ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

રાંકનું રતન

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે, જે વડગામ વેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.- નિતિન]

 

જેવો પછાત અમારો બનાસકાંઠો એવો જ પછાત અમારાં લોકો. હા; શિક્ષિત લોકો બનાસકાંઠામાંય ખરા; પણ બનાસકાંઠાને ઊંઘમાંથી જગાડવાનું, જગાડીને બેઠો કરવાનું, બેઠો કરીને ઉભો કરવાનું અને પછી દોડતો કરવાનું કામ કર્યુ ત્રણ ચોપડી ભણેલ વડગામ તાલુકાના નળાસર ગામના ગામડીઆ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે.

જેનું ઘડતર શાળા-મહાશાળાઓમાં થયું હોય, પ્રેરણાની સીધી અસર તળે આવ્યા હોય તેવા નેતાઓ તો આપણા દેશમાં ઘણા છે; પરંતુ પોતાની આગવી સૂઝ, બુધ્ધિ અને શક્તિથી કામ કરનાર નેતાઓમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ આગલી હરોળમાં છે. ખુદ જિંદગી જ એમની અનુભવ શાળા હતી. લોકોનું ભલુ કરવાની સતત મનમાં ઘોળાતી રહેતી ઇચ્છા એમની પ્રેરણા હતી. બસ, મથામણ કર્યા જ કરવી અને એમાંથી નવનીત પ્રગટાવવું એ એમની કાર્યશક્તિનો જીવતો જાગતો પુરાવો.

એ ધારાસભ્ય હોય કે પછી જિલ્લા પ્રમુખ; નાનામાં નાનું કાર્ય કરવામાં એમની શરમ આવતી નહી, અરે; તેઓ ખેતરે ભેંસ દોહીને માથા ઉપર દેગડું મૂકી ગામમાં આવતા હોય…ત્યારે એમને મળવા આવેલ ઉચ્ચ અધિકારીઓ આશ્વર્યમાં પડી જાય. આ બનાસકાંઠા જિલ્લાનો પ્રમુખ…? અનેકની સલામ ઝીલતા આ ગામડીઆએ મજૂરી પણ કરી છે, ખેતી પણ કરી છે….હું એમને એમના ગુણ માટે મહાત્મા ગાંધી સાથે સરખાવવાનું વધારે યોગ્ય ગણું છું. સાદગી, નમ્રતા, પ્રામાણિકતા અને વિવેકમાં ગલબાભાઈનો જોટો જડવો મુશ્કેલ છે.

ગલબાભાઈનું વ્યક્તિત્વ બનાસકાંઠામાં પૂર્ણ રીતે વિસ્તર્યું હતું. તેમને મોટી રાજકીય વ્યક્તિ બનવાનો મોહ ન હતો. તેમણે બનાસકાંઠાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તેમની અદમ્ય ઇચ્છા હતી કે બનાસકાંઠાને માથે પછાતનું કલંક છે તે ભૂંસાઈ જાય. જિલ્લાની ધારાસભાની અને લોકસભાની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવતા. ગલબાભાઈએ ધાર્યું હોત તો એ સને ૧૯૫૨થી મૃત્યુપર્યંત ધારાસભ્ય રહી શક્યા હોત…. અને સતત ચૂંટાવાને કારણે કદાચ પ્રધાન પણ બની શક્યા હોત…આખા ગુજરાતમાં કોંગ્રેસના ગઢને નામે ઓળખાતા આ જિલ્લામાં પોતાના ખેડૂત મંડળ અને કાર્યક્ષમતા દ્વારા સતત ધારાસભ્ય બની રહેવું તેમના માટે મુશ્કેલ નહોતું; પરંતુ તેને બદલે તેમણે જિલ્લામાં જ રહેવાનું વધારે પસંદ કર્યું. તાલુકા પ્રમુખ બનીને તેમણે જિલ્લા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.

બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રના મૂળમાં પણ તેઓ જ છે. સહકારી સંસ્થઓની શરૂઆત તેમના દ્વારા જ થઈ અને તેનું અગત્યનું પરિણામ ડેરી સ્વરૂપ એમના દ્વારા પ્રગટ્યું. દુષ્કાળ વખતે બનાસકાંઠાને મદદ અપાવવા માટે તેમણે કરેલ કાર્યોની સૂચિ તો ઘણી લાંબી છે. દુષ્કાળ વખતે તેમણે ધરાઈને ધાન પણ ખાધુ નથી. પોતાની તળપદી આગવી વિશિષ્ટ શૈલીમાં મુંબઈના શેઠીઆઓ પાસેથી મદદ લઈ આવતા….!

દુષ્કાળના વસમાં દિવસોમાં ગાયોને જિવાડવા તેઓએ જિલ્લાના લીલા વિસ્તારના ખેડૂતોને ગાયો સોંપી અને એક મોટા કામને, મુશ્કેલ કામને સહજતાથી ઉકેલી લીધું.

બનાસકાંઠાની સૂરત પલટી નાખવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે યોજના પણ વિચારી હતી…પરંતુ બનાસકાંઠામાં ઉપરાઉપરી પડેલા દુષ્કાળને કારણે તેમનું સમગ્ર ધ્યાન એ સમસ્યા પ્રત્યે જ ઘેરાયેલુ રહેતું. એમના ઉતકર્ષમાં મહત્વનું પ્રદાન આપનાર વડગામ તાલુકો, એમનું વતન, એમના સામાજિક જીવનની શરૂઆત અને કાયમ માટે એમના ટેકામાં ઊભો રહેતો એ તાલુકો. ક્યારેક કેટલાક સાથીઓ એમને કહેતા કે, ગલબાભાઈ તમે વડગામ ઉપર વધુ લક્ષ આપવાને બદલે સાંતલપુર, વાવ, થરાદ, એ બધા તાલુકાઓને કેમ વધુ મહત્વ આપો છો ? ત્યારે તેઓ કહેતા કે તમારે જમીન છે, વર્ષ પૂરતું ચાલે એટલી ખેતી થાય છે; અને આ લોકોને તો પાણી પણ પૂરતું નથી મળતું….પહેલી જરૂર છે તરસ્યાઓને પાણીની. ભૂખ્યાઓને અનાજની અને નિરાશ માનવીઓને હૂંફની. તેઓએ લગભગ કાયમી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં જીવતા બનાસકાંઠાના એ પશ્વિમના તાલુકાઓને જાણે મનોમન દત્તક જ લઈ લીધા હતા અને પૂરેપૂરું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કર્યું હતું. અલબત્ત સાથી કાર્યકરો, મિત્રો અને અન્ય કેટલાકને તેમનું આ વલણ ન ગમ્યું, પરંતુ તેઓ મક્કમ રહ્યા. આ નપાણિયા મુલક માટે પાણીની કાયમી ધોરણે સગવડ કરવાની તેમની અદમ્ય ઇચ્છા હતી જ. રણના કાંઠે સૂઈગામ, વાવ અને સાંતલપુરમાં પાણી માટે વિશાળ યોજના વિચારી હતી. પરંતુ એ યોજના સાકાર થાય તે પહેલાં એમનું અકાળ અવસાન થયું.

જિલ્લા પંચાયતના ક્ષેત્રે તથા ડેરી ક્ષેત્રે આજે એમના ભવ્ય સ્વપ્નોનો ભાર આજે અમારા સૌ પર આવી પડ્યો છે. ગલબાભાઈની વિશાળ દ્રષ્ટિને નજર સમક્ષ રાખીને અમે કાર્ય કરી રહ્યા છીએ. યતકિંચિત પણ અમારાથી એમના કાર્યને આગળ વધારી શકાય, એ જ અમારી એમના પ્રત્યેની ભાવભીની અંજલી છે.

– સ્વ. ગલબાભાઈ માનજીભાઈ પટેલ (વડગામ)

તા.૪ ફેબ્રુઆરી,૧૯૭૯

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

આ પ્રકારના અન્ય લેખ :

સહકારના શિલ્પી ગલબાકાકા ,/ કરોડોમાં એક ક્યારેક ! /આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત.. / બનાસડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ પટેલ / વિશિષ્ટ દાન / ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી / પછાતપણાના કલંકના મુક્તિદાતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ /મારી આંખે તરવરતી એ તસ્વીર / પરમ સહિષ્ણુ ગલબાભાઈ /