વ્યક્તિ-વિશેષ

‘સાઈબર કોપ’ કિરણ પટેલ : કામ જહેમતભર્યુ, પણ અશક્ય તો નહી જ…

[તાજેતરમાં આંતરરાષ્ટ્રિય ગુજરાતી મેગેઝીન  ચિત્રલેખાના ૧૮ માર્ચના અંકમા ‘સાઈબર ક્રાઈમ ગુનાનું નવું માધ્યમ’ વિષય ઉપર વિશેષ અહેવાલ પ્રસિધ્ધ થયો,જેમાં વડગામ તાલુકાના વડગામ ગામના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પોલીસ અધિકારી તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ પી.પટેલની સાઇબર ગુનાઓ ઉકેલવાની વિશેષ કાબેલિયત અને મેળવેલ સિધ્ધીઓનો  ખાસ ઉલ્લેખ થયો છે,જે આપણા સૌના માટે ગૌરવ લેવા જેવી બાબત છે.ચિત્રલેખાની આપણી આજકાલ કોલમમાં શ્રી મહેશ શાહ દ્વારા લખેલ સંપૂર્ણ અહેવાલ વડગામ વેબસાઈટ ઉપર લખવાની મંજૂરી આપવા બદલ શ્રી મહેશભાઈ શાહ અને ચિત્રલેખાનો આભારી છું]

 

૭ સપ્ટેમ્બર,૨૦૧૧: દિલ્હી હાઈ કોર્ટ પરના આંતકી હુમલાની જવાબદારી અમે ‘ઇન્ડિયન મુજાહિદ્દીન’ લઈએ છીએ. હવે પછીનો ધડાકો એટલો ઘાતક હશે કે તમે દાયકા સુધી ભૂલશો નહીં…

૨૩ ફેબ્રુઆરી,૨૦૧૩: અમે ‘લશ્કર-એ-તૈબા’ના માણસો છીએ. પચાસ કરોડ રૂપિયા નહી આપો તો ગુજરાતમાં ચાર સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવશે…

 

ટેરર અટેકના શંકાસ્પદ ઇ-મેઇલની ઉકત બન્ને ઘટનામાં બે સામ્યતા છે: બીજી વ્યક્તિના નામે અને પ્રોક્સી સર્વર પરથી ટીવી ચેનલ્સને ઇ-મેઇલ મોકલ્યો હતો. આ બન્ને ટેરર ઇ-મેઇલ મોકલનારને ગુજરાત પોલીસે ઝડપી લીધા.

શું હતી એ ઘટના?

ઓક્ટોબર, ૨૦૧૧માં દિલ્હી હાઇકોર્ટ નજીક બોમ્બ બ્લાસ્ટ થયાના ટૂંકા કલાકો બાદ એ વિસ્ફોટની જવાબદારી લેતો ઇ-મેઇલ એક ટીવીચેનલને કિલડોઇન્ડિયાએટયાહૂડોટકોમ પરથી મળ્યો. વિષયમાં લખ્યું હતું ક્લેમિંગ ધ બ્લાસ્ટ, મોકલનારનું નામ હતું અલ-સઈદ-અલ હૂરી. આ ઇ-મેઇલ મોકલનારા  ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકીને પકડવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનાઆઈએ) સહિત બીજી તપાસ અને ગુપ્તચર એજન્સીઓ કામે લાગી હતી.

એ જાણીને અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલના ઇન્સ્પેક્ટર કિરણ પટેલે કોઈ  અસાઈન્મેન્ટ વિના સ્વેચ્છાએ અને દેશદાઝથી જહેમત આદરી. એમણે ઇ-મેઇલના વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક-પ્રોક્સી નેટવર્ક) અને આઈપી (ઇન્ટરનેટ પ્રોટોકોલ) પરથી જાણ્યું કે ઇ-મેઇલ રશિયાથી આવેલો. જો કે યાહૂના ડેટાના પૃથ્થકરણમાં જણાયું કે ઇ-મેઇલ રશિયાથી નહીં, પણ ઉત્તર ગુજરાતમાંથી મોકલ્યો હતો! એ આધારે પટેલે બ્લાસ્ટની ધમકીનો ઇ-મેઇલ મોકલનારા પાટણના મોનુ ઓઝાને આબાદ ઝડપી લીધો.

કોલ સેન્ટરના ભૂતપૂર્વ કર્મચારી બાવીસ વર્ષી આરોપી મોનુએ પોલીસને એમ કહ્યું કે: મેં તો મજાક ખાતર ખોટા નામ (અલ-કાયદાના મોસ્ટવોન્ટેડ અલ-સઈદ-અલ- હૂરી)થી ઈ-મેઇલ મોકલ્યો હતો. અમદાવાદમાં બ્લાસ્ટ થાય તો મારાં માતા-પિતાનું શું થશે એ ચિંતાથી પોલીસને સતર્ક કરવા ઇ-મેઇલ મોકલ્યો હતો! એ બાદ,એનઆઈએ, રો, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી વગેરે ટીમે પણ અમદાવાદ આવીને મોનુ ઓઝાની સઘન પૂછપરછ કરી હતી. જો કે પાછળથી મોનું જામીન પર છૂટીય ગયો.

ઉત્તર ગુજરાતના મોનુ ઓઝાની જેમ મધ્ય ગુજરાતના શિવમ વ્યાસે પણ ટીવીચેનલ્સને ટેરર એટેકનો ઇ-મેઇલ મોકલી પોલીસને દોડતી કરી મૂકી હતી એ અગાઉ હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો એટલે આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈબા અને પાંચ વ્યક્તિના નામે ગુજરાતમાં ચાર જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકીના ઇ-મેઇલ અમદાવાદ પોલીસે વધુ ગંભીરતાથી લીધો, જેની તપાસમાં નડીયાદના સાઈબર કાફેમાંથી ઈ-મેઇલ મોકલ્યાનું જણાયું. ખેડા પોલીસે સાઈબર કાફેમાં તપાસ કરી નડિયાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ  શિવમ વ્યાસને પકડેલો. એણે પોલીસને એવી માહિતી આપી કે એક સહાધ્યાયી વિધ્યાર્થીની સાથે બદલો લેવા માટે એના પરિવારના સભ્યોના નામથી ઇ-મેઇલ મોકલ્યો હતો!

અ બે સહિત અમુક કિસ્સામાં વિચિત્રતા એ જોવા મળી કે બોમ્બધડાકા થયા બાદ કોઈ ટીવીચેનલને આંતકવાદી સંગઠનના નામે ઈ-મેઇલ મોકલવામાં આવેલો. મોકલનારનો ઇરાદો ઈ-મેઇલને ટેવી ચેનલ્સ પર બ્રેકિંગ ન્યૂઝ  બનાવવાનો, સુરક્ષા એજન્સીઓને દોડતી કરી મૂકવાનો અને લોકોને ડરાવવાનો હોઈ શકે. જો કે ટીવીચેનલ્સે આવા શંકાસ્પદ ઇ-મેઇલ ઉચ્ચ પોલીસ અધિકારીને ફોરવર્ડ કર્યા હતા. એ આધારે પોલીસે સલામતીના પગલાં લેવાની સાથોસાથ ઇ-મેઇલ મોકલનારની તપાસ આદરી હતી એમાં ઘણે અંશે સફળતા પણ મળી.

પોલીસતંત્રના આ નવા નામ અને સાઈબર સેલ વિભાગમાં કમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાતો સાઈબર ક્રાઈમ ઉકેલવાનું કામ કરે છે. સાઈબર ક્રાઈમ એટલે મોબાઈલ ફોન કે કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા આચરવામાં આવતું ગુનાહિત કૃત્ય. સાઈબર ક્રિમિનલો મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘણીવાર બદનામી કે ધમકીભર્યા ઈ-મેઇલ મોકલે છે,ડેટા ચોરી કે ફોર્મ્યુલા ચોરી કરે છે, ચારિત્ર્ય ખંડન થાય એવી વિડીયો ક્લિપ્સ વહેતી મૂકે છે કે ખંડણી વસૂલી કરે છે. શિક્ષિત આંતકવાદીઓ પણ એમનાં ખરતનાક કાવતરાંને અંજામ આપવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે સાઈબર ટેરરિઝમ તરીકે ઓળખાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ક્રાઈમ ડેટા મુજબ દેશમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈ.ટી) એક્ટ તળે ૨૦૦૭ થી ૨૦૧૦ સુધીના ચાર વર્ષમાં સાઈબર ક્રાઈમના ૧૮૯૧ અને ૨૦૧૧ના એક વર્ષમાં ૧૭૯૧ ગુના નોંધાયા હતા. એ બદલ વર્ષ ૨૦૧૦માં ૧૬૦૦ આરોપીની ધરપકડ થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસપી) કે.એન.પટેલ કહે છે કે આઈ.ટી એક્ટમાં ગુનેગારને ત્રણ વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

વધી રહેલી સાઈબર ગુનાખોરીથી પોલીસ અને સુરક્ષા એજન્સીની જેમ સમાજ પણ પરેશાન છે. પોલીસ સતર્ક બની અને ક્યારેક પોતાના જાનના જોખમે પણ ગુના ઉકેલે છે. એના અપેક્ષિત પરિણામ મળે છે ને ક્યારેક કદરદાની પણ થાય છે.

થોડા દિવસ પહેલા નાસ્કોમ સાથે સંકળાયેલી ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીએસસીઆઈ) એ અમદાવાદ, હૈદરાબાદ, અને દિલ્હી-એમ ત્રણ રાજ્યના પોલીસ અધિકારીને મુંબઈમાં ડીએસસીઆઈ એકસલેન્સ એવોર્ડ-૨૦૧૨ આપી સાઈબર કોપ ઓફ ધ યર તરીકે સન્માનિત કર્યા. એમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલના ઇન્સ્પેકટર  કિરણ પટેલનું નામ-કામ ગાજ્યું છે.

કોણ છે આ પોલીસ અધિકારી ?

એ છે બનાસકાંઠાના વડગામના ખેડૂત પ્રેમજીભાઈ પટેલના પુત્ર કિરણ પટેલ. એમણે એલએલબી અભ્યાસ બાદ ડિપ્લોમાં ઇન સાઈબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન એન્ડ કમ્પ્યુટર ફોરેન્સિકની તાલીમ લીધી છે. દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનો ઇ-મેઇલ મોકલનારા પાટણના મોનુ ઓઝાને પકડવા બદલ સાઈબર કોપ ઓફ ધ યર થી સન્માનિત થયા છે. એ કહે છે કે આંતકી કૃત્યની જવાબદારી લેવાની કે આંતક ફેલાવવાની ધમકી આપતો ઇ-મેઇલ જુદા રાજ્ય કે જુદા દેશના પ્રોક્સી સર્વર પરથી થવાનું જોવા મળ્યું છે. એમાં સાચું આઇપી શોધવાનું કામ જહેમતભર્યુ અને અનુભવ માગી લે છે. દિલ્હી બ્લાસ્ટ બાદ જુદાં જુદાં નામે ત્રણ ઇ-મેઇલ મોકલવામાં આવેલા. અમદાવાદમાં શ્રીલંકન ક્રિકેટ ટીમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈ-મેઇલ ઝારખંડના શિક્ષકના પુત્રએ પોતાની બહેનના પ્રેમીના નામે મોકલેલો.

ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શાસકો વારંવાર કહે છે: આંતકીઓ માટે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ છે. વાસ્તવિક્તા એ છે કે સાઈબર ટેરરિઝમ નાથવા માટે ગુજરાતમાં એકેય સાઈબર પોલીસ સ્ટેશન નથી! અમદાવાદ સહિત માત્ર શહેરનાં પોલીસ સ્ટેશનમાં સાઈબર સેલ છે. અમદાવાદમાં     ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, પણ ઘણા ચુનંદા પોલીસ અધિકારીઓ સાઈબર ક્રાઈમ ઉકેલના શિક્ષણથી વંચિત છે.

સાઈબર ગુના ઉકેલવા માટે શું ધ્યાન રાખવું જોઈએ?

સાઈબર ગુના ઉકેલના નિષ્ણાત ઇન્સ્પેક્ટર કિરણ પટેલ ચિત્રલેખાને કહે છે કે ડિજિટલ ડેટાના પુરાવા લેવા માટે ફોરેન્સિક ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. પુરાવા લેવામાં વિલંબ થાય તો ડેટા ઓવરરાઈટ થવાની સંભાવના રહે છે. ગુના ઉકેલમાં ડેટા એનાલિસિસ અને ટેકનિકલ સોર્સ મહત્વનાં પાસાં છે. કિરણભાઈ ઉમેરે છે કે બદલો લેવાની, બદનામ કરવાની કે વિશ્વાસઘાત કરવાની વિકૃત ભાવનાનું નવું માધ્યમ સાઈબર ક્રાઈમ છે. એને નાથવા માટે સમાજમાં જાગૃતિ ની જરૂર છે.

– ચિત્રલેખામાં પ્રસિધ્ધ થયેલ અહેવાલની સ્કેન  કોપી વાંચવા અહીં ક્લિક કરો.