મારી આંખે તરવરતી એ તસવીર : મોઘજીભાઈ ફલજીભાઈ પટેલ

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ- નળાસર
ગલબાકાકાનું નામ યાદ આવતાં જ મારી સમક્ષ એ દ્રશ્ય ઊપસ્થિત થઈ જાય છે. આજ પણ એ પ્રસંગની યાદ મારી આંખોના ખૂણાને ભીંજવી દે છે. એ સમય હતો જ્યારે ગલબાકાકા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. ભારતભરનું રાજકારણ અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલાઈ ગયું હતું. ભારતીય કોંગ્રેસના નિર્જીવ શરીરના બે ટૂકડાઓ કરીને ઇન્દિરા ગાંધીએ ક્રાંન્તિની જવાળાઓ ચોતરફ ફેલાવી દીધી હતી. એક પછી એક રાજ્યો ઇન્દિરાજી તરફી બનતાં જતાં હતાં. ત્યારે ભારતમાં બે જ રાજ્યો અણનમ હતાં, ગુજરાત અને મૈહસુર. ગુજરાત એના અણનમ અને આદર્શવાદી કાર્યકરોને કારણે ટકી રહ્યુ હતું; જ્યારે એ સમયે શાસક કોંગ્રેસ તરફી પ્રચંડ વાતાવરણ જામ્યું હતું. એક પછી એક કાર્યકરો ગરીબી હટાવોના ક્રાંતિકારી કાર્યક્રમોમાં વફાદારી દર્શાવી રહ્યા હતા ત્યારે ગલબાકાકાની સમક્ષ પણ સંસ્થા કોંગ્રેસ છોડી શાસક કોંગ્રેસમાં જોડાઈ જવાનો પ્રશ્ન આવ્યો. હું તો એક યુવાન હતો. મારી શ્રધ્ધા એ સમયે નવી રોશની તરફ ઝૂકી હતી. મારા પૂજ્ય પિતાશ્રી ફલજીભાઈ અને ગલબાકાકાને કેમ જાણે શાસક કોંગ્રેસ તરફ કંઈક શંકા હતી. આ પ્રશ્ને મારી અને ગલબાકાકા વચ્ચે મોટો વિવાદ થયો. મેં ગલબાકાકાને એ ક્રાંતિકારી પ્રોગ્રામને સ્વીકારી લેવાની વાત કરી. પરંતુ તેઓ વફાદારી બદલવા તૈયાર ન થયા.
યુવાન લોહી ધગધગતું હોય જ, અને તેમાંય વર્ષોની એકધારી ગતિ પછી કાંઈક નવીન તત્વ સાથે રાજકારણનો પલટાયેલો મોડ આકર્ષતો હતો. મને લાગ્યું કે આ બુઢ્ઢાઓ નવી વાતમાં સાથ આપી શકે તેમ જ નથી. મેં મારા વડીલ હોવા છતાંય પ્રમાણભાન ભૂલીને પૂ. ગલબાકાકાને તે સમયે રાજકારણની ભાષામાં જ કહી દીધું કે “તમે રૂઢિચુસ્ત છો….” અને એ સિવાય પણ ઘણું ઘણું કહ્યું…..મને એટલો ગુસ્સો ચડ્યો હતો કે હવે પછી ગલબાકાકા સાથે ક્યારેય ન બોલવું. તેમનું હડહડતું અપમાન કરીને હું ચર્ચા માંથી ચાલ્યો ગયો. મને યાદ છે હજુય તે કરુણાસભર આંખો. તેઓ મને દ્રષ્ટિમાં ભરીને કયાંય સુધી જોતા રહ્યા. ગરમ લોહી નસોમાં હજુય દોડતું હતું…હું ગુસ્સાને શાંત કરવા લગભગ એકાદ કલાક મિત્રોની સાથે બહાર ઘૂમતો રહ્યો. સાંજે જ્યારે હું બહાર ફરીને ઘેર આવ્યો અને મેં દરવાજામાં પગ મૂક્યો ત્યારે મારી આંખો ચકરાઈ ઊઠી. ગલબાકાકા ખાટલામાં બેસીને ખડખડાટ હસતા હતા…..બારણામાં જ જડાઈ ગયેલા પગોને માંડમાંડ ઉઠાવીને હું અંદર આવ્યો. આટલા અપમાન પછી પણ તેઓ હસતા હતા. મને જોઈને જ લાગલા તેઓ બોલી ઊઠ્યા : “મોંઘજી ! તારી રાહ જોઈને જ બેઠો છું. લે ચાલ ખાઈ લઈએ. આજ તો વિચાર્યુ કે તારે ઘરે જ ખાવું છે.”
થોડીક શરમ અને વધારે માનથી ઝૂકી ગયેલું મારું મસ્તક ઊઠાવીને હું ગલબાકાકાને ન જોઈ શક્યો. અંગુઠા વડે જમીન ખોતરતો હું ઊભો રહ્યો અને એકદમ સફાળા બેઠા થઈને મારી પાસે આવ્યા અને મને બાથમાં લઈને બોલી ઊઠ્યા :
“ બેટા મોંઘજી, હોય રાજકારણમાં વિવાદો હોય. અને આ તમારા યુવાનોનું ગરમ લોહી જોઈને મને આનંદ થાય છે. તમે યુવાનો જ બનાસકાંઠાને બેઠો કરશો. હું તો હવે કેટલા વરહનો…?
મારો હાથ ઝાલીને તેમણે મને જમવા બેસાડ્યો. કેટલી ઉદાત્ત ભાવના ! માન અપમાનથી પર ગલબાકાકાની શ્રધ્ધાભરી સૂરત મારી આંખોની કીકીઓમાં જ્યારે આવીને બેસી જાય છે ત્યારે મનોમન મારાથી એમને વંદન થઈ જાય છે.
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.
સહકારના શિલ્પી ગલબાકાકા ,/ કરોડોમાં એક ક્યારેક ! /આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત.. / બનાસડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ / વિશિષ્ટ દાન / ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી / પછાતપણાના કલંકના મુક્તિદાતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ
This Post Has 0 Comments