Uncategorized

હોળી…

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી હોળી તહેવાર વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]

 

તમોને શ્યું વાત કરું મારા ભૈ, બધું પાછળ રૈ જ્યું. ટેમ ટેમનું કામ કરે છે. અતારે તો હવં હોળીયે શ્યું ને દિવાળીયે શ્યું ? અરે! એકેય તે’વાર ઊજવવા કુણ નવરું સે? ચેટલાય તે’વાર કાયમ માટે ધરબાઈ જ્યા; ચેટલાય નવા થ્યા લ્યો, તમે જ કો ક, અતારે તમારામાંથી ચિયાને આપણા મઈનાની ખબર સે? કુણ જાણે સે આપણી તિથિઓ? તમારે તો હવં તારીખો અનં વાર તો હાથનાં કાંડા ઉપર લટકવા માંડ્યાં. પછં ગુજરાતી મઈનાની તમારે જરૂર શી રે’? એટલે તો કઉ છું ક, ચેટલું મોટું અંતર પડી જ્યું સે આપણી વચાળ?

તમે નૈ માનો મારા ભૈ, પણ હવં ફાગણનં કાંઈ પેટમાં દુખતું નથ. આ આયો. જુઓ, હાંમે જ ઊભો સે નં? આથ લાંબો કરો તો તરત જ મળે. પણ તમારે તો એ ફાગણનો મઈમા ખરો કે? કાંઈ નૈ. મારવાડીઓનં મોટો મહિમા: દિવાળી તો અઠેકઠે પણ હોળી ઘરાં હોવે, જેવો. પણ તમે તો ચૂંથણું ખંખેરીને ઊભા થૈ જાવં, એટલું જ ને?

ફાગણ મઈનો એટલે વૃક્ષવનરાજિની પ્રસૂતિનો સમય, કૂંપણોને કિશોર થવાનો સમય, કુદરતના ઋતુકાળનો સમય, વગડાને વસંતોત્સવ ઉજવવાનો સમય! જીવનનો ઉલ્લાસ અને વિલાસ ખળભળે, વૃક્ષોની ડાળીએ ડાળીએ અને પર્ણે પર્ણે, મહોરેલી મંજરીઓનો મધમધાટ આખો વગડો ભરીને ગાઈ ઉઠે ગાણાં અને ઘઉંની ઊંબી ઊંબી ને બાથમાં લઈને ભેટી પડે ઓળઘોળ, લાવરાં-તેતરાં વેરાઈ જાય ઘઉંના ક્યારેક્યારામાં અને શુક્રગણ આકાશભરીને રેલાવે ગીતડાં. શેઢા ઉપર પગલાં પાડતું કૃષિબાળ ઘઉંના પોંકની હઠ લે ત્યારે તમોનં ચેવી રીતે હમજાઉ કે, હોળી પે’લા કદીય પુંક ના ખવાય એ? તમારે તો ચ્યાં કોઈ નીમ પાળવાના વોય સે? અરે! ભલા’દમી અમારા વગડાનાં જીવડાં પણ નીમ પાળં સં, પણ તોબા આ માનવજાતથી તો. કાંક હમજવા જેવું કઈએ તો નાકનું ટેરવું ચડી જાય મારા ભૈ.

અતારે તો ચ્યાંક હોળી જોઉં છું નં મારું શેર શેર લોઈ બળે સે. અમારા વખતમાં તો ફાગણ બેહે ત્યારથી વગડામાં પંખીઓની જ્યમ નીકળી પડે છોકરાં-ઢોરોનું છાણ ભેગું કરવા સ્તો. અરે! પંદર દિવસ સુધી તો ઉકરડામાં એક પણ પોદળો ના જાય. વહેલી સવારથી છોકરાં વળગી પડે ઓળાયાં થાપવા. તમોને નવાઈ લાગશે પણ મારું એક વીહમણવાનું ભાઠું બધું જ ઓળાયાંથી ભરાઈ જાય.સરસ મજાનાં છાણાં થાપવામાં આવે. એની વચ્ચે આંગણીથી કાણું પાડવામાં આવે અને બાકીના ભાગ ઉપર આંગળીઓનાં નિશાન પણ. છોકરા આખો દિવસ ઓળાયાંની પાછળ જ મંડ્યાં રહે.

સુકાયેલા ઓળાયાં સાંજે ઘેર પાછા ફરતાં સૂંડલી ભરીને ઉપાડી લાવે અથવા તો મોટાંઓની સાથે શરત કરે – હોળીના દિવસે ગાલ્લું જોડીને ઘેર લાવવાની. એમને ચસકો તો એવો ભારે કે ન પૂછો વાત અને માન્યતા પણ જબરજસ્ત! જો કોઈનાથી ઓળાયું ભાંગી જાય અથવા કોઈ ચોરી કરે તો એને આંખો દુ:ખવા આવે એવી. કોઈ અડે નહીં – ઓળિયાને, એવી તો એની પવિત્રતા પણ સચવાય જ.

મારા ગામ (મગરવાડા)માં માત્ર બે જગ્યાએ હોળી પ્રગટતી, સૂર્ય આથમતાંની સાથે જ ઉગમણા ઝાંપે હોળી પ્રગટાવવામાં આવતી. વાજતેગાજતે ત્યાં જઈને રંગેચંગે હોળી પ્રગટાવે. બૈરા ગાણાં ગાય. મોટિયાઈડા દાંડિયારાસ રમે કે તલવારોથી પટ્યાક ખેલે. તલવાર-બાજીના દાવ બતાવે, ઘરડાઓ એક બાજુ ઊભા રહીને પોતાનો અનુભવ વહેંચે અને પોતાની જવાનીની બહાદુરીની વાતો પણ, જોતજોતામાં હોળીની જવાળાઓ આકાશને આંબવા માંડે – માસી પૂતનાને લઈ.

પછી તો મારા જેવા ટાબરિયાએ છેલ્લા અઠવડિયાથી વગડામાંથી કાપી લાવીને સુતારના ઘેર આંટા મારીને, કગરીવગરીને તૈયાર કરાવેલી લાકડાની ખાંડીઓની અણીએ સળગતાં ઓળાયાં ચડાવીને દોડવા માંડીયે એકબીજાની પાછળ. હોળીનું સળગતું ઓળિયું આખા ગામના ઘરેઘર પહોંચી જાય અને આંગણું અજવાળે. એ દેવતાને ધરાવાય ભોજન પછી જ છૂટે  આખા દિવસનો ઉપવાસ.

જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે એને સૌ પ્રથમ ધરવામાં આવે ઘંઉનો પાડેલો પોંક અને મહોરેલા આંબાની ફૂટેલી નાની નાની કેરીઓ.

પછી મોડી રાતે અમારા વાસમાં પ્રગટાવવામાં આવે હોળી. એના માટે હરીફાઈ ચાલે – કોણ વધારે ઓળાયાં લાવે છે એની. અમે ઓળાયાંના હઈડા બનાવીએ. લાંબી લાંબી દોરીઓમાં ઓળાયાં પરોવીને હઈડા બનાવ્યા હોય. એમાંથી ધુળેટીના દિવસ માટે બે હઈડા રાખવામાં આવે એ તો ધન્ય ધન્ય થઈ જાય.

તમોને શું વાત કરું? હોળીમાં ઓળાયાં અને લાકડાંનો મોટો ઢગલો થાય – માથોડુંથી પણ ઊંચો. અમારા બે વાસના બે ઢગલા કરવામાં આવે. એમાંય પાછી ચડહાચડહી ચાલે કે, ચિયા વાહનો ઢગલો મોટો થાય સે – ચિયાની હોળીમાં ઊંચા થાય સે. આ ઢગલામાં ઝીણી સોટીએ બાંધીને ધજાઓ રોપવામાં આવે. પછી તો ચાર મોટિયાઈડા બનેં ઢગલાની આજુબાજુ ચાર ફેરા ફરીને સળગાવે હોળી. બનેં વાસમાંથી નાનાં-મોટા સૌ એ હોળીના દર્શન કરવા આવે. ખૂબ મોટી ભીડ જામે. અમે મોટેરાંના પગ વચ્ચેથી ડોકિયું કરીને જોઈ લઈએ હોળીમાતાને અને જોડી દઈએ બે હાથ.

પછી તો બનેં વાસમાં જેના ઘેર પહેલો જ છોકરો હોય એનો ઝેભ કરવાનો રિવાજ. ઝેભ એટલે તો લગ્ન જેટલી જ ધૂમધામ! પોતાનાં સગાસબંધીઓને કંકોતરીઓ લખાય, મોસાળ પક્ષેથી છોકરા માટે કપડાં-દરદાગીના લાવવામાં આવે. ઘરમાં જો મોટા ભાઈના છોકરાનો ઝેભ હોય તો એને એનો નાનો ભાઈ તેડીને હોળીના ચાર ફેરા ફરે. એની પાછળ એની ભાભી ફાંટમાં બાંધેલી ધાણી એક હાથથી વેરતી આવે અને બીજા હાથમાં ભરેલા લોટામાંથી પાણીની ધાર કરતી આવે. તમે નૈ માંનો મારા ભૈ, પણ આ બીજી વારના લગન જેવું જ સ્તો. આ ફેરા ફેરાતા વોય, હોળીમાં ઊભી કરેલી ધજાઓ સળગતી સળગતી પડવાની તૈયારીમાં હોય, ત્યારે તો જોનારઓનું ચિત્ત ચોંટી જાય. એ ધજાઓ કઈ દિશામાં પડે છે, એના પરથી વરહ ચેવું જાહે, વરહાદ ચેવો થાહે, એની આગાહી થાય.

આ બધું પતી જાય પછી હોળીની આજુબાજુ કૂંડાળે વળીને આવેલા લોકો વીખરાવા લાગે અને મોટીયાઈડા શરતો રમે – શેર-બશેર કે પાંચ શેર ખજૂરની. હોળીને કોણ કૂદી જાહે? જે એક હારે બેય કૂદે એને મારા તરફથી બશેર ખજૂર. પછી તો ધોતિયાં ઊંચા ખોસવા લાગે અને પડકારને ઝીલવામાં આવે. કોઈ કૂદી જાય, કોઈ માંય પડે, કોઈ શેકાય, કોઈ બળે, કોઈ દાઝી  જાય. અરે! ભલા ભૈ, બીજાની ચ્યાં વાત કરું? આ મનં જુઓનં. ડાબા આથની કુણી બધી બળી જેલી. અજી પણ એવું નં એવું નિશાંન રૈ જ્યું સે. અરે તમોને શ્યું વાત કરું? આ તો મારી બાદુરીનું નિશાન તો મારા વતનની યાદગીરીનું સે. ઈનું જ મને ગૌરવ સે, હમજ્યાનં મારા ભૈ. તમે કરોનં આવા નિશાંન! કૂદોનં હોળીઓ. અતારે તો ચ્યાં રૈ સં એવી હોળીઓ? હા, માંણેહોના મનમાં હોળીઓ હળગે સં ખરી. જુઓનં, બચારાં માંણહ અતારે આનંદથી રૈ શકતાં નથ. અરે! ભૈ જીવવાના જ હાંહાં વોય પછી આનંદ ચ્યાંનો ને વાત શાની? એ વખતે તો માંણહ માટે માંણહ મરી ફીટે. બીજાનું ખરાબ જોઈનં પાડોશીની આંતેડી કકળે, પણ આજ જુઓને? બીજાનું થાવાનું વોય એ થાય. પોતાનું થ્યું સે કે નૈ એ જ જોવાય. ભલા ભૈ શ્યો કળજગ આયો સે?

આજ મારા ગામનાં ટાબરિયાં હળી જેલા રેંગણા જેવાં લાગં સં અનં. જવાનિયાં તો બધાં જ ઢેંચણે હાથ થઈનં ઊભા થાય શં. પછી ચિયો થાપે ઓળાયાં અનં ચિયો કૂદે હોળી? શેકાઈ જે’લાં દાંણા જેવી ઓલાદ આવતી કાલ્યનું શ્યું ઉજવાળવાની અતી? ઇયાંની પાહણથી શાની આશા રાખવાની અતી? ગામમાં હોળી પ્રગટે કે ન પ્રગટે તેથી ઇયોનં શનો રેલો આવવાનો અતો? સેતરમાં ઊંબી ફૂટે કે ન ફૂટે, આંબા ને કેરી બેહે કે ન બેહે ઇની ઇયાનં ચ્યાં દરકાર સે? બઈસ, ઉઘાડા માથે ફૂલફટાક થૈનં ફરવું સે, મે’નત તો કરવી નથ અનં કપડે ને ચપડે રે’વું સે. ગલ્લાનાં પાન ભચેડવા સં અનં ધોળી ધોળી બીડીઓના ધુમાડા કાઢવાસં. મોટરુમાં બેહીનં ગામતરાં કરવાં સં પછં ટાંટિયા ભાગી ના જાય તો થાય શ્યું?

ચ્યાં સં આખો દાડો સેતરમાં કાળી મજૂરી કરીનં ગામમાં આખી રાત દાંડિયા રમતા કે તંબૂરો લઈ આસી રાત ભજન ગાતા મારા એ મોટિયાઈડા? ચ્યાં સં આખો વગડો ભરી નં ઓળાયાં થાપતાં એ ટાબરિયાં? ચ્યાં સં ગન્યાંનની બે વાતો કરતા એ ઘઇડિયા ચ્યાં સં પાડોશનું પે’લું કાંમ કરતી અનં જવાનિયાનં હારો અવેર બતાવતી ડોસીઓ? ચ્યાં સં ટાબરિયાંનાં ઓળાયાં નં સૂંડલીઓ ભરીનં ઘેર લાવતી મારી બુનો?

ભૈ, સમો સમાનું અનં વખત વખતનું કામ કરે સે. અમારા માટે તો આ બધું જ ઓલાયેલા દીવા જેવું સે. તમોનં શ્યું કહીએ પણ અમારા એ હળગતા દીવાનં ફૂંક મારીનં ઓલવનાર અમે જ ને, બીજા ચિયા વોય?

 

(પુસ્તક :- ‘સુગંધનો સ્વાદ’, લેખક:- શ્રી કિશોરસિંહ સોલંકી, કિમંત :- રૂ.૧૦૦/- ,પ્રાપ્તિસ્થાન :- ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ.,૧-૨,અપર લેવલ, સેન્ચુરી બજાર આંબાવાડી સર્કલ આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૬, ફોન-૦૭૯-૨૬૫૬૦૫૦૪, )