શ્રી માણિભદ્ર વીર દાદા : જીવન ઝરમર – ૧
શ્રી માણિભદ્ર વીર ‘દાદા’ !
હા, દાદા !
’દાદા’ શબ્દ મમતા, વાત્સલ્ય, હુંફ અને ભરપૂર પ્રેમના પર્યાય તરીકે વપરાય છે. સામાજિક સંબધોમાં નાની-મોટી કોઈ તકલીફમાં બાળકો દાદાના ખોળામાં ભરાય છે. આ બધી દુન્વયી તકલીફો છે, ઐહિક મુશ્કેલીઓ છે. જેમાં દાદા (પિતાના પિતા)નું શરણું કાંઈક લેખે લાગે છે, પણ કર્મજન્ય તકલીફોનું શું? આધિ-વ્યાધિ-ઉપાધિમાં ક્યાં જવું? ઐહામુષ્મિક(આ લોક અને પરલોક સબંધી)મેશ્કેલીઓમાં કોનું શરણ શોધવું? અને અધિદૈવિક અને આધિભૌતિક ઉપાધીઓમાં કોને શરણે જવું? આ બધી મુશ્કેલીઓમાં શરણું તો દાદાનું જ લેવું પડશે. પણ દાદા એટલે માણિભદ્ર વીર દાદા.
મગરવાડા સ્થિત આ માણિભદ્ર વીર દાદા આજુબાજુનાં પંથકમાં હજારો લોકો માટે એક માત્ર આશ્રયસ્થાન છે. શ્રધ્ધાપૂર્વક એમને શરણે જનાર ત્રિવિધ જ નહિ, અનેકવિધ ઉપાધિઓથી મુકત થાય છે. અહીં આપણે માણિભદ્ર વીર દાદાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને મગરવાડા તીર્થની ભૌગોલિક સ્થિતિ વિષે વાત કરવી છે.
અઢી હજારથી અધિક વર્ષો પૂર્વે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી દ્વારા જિનશાસનની પાવક જ્યોતને પુન:પ્રજવલિત કરવામાં આવી. ત્યાર પછી જૈન ધર્મની અવિરત ઉન્નતિ થતી રહી છે, તેમ છતાં, સમયે સમયે અન્ય ધર્મોના ધર્માચાર્યો તથા અનુયાયીઓએ જૈન ધર્મને હાનિ પહોંચાડી તેનું ઉન્મૂલન કરવા પ્રયાસ કર્યા, ત્યારે વજ્રસ્વામીજી, મલ્લવાદીજી, સિધ્ધસેન દિવાકર, કાલિકાચાર્ય તથા માનતુંગ સૂરિજી જેવા સિધ્ધ લબ્ધિધારી આચાર્ય ભગવંતોએ શાસનરક્ષક દેવી દેવતાઓની આરાધના કરી, તેમની અનન્ય સહાયથી પરધર્મીઓને પરાસ્ત કર્યા અને જૈન ધર્મની રક્ષા કરીને મહાન પ્રભાવના કરી છે. આ ઉપરાંત, મહામારી, મરકી, અનાવૃષ્ટિ તથા અતિવૃષ્ટિ ધરતીકંપ જેવા પ્રાકૃતિક પ્રકોપ, રાજકીય પ્રકોપ તથા ધાર્મિક ઝનૂની યવનોના આક્રમણ કાળમાં જ્યારે જીવન દુષ્કર થયું, મૂર્તિપૂજા જપ તપ તથા આરાધના મેશ્કેલ બન્યાં, ત્યારે એવી સંકટની ઘડીઓમાં મહાતપસ્વી, સિધ્ધાચાર્યો તથા મુનિ ભગવંતોએ જૈન ધર્મના દેવી દેવતાઓની આરધના ઉપાસના કરી તેમની કૃપાથી કષ્ટનિવારણ કર્યુ હતું. જૈન ધર્મ તથા તેના અનુયાયીઓની રક્ષા તથા ઉન્નતિનો યશ જિનશાસનના જાગૃત પ્રભાવી અધિષ્ઠાયક દેવી દેવતાઓને ફાળે જાય છે.
પરમાત્મા શ્રી આદિનાથ સ્વામીજીના કાળથી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના સમય સુધી થયેલ ચોવીસ તીર્થકરોમાં પ્રત્યેક પરમાત્મા તીર્થકર સાથે વિશિષ્ઠ શક્તિ સામર્થ્ય ધરાવતા દેવી દેવતાઓ પ્રભુની સેવામાં સદાય સમર્પિત રહી શાસનરક્ષા કરતા આવ્યા છે. આ સઘળા પ્રભાવશાળી, જાગૃત જિનશાસન સમર્પિત દેવી દેવતાઓમાં શ્રી ચક્રેશ્વરી દેવી, પ્દ્માવતી દેવી, લક્ષ્મીદેવી, સરસ્વતીદેવી, અંબિકાદેવી, મહાકાળી, જોગણી માતાઓ, શ્રી ધરણેન્દ્ર, શકેન્દ્ર જેવા ચોસઠ ઇન્દ્રો તથા કાળભૈરવ, બટુકભૈરવ, ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી મણિભદ્ર વીરદાદા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આવા સધળા અધિષ્ઠાયક દેવી-દેવતાઓની પરમ કૃપા તથા અગણિત ઉપકારોથી જિનશાસન પૂર્ણ તેજસ્વી દિવ્ય દિવાકરને જેમ દેદીપ્યમાન થઈ રહ્યું છે.
શાસનના સંરક્ષક તથા ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરનારા આ સઘળા સામર્થ્યશીલ દેવી-દેવતાઓ વંદનીય અને પૂજનીય છે.
વર્તમાન જિનશાસનન તપાગચ્છની ધવલ કીર્તિ ચોમેર વ્યાપ્ત છે. ભારે આદર અને સન્માનથી સર્વત્ર તેનું નામ લેવાય છે. જો કે ભારતમાં મોગલકાળ દરમ્યાન જૈન ધર્મમાં શિથિલાચાર, વાદવિવાદ તથા કુસંપે માઝા મૂકી હતી. માર્ગ ભૂલેલા, મતિભ્રષ્ટ કેટલાક શિથિલાચારી સાધુઓ શુધ્ધ જૈન ધર્મના સાધુ ભગવંતોના પ્રાણ હણવા પ્રયાસ કરતા હતા. ધર્મના એવા અંધકારપૂર્ણ અગ્નીપરીક્ષાના કાળમાં સિધ્ધાત્મા શ્રી હેમવિમલસૂરિજી તથા શ્રી આનંદવિમલ સૂરિજી મહારાજે પ્રખર પુરુષાર્થ કર્યો. તપ આરાધના કરી તેમણે સામર્થ્યશીલ એવમ પ્રભાવશાળી દેવને જાગૃત કરી તેમને તપાગચ્છના અધિષ્ઠાયક દેવતા તરીકે પ્રસ્થાપિત કરી ધર્મારક્ષા કરી. આજે પાંચ પાંચ શતાબ્ધીઓથી એ પરમ ઉપકારી દેવ જિનશાસન તથા તેના અનુયાયીઓનું કલ્યાણ કરતા આવ્યા છે. વર્તમાન તપાગચ્છની રક્ષા,ઉન્નતિ તથા સંવર્ધનનો યશ અધિષ્ઠાયક દેવ યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર દાદાને ફાળે જાય છે. આજે જૈન જૈનેતરોમાં ‘મગરવાડિયા વીર’ તરીકે ઓળખાતા શ્રી મણિભદ્ર વીર વ્યંતર નિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજા ગણાય છે. મગરવાડા તીર્થની આ જ પાવન ધરા પર સદીઓ પૂર્વે વીર દાદા પ્રગટ થયા હતા.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થમાં ભાવિકોને સહાયભૂત થતા, જૈન જૈનેતેર ભક્તોને પરચા પૂરતા વીરદાદા તેમનાં અકલ્પનીય પ્રભાવના કારણે વિશ્વવિખ્યાત છે.
અવસપિર્ણી કાળ (કળિયુગ)માં ભૌતિક વિકાસના કારણે માનવીના જીવનમાં સુખ સગવડો, સુવિધા તથા ભોગવિલાસનો અતિરેક થયો છે. તો બીજી બાજુ આધુનિક સંશોધનોના કારણે જૈવિક શસ્ત્રો, પરમાણુ શસ્ત્રોનો અતિરેક, આંતકવાદ, ત્રાસવાદ, ખૂનામરકી, લૂંટફાટ, સત્તાલાલસા જેવી વિકરાળ સમસ્યાઓથી માનવજીવન અશાંત,દુ:ખી અને ભયગ્રસ્ત થયું છે. વૈજ્ઞ્યાનિક વિચારસરણીના અતિરેકથી આજના મનુષ્યની આસ્તિક્તા પણ બોદી,પોલી ને પાંગળી થઈ ગઈ છે. દેવદર્શન, પૂજાપાઠ, ધાર્મિક ક્રિયાકલાપ, ગુરુભક્તિ તથા વૈયાવચ્ચ વિષયક માનવી યંત્રવત અને સંશયી થઈ ગયો છે. પ્રત્યેક વાતમાં પ્રમાણ અને સાબિતી માગતા મનુષ્યની શ્રધ્ધા અને આસ્થા નિષ્પ્રાણ થઈ ગઈ છે. પરિણામે તે આધિ, વ્યાધિ ને ઉપાધિથી પીડિત છે.
હિમાલય, માઉન્ટ આબુ તથા ગિરનાર જેવા પવિત્ર અને જાગૃત સ્થાનો પર આજે પણ સિધ્ધાત્માઓ વસે છે. ભારતમાં અસંખ્ય દેવી-દેવતાઓનાં જાગૃત મંદિરો છે. જ્યાં ચમત્કાર ઘટે છે. ભાવ, શ્રધ્ધા અને સમર્પણના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવનારા ભક્તોને અન્ય ચમત્કારિક સ્થાનોની જેમ શ્રી મગરવાડા તીર્થમાં પણ યક્ષધિરાજ શ્રી મણિભદ્ર વીર દાદાના પરચા મળે છે. જૈન જૈનેતરોની મનોકામનાઓ પરિપૂર્ણ કરનારા, કરુણાસાગર દાદા અહીંયા પ્રત્યક્ષ પ્રભાવી છે. વર્તમાનમાં પણ વીરદાદાના વિવિધ સચોટ મંત્રો, સ્તુતિ, પ્રાર્થના અને વિધિવિધાનથી આરાધના ઉપાસના કરનારા આચાર્ય ભગવંતો, સનિષ્ઠ શ્રાવકો તથા શ્રધ્ધાળુ ભક્તોને શ્રી મણિભદ્ર વીર દાદા તેમની શ્રધ્ધાનુસાર દર્શન, આશીર્વાદ, સ્વપન સંકેત તથા ચમક્તાર આપી અચૂક સહાયતા કરે છે. (ક્રમશ:)
This Post Has 0 Comments