ગામડાઓ નો પરિચય

વડગામ મહાલ નું ફ્રી ટ્રેડ ઝોન છાપી…

વડગામ મહાલનું  છાપી ગામ પાલણપુર નવાબી કાળ મા ખૂબ જ મહત્વ ધરાવતુ હતુ. ગાયકવાડ સ્ટેટ ના પ્રવેશદ્વારે છાપી પ્રથમ રેલ્વે સ્ટેશન હતુ. ધારેવાડા તે સમય મા ગાયકવાડ સ્ટેટ માં  ગણાતુ હતુ. જેવી રીતે તે સમય મા કોદરામ ગામ માં  કસ્ટમ ચોકી ગણાતી અને ત્યાંથી દરેક ચીજભાવની હેરાફેરી થતી હતી એટલે કોદરામ વેપારી મથક બની ગયેલ પણ છાપી ગામ ની વાત જ નોખી છે.

છાપી રેલ્વે સ્ટેશન હોવાથી બ્રુહદ મુંબઈ  મહારાષ્ટ્ર તરફ્થી જરૂરિયાત મુજબનો માલસામાન આવતો. વડગામ મહાલના મોટા ભાગના ગામડાઓનું  સેંન્ટર છાપી હોવાથી તે રેલ દ્વારા છાપી મંગાવીને હેરફેર કરવાનુ સરળ રહેતુ, વળે પાલણપુર સ્ટેટ માં  આયાતી માલની કરમાફી હતી. જ્યારે ગાયકવાડ સ્ટેટમાં  દરેક પ્રકારના વેરા વસુલ કરાતા હતા.

તે સમયે છાપીનો ઝડપભેર વિકાસ થવા પાછળ નવાબ સાહેબ ની દીર્ધદ્રષ્ટિ હતી. મુંબઈ તરફ્થી  છાપી અને દિલ્હી તરફ્થી શ્રી અમીરગઢ બન્ને સ્ટેશનોને વેપારી કેન્દ્રો બનાવી પોતાની રૈયત ને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમજ છાપી અને શ્રી અમીરગઢ સાથે તમામ ગામોનુ સંકલન થાય વેપાર-રોજગારી મળી રહે તેવો તેમનો શુભ આશય હતો એટલે આયાતી કર ની માફી કરવામા આવેલ.

વડગામ મહાલનો કે પાલણપુર રાજ્યનો કોઈપણ ગામનો વેપારી છાપી આવે તો તેને વેપાર ધંધાને લગતો તમામ સમાન માંગ મુજબ મળી રહેતો. વળી છાપી એટલે ઈમારતી લાકડાનુ પીઠુ અને ગોળનુ પીઠુ કહેવાતુ. છાપીની સાથે પાલનપુર તાલુકાનુ ચંડીસર ગામ (જ્યા રેલ્વે સ્ટેશન છે) પણ ઈમારતી લાકડાનુ પીઠુ કહેવાતુ.બનાસકાંઠા જિલ્લા મા એક માત્ર છાપી અને ચંડીસરમા દરેક પ્રકારના ઈમારતી લાકડા માંગ મુજબ સરળતાથી મળી રહેતા. લોકો દુર દુરથી ઈમારતી લાકડુ,ગોળ અને ખેતીલક્ષી તમામ સામગ્રી ખરીદી કરવા માટે છાપી ગામ માં આવતા હતા.તેના લીધે છાપી પંથક ના લોકોને રોટી રોજગારીની ઉજળી તકો મળતા લોકોની સુખાકારી માં પણ વધારો થયેલ.

ઇમારતી લાકડાના મોટા વેપારીઓ માં જેમની નામના હતી તેમા મહેતા ખુબચંદભાઈ ,મહેતા કનૈયાલાલ છોટાલાલ,સુમતીભાઈ,હાજી ઇબ્રાહીમભાઈ નુરમહમદભાઈ પાદરવાલા (મજાદર),સુલેમાન નશીરૂદ્દીનભાઈ વગેરે ઇમારતી લાકડાના , વિલાયતી નળીયાના મોટા જથ્થાબંધ વેપારીઓ હતા.તેઓ દેશના ખુણે ખુણે થી ઉત્તમ ક્વોલીટીના ઈમારતી લાકડાના રેલ્વેના વેગનોના વેગન મંગાવી મબલખ વેપાર કરતા હતા. આસામ , બર્મા અને મલબાર નુ સાગ છાપી આવતુ. જોરાવર પેલેસ પાલનપુર માં વપરાયેલ તમામ ઇમારતી લાકડુ છાપી થી લઈ જવામા  આવેલ.

કોલ્હાપુર-સાંગલી,માલીંગપુર (મહારાષ્ટ્ર) ખાતેથી મોટા જથ્થા માં વેગનોના વેગન ભરીને ગોળ મંગાવવામા આવતો, પછી અહીથી જીલ્લામા સપ્લાય થતો હતો. મૂળ મેતા ના વિઠ્ઠલદાસ જીવરાજભાઈ મોદી ગોળના વેપાર માં મોટુ નામ કમાયા હતા.હાલ તે પૈકી કલ્પેશ કાંતીલાલ મોદી વારસાગત વેપાર કરી રહ્યા છે. અન્ય વેપારીઓની ખાત્રીપૂર્ણ માહિતી નહિ મળવાથી વધુ વિગત લખી શક્યા નથી.

મુંબઈ ખાતે મોટા પાયે દૂધના ધંધા મા સંકળાયેલા વેપારીઓએ મુંબઈ ખાતે મોટા મોટા ભેંસોના તબેલા બનાવેલા અને ઋતુ મુજબ ભેંસોની હેરાફેરી છાપી રેલ્વે સ્ટેશન થી માલગાડી માં કરવામા આવતી હતી. છાપી થી સાબરમતી સુધી મીટરગેજ રેલ્વે હતી. એટલી સાબરમતી ભેંસોને ઉતારી સાબરમતી થી બ્રોડગેજ લાઈન માં મુંબઈ મોકલાતી હતી. તે સમયે મોટાભાગના વડગામ મહાલ ના ભેંસો ના વેપારીઓ આ વ્યવ્સાય માં રોકાયેલા હતા, એમ કહેવાય છે કે છાપી ગામ માં દૂધની નદીઓ વહેતી હતી. હોટલોમા ચા ના કપ માં ઉપર મલાઈ નાખીને અપાતી હતી. એક રૂપિયામા રકાબી ભરીને મલાઈ હોટલવાળા આપતા હતા. વિચાર કરો કે કેટલી ભેંસો અહિથી મુબઈ જતી હશે. !!

છાપી રેલ્વે સ્ટેશન ની સામે એક વોરાજીની પેઢી હતી. તેઓ અલી હુસેન અકબરઅલી છાપીવાલા તરીકે ઓળખાતા. તેઓ મોટા મનના વ્યવહારીક અને પ્રમાણિક પણ એટલા જ. વડગામ મહાલ (તાલુકામાં) તેમની શાખ. આજે આ પેઢીનુ નામ રહી જવા પામેલ છે.

એ સમયે વિજળી હતી નહી. ખેડૂતો કુવામાંથી પાણી ખેંચવા ચામડાના બનેલ કોષ અને ચગડોળોથી બળદ ધ્વારા કુવામાંથી પાણી ખેંચીને ખેતીવાડી કરતા હતા. એ જમાના માં વડગામ મહાલ ના કુવા બે થી પાંચ હાથ ઉંડા હતા. પણ ખેતીનો વિકાસ વધતા લોકો વધારે ઉત્પાદન મેળવવા અને જ્યા પાણી થોડાક વધારે ઉંડા હતા ત્યા સૌરાષ્ટ્ર-રાજકોટથી ક્રુડ ઓઈલથી ચાલતા- એંજિન વપરાતા તે એંજિનં- ક્રુડ ઓઈલ અને ખેતીને લગતો તમામ માલ સામાન અને હાર્ડવેરની લાઈનનો સામાન પણ  અલીહુસેન અકબરાલીને ત્યાંથી મળી રહેતો. વળી,આ વેપારી જરૂરતમંદ ખેડૂતોને ઔપચારિક ખાત્રી કરી સામાન ઉધાર આપી ખેતીની ઉપજની આવક આવે ત્યા સુધી ખેડૂતોને રાહત આપતા હતા, વેચાણ કરેલ એંજિન બગડી જાય તો તેમના કુવા ઉપર જઈ જરૂરી રીપેરીંગ પણ કરી આપવામા આવતુ  તેના કારણે ખેડૂતોમા તેઓ ભારે લોકપ્રિય વેપારી બન્યા હતા.

છાપી ગામ આજે વડગામ તાલુકાનું મહત્વનુ સેંટર ગણાય છે. સિધ્ધપુર અહિથી ઘર આંગણુ છે.પણ પાટણ થી સંકળાયેલુ છે. નવાબી કાળમા છાપીનુ રેલ્વે સ્ટેશન ધમધમતુ હતુ. આજે લોકો ટ્રેનમા બેસવા ઉતરવા પુરતો ઉપયોગ કરે છે. ધારાસભ્યો અને સંસદસભ્યોની જાગૃતિના અભાવે રેલ્વે સ્ટેશનની સગવડોમા વધારો થઈ શકેલ નથી.છસ્સો સિત્તોતેર હેક્ટર જમીન ઉપર વસેલા આ ગામની વસ્તી સન ૨૦૦૧ની ગણતરી મુજબ સાત હજાર પાંચસો બાણુની હતી.અને ચૌદસો બાર ઘર હતા. આજે તેમા ત્રણ ગણો વધારો થયો હોવાનો અંદાજ કરી શકાય.

છાપી માં ચૌધરી પટેલ, મુમનકોમની મુખત્વે વસ્તી છે.મોદી, સુથાર, જૈન ,લુહાર,ઠાકોર, સિન્ધી વગેરે ઈતર કોમો છે. તમામ કોમો હળીમળીને રહે છે. છાપી ગામ આજ દિવસ સુધી રાજરમતોનું ભોગ બનેલ નથી. મોટા ભાગ ના લોકો ખેતી અને વેપાર ધંધા સાથે સંકળાયેલા સાધન સંપન્ન છે. તમામ તહેવારો હળીમળીને ઉજવે છે.

ગામ માં લાયબ્રેરી ,રેડક્રોસ સોસાયટી ચાલે છે. છાપી નાગરિક સહકારી બેંક પણ છે તેની કુલ ત્રણ શાખાઓ છે.

ઉત્તર ગુજરાત ના મોટાભાગના ગામો હાઈવે તરફ એટલે કે આથમણી દિશામા વિકાસ પામ્યા છે તે જ રીતે  છાપીનો વિકાસ પણ હાઈવે ઉપર ઝડપભેર થયો છે.ફોરલેન હાઈવેના લીધે મુંબઈ-દિલ્હી નજીક આવી ગયા છે. ટેલીફોન એક્ષચેંજ મધ્યમા છે. જ્યારે પોલીસ સ્ટેશન ,મુખ્ય દવાખાનું ,શાળાઓ ,વીજપેટા વિભાગ ,બેંકો, પોસ્ટ ઓફીસ જુના ગામ છાપી માં છે. આજકાલ હાઈવે નવુ છાપી કહેવાય છે.પાલનપુર અસલ ગામતળની પણ એવી જ પરિસ્થિતિ છે.

છાપી નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ કાર્યરત  છે. તેની શરૂઆત સન ૧૯૫૯ માં ફતેગઢના સેવાભાવી દાતા યુસુફ મીયાંજીએ સાર્વજનિક દવાખાના તરીકે આજથી અડધી સદી પહેલા કરેલ. તેની તકતી આજે પણ હયાત છે.

છાપી ગામ તળની મધ્યમાં એક વિશાળ મદરસો આવેલ છે. જ્યા છાપી પંથક ના બાળકો શિક્ષણાર્થે આવે છે. અહી દીની તાલીમ એટલે કે ધાર્મિક શિક્ષણની સાથે ભાઈચારો અને એખલાસની ભાવના સાથે મહમદ સાહેબે બતાવેલ માર્ગને અનુસરવા જણાવવા માં આવે છે.બાળકો શિક્ષણ માં પારંગત થયા બાદ તેમની પરીક્ષા લઈ પદવી પ્રમાણપત્ર આપવામા આવે છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)