓ નવ દિવસ દાદાના મંદિરના પટાંગણમાં જ રહે છે. તેમજ નવ દિવસ નકોરડા ઉપવાસ કરી દાદાની પલ્લીનો પ્રસાદ લઇ ઉપવાસ ખોલે છે. આ ઉપરાંત વીરદાદાની આરાધના કરતા શ્રદ્ધાળુઓ નિયમિત દાદાના નામના જાપ, ત્રણ ટાઇમ આરતી સહિત જરૂરી પૂજા-અર્ચના કરે છે. આસો સુદ-આઠમના દિવસે ગામના જૈન સમાજના લોકો જેઓ ધંધાથે અમદાવાદ, વિસનગર, મુંબઇ, સુરત, નાસીક, નવસારી ખાતે રહે છે તે દરેકના પરિવારમાંથી એક સભ્ય ફરજિયાત ડાલવાણા આવી દાદાની મૂતિ અને આભૂષણોની પ્રક્ષાલન વિધી કરે છે.