આપાણા તહેવારો

ધુળેટી…

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી  ધુળેટી તહેવાર વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]

 

ગામના ઢોલીઓ ઢોલ પર થાપ મારે ધ્રબાંગ ધ્રબાંગ…આખું ગાંમ ઊઘલે. ગામની જુવાનડીઓ હાથમાં ઘૂણિયા અને માથે બેડું મેલીને નીકળી પડે કૂવાકાંઠે રૂમઝૂમ રૂમઝૂમ પાણિયારાઓ પાણીનાં બેડેબેડાં લાવીને ગઈ કાલે સળગાવેલી હોળીની રાખમાં ઠાલવે. જુવાનિયા ઊંચાં ધોતિયાં કે લેંઘા ચડાવીને રાખમાં ખાડો કરે અને એમાં રેડાવે પાણી. પાળી તોડીને પાણી જતું હોય તો મંડી પડે ટેણિયાં. એમાં કેટલાક ટાબરિયા તો  મંડી પડ્યાં હોય ધુળેટીની મજા માણવા. કોઈ કાળામેંશ કલાડાના ટૂંડે(તળિયે) હાથે ઘસીને આવ્યું હોય, કોઈ છાણામાં બોળીને તો કોઈ ગારામાં તો કોઈ મશીનના બળેલા ક્રૂડ તેલમાં. કોઈના કપડાં તો કોઈનું મોંઢું. જોતજોતામાં તો બદલાઈ જાય ટેણિયાંનાં ચહેરામહોરાં. કયું ટેણિયું કોનું હશે એની ઓળખ મા-બાપ પણ ન કરી શકે એવી એમની હાલત !

પ્રગટેલી હોળીની રાખની આજુબાજુ જુવાનિયાઓ શરૂ કરે:

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના..(૨)

રઢિયાળી રાત્રિનો જોજે રંગ જાયે ના…

ઓ ઢોલીડા…

રાસ ગવાતાં જાય, રમાતા જાય, પાણીમાં રાખ ગળતી જાય, ટેણિયાં રમતાં જાય, બૈરા જોતાં જાય, ઘઈડિયા બાજુમાં રાવટી જમાવી ચલમના ધુમાડા કાઢતા જાય અને પછી ધીમે ધીમે શરૂ થાય ધુળેટીનો રંગ.

વડીલોના ખભે નાખવામાં આવે અબીલ-ગુલાલ અને ધૂળેટીનો રંગ ઘોળાવા લાગે- દરેકના મનમાં. નવી પરણેતરનો તો રંગ બદલાઈ જાય. ભૈ, એ ધુળેટી રમવી એ આનંદની એક હેલી હતી. પછી તો જુવાનડીઓ અને જુવાનો, પરણેતરો અને કુંવારકાઓ, ડોસા અને ડોસીઓ – બધા જ આવી જાય તાનમાં. પણ ભૈ તમોનં શ્યું વાત કરું? કોઈ મોટિયાડો કોઈની છોડીની કદીય મશ્કરી ન કરે કે, ગાંમની ગમે તે નાતની વોય પણ એ કુંવારી બધાંની જ બુન. ભલં ભેગાં થૈનં રમે પણ ભાવના ઘણી હારી. કોઈ કોઈ કુંવારી હામેં ઊંચી નજરે ના જુએ. અરે! ભૈ ખરાબ નજર તો અતી જ નૈ. વિકાર જેવી તો વાત જ નૈ. મોટી મોટી ઉંમરના એકલી આંગડિયો પે’રીને ફરતા, તોય કાંઈ નંઈ. અતારે તો માંણહોમાં ચેટલો બધો વિકાર વધ્યો સે ? અધધધ….નફ્ફટ નંઈ તો. ભૂંડોથી પણ માંણહ ઊતર્યું  સે. શ્યું કે’વાય? બધાંય એક જ લેનમાં હેંડ્યાં સં પછં? છોડીઓ કે છોકરાઓનં લાજશરમ ચ્યાં સે જ? હવં તો ગાંમમાં પણ ચ્યાં ભૈ-બુન જેવું ર્યું સે? તોબા હો તમારી આ ઓલાદથી.

અતારે તો તમારી ધુળેટીયે હદ કરી સે બાપલા. જાતજાતના રંગનાં પાણી. છોકરાં અને છોડીઓની ધમાચકડી. અને ઇમાંય હાહરીના બધાંનાં મન પણ મેલાં જ. ચેવો આયો સે કળજગ? બૈરાંની શોભા તો ઇની શરમમાં સે, પણ અતારે તો શરમ હુકાય સે થુવરની વાડે. હવં તો છોડીઓ છોકરાની અનં છોકરા છોડીઓના વ્હેમમાં ફરં સં. પછં તો પૂછવું જ શ્યું? ભૈ, બધુંય ઇની હદમાં શોભે. પણ અતારે તો માંનમર્યાદા નેવે મેલેલાં સે નં? દેવાયત પંડિતે ભાખેલા દન આવી જ્યા સં. કુંવારી છોડીઓનં છોકરાં થાવાનું હવં ચ્યાં બાચી ર્યું સે? વાહ રે કળજગ તારી કરામત!

હંઅ..વાત એવી હતી કે,ધુળેટીના દાડે મારા ગામમાં એક ટૂસકું કરવું પડતું, નઇતર આખા વરહમાં બનેં વાસમાં કંઈનું કંઈ થયા જ કરતું. આ ટૂસકું (વિધિ) એટલે ગરબા-રાસ રમાઈ રહે, બધા ધરાઈને ધૂળેટી રમી રહે, પછી વારો આવે વાઘરી-વાઘરણના વેશનો – ધણી-ધણિયાણીની ભવાઈ જ સ્તો!

વાત એવી છે કે, વર્ષોથી પાદરે બેઠેલા ભૈરવ અને મણિભદ્રવીરની એક વિધિ બાપદાદા વખતથી ચાલી આવે છે. અ વિધિ ન થાય તો અનેક શંકા-કુશંકાઓ ઊભી થતી હતી, એટલે તે ફરજિયાત કરવામાં આવે જ છે – આજે પણ. પણ આજે એનું સ્વરૂપ બદલઈ ગયું છે, બધું જ કરવા ખાતર કરવામાં આવે છે. પહેલાંના જેટલો ઉમંગ કે આનંદ નથી રહ્યો મારી પેઢીમાં. ધીમે ધીમે શેરીઓ સાંકડી થતી ગઈ છે, સાથે સાથે માણસોના મન પણ. બધી જ ઘસાઈ ગઈ છે ગઈ કાલ અને આવતી કાલના સૂરજને લાગૂ પડેલો છે લકવો. હોળીની રાખમાં સતત જલતા રહે છે અંગારા અને ધૂળેટીનો બદલી નાખ્યો છે રંગ મારા ભાઈબંધોએ. પછી વેશ ભજવાય જ ક્યાંથી?

એક વાસમાંથી વાઘરી અને બીજા વાસમાંથી વાઘરણ બને, ફૂટી ગયેલા કાળા માટલાના કાંઠલાને માથા ઉપર મૂકવામાં આવે અને હોળી પ્રગટાવતી વખતે મૂકી રાખેલો ઓળાયાંનો હઈડો પહેરાવવામાં આવે ગળામાં. બધા ભેગા મળીને ધણી-ધણિયાણીને રાખમાં રગદોળે , જુવાનડીઓ ઘૂણિયે ઘૂણિયે એમના ઉપર રેડે પાણી, પછી માથે બાંધવાના મગરવાડિયા રૂમાલથી બંનેના બંધાય છેડા. ભીંજાયેલા કપડે અને બદલાયેલા ચહેરે આખા ગામમાં નીકળે વરકન્યાનો વરઘોડો! વરઘોડાની આગળ ઘેરૈયા નાચતા જાય અને પાછળ જુવાનડીઓ વરઘોડિયાંને વિદાય કરે: શકન જોએનં સંચરજો રે…

સામે મળિયો સે માળિડો રે…

ખૂંપ જ આપીને પાછો વળિયો રે….

તો વળી બીજાં લગ્નગીત પણ ગવાય:

લીલુડું શું નારિયેળ મેં તો હાટડિયોમાં દીઠું રે

હાંસીલા રે ફલાણા ભૈએ મૂલવીને લીધું રે…

એક સાથે ચારચાર ઢોલ ધ્રબાંગતાં હોય, શરણાઈઓના સૂર રેલાતા હોય, જુવાનડીઓનાં ગાણાં ગવાતાં હોય અને ઘેરૈયા નાચતા હોય, કોઈ કંકુ-કેસરનો રંગ છાંટતું હોય તો કોઈ કલાડાની મેંશ ઘસતું હોય – વાહ ભૈ વાહ!

વરઘોડો ગામમાં ધામધૂમથી ફરે. વચ્ચે વચ્ચે ‘ઓહોહો… મારા ભૈ ના દિયોર, તારી ચોટીમાં એડું ફોડું તારું…’ કહેતી વાઘરણ રિસાઈ જાય, વાઘરી કરગરતો એને મનાવે. મનાવા માટે પણ કાંક આલવું પડે – શેર-બશેર ખજૂર. વળી રસ્તામાં કોઈને જોઈને વાઘરન એનો હાથ પકડે: ‘અલ્યા, તું તો બૌ રૂપાળો… મારે તારું ઘર માંડવું સે, તું તિયાર થૈ જા મારા મોંટી…’ પેલો ના પાડે તો એનું આઈ જ બન્યું હમજો. એ તરત જ કહે, ‘ચ્યમ’ આદમીમાં નથ તે ના પાડં સં? મારાં જેવી બીજી ની મળે. હોં’ કહેતી આંસ્યનો ઇશારો કરી લે અને જુવાનડીઓ હસી હસીને બેવડ વળી જાય. સામેના પાસેથી કાંક લઈને જ છોડે, એવો તો એનો વટ!

આ વરઘોડો ફરતો ફરતો ભૈરવના મંદિર સુધી પહોંચે ત્યાં સુધીમાં ખાસ્સું અંધારું ઊતરી આવ્યું હોય ધરતી ઉપર. ભૈરવના મંદિરે છેડા છૂટે, દર્શન થાય, ભોગ ધરાવાય, શ્રીફળ વધેરાય અને આખું ગામ સુખ-શાંતિમાં રહે એવી દુઆ મગાય. ભૈરવનો પૂજારી એના લાંબા લાંબા વાળ ફેલાવતો ધૂણવા બેહે અનં ગાંમના ઘઈડિયા: વરહ ચેવું આવશે, મા’રાજ! ગામમાં રોગચાળો આવશે કે નૈ અનં આખા ગાંમનં કહોળ રાખવા માટે ખોળા પાથરે.

ત્યાં સુધીમાં તો ગામના મોટિયાડા, ટાબરિયાં અને જે ઘેરૈયા બનીને ઘૂમતા હતા તે પાસેના તળાવમાં ખંગોળિયું ખાઈને પાછા આવી પણ જ્યા વોય. પ્રસાદ વહેંચાય અને સૌ ભૈરવનાથ કી જે…’ , ‘મણિભદ્રવીર કી જે…’ના પડઘા પાડીને ઊભા થાય.

ધુળેટીના દિવસનું પાદર દેવનું ટૂસકું પૂરું થયું ગણાય. પણ હજી તો સીમદેવનું મોટું ટૂસકું તો બાકી જ ને ?

રાત્રે ગામનો પુરુષવર્ગ જમીપરવારીને હોકા-ચલમના દમ મારતો ખભે પછેડીઓ નાખીને ખોંખારા ખાતો ગોંદરે આવે. ગામમાં જેના ત્યાં પુત્ર જન્મ્યો હોય એનું શ્રીફળ અને પુત્રી જન્મેલી હોય ત્યાંથી કોપરાની કાચલી ઉઘરાવવામાં આવે. બે ચાર મોટિયાઈડા આખા ગાંમમાં ખોટા રૂપિયાની જેમ ફરી વળ્યા હોય. ઘંઉ, ઘી, ગોળ, ચા અને બીજી વસ્તુઓનાં પોટલાં એકાદબે જણના ખભે લટકવા માંડે તે આવજો સીમાડો ઢૂંકડો.

ગામના રબારીઓ એ દિવસે પોતાની ગાયોનું – ઊંટોનું બધું જ દૂધ ત્યાં લેતા આવે. પેંચમાના મંદિર આગળ જામે રાવટી. આ પેચાંમા પણ ગાંમની સીમમાં એક ટેકરા ઉપર અડીગમ ચોકી કરતાં હોય જ – કાયમ માટે. તમે નૈ માંનો પણ આખું ગામ એમાં જોડાય. કોઈ શ્રીફળ વધેરે, કોઈ કોપરું કાતરે, કોઈ સુખડી બનાવે, કોઈ ઘંઉની ગુગરી રાંધે, કોઈ ચાની વ્યવસ્થા કરે, કોઈ બળતણની, કોઈ પાણીની, કોઈ હોકો ભરતો હોય તો કોઈ ચલમ અને બધા જ જોડાઈ જાય કામમાં. ઘઈડિયા બેઠા બેઠા ડોળતા વોય દુનિયા, આપત વોય મારગદરશન. ઘોળતા વોય અફણ અનં માથે હાથ મેલીનં બીજાની હથેળીમાંથી ભરતા વોય હાબડૂકો – પછે ગળામાં ઉતારીનં ખાતા વોય ખોંખારો. આખા ગાંમની ઇયાં મંડાય પંચાત. કુણ રાંડ્યું, કુણ માંડ્યું, ચિયે શ્યું કર્યુ અને ચ્યમ કર્યું ? ચિયાને બળદ વેચ્યો અનં ચિયાને રેલ્લો લીધો. ચિયાની વઉ ચિયા હારે ઝઘડી – આમ, વાતો માં ગામ રોળાય.

કે’વાય સે કે, પે’લાં આ સુખડીના બદલે બકરો વધેરાતો હતો અનં ઈનો ભોગ ધરાતો હતો સીમદેવને. ઈમા એક બાંભણ વચી પડ્યો તે ઈ ને આ બધું બંધ કરાયું, ભલુ થજો એ બાંભણનું તે દર વરહે મરતો એક જીવ બચાયો અનં રબારીના વાડાનું ધન.

આખી રાત ધમાચકડી મચે અનં વેલી હવારે ‘હર હર મા’દેવ ‘શંકર ભગવાનની જે…’ ‘પેચાંમાની જે…’ ‘સીમદેવની જે…’ કરીને બધા ઊભા થાય અને પૂરો થાય ધુળેટીનો દન – ભલી લાગણી હારે.

આ બધું જ આજ હાંભરે સે ને મનં કાંય કાંય થાય સે. અતારે તો નથ એ જુવાનિયા કે ઘઈડિયા. કુણ કરે આ બધું? ધુળેટી આવે સે નં મનં ચટપટી થાય સે. ચીડીઓ ચડે સે. પણ કરું શ્યું? તમે નૈ માનો મારા ભૈ પણ આ બધું મને ખોતરી ખાય સે. ચ્યાં જ્યા અમારા એ ઢોલના ધ્રબાકા? ચ્યાં જ્યો એ વાઘરીનો વેશ? ચ્યાં જૈ એ સેમાડાની હુખડી? કઉ સું કે, બધું જ પાછળ રૈ જ્યું. આજ એ બધું હાંભરતાની હારે જ હો મણનો નેંહાકો નંખાઈ જાય સે, હમજ્યા મારા ભૈ?

(પુસ્તક :- ‘સુગંધનો સ્વાદ’, લેખક:- શ્રી કિશોરસિંહ સોલંકી, કિમંત :- રૂ.૧૦૦/- ,પ્રાપ્તિસ્થાન :- ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ.,૧-૨,અપર લેવલ, સેન્ચુરી બજાર આંબાવાડી સર્કલ આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૬, ફોન-૦૭૯-૨૬૫૬૦૫૦૪, )