સાહિત્ય-લેખો

પંખીની પાંખમાં પાદર- કિશોરસિંહ સોલંકી

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મુળ વતની અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તક માંથી પ્રસ્તુત લેખ અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપેલ છે.]

 

અમે પાદર પાદર રમીયે.

‘પાદર’ શબ્દ સાંભળતાની સાથે  જ અમારામાં હણહણાટ પેદા થાય છે. અમારા પગ નાચવા માંડે છે. જાણે રેતનો સાગર અમારી સામે હેલે ચડતો હોય એવું લાગે છે.

આ પાદર એ જ અમારું તો ‘ગાંદરું’ કોઈ પૂછે કે, ‘ચ્યાં જાંય સં?’ તો તરત જ જવાબ મળે: ‘ગાંદરે જૈનં આઉ સું. કહેવાય છે કે, ગાંદરે જનારો પાછો આવતો નથી અમે અમે આવ્યા છીએ પાછા. એટલે તો આજે ગાંદરુ લઈને ચગળીએ છીએ બેઠા બેઠા! ગાંદરાને મમળાવવાની પણ એક મજા છે.

મારા ગામનું ગાંદરું જુઓ તો ખખડધજ ઊભેલા બે વડ. જે દર વર્ષે પોતની જટા વધારતા જ જાય, વધતા જ જાય. સામેના ભાગમાં ઊભેલી પીંપરો અને પીંપળા, બીજી બાજુ બે જુવાનજોધ લીમડા. ગાંદરાના કિનારે હવાડામાં પાણી ભરવા માટે બે બળદની જોડીનાં એલાંણ. વચ્ચેના ભાગમાં ભફાવવાની મજા પડે એવી સોનેરી ઝીણી ઝીણી વેળુ, એ અમારું ગાંદરું- પાદર!

ગંદરું તો આખા ગામનાં ટાબરીયાંનું પિયર! કોઈનું છોકરું ઘર-વાસમાં કે શેરીમાં ન મળતું હોય તો એની શોધ થાય ગાંદરે. ભૂતનું સ્થાન પીપળો. ક્યાંય વડની વડવાઈઓમાં કે કોઈ ઝાડની બખોલમાં લપાયેલું મળી આવે. જો એની માને શોધવામાં થોડી તકલીફ પડી હોય તો આવી બને એનું ‘મારા પીટ્યા લડધા,  કૂટું ઓશલો તારો, અડધા દાડાની તન આખા ગાંમમાં હોધું સું…પણ…’ ભફાભફ બે-ચાર લમણામાં પડે જ. બીજાં છોકરાં ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે: ‘ચેવો માર્યો..નઈ?’ તો બીજો કહે: ‘તનં તારી મા ચ્યાં નથ મારતી?’ એટલે ચૂપ થઈ જાય.

અમારી પહેલી નિશાળ તે આ ગાંદરું. નિશાળમાં તો અગિયાર વાગ્યે જવાનું હોય. આમેય, અમારાં ગામડા તો ખેતરો આધારે જીવનારાં. સવાર થયું નથી કે, ઘરમાં વાસીદું, પાણી અને રોટલા ટીપીને, પરવારી બધાં નીકળી જાય ખેતરે. બાકી રહી જઈએ અમે ભણેશરીઓ. નેવાનો છાંયડો નજીક આવે ત્યાં લગણ તો કાથીના ખાટલા ખેંચીને ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓનાં પાનાં આઘાપાછાં કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતાં કંઈક ન લખીએ અને આવજો ગાંદરું ઢૂંકડું!

સવારે નવ વાગ્યાથી અમારી ગાંદરાની નેહાળ શરૂ થઈ જાય. એમાંય કોઈ સાહેબને  ઝાડે ફરવા કે મંદિરમાં જતા જોઈએ તો ટપોટપ વડની વડવાઇઓ કે ખોદેલા ખાડાઓમાં,યુધ્ધભૂમિમાં લડતા સૈનિકોની જેમ લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી બને નિશાળમાં! એવી તો ધાક હતી, એ વખતે અમને.

આ ગાંદરામાં આખા ગામનાં લોકો, ઢોર કૂતરાં-પંખીઓના પગલાં જોવા મળે. અરે! એ બધાંનાં પગલાને પોતાનામાં ભંડારી રાખે પાદર, ગાંદરું તો ગામનું નાક કહેવાય. ગામની શોભા ગાંદરું, ગામ કેવું છે, એ એના ગાંદરાં પરથી પરખાઈ જાય.

સારા-માઠા પ્રસંગે આખું ગામ ભેગું થાય ગાંદરે. કોઈની જાન ઉઘલાવવાની હોય તો ગાંદરું ગાણાંની રમઝટ બોલાવે. પાણિયારીઓ પાણીના ભરેલાં બેડા માથે મૂકીને ગાંદરા આગળ ઊભી ઊભી અડધો દાડો કાઢી નાખે. મોટિયાઈડા જતાં-આવતાં મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગાંદરે ભરાય. કોઈને ક્યાંય પણ જવું હોય તો વાયા ગાંદરેથી જવું પડે. ગાંદરું તો ગામનો જીવતો-જાગતો ચોપડો! એમાં નામ લખાવ્યા સિવાય ન કોઈ જઈ શકે અંદર કે બહાર!

કોઇનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગાંદરે ખરો જ. ગાંદરે જ મડદાના પગના અંગૂઠાને આગ મુકાય! પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન!

આનર્ત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના ચાર મહિના ભવાઈ બંધ! અમારું ગામ એટલે ભોજકોનું કેન્દ્ર. આસો સુદ પાંચમની રાતે ગામનાં ગાંદરે ભવાઈ થાય જ, કરવી જ પડે. પછી જ શરૂઆત થાય ભવાઈ રમવાની,એ સિવાય નહીં. ગાંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય, નરઘાં વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા…તા…થૈ..થૈ..તૂહુ..તૂહુ..અમે ટાબરિયાં એકબીજાને ધકકા મારતાં, ગાંદરાની રેત ચડ્ડીઓમાં ભરતાં,લીંટ લૂછતાં અને ગાળો બોલતાં બોલતાં આગળ બેસવા માટે મથીએ. પછી ટેસડો પડી જાય અમને ભવાઈ જોવાનો. આખું ગામ અને આજુબાજુનાં ગામોના લોકો હકડેઠઠ ઠલવાઈ જાય ગાંદરે!

શિયાળાની કડકડતી ઠંડી ઉડાડવાની અમારે ગાંદરે. ભેગા થઈને હુતુતુતુ કે આટાપાટા રમીએ. કૂદીએ. કુસ્તી કરીએ. ભૂસકા મારીએ. આમલી-પીપળી રમીએ. વડની વડવાઈઓના હીંચકા બનાવીને હીંચીએ. સરકસમાં જોયેલા ખેલ ભજવીએ વડવાઈઓમાં. પડીએ-આખડીએ. ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ. એકબીજાનાં લૂગડા ફાડીએ. માથામાં રેત ભરીએ. રોતાં રોતાં કચવી ગાળો બોલીએ. લોહીલુહાણ થઈએ. પથરા મારીએ. પગ ભાંગીએ. થોડીવાર પછી ભેગા મળીને ફરીથી રમવા માંડીએ, આવું તો ચાલે અમારું. બે ઘડીના ઝઘડા. ફરી એના એ. ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભૈ મસ્તીમાં, આનંદમાં.

મજા તો આવે ઉનાળામાં. સવારની શાળા હોય. અગિયાર વાગ્યા ન વાગ્યા અને આવજો ઘરભેગા. ખાઈ-પીને શું કરીએ? જો ખેતરમાં ભાત લઈને જવાનું હોય,તો થનથનારો કરતા કરતા, નછૂટકે જઈએ. અમે મોટાંના હાથ આડા આવ્યા એનો એમને આનંદ થાય. પણ અમારે તો બળબળતા બપોરમાં ગાંદરું ઘાતા ઘાતા અડવાણા પગે હાલી નીકળવાનું. પણ રાત તો અમારા બાપની ખરી કે નહીં?

દિવસે જો ખેતરે જવાનું ન હોય તો પછી જોઈ લેવો અમારો વટ્ટ! ગરમલાય વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય. એમા અમે રમતા હોઈએ ભેગાં મળીને, કોઈ હાકોટે પણ ખરા: ‘અલ્યા, લૂ-બૂ વાહે તો માંદા થાહો. જાંવનં ઘેર જૈનં પડ્યા રો’. પણ સાંભળે એ બીજા. ન જોઈએ તડકો કે બપોર! રમવું રમવું ને રમવું એ અમારો મુદ્રાલેખ!

સાચા અર્થમાં ગાંદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામનાં ઢોર ગાંદરે આવી ગયાં હોય-હવાડામાંથી પાણી પીને પીંપર, પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠાં બેઠાં હાંફતા હોય, વાગોળતાં હોય. કેટલાક તો કેટલાક અંદરો અંદર બાખડતાં હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર ગયા હોય. ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને ડોલતા હોઈએ,રાજાના ઠાઠથી! ભેંસની સવારી કરવી એ પણ એક લ્હાવો ગણાય. અમારા જેવું કોઈ શીંગડાં હલાવે, કોઈ પૂંછડું વીંઝે પણ અમે તો વગડાના વનેર જેવા! અરે! એક વખત તો ભેંસને ધાવવા ગયા ને ઊભી પૂંછડીએ નાસવું પડેલું. બપોરે ગાંદરે તો અમે જ ગોવાળિયા ગોકુળ ગામના! આખું ગાંદરું માથે કરીને ફરીએ!

ઉનાળાની અજવાળી રાત હોય. અજવાળું ફડાકા દઈ રહ્યું હોય. અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. વાળું કર્યુ ન કર્યું અને જઈ પહોંચીએ ગાંદરે. ભલે પાછળ બૂમાબૂમ થતી અમારા નામની, પણ ઉભા રહે એ બીજા! અમે તો ગાંદરાના હેવાયા. ગાંદરું તો રમતું હોય અમારી આંખોમાં. થોડો ગાળો મળ્યો નથી કે ગાંદરે પહોંચ્યા નથી. મોડી રાતે રેત ઠરી હોય. આળોટીએ એ રેતમાં. વહાલી વહાલી લાગે રેત. મોડી રાત સુધી ઘેર જવાની ઇચ્છા જ ન થાય. કોઈ ને કોઈ આવે અમને બોલાવા માટે-હાથમાં સોટી લઈને. અમે તો માણસમાં જ નહીં. મારવું ને માર ખાવી એ ક્રમ દીસે કુદરતી! જો મજાની ઠંડીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો આવી જ બને અમારું. ચંદ્રની ચાંદનીમાં ચમકતી રેત ચોળીએ આખા શરીરે. પહેરણ કાઢીને, હાથ પહોળા કરીને, ગાંદરાને માપતા પડ્યા રહીએ આરામથી. ગાંદરું તો રાતે અમારું એરકન્ડિશન. મારા માથામાં હજી પણ ગાંદરાની રેત ભરાયેલી છે અને એમાં હું આળોટું છું ક્યારેક ક્યારેક.

પાનખરમાં તો આખું ગાંદરું ભરાઈ જાય ખરી પડેલા પાંદડાંથી. પાંદડાં સુકાઈને ખાખેર થઈ જાય. એના ઉપરથી ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી દેવતા કે સળગતું છાણું લઈ આવીએ અને સળગાવીએ આખું ગાંદરું. કોઈ ઘઈડું જોઈ જાય તો ઠપકો આપે: ‘અલ્યા, દમ મારીનાઓ, ચ્યમ હળગાયું? ઇમાં તો કીડી-મંકોડી ને જીવાત હોય તે બળી જાય. તમોને પાપ લાગશે.’ અમોને પાપ ના લાગે એ માટે ફટાફટ ઓલવી નાખતા સળગાવેલું. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય? એવા તો અમે જીવદયાવાળા!

વર્ષારાણી તો ગામડાંનો પ્રાણ છે ભાઈ. ગામડાનો આધાર તો પાણી છે. વરસાદ આવતાંની સાથે જ આખા ગામને નવડાવતાં-ધોતાં. પાણી ગાંદરે ભેગાં થઈ જાય અને ત્યાંથી સીધાં જ જાય તળાવમાં. અમે પહેરણ-ચડ્ડી કાઢીને કૂદી પડીએ પાણીમાં. પૂરપાટ જતા પાણીમાં અમે આખા ગાંદરે વેરાઈ જઈએ. વરસાદ કે વરસાદના પાણીમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગાંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું પાણી, આજુબાજુની વાડ સાથે અથડાતું પાણી, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ હતો.

આ ગાંદરેથી જ  બધા રસ્તા જાય. બીજાં ગામોના રસ્ત સાથે સંકળાયેલું આ ગાંદરું જ. એનો સબંધ જીવંત જ હોય. કોઈ વટેમાર્ગુ, કોઈ અતિથિ કે કોઈ આ ગાંદરે પોરો ખાઈને જ જાય. કેટલીક જ્ઞ્યાતિ ઓની પંચાત અહીં ભરાય. અહીં જ વિચરતી વિહરતી જાતિઓ આવીને ડેરા-તંબૂ તાણે. પોતાના નાના-મોટા ધંધા કરીને પેટગુજારો કરે. પછી ઉચાળા ઉપાડીને જાય બીજે ક્યાંક. ગામકૂવો તો ગાંદરે. મંદિર પણ ગાંદરે.

અહીં જ ધીંગાણાં મંડાણાં છે. લાકડીઓ, ધારિયાં અને તલવારો ઊછળી છે. ઢોલ ધ્રબૂક્યા છે. સરકારી લફરાં થયાં છે અને પેઢીઓની પેઢીઓ પસાર થઈ ગઈ છે આ ગાંદરેથી. ઘણી તડકી-છાંયડી જોઈ છે ગાંદરે. તો ગામની જાહોજલાલી અને પડતીનું સાક્ષી છે આ ગાંદરું. ગાંદરું  તો વાંદરું બનીને હૂપાહૂપ કરીને છવાઈ ગયું છે આખા ગામ ઉપર. એની રેતના કણેકણમાં ઇતિહાસનું એક એક પાનું લખાયું છે.

મારાં કોમળ-કોમળ પગલાંને સાચવતું આ ગાંદરું આજે મારામાં ધીમે ધીમે ઊગી રહ્યું છે. હું વિહવળ બની જાઉ છું અને પેરડી રચી લઉ છું: ‘અમે પાદરની પાંખો રે ભાઈ કૂદકે ભૂસકે ઊડીએ.’ પૂંઠ વાળીને પાછળ જોઉં છું તો મારા ગાંદરાંને ડંસી ગયો છે કોઈ કાળોતરો! એના માથે ઊગી નીકળ્યા છે કાળાં કાળાં શીંગડાં! ક્યાં છે મારું ગઈ કાલનું ગાંદરું-પાદર?

વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછાં ફરતાં પંખીઓની પાંખ લઈને ઊડું છું મારા ગામના પાદર તરફ…

[પુસ્તક :- સુગંધનો સ્વાદ, લેખક:- કિશોરસિંહ સોલંકી, પ્રકાશક:- ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ.,અમદાવાદ., મુખ્ય વિક્રેતા:- બુક માર્ક ૭ ચીનુભાઈ ટાવર્સ એચ કે કોમર્સ કોલેજ પાસે, આશ્રમ રોડ,અમદાવાદ-૩૮૦ ૦૦૯, ફોન:- ૦૭૯-૨૬૫૮૦૩૬૫, ૨૬૫૮૩૭૮૭, પુસ્તકની કિમંત:- રૂ.૧૦૦/-]