ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

પરમ સહિષ્ણુ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમા ગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,જે વડગામ વેબસાઈટ ઉપર સમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.

ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું સંપાદન આદરણિય શ્રી રઘુવીરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ, જેમાંથી અહીં ગલબાભાઈના સમકાલિન મહાનુભાવ શ્રી દોલજીભાઈ ગણેશભાઈ પટેલ દ્વારા લખાયેલ સ્વ.ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ લખવામાં આવ્યો છે. – તંત્રી- www.vadgam.com ]

અંતિમ વિદાય….

જાન્યુઆરી તા. ૩ સને ૧૯૭૩નો દિવસ હજુ પણ મારા માનસ પર તરવરી રહ્યો છે. એ દિવસે બનેલી કરુણ ઘટના મારા જીવનના અંતકાળ સુધી યાદ રહેશે કે, જ્યારે મારી દ્રષ્ટિ સામે જ પરમ શ્રેષ્ઠ સાથી અને માર્ગદર્શક તથા જિલ્લાના લોકલાડીલા નેતા શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના અકાલ મૃત્યુનો આઘાતજનક બનાવ બન્યો હતો.

સહેજ શરદી અને સળેખમ હોવાથી દવાનો ડોઝ લેવા તેમણે ઇચ્છા પ્રદર્શિત કરી અને હું પણ તેમની સાથે જ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યારે કરાલકાળના ક્રૂર પંજાએ ઇંજેક્શનને વિકૃત સ્વરૂપ આપી મિનિટ-બે મિનિટમાં જ અમારા આ પ્રાણપ્યારા સાથીને ઘેરી લીધા. ડૉક્ટરો અને નર્સોએ તેમને બચાવવા અથાક પ્રયાસો કર્યા છતાં તેમનો જીવનદીપ તત્ક્ષણ બુઝાઈ ગયો. તેઓશ્રીએ ચિર વિદાય લીધી.

હું તેમનો ઘણા વર્ષોથી પરિચિત હતો. સ્વરાજ્ય પૂર્વે નવાબી શાસન દરમ્યાન તે વખતના પાલનપુર રાજ્યના ખેડૂતોએ, ઈસબગુલ ઉપર ટેક્ષ નાખેલ તેની સામે પ્રખર વિરોધ જાહેર કર્યો ત્યારે ખેડૂતોની આ લડતમાં તેઓ પણ સહભાગી હતા. તે હજુ પણ સ્મૃતિપટ ઉપર અંકિત થયેલ છે. નવાબશ્રીએ નમતું જોખીને ખેડૂતોની માગણી સ્વીકારતાં આ લડતનો સફળ અંત આવ્યો. બનાસકાંઠાના ખેડૂતોના વ્યાપક સંગઠનમાં આ હકીકતે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

દેશને સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછી સ્વ. ગલબાભાઈ ધંધાર્થે મુંબઈ ગયા. ત્યાં દૂધની દુકાન શરૂ કરી. જીવદયા મંડળી દ્વારા વસૂકેલી ભેંસોના આદાન-પ્રદાનનું કાર્ય હાથ ધર્યુ, પરંતુ વિશ્વવ્યાપી મંદીમાં તેમને ધંધામાં ખોટ સહન કરવી પડી અને તેઓ મુંબઈ છોડી વતનમાં પાછા આવ્યા.

જો કે ધંધામાં આવેલી આર્થિક ખોટથી તેઓશ્રીને વ્યક્તિગત નુકશાન થયું હતું પરંતુ બનાસકાંઠાની ગ્રામજનતા અને વિશેષ કરીને ખેડૂત પ્રજા માટે આ ઘટના આર્શિવાદરૂપ બની. કારણ કે તેમણે વ્યાપાર ધંધાનો ત્યાગ કરી પોતાના બાપીકા ખેતીના ધંધાનો વધારાનો સમય ખેડૂતોનું સંગઠન રચવા પાછળ ગાળવા માંડ્યો. આ શુભ પ્રવૃતિમાં મારા જેવા અનેક સાથીદારોનો તેમને સંપૂર્ણ ટેકો મળ્યો.

પૂજ્ય મુનિશ્રી સંતબાલાજીનો પરિચય ગુજરાતની જનતાને આપવનો હોય નહિ. મુનિશ્રી ગ્રામસંગઠનના પ્રબળ પુરસ્કર્તા અને પ્રેરણાદાતા હતા. તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન નીચે ભાલનળકાંઠા વિસ્તારના ખેડૂતોએ મંડળનું સંગઠન રચેલું તેથી ગલબાભાઈ અને મારા જેવા તેમના નિકટના સાથીઓ મુનિશ્રી પાસે ગયા. ત્યાં વિચાર વિનિમય કર્યા પછી ભાલનળકાંઠાના ધોરણે બનાસકાંઠામાં પણ ખેડૂત સંગઠન રચવાનો નિર્ધાર કર્યો અને ૧૯૫૧માં પરમ લોકસેવક શ્રી રવિશંકર મહારાજની સાનિધ્યમાં જિલ્લાની પ્રથમ ખેડૂત પરિષદ સેદ્રાસણ ગામે રાજપુર મઠના મહંત શ્રી ચંન્દ્રપુરી મહારાજના પ્રમુખપદે મળી, જેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મંડળની બંધારણપૂર્વક સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ અને માનદમંત્રી તરીકે મારી વરણી કરવામાં આવી.

સને ૧૯૫૨માં દેશવ્યાપી થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરવનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે જિલ્લાની વિધાનસભાની એક બેઠકમાં ખેડૂત મંડળના પ્રતિનિધીને ઉમેદવાર તરીકે સ્વીકારવા આગ્રહ થયો અને મુનિશ્રી સંતબાલજીની ભલામણથી એ ચૂંટણીનો તમામ બોજો સાથીદાર ખેડૂત આગેવાનોએ ઊપાડી લેધો અને તેઓ તદ્દન ન જેવા ખર્ચે વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યા. સને ૧૯૫૭માં ફરીથી સામાન્ય ચૂંટણીઓ થતાં ખેડૂત મંડળ સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થયો. કારણ કે શ્રી પોપટલાલ મૂળશંકર જોશી જેઓ સને ૧૯૫૨ની પ્રથમ ચૂંટણીમાં ધાનેરા વિભાગમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભામાં ચૂંટાયા હતા તેઓ ૧૯૫૬માં કોંગ્રેસમાં દાખલ થયા અને ધારાસભામાં અને ખેડૂત મંડળની

પ્રવૃત્તિઓમાં સ્વ.શ્રી ગલબાભાઈ અને શ્રી પોપટલાલ જોષી સાથે રહીને કામ કરતા હતા. તેમણે ૧૯૫૭માં કોંગ્રેસ પક્ષ પાસે ધારાસભાની ટિકિટ માંગતા સ્થાનિક નેતાગીરીના પ્રબળ વિરોધને કારણે તેમની પસંદગી ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ કરી નહિ. તે સમયે સ્વ.શ્રી ગલબાભાઈ અને સાથીદારોએ શ્રી પોપટલાલ જોષીને ટિકિટ આપવા માટે મુનિશ્રી સંતબાલજી પાસે રજૂઆત કરતાં મુનિશ્રીની ખાસ ભલામણથી કોંગ્રેસ મધ્યક્ષ પાર્લામેન્ટરી બોર્ડે શ્રી જોશીને ટિકિટ આપવાનું માન્ય રાખ્યું. સને ૧૯૫૭ની સામાન્ય ચૂંટણી પ્રસંગે મહાગુજરાતની લડતના મુદ્દા ઉપર જનતા પરિષદે કોંગ્રેસનો સજ્જડ વિરોધ કર્યો હતો અને બાજુના મહેસાણા જિલ્લામાં એક સિવાયની ધારાસભાની બધી જ બેઠકો અને લોકસભાની બંને બેઠકો કોંગ્રેસને હરાવી જનતા પરિષદે કબજે કરી હતી. ત્યારે પણ બનાસકાંઠા જિલ્લામાં સ્વ. શ્રી ગલબાભાઈના નેતૃત્વમાં ખેડૂત મંડળ અને તેના આગેવાનોએ કરેલા નિષ્ટાભર્યા પ્રયાસોના પરિણામ સ્વરૂપે લોકસભાની અને ધારાસભાની તમામ બેઠકોમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. આમ થતાં ખેડૂતોમાં પોતાના સંગઠનને વ્યાપક અને વધુ કાર્યક્ષમ બનાવવામાં ભારે જાગૃતિ આવી.

સને ૧૯૫૫માં પાલનપુર શહેરમાં બનેલી એક સામાજિક કરુણ ઘટના પ્રસંગે પૂજ્ય મુનિશ્રી સંતબાલજીનો શહેરમાં ચાતુર્માસ કાર્યક્રમ હતો અને મુનિશ્રીએ આ ઘટના માટે શુધ્ધિપ્રયોગ કરવાનો આદેશ આપ્યો ત્યારે સ્વ.શ્રી ગલબાભાઈ અને સાથીદારોએ મુનિશ્રીની આજ્ઞ્યાને શિરસાવંધ ગણી શુધ્ધિપ્રયોગ આદર્યો. તેને પ્રજાએ સારો આવકાર આપ્યો-પરિણામે શુધ્ધિપ્રયોગને સફળતા મળી.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સ્વરાજ્યપ્રાપ્તિ પછી દેશમાં થઈ રહેલાં વિકાસકાર્યોનું પ્રત્યક્ષ દર્શન કરે તેવા શુભાશયથી જિલ્લા ખેડૂત મંડળના સંચાલન નીચે સને ૧૯૫૮, ૧૯૬૧ અને ૧૯૬૫ – એમ ત્રણ વખત ભારતદર્શનયાત્રા સ્પેશીયલ ટ્રેન નીકળી હતી જેમાં બે વખત ટ્રેનના સંચાલન તરીકે મારી પસંદગી કરવામાં આવી હતી. સ્વ. શ્રી ગલબાભાઈ અને ખેડૂત મંડળના તમામ મોવડીઓએ આ રેલ્વે ગાડીઓમાં પ્રવાસ કરીને યાત્રિકો-ખેડૂતોની કરેલી સેવાઓ હજુ પણ ખેડૂતો ભૂલી શક્યા નથી.

બનાસકાંઠા જિલ્લામાં બહોળુ પશુધન હોતાં ખેતી ઉપરાંત પશુ ઉછેરનો પૂરક વ્યવસાય ખેડૂતો કરે છે. દૂધના સારા ભાવો મળે અને ખેડૂતોનું જીવનધોરણ સુધરે તેવા ઉમદા આશયથી શ્રી ગલબાભાઈએ જિલ્લામાં ડેરી સ્થાપવાનો નિર્ણય કર્યો અને સૈ ખેડૂત આગેવાનોએ આ યોજનાને વધાવી લીધી. પરિણામે “ બનાસડેરી” ની સ્થાપના થઈ. તેના પ્રથમ પ્રમુખ તરીકે પણ શ્રી ગલબાભાઈની વરણી થઈ. તે સમયે ડેરીના સંચાલક મંડળમાં હું પણ જોડાયો હતો. બનાસડેરીનો ખૂબ જ વિકાસ સાધી તે દ્વારા જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે સ્વ.ગલબાભાઈએ જીવનની છેલ્લી ધડી સુધી પ્રયાસો કર્યા હતા. “બનાસડેરી” એ સ્વ.શ્રીનું સ્મારક છે.

પંચાયત રાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ભાગ ન લેવો જોઈએ તેવી મુનિશ્રી સંતબાલજીની વિચારધારા અનુસાર ખેડૂત મંડળે પંચાયત રાજ્યની સ્થાપના પ્રસંગે માતૃસંસ્થા કોંગ્રેસનો મુકાબલો કર્યો હતો અને સ્વ. શ્રી ગલબાભાઈની આગેવાની નીચે ખેડૂતમંડળે જિલ્લા પંચાયત અને જિલ્લાની મોટાભાગની તાલુકા પંચાયતો હસ્તગત કરી ખેડૂતોની તાકાત બતાવી દીધી હતી.

ગલબાભાઈએ વડગામ તાલુકા પંચાયતના પાંચ વર્ષ સુધી પ્રમુખ પદે રહીને અને સને ૧૯૬૮થી જીવનની છેલ્લી ઘડી સુધી જિલ્લા પંચાયતના પ્રમુખપદે રહીને જિલ્લાના ગ્રામસમાજના ઉત્કર્ષ માટે અથાક પ્રયાસો આદર્યા હતા. તેમના જિલ્લા પંચાયતના પ્રમુખપદ દરમ્યાન જિલ્લામાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ ઉભી થયેલી ત્યારે તેમણે સરકારશ્રી અને ગુજરાત રાજ્ય તથા બહારની સેવાભાવી સંસ્થાઓનો પ્રત્યક્ષ સંપર્ક સાધીને જિલ્લાને દુષ્કાળની ગંભીર સ્થિતિમાંથી બચાવી લીધો હતો.

ગલબાભાઈના અપ્રતિમ સંગઠનકર્તા અને આજીવન સેવાને વરેલા લોકસેવક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન જિલ્લાની પ્રજા અને વિશેષ કરીને તો ખેડૂતો, શ્રમજીવીઓ, દલિતો અને સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે અર્પણ કર્યું હતું. તેઓએ જીવનની પળે પળે ગરીબોના દુ:ખ-દર્દો ઓછાં કરવા માટે પ્રયાસો કર્યા હતા. સહિષ્ણુતાનો તેમનામાં મહાન ગુણ હતો. પોતાના શત્રુનું પણ તેઓ શ્રેય ઇચ્છતા હતા. તેઓ કર્મ કરવામાં માનતા હતા અને ફળ આપવાનું ઇશ્વર ઉપર છોડી દેતા હતા. બનાસકાંઠા જિલ્લાની એક પણ પ્રવૃતિ એવી નહિ હોય કે જેમાં સ્વગર્સ્થશ્રીનો ફાળો નહિ હોય. દરેક શુભ પ્રવૃતિમાં તેઓ સાથ આપતા હતા અને પોતાના સાથીઓના કલ્યાણની તેઓ ખૂબ જ ચિંતા કરતા હતા.

સ્વગર્સ્થશ્રી ગલબાભાઈના કરૂણ મૃત્યુથી બનાસકાંઠા જિલ્લામાં તેઓશ્રીની ભારે ખોટ પડી છે.

બનાસકાંઠા જિલ્લાના લોકસેવકો અને વિશેષ કરીને સ્વર્ગસ્થશ્રીના સાથીઓ અને અનુયાયીઓ તેમના સમર્પિત જીવનમાંથી પ્રેરણા લઈ લોકસેવાની પ્રવૃતિઓ કરે તો તેમને સાચી અંજલી આપી ગણાશે.

– શ્રી દોલજીભાઈ ગણેશભાઈ પટેલ

[ગલબાભાઈ સ્મૂર્તિ-ગ્રંથ – ૧૯૭૯ માંથી સાભાર]

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

સહકારના શિલ્પી ગલબાકાકા ,/ કરોડોમાં એક ક્યારેક ! /આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત.. / બનાસડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ / વિશિષ્ટ દાન / ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી / પછાતપણાના કલંકના મુક્તિદાતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ