શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર દાદા જીવન ઝરમર ભાગ -૧૦

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય નહોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. ]

 

તીવ્ર પ્રભુસ્મરણ અને ઊંડા શુભ ધ્યાનથી ફલશ્રુતિ અકલ્પ્ય હોય છે. ભાગવતમાં સુંદર કથા છે. પાપી અજામિલની મૃત્યુઘડી આવી. યમદૂતો તેનાં પ્રાણ હરવા આવ્યા. અજામિલને મૃત્યુનો ખ્યાલ આવી ગયો. પોતાના નાના પુત્ર વિષ્ણુને છેલ્લીવાર જોવાની તીવ્ર ઇચ્છા જાગતાં તેણે વિષ્ણુના નામનો પોકાર કર્યો. વિષ્ણુ ઘરમાં નહોતો. બેબાકળાં થઈ અજામિલે તીવ્રતાથી હર્દયનાં ઊંડાણેથી વિષ્ણુ…! વિષ્ણુ…! વિષ્ણુ…!!! ની લગાતાર એકધારી બૂમો પાડવા માંડી. તેની બૂમબરાડા એ પોકારમાં ભક્તિનો ભાવ ભળી ગયો. તેનો પોકાર ભગવાન વિષ્ણુના કાને પડયો. ભક્તની પીડા જાણી ભગવાને પોતાના દૂત મોક્લ્યા. વિષ્ણુના દૂતોને આવેલા જોઈ યમદૂતો પાછા ફર્યા. ત્યાર પછી પાપી અજામિલના આત્માને ભગવાનના દૂતો વિષ્ણુલોકમાં લઈ ગયા. પ્રભુના તીવ્ર નામ સ્મરણથી એક પાપીનો ઉધ્ધાર થઈ ગયો !

માણેકશાએ પણ અંત સમયે શુધ્ધ એકાગ્ર ચિત્તથી આદિનાથ પરમાત્માનું ભાવથી નામ સ્મરણ કરતાં, તીવ્ર શુભ ધ્યાન ધરતા દેહત્યાગ કર્યો હતો. પરિણામે તેમના આત્માને દેવગતિ પ્રાપ્ત થઈ. દેવલોકમાં માણેકશા શક્તિશાળી વ્યંતર નિકાયન છઠ્ઠા ઇન્દ્ર શ્રી મણિભદ્ર યક્ષરાજરૂપે ઉત્પન્ન થયા.

જિનધર્મના અહિંસાના મહાન સિધ્ધાંતને આત્મસાત કરી, પરમાત્મા શ્રી આદિનાથ સ્વામીજીના દિવ્ય ધ્યાનમાં રમમાણ થઈ દેવગતિ પ્રાપ્ત કરનાર માણેકશા ઇતિહાસનાં પૃષ્ઠો પર સવંત ૧૫૬૫ના મહા સુદપાંચમના દિવસે અવિસ્મરણીય રીતે અંકિત કરી ગયા. કોને ખબર હતી કે વીરોચિત ધર્મપાલન કરતા મૃત્યુ પામનાર માણેકશા શ્રી માણિભદ્ર વીર રૂપે આવનારી સદીઓમાં હજારો લાખો ભક્તોના અંતરમાં તારણહાર બનીને નિશદિન પુજાતા રહેશે !

ધર્માનુરાગી માતા જિનપ્રિયાદેવી તથા પતિપરાયણ પત્ની આનંદરતિ માટે આ સમાચાર વજ્રાઘાત સમાન પૂરવાર થયા. મતાએ આજ્ઞાકિંત પુત્ર તથા પત્નીએ પ્રેમાળ પતિ ગુમાવ્યો હતો. અસહ્ય આઘાતથી થોડા દિવસો સુધી તો સાસુ-વહુ કિંકર્તવ્યમૂઢ થઈ ગયાં. ધીરે ધીરે ધર્મબુધ્ધિના સહારે બન્ને સ્વસ્થતા ધારણ કરતાં ગયા. પોતાના જ કર્મોનું વિષાદપૂર્ણ પરિણામ મળ્યું છે, એ વાતનો સ્વીકાર કરીને તેમણે મન મનાવ્યું. ત્યાગ, તપસ્યાને પરમાર્થયુક્ત પરમાત્માની ભક્તિમાં તેઓ ડૂબી ગયાં.

પેલી બાજુ આગ્રા આસપાસના વિસ્તારમાં પોતાના શિષ્યસમુદાય સાથે વિચરણ કરતા પૂજ્યાચાર્ય શ્રીમદ હેમવિમલસૂરીશ્વરજી મહારાજને જ્યારે માણેકશાના મૃત્યુના સમાચાર સાંપડ્યા, ત્યારે તેમના મુખેથી અનાયાસ જ ઉદ્દગાર સરી પડ્યા…

‘કેવો ધાર્મિક આત્માને કેવો કરૂણ અંત…! પરમાત્માનાં દર્શનની રઢ પણ કેવી…? જ્યાં સુધી સિધ્ધાચલમાં દર્શન નહીં થાય ત્યાં સુધી અન્નત્યાગ….! આવા વિરલા તો ભાગ્યે જ જ્ન્મતા હોય છે…! ‘

વિષાદ અનુભવતા ગુરુદેવે તેમના શિષ્ય સમુદાય સાથે માણેકશાની આત્મશાંતિ સારુ પ્રાર્થના કરી.

માણેકશાના મૃત્યુની ખબરથી લોંકાગચ્છન સમર્થકોને પણ ધક્કો લાગ્યો. તેમની તેઓ આશાનો દીપક જ બુઝાઈ ગયો. એક વાર તો તેમણે પોતાના તર્કવિતર્કને વાણીપ્રભાવથી માણેકશાને પોતાના પક્ષમાં કરી લીધા હતા. તેમને આશા હતી, કે જૈન શ્રેષ્ઠી માણેક્શાનું અનુકરણ કરીને ઘણા શ્રાવકો લોંકાગચ્છના અનુયાયી થશે અને તેમનો ગચ્છ શક્તિશાળી થશે, પરંતુ અચાનક જ હેમવિમલસૂરિજીનું ઉજ્જૈનમાં આગમન થયું અને તેમણે માણેકશાનું મન પરિવર્તન કરાવી, તેમને ફરીથી મૂર્તિપૂજક પરંપરાના અનુયાયી બનાવી દીધા એ દુ:ખદ ઘટના હતી. તેમ છતાં લોંકાગચ્છના પ્રચારકોને ઊંડે ઊંડે પણ આશા હતી કે તક મળતા જ તેઓ પુન: માણેકશાને પ્રભાવિત કરી લોંકાગચ્છના સમર્થક બનાવી લેશે., પરંતુ માણેકશાની આકસ્મિક વિદાયથી તેમની આશા ઠગારી નીવડી હતી અને એટલે જ તેમને આઘાત લાગ્યો હતો. જો કે તેમના પૈકી કેટલાક જણ માણેકશાના મૃત્યુથી ખુશ પણ થયા હતા, કારણ કે માણેકશાનું જીવન મૂર્તિપૂજક પરંપરાની પ્રભાવના માટે ઉપકારક હતું, જ્યારે લોંકાગચ્છ માટે તત્સમય પૂરતા માણેકશા નિરર્થક જ હતા.

લોંકાગચ્છની વિચારધારા ત્યાગીને માણેકશા પુન: મૂર્તિપૂજક પરંપરાના અનુયાયી બન્યા, એ ઘટનાથી લોકાંગચ્છના પ્રચારકો છંછેડાયા હતા. તેમને હવે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો, કે જ્યાં સુધી હેમવિમલસૂરિ, તેમના પટ્ટશિષ્ય આનંદવિમલસૂરિ તથા તેમના ગચ્છના સાધુ ભગવંતો હયાત રહેશે, ત્યાં સુધી લોંકાગચ્છની ઉન્નતિ કોઈ કાળે નહીં થાય. એ લોકો તેમના વિકાસપથ આડે આવતી વિશાળ શિલા હતી ને ગચ્છના સાધુઓ પીડાદાયક કંટકો હતા. સઘળા સાધુઓનો જડમૂળથી નાશ એ જ માત્ર રામબાણ ઉપાય હતો, સઘળાને યમસદન ભેગા કરવા એ જ આખરી ઈલાજ હતો.

સમાજમાં જ્ઞાનનાં અજવાળાં પાથરનાર ઘર્મનાયકો જ ભિન્ન વિચારધારાના સાધુ ભગવંતોના જીવનદીપ બુઝાવી અંધારાં પાથરવા તૈયાર થયા હતા ! અહિંસા અને જીવદયાના સમર્થકો ન નિર્દોષ સાધુઓનાં રકત વહાવવા કટિબધ્ધ થયા હતા ! પાપભીરુ સાધુઓ જ જઘન્ય પાપ આચરવા તૈયાર થયા હતા !

સાધુઓના પ્રાણ જાહેરમાં લેવાય તો પોતાના ગચ્છની બદનામી થાય, લોકોની નજરમાંથી ઉતરી જવું પડે. એ તો નુકશાની ની વાત થઈ ગણાય, એટલે સાપ મરી જાય પરંતુ લાકડી ન તૂટે એવી યુક્તિ તેમણે વિચારી, ગુપ્ત રીતે અલૌકિક શક્તિપ્રયોગથી તપાગચ્છનો ખાત્મો બોલાવી દેવાની યોજના તેમણે ઘડી કાઢી.

લોંકાગચ્છન ગુરુએ ભારે મંત્રોપાસના કરી કાળા-ગોરા ભૈરવ દેવોને પ્રસન્ન કરી પોતાનાં મનવાંચ્છિત કાર્યો માટે સાધી લીધા. ત્યાર પછી મંગળવાર જેવા આકરા ને મહત્વપૂર્ણ દિવસે ભૈરવદેવની સ્તુતિ કરી. ધૂપ દીપ નૈવેધ ચઢાવી ધ્યાન ધર્યુ. મંત્રાધીન ભૈરવ દેવ પ્રચંડ રૂપે હાજર થયા. તેમણે ગુરુને પૂછ્યું….

‘ કહો શા માટે યાદ કર્યો છે ? ‘

‘ તમારે એક કામ કરવાનું છે…..’ ગુરુએ કામની ભૂમિકા બાંધતા કહ્યું.

‘આજ્ઞા આપો…સેવક હાજર છે….’

‘ ભૈરવ દેવ ! સાંભળો…હેમવિમલસૂરિના સઘળા સાધુભગવંતો તથા તપાગચ્છના સંપૂર્ણ શ્રાવકોનો સફાયો કરી નાખો….! એક પણ સાધુ-શ્રાવક કોઈપણ ભોગે બચવો ન જોઈએ…! સમજ્યા ?’

‘ જેવી આપની આજ્ઞા આટલુ કહી ભૈરવદેવ અંતર્ધાન થયા.

લોંકાગચ્છના ગુરુ ભારે આનંદિત થયા.

(વધુ આવતા ભાગમાં )

અત્યાર સુધી આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવાઅહીં ક્લિક કરો.