વ્યક્તિ-વિશેષ

ગલબાભાઈ માનજીભાઈ પટેલ

વડગામ મહાલમાં કેટલીક વ્યક્તિઓ એવી થઇ ગઈ છે જે આવનારી પેઢી ઉપર એક અમીટ છાપ છોડી ગઈ છે. વડગામ માં તા.૦૨.૧૦.૧૯૨૧ નાં રોજ ખેડૂત કુટુંબ માં જન્મી સમગ્ર જીલ્લા માં પ્રસિદ્ધ થઇ જનાર ગલબાભાઈ માનજીભાઈ પટેલ પણ કંઈક એવા લોકનેતા હતા.તેઓએ વડગામ ની તાલુકા શાળા માં માત્ર ચોપડી નો અભ્યાસ કર્યો હતો.પરંતુ તેઓ ગજબની કોઠાસૂઝ ધરાવતા હતા.

તેઓની આવી કુનેહ ને લઇ પાલનપુર નાં પ્રાંત ઓફિસર શ્રી તેમને તા.૨૬.૦૯.૧૯૫૫ થી તા.૨૭.૦૯.૧૯૬૦ સુધી એમ પાંચ વર્ષ ની મુદ્દત માટે વડગામનાં રેવન્યુ પટેલ તરીકે નીમ્યા હતા. તેઓએ વડગામમાં સહકારી અને દૂધ મંડળી ની સ્થાપના કરી હતી. તા.૦૧.૦૩.૧૯૬૮ થી તા.૦૬.૦૯.૧૯૭૪ સુધી નાં સમયગાળા દરમિયાન ગલબાભાઈ પટેલે વડગામ તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.

વડગામ શિક્ષણ માટે એમણે આપેલું યોગદાન લોકો આજે પણ યાદ કરે છે.તેઓએ વડગામ માધ્યમિક કેળવણી મંડળ નાં આદ્યસ્થાપક તરીકે દીર્ધકાળ સુધી પોતાની સેવાઓ આપી વિદ્યાર્થી ઓને સારું શિક્ષણ મળે તે માટે સારા પ્રયત્નો કર્યા હતા.શાળા માટે જમીન ની વ્યવસ્થા કરવા પણ તેઓએ અથાક પ્રયત્નો કર્યા હતા.

તેઓએ બનાસકાંઠા  આંજણા કેળવણી મંડળ માં પણ સારી સેવાઓ આપી હતી.આ ઉપરાંત તેઓ શ્રી  બનાસડેરી નાં ચેરમેન તરીકે પણ રહી ચુક્યા હતા . આમ બનાસકાંઠાનાં સહકારી અને રાજકીય માળખામાં તેઓએ ભજવેલી ભૂમિકાને જિલ્લાવાસીઓ લાંબા સમય સુધી યાદ રાખશે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)