વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ- ૮

સીસરાણા મા.ઉ. શાળામાં જૈન પરિવાર દ્વારા ‘જલધારા પરબની ભેટ’ :- વડગામ તાલુકાના સીસરાણા ગામના નિવાસી કાંતાબેન બાબુલાલ મહેતા પરિવાર અને ચિ. નિલેશકુમારા બી. મહેતા, બેલાબેન એન મહેતા તથા પૌત્રી ચિ. વિરતી અને દીયા, પૌત્ર આર્ય મહેતા જૈન પરિવાર ના સહયોગથી ‘જલધારા’ ના નિર્માણ હેતુ રૂપિયા ચાર લાખના માતબર રકમ ખર્ચે આર.ઓ.પ્લાન્ટ કુલીંગ સિસ્ટમ ધરાવતી અદ્યતન પરબનું વિદ્યાર્થીઓને દાન કરેલ છે.

છાપી હાઈસ્કૂલનું ગૌરવ :- વડગામ તાલુકાના છાપી ખાતે આવેલ શ્રી એસ.યુ.એન મહેતા હાઈસ્કૂલ ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પંકજ મનુભાઈ જોષીએ વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી અને ફિજિક્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું.

વડગામ તાલુકામાં સિંચાઈના પાણીના પ્રશ્ને છેલ્લા વીસ વર્ષથી નિષ્ફળતા મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના છેવાડાનો અલ્પવિકસીત વડગામ તાલુકો ખેતી-પશુપાલન ઉપર નિર્ધારીત છે. અહીંના ૧૧૦ ગામોના શિક્ષિત બેરોજગારો બહારના વિસ્તારોમાં ધંધા રોજગાર માટે જાય છે છતાં નિષ્ફળ ગયેલ રાજકારણને લીધે જીઆઈડીસીની રચના થઈ શકેલ નથી સાથે સાથે ગ્રામ્ય કારીગરોને સરકારી યોજનાઓનું પ્રોત્સાહન નહી મળતા આર્થિક કટોકટીને લીધે અન્ય સ્થળે હિજરત કરી ગયા છે. પશુપાલન વ્યવસાય ટોપમાં હોવાથી ધાસચારો વડગામ વિભાગમાં આયાત થાય છે જે ખર્ચાળ છે તેવા સંજોગોમાં વડગામ, વરસડા, મગરવાડા, નાવિસણામાં આવેલા મોટા તળાવોમાં નર્માદાનું નીર નાખવામાં આવે તો વડગામ તાલુકો રોજગારીમાં બેઠો થઈ શકે.

વડગામના કરનાળા ગામની ભાંખરીમાં મૃત દિપડો મળી આવતા ચકચાર. :- રોજ કરનાળા ગામ અરવલ્લીની ગીરીકંદરાની ભાંખરી ગામે વસેલું ગામ છે આ જગ્યાએ તા.૨૩.૧૨.૨૦૧૪ના રોજ ને મંગળવારે સવારે મૃત હાલતમાં દિપડો મળી આવ્યો હતો. બાજુમાં જ મૃત વાસરડુ પડ્યું હતું. પ્રાથમિક અનુમાન અનુસાર આ મૃત વાછરડાનું માસ આરોગતા પોઇઝન થવાથી દિપડાનુ મોત થયુ હોવાનું જણાઈ રહ્યું હતુ . જો કે સાચી માહિતી ફોરેન્સિક લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ જ આવી શકે તેવું ઉપસ્થિત ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ પંચનામા વખતે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે વડગામ તાલુકામાં છેલ્લા થોડા સમયથી વન્યપ્રાણીઓની ચહલપહલ વધી હોય તેવું જણાઈ રહ્યુ છે. થોડા સમય અગાઉ વડગામ તાલુકા મથક સહિત અનેક ગ્રામિણ વિસ્તારોમાં રિંછનો આંતક જોવા મળ્યો હતો.

આદર્શ ગામ અંતર્ગત વડગામ તાલુકાના પસવાદળ ગામમાં સાંસદ દિલિપભાઈ પંડ્યા દ્વારા પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકોનો ઉત્સાહ જોતા સાંસદે જણાવ્યું હતું કે સાંસદે ગામને દત્તક નથી લીધુ પણ ગામ લોકોએ સાંસદને દત્તક લીધા છે તેવો મને અહેસાસ થાય છે. આ પ્રસંગની સાથે સાથે સાંસદ દ્વારા ગામલોકોની સાથે પસવાદળમાં આવેલા પ્રસિધ્ધ શષ્ટામ્બિકા મંદિરથી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા અભિયાન :- વડગામ તાલુકામાં સ્વચ્છતા અભિયાનને લઈને સળવળાટ જોવાઈ રહ્યો છે. વડગામ તાલુકાના અનેક ગામોમાં સરકારી કર્મચારીઓ, રાજકિય અગ્રણીઓ તેમજ આમજનતા દ્વારા ફરજના ભાગરૂપે હોય કે પછી જાગૃતિ આવી હોય કારણ ગમે તે હોય લોકોમાં આ વિષય આજકાલ ટોકઓફ ધ ટાઉન છે. પહેલા તો આવી સ્વચ્છતાની બાબતો ને લઈને કાર્યક્ર્મો યોજાય તે જ મોટી ઘટના ગણાઈ રહી છે કારણ કે જાહેર ક્ષેત્રે સામુહિક રીતે ગાંધીયુગ પછી આધુનિક યુગમાં આ પ્રકારના કાર્યક્રમો થકી એક નવી આશા સર્જાઈ છે કે આવનાર ભવિષ્યમાં સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારા પરિણામ જોવા મળી શકે તેમ છે.

ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું :- તા.૨૮.૧૨.૨૦૧૪ને રવિવારે વડગામ આર્ટસ કોલેજ પાસેથી વાહનોની ભવ્ય રેલીના સ્વરૂપે નીકળ્યા બાદ વડગામ તાલુકાના પાંચડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયુ હતું. જેમા ઉપસ્થિત આગેવાનો દ્વારા ઠાકોર ક્ષત્રિય સમાજને જાગૃત કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સામાજિક દુષણો વ્યસનોને દેશવટો આપવા અને સમાજને સંગઠિત કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

વડગામના પ્રગતિશીલ ખેડૂતને દિલ્હીનું તેડું. રાજ્ય સ્તરથી કેન્દ્રનો એવોર્ડ મેળવશે :- વડગામ પંથકમાં સૌ પ્રથમ હાઈબ્રીડ ખાતરને તિલાજંલી આપી છાણીયા ખાતરથી ઓર્ગેનિક ખેતી કરનાર તાલુકા મથક વડગામના પ્રગતિશીલ ખેડૂત ભિખાજી કાળુજી સોલંકીને તાલુક-જિલ્લા રાજ્ય કક્ષાના અનેક એવોર્ડ અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. હવે તેઓને કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભિખાજી એ દેશી ઢબના અનેક પ્રયોગો કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે તેમની ખેતિ પધ્ધતિ સમગ્ર રાજ્યમાં ખ્યાતિ ધરાવે છે. દક્ષિણ ગુજરાતના સુરત-વલસાડની વાડીઓ દ્વારા ફળોનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ વડગામના ભિખાજી સોલંકીને તેમના ફાર્મ ઉપર બોલાવી સલાહ સૂચન લે છે.

વડગામ તા.પં.કર્મ.મંડળીના ચેરમેન બિનહરિફ :- દર વર્ષે અંદાજિત ૩૬ કરોડનું ટર્નઓવર કરતી વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી વડગામના ચેરમેન બાબુલાલ આર. ધુળિયાએ કારોબારી સમીતીની મીટીંગમાં સ્વેચ્છાએ રાજીનામું આપતા તેમની જગ્યાએ વરસડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગણેશભાઈ એ. બાવળેચાને તા.૨૯.૧૨.૨૦૧૪ના રોજ ચેરમેનનો તાજ સોંપવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગના ઉપસચિવ વડગામની મુલાકાતે :- વડગામમાં નિર્માણ પામેલ અતિઅધુનિક સરકારી આર્યુવેદિક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ઉપસચિવ શ્રી સુરેશભાઈ સોનીએ મુલાકાત લઈને સ્ટાફની ઘટ તેમજ અન્ય જરૂરિયાતો પુરી પાડવા ઉપસ્થિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું.

વડગામ ખાતે સપ્તકુંડી મહાયજ્ઞ યોજાયો :- તા.૩૦.૧૨.૨૦૧૪ને મંગળવારના રોજ વડગામ ભોજકવાડી ખાતે ગુજરાત સમસ્ત વડગામ ગોહિલ-મોચી પરિવાર દ્વારા સપ્તકુંડી મહાયજ્ઞ યોજાયો હતો. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગોહિલ પરિવારોએ મોટી સંખ્યામાં આવી દર્શનનો લાભ લીધો હતો. પોષ-સુદ ૧૧ મંગળવારે ગોહિલ-મોચી સમાજના કુળદેવી ચામુંડા માતા તથા રાજેશ્વરી આઈશ્રી ખોડિયાર માતાજીનો સપ્તકુંડી મહાયજ્ઞ યોજાયો હતો. સમાજની ધર્મપ્રેમી જનતાએ ભોજન-પ્રસાદ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વડગામના સલેમકોટની સીમમાં હીમશીલા ખાબકતા કુતુહલ :- વડગામ તાલુકાના સરસ્વતી નદીના કાંઠે આવેલા ગામોમાં આવેલા ઠંડીના રોદ્ર સ્વરૂપ વચ્ચે ગઈકાલે સવારે આકાશમાં ગોરંભાયેલા વાદળા અને છવાયેલા વાદળ અને ધુમ્મસ વચ્ચે સલેમકોટ ગામની સીમમાં જોરદાર કડાકા સાથે ૫૦ કિલો વજનનો બરફનો ટુકડો (હીમશીલા) ખાબક્યો હતો. પ્રથમવાર બનેલા આ બનાવને પગલે કુતુહલવશ ઉમટી પડેલા લોકોના ટોળેટોળા કુદરતનો કરીશ્મા નીહાળી અશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકમાતા સરસ્વતી નદી તટે વસેલા બહાર ગામ એટલે બાર પાદર કે જ્યાં ચમત્કારિક શ્રી સેભર ગોગ, શ્રી રાફડાવાળા ગોગ મહારાજ , શ્રી મુક્તેશ્વર મહાદેવ તીર્થ સ્થાન જેવા ઐતિહાસિક તીર્થ સ્થાનો અરવલ્લીની નાની ગીરી કંદરાઓમાં આવેલા છે. શીયાળાની ઋતુ અને એમાંય છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવતા પાંચડા, સલેમકોટ, શેરપુરા, તાજપુરા, નિઝામપુરા, પાંડવા, મુક્તેશ્વર, નવોવાસ, નવીસેંધણી, જુની સેંધણી, હરદેવવાસણા કબીરપુરાના વિસ્તારોમાં મીની કાશ્મિર જેવો માહોલ સર્જાયો છે.

છાપીમાં ગરીબોને ધાબળા વિતરણ કરાયું. :- વડગામ તાલુકાના છાપી ખાતે કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્રારા સતત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. મંગળવારે સવારે ગ્રામ પંચાયત કચેરીમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

વડગામ ના ધોતા ગામે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો :- વડગામના ધોતા (રામપુરા) પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્રના કુલ ૩૫૧ બાળકોને સ્થાનિક પંચાલ પરિવાર દ્વારા સ્વેટર વિતરણ કરાયા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં સેવાભાવી લોકો-છૂપા દાતાઓ દ્વારા સ્વેટર, ધાબળા વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે નટવરલાલ એમ પંચાલ પરિવાર દ્વારા શનિવાર તા.૦૩.૦૧.૨૦૧૫ના રોજ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા પંચાલ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

અહેવાલ :- – પુષ્કર ગોસ્વામી (વડગામ તાલુકા પ્રતિનિધી રખેવાળ દૈનિક), વડગામ તાલુકા પ્રતિનિધી (સંદેશ, દિવ્યભાષ્કર,ગુજરાત સમાચાર)