સાહિત્ય-લેખો

ચપટીક ઉમેરનારા….

[ આદરણિય વાડીલાલ ડગલી લિખિત પ્રસ્તુત આ લેખ પુસ્તક “શિયાળાની સવારનો તડકો”  પુસ્તકમાંથી સાભાર અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપવામાં આવી છે.]

 

મને કુદરતી ઉપચારમાં શ્રધ્ધા છે. કુદરતી ઉપચારની મેં એક એવી વ્યાખ્યા કરી કે કુદરતી ઉપચારના એક નિષ્ણાત મારા મિત્ર ડૉ. ભમગરાને એ ગમી ગઈ. મેં કહ્યું : માણસ પોતાની જાત ઉપર ઉપદ્રવ કરે એમાંથી જે એને બચાવે એનું નામ કુદરતી ઉપચાર. મને એમ લાગ્યું કે બીજાને ઉપદ્રવ આપણે ક્યારેક જ કરી શકીએ છીએ પણ આપણી જાત ઉપર આપણે રોજ ઉપદ્રવ કરતા હોઈએ છીએ. અને કરુણતા એ છે કે ઘણી વાર આપણને એની ખબર હોતી નથી. જેને આપણે લોકબોલીમાં મસ્ત, મોજીલા માણસો કહીએ છીએ. એવા લોકો પોતાની જાત ઉપર વધુમાં વધુ ઉપદ્રવ કરે છે. જીવન એ અનેકરંગી પ્રવૃતિ છે. કેવળ મસ્તી અને મોજ કદાચ મૃત્યુમાં હશે.

કોઈને આ અભિપ્રાય આત્યંતિક લાગશે, પણ મને લાગે છે કે આપણે ઘણી વાર એ રીતે વર્તતા હોઈએ છીએ કે આપણા જીવનની જવાબદારી બીજા કોઈની છે. કોઈ કોઈને કાયમ માટે નુકશાન કરી શક્તુ નથી. આપણે જ આપણી જાતને નુકશાન કરતા હોઈએ છીએ.

મને મારી પોતાની બીક લાગે છે એનું મુખ્ય કારણ એ છે કે મારું મન મારી જીભ દ્વારા આગળ ઘસી જાય છે, પણ મારા હાથપગ હલતા નથી. મન ચેતન છે, શરીર શેઠિયા જેવું છે. આથી એની પાસે કામ કઢાવતા મનને નાકે દમ આવી જાય છે. મનનું કામ નવા નવા ઘોડે બેસવાનું છે. શરીરનું કામ એ ઘોડા પર કેમ ન બેસવું તેના બહાના શોધવાનું છે. આ બહાના શોધવાની શરીરને એવી ટેવ પડી જાય છે કે આપણને એ બહાનું સાવ અનિવાર્ય અને કુદરતી લાગે છે. આપણે જ્યારે આ બહાનું કુદરતી ગણતા થઈએ છીએ ત્યારથી ચેતનાની સીડી પરથી એક પગથિયું નીચે ઊતરી જઈએ છીએ.

મારી એક કલ્પના છે કે વરસોના પુરુષાર્થ પછી આપણે ચેતનાની સીડી શોધી શકીએ અને પછી એટલા જ મોટા પુરુષાર્થના પ્રતાપે એ સીડીના પગથિયાં પર પડતાં આખડતાં ચડીએ છીએ. જે આ ચેતનાની સીડી શોધી શક્યો છે એ કાંઈક સર્જનાત્મક કામ કરી શકે છે. સર્જનાત્મક કામ હું માત્ર લેખનને કહેતો નથી. આ દુનિયાના સંસ્કારરાશિમાં કંઈક નવું ઉમેરીએ છીએ ત્યારે આપણે સર્જનાત્મક પ્રવૃતિ કરીએ છીએ. આવા સર્જનાત્મક સજ્જનોના પુણ્યપ્રતાપે આ સંસાર ટકી રહ્યો છે.

સંસારની વાત તો એક બાજુ રહી, પણ જાતને ટકાવવા માટે કોઈ સર્જનાત્મક કામ કર્યા સિવાય છૂટકો નથી. મને ઘણી વાર એમ લાગે કે હું જનાવરનું જીવન જીવું છું. જનાવર અને માણસ વચ્ચે કોઈ લક્ષ્મણરેખા હોય તો તે સર્જનાત્મક પ્રવૃતિ છે. આવી પ્રવૃતિ કરવાનું મન તો ઘણી વાર થાય છે, પણ જાત ઘસાવાની ના પાડે છે. જેમાં પોતાને કશો ફાયદો ન હોય અને સમાજનું કલ્યાણ થતું હોય એવા કામ માટે કોઈ જાત ના ધસે એ જનાવર; અને આવા કામમાં ઉમળકાથી કૂદી પડે તે માણસ.

જીવન સફળ થયું કે એળે ગયું એ નક્કી કરવાનો મારો માપદંડ આવો છે : કોઈ પણ સર્જનાત્મક પ્રવૃતિ કરીને આ સંસારના વૈભવમાં જે ચપટીક પણ ઉમેરે તેનું જીવન સફળ અને જે તૈયાર ભાણે જમીને ચાલતા થાય તેનું જીવન નિષ્ફળ. કોઈ સારી કવિતા લખે, કોઈ વાર્તા લખે, કોઈ દર્દીઓની સેવા કરે, કોઈ અંધજનો માટે પુસ્તકો તૈયાર કરાવે, કોઈ કુરિવાજો સામે માથું ઊંચકે, કોઈ હરિજનને પોતાને ત્યાં રસોયા તરીકે રાખે, કોઈ બાળકોને ભેગાં કરી નિયમિત વાર્તા કહે, કોઈ અભણ માણસને મનીઓર્ડરનું ફોર્મ ભરી દે, કોઈ આદિવાસીઓની વચ્ચે કામ કરતાં કરતાં દેહ પાડે – મારે મન આ બધી સર્જનાત્મક પ્રવૃતિ છે. અને રોજ નહીં તો કયારેક ક્યારેક પણ તેનો અમલ કરે છે તે સહુ આ સંસારનું આભૂષણ છે.

આવી સર્જનાત્મક પ્રવૃતિની ખરી મુશ્કેલી એ હોય છે કે આ માટે સામાન્ય માણસોને સમય બહુ ઓછો મળે છે. જીવન ટકાવી રાખવા માટે એટલો બધો સમય જતો હોય છે કે શહેરોમાં તો મોટા ભાગના માણસો રઘવાયા ઢોરની જેમ જીવતા હોય છે. સામાન્ય આનંદ માટે પણ એમની પાસે સમય નથી હોતો. મુસાફરોથી ફાટું ફાટું થતી મુંબઈની પરાંની ગાડીઓમાં ઘેરથી ઑફિસે આવજા કરનારની અર્ધી જિંદગી ગિરદીમાં જ ઓગળી જાય છે. જે સ્થિતિ મુંબઈની છે તેવી જ સ્થિતિ બીજા મોટા શહેરોની છે. આમ છતાં આવી અમાનુષી ગિરદીની વચ્ચે ક્યાંક રસ્તો કાઢીને આ મુસાફરોને ગાડીમાં પત્તાં રમતાં જોઉં ત્યારે મને માણસની આનંદ શોધવાની શક્તિ વિશે માન થાય છે. મેં આમાંથી એક બીજું તારણ પણ કાઢ્યું છે. ધારીએ તો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ થોડુંક સર્જનાત્મક કામ કરી શકાય.

મને ગણવેશમાં સરમુખત્યારશાહીની ગંધ આવે છે, પણ શાળાના ગણવેશો મને ગમે છે. એટલા માટે નહીં કે બાળકો એકસરખા કપડાંમાં ઊભાં હોય તો વધારે સારા દેખાય. કોઈ મિલમાલિકનો છોકરો કે પટાવાળાનો છોકરો ગણવેશના પ્રતાપે એક જ સરખા દેખાય અને પટાવાળાના છોકરાના મનમાં એની ગરીબાઈની ઓછપ ન આવે તો હું ગણવેશને પણ વધાવી લઉં. આપણે શિક્ષણ એટલા માટે આપીએ છીએ કે પટાવાળાનો છોકરો પણ ધારે તો આ દેશનો વડોપ્રધાન એક દિવસ થઈ શકે. ગણવેશને કારણે રંક બાળકની પણ આત્મગૌરવની ભાવના મજબૂત થાય તો ગણવેશ પણ લોકશાહી સમાજરચનાના કામમાં સહાયરૂપ થાય.

એક બીજો ગણવેશ મને ગમે છે તે છે સ્કાઉટનો. આમ તો સ્કાઉટના ગણવેશ પ્રત્યે મને કોઈ આકર્ષણ નથી, પણ એ ગણવેશ પહેરનારને એક વ્રત લેવું પડે છે તે કારણે મને સ્કાઉટના ગણવેશ પ્રત્યે લાગણી રહી છે. સ્કાઉટને રોજ કોઈનું ભલું કરવાનું એક કાર્ય કરવાનું હોય છે. કોઈ આંધળાને રસ્તો પાર કરવામાં મદદ કરે, કોઈ માંદાને ઇસ્પિતાલમાં લઈ જાય, અકસ્માતમાં સપડાયેલાને પ્રાથમિક સારવાર આપે : આમ સ્કાઉટે રોજ એકાદ સારું કાર્ય કરવાનું હોય છે.

આવી રોજ એકાદ પરગજુ કામ કરવાની વૃતિને હું સ્કાઉટવૃતિ કહું. અંગ્રેજીમાં જેને ‘ડૂ-ગુડર્સ’ (ભલું કરનારાઓ) કહે છે તે શબ્દોમાં થોડુંક માન અને તિરસ્કાર છે. કયાંક વિવેક વિના, આગળપાછળ જોયા વિના, ભલું કરવાનો ચીપિયો પછાડ્યા કરીએ તો ક્યારેક કોઈ મુશ્કેલી પણ ઊભી કરી બેસીએ. સ્કાઉટવૃત્તિવાળા આવા માટે ‘ડૂ-ગૂડર્સ’ થઈ જવાનો સંભવ છે. પણ સ્કાઉટની પ્રવૃત્તિવાળાઓએ તો દિવસમાં એક જ સારું કામ કરવાનો નિર્ણય કરી લેવામાં પણ સંયમ રાખ્યો છે. સેવા જરૂર કરીએ; પણ તેનો અતિરેક થાય તો જીવન પર એનો ભાર રહે. મન એકાંગી થઈ જાય. મને ચોવીસ કલાક સેવા કરનારની જરાક બીક લાગે છે. આવી સેવાની એક વાંધાજનક આડપેદાશ છે અસહિષ્ણુતા. રાત દિવસ સેવા કરનાર કેટલી વાર સાવ અસહિષ્ણુ બની જાય છે. આથી મને મર્યાદિત સેવા વાળી સ્કાઉટવૃત્તિ આકર્ષક લાગે છે.

આમ સંસ્કારી જીવોએ સ્કાઉટવૃત્તિ કેળવવા જેવી છે. સ્કાઉટનો ગણવેશ ન પહેરીએ તોપણ રોજ એકાદ સારું કામ કરી લેવાનો મોકો મળે ત્યારે જતો ન કરીએ. આટલું થાય તોય મોટું કામ થાય. આપણાં પોતાના કામ આપણે જે જુસ્સાથી કરીએ છીએ તેવો જુસ્સો બીજાના કામ કરવા માટે રોજ પાંચદસ મિનિટ પણ આપીએ તો આ સંસારની વિદાય લેવાની ઘડીએ જીવન એળે ગયાનો વસવસો થોડો ઓછો થાય.

[ પુસ્તક :- શિયાળાની સવારનો તડકો, કિમંત :- રૂ.૯૫/-, પ્રાપ્તિ સ્થાન :- ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ ૩૮૦૦૦૧, ટેલિ : (૦૭૯) ૨૫૫૦૬૫૭૩ ]