જે દિ’ એ સરપંચ થયા : – શિવદાન ગઢવી
[ શ્રી શિવદાન ગઢવી લિખિત પ્રસ્તુત લેખ “લીલી ધરતીના ઊભરાતા રંગ” માંથી સાભાર લખવામાં આવ્યો છે. પ્રવર્તમાન ગ્રામિણ જીવન માટે યોગ્ય દિશા નિર્દેશ કરતો આ લેખ ખરેખર પ્રેરણાદાયી છે. નૈતિક મૂલ્યો અને યોગ્ય સમજદારીસાથેની લિડરશીપ જો ગામડાઓને મળે તો ખરા અર્થમાં દુષણોને દેશવટો આપી આદર્શ ગામની કલપ્ના સાકાર થઈ શકે તે આ લેખના માધ્યમ થકી સમજી શકાય છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘પેલી સઈકલ સામેના ગામ તરફ વળી, તમે જોયું ને ?”
‘કોણ છે એ ?”
‘આપણા સરપંચ મફાભાઈના વાસનો છોકરો છે.’ ધોતી, પહેરણ અને પાધડી પહેરેલ માણસે હળવેકથી જવાબ આપ્યો.
‘રાત પડવા આવી છે, રાત્રે કંઈક ઓચિંતાનું કામ આવી પડ્યું લાગે છે’ મે અનુમાન કરીને કહ્યું.
જેઠ મહિનાના છેલ્લા દિવસો ગુજરાતની ઉત્તરની ધરતીના એક નાના ગામ સુરપુરા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. વરસાદ કદાચ ટૂંક સમયમાં જ આવે તેવાં એંધાણ ઉત્તર તરફ ખડકાતાં કાળા વાદળાં આપતાં હતાં. સૂરજ આથમવવને હજુ થોડીક વાર હતી. અમે ત્રણ-ચાર ભાઈબંધ ગામની બહાર નીકળી બહારની શુધ્ધ હવા શ્વાસોચ્છવાસમાં ભરવા નીકળેલા. તદ્દન હળવા હૈયે હસી-મજાકની વાતોમાં આગળ વધતા હતા. હવે ગામડામાં એકાદ તો પાકો રસ્તો જોવા મળતો હતો. એ ગામે પાકો રસ્તો થયે દસેક વર્ષ વિતવા છતાં રિપેરની રાહ જોતો, ખાબડખૂબડ હોવા છતાં બહારગામથી સાંજના આવતી બસમાં ઊંટ ઉપરની મુસાફરીની જેમ ઊંચાંનીચાં કરતો ઘેર લાવતો. અમે જે રસ્તે ફરવા નીકળેલ તેની બાજુમાં જરા ફંટાઈને જતો રસ્તો નજીકના ગામે પહોંચતો હતો. હું છેલ્લું વાક્ય બોલ્યો ત્યાં મારા સાથીદારે કહ્યું. ‘તમે માનશો એવું નહિ હોય ! આપણે પેલા કનુને ઊભો રાખો અને પૂછો કે સાચેસાચ શા કામે જાય છે ?’
અમારા પૈકીના એક માણસે ઊંચો સાદ દઈને તેને ઊભો રાખ્યો. ‘અમુક માણસોના પેટમાં શું હોય છે તેનો હજુ તમોને ખ્યાલ નથી ! સાંજના સમયે આ સામે ગામે એકલો માણસ ગામના પાછળના રસ્તેથી નીકળે એટલે દાળમાં કંઈક કાળું હોય જ !’
‘એવુ તે શું હોય ? રસ્તે ચાલતાં ચાલતાં જિજ્ઞાસાથી મેં પૂછ્યું.
એ બાજુ નીકળે એટલે સાંજના પીવાનો જલસો ગોઠવ્યો હોય તે માટે દારૂ લેવા જતો હશે. હવે તો કોથળીઓમાં દૂધની જેમ દારૂ વેચાય છે. આપણે ત્યાં તો કોઈ દારૂ ગાળતું નથી. આ કારણે રાતના સમયે કેટલાક માણસો બહારથી કોઈ મહેમાન આવે ત્યારે દારૂ મંગાવે છે. કેટલીક વખત મેં નજરે જોયેલું છે. અમારા સાથેની ગામની એક આગેવાન ગણાતી વ્યક્તિએ ઘડીકમાં સામા ગામ તરફ તો ઘડીકમાં અમારા સામી નજર કરતાં વાત કરી. કનુએ તેની સાઈકલ રસ્તા ઉપર ઊભી રાખી. એની જુવાની એના અંગ ઉપર આંટો લેતી હોય તેમ જોનારને લાગે. ગામડામાં હવે પેન્ટ-બુશર્ટ આવી ગયાં છે. તેણે કાળા રંગનું પેન્ટ અને સફેદ બુશર્ટ પહેરેલા હતાં. માથું ઉઘાડું રાખેલું. વાળ નહિ ઓળવાની ફેશન જણાતી હતી.
“જે હશે તેની ખબર પડી જશે. આ છોકરો જુઠ્ઠુ બોલતો નથી.” માજી સરપંચે સાખ પુરી. ચાલતા ચાલતા અમે કનુની નજીક આવ્યા.
‘ચ્યમ લ્યા, કોઈ મહેમાન આવ્યું છે કે શું ? રાત્રે કંઈ જલશો ગોઠવ્યો છે ?” અમારી સાથે આવેલ કરસનભાઈએ સીધેસીધો સૂચક પ્રશ્ન કર્યો. કનુ સાઈકલને રસ્તા ઉપર ઊભી રાખીને બોલ્યો, ‘તમારા મગજમાં હજુ પેલું એક વરસ પહેલાનું ભૂત નીકળ્યું નથી લાગતું.’
‘વરસ દિ’ પહેલાની અને અટાણાની પરિસ્થિતિમાં આભ-જમીનનો ફેર પડ્યો છે. એ બધુ તો અમારા સરપંચ ચૂંટાયા તે દિ’નુ બધુ જ બદલાઈ ગયું છે. તમે દારૂની વાત કરો છો ને ? કનુએ અમારા સૌ સામે જોયું.
“હા”
“તાણે ત્યાં જ તમારી ભૂલ થાય છે. અમારા વાસમાં મફાકાકા જે દિ’ સરપંચ ચૂંટાયા તે દિ’ વાસના બધાને ભેગા કર્યા અને નક્કી કર્યુ કે કોઈ પણ માણસ દારૂ, બીડી, ગુટખા વગેરે પીવે, ખાય તેનો એક હજાર રૂપિયાનો દંડ લેવો. આ રકમ ધર્માદા ખાતે પાંચ માણસની કમિટીને સોંપવી. બીજી વખત તેમ કરે તો બે હજાર દંડ લેવો. જુવાનિયામાંથી અડધો અડઘ દારૂ પીતા હતા, તમાકુ અને ગુટખા, બીડી તો લગભગ બધાં જ ઘરમાં પેસી ગયાં હતાં આ કારણે અમારા એકલા વાસમાં દર મહિને રૂપિયા દસ હજારનો ખર્ચ થતો હતો.વરસ દિ’ પહેલાં જ માતાજીના સ્થાનકે અમે બધાંયે જળ હાથમાં લઈ પ્રતિજ્ઞા કરી છે. તે દિવસથી કોઈ બચ્ચું પણ એના વાયરે જતું નથી. આ અખાત્રીજે વરસ પૂરું થયું. બધાંયે આ પ્રતિજ્ઞા પાળી છે. એ કારણે તો જે કંઈ બચત થઈ તેમાંથી કોઈ ટીવી લાવ્યા છે ને કોઈ રેડિયો લાવેલા છે.’ કનુની વાત અમે સૌ આશ્ચર્યભરી રીતે સાંભળી રહ્યાં. ‘આમાં એક પણ બોલ ખોટો નથી’ સચ્ચાઈનો રણટંકાર કરતો હોય તેમ સાઈકલની બેઠક પર હાથ પછાડીને તે બોલ્યો. નાના ગામમાં સરપંચના એ વાસમાં બધાં જ વ્યસનો ઘર કરી ગયાં હતાં. મફાભાઈએ આ માટે કોઈ જાહેર કાર્યક્રમ યોજ્યો ન હતો, ન કોઈ એનો ઝાઝો પ્રચાર કરેલો. સરપંચપદના બીજા જ દિવસે તેમણે પોતાના ત્યાંથી જ આ માનવઘડતરના કામનો પ્રારંભ કર્યો. સરપંચ તો ચાર ચોપડિયું ભણ્યા છે, પરંતુ તેમણે બીજાને જીવન આરોગ્યની આ વાત અમલમાં મૂકવા પોતાના કુટુંબીઓ, સગાસબંધી સૌને પ્રતિજ્ઞા લેવડાવી એક નવા રાહ તરફ દોર્યા તે ચિત્ર અમારા સામે ખડું થયું.
“ છેલ્લા એક વરસથી એમના વાસની રાત્રે કોઈ બબાલ થતી અમે સાંભળી નથી. હું તો એમની બાજુમાં જ રહું છું. વરસ દિ’ પહેલા તો રાત્રે ઘણું સાંભળવા મળે. એ રસ્તેથી હેંડિએ તો કોઈક ગમે તેમ બોલતું હોય, લથડિયાં ખાતા પગ ત્યાંથી પસાર થતા જોવામાં આવે. રસ્તામાં જવાનિયા બેઠા હોય અને બિડિયું ફૂંકતાં જોવામાં આવે જ.’ તેમના પડોશમાં જ રહેતો પરબત બોલ્યો. ‘તો તું અત્યારે સાંજ વેળાએ આમ શું કામ જઈ રહ્યો છે ?’
જિજ્ઞાસાથી પ્રશ્ન પુછાણો.
“મારા બળદને કોશ વાગેલી હોવાથી હું ઝટપટ બાજુના ગામેથી પશુ-ડૉક્ટરને બોલાવી લાવેલ. તેમણે દવા વગેરે કરીને મને આ સામા ગામે આટલી દવા પહોંચતી કરવાનું કહેતા હું ત્યાં જતો હતો. ‘તેમ કહીને પ્લાસ્ટિકની એક કોથળીમાં રહેલો પાઉડર કનુએ બતાવ્યો. ‘લ્યો ત્યારે હું જાઉં છું. મારે રસ્તામાં અંધારું થઈ ન જાય તેથી ઝડપથી નીકળ્યો છું.’ એટલુ બોલીને એણે સાઈકલ મારી મૂકી. પાણીના રેલાની જેમ જતી સાઈકલ અને તેના અસવારને અમે જોઈ રહ્યા.
મારા સાથીદારોની ધારણા ખોટી પડતાં એમણે વાતના પ્રવાહને વળાંક આપ્યો.
“ મફાભાઈએ સરપંચમાં આવ્યા પછી આ એક મોટું કામ કર્યુ. નાના મોટા બાંધકામો તો થયા કરશે, પણ માનવીને કુટેવો બદલવાનું આ મોટું બાંધકામ છે. એને આધ્યાત્મિક લાગણી સાથે જોડી એના પાયાને મજબત બનાવ્યો છે. નાના ગામડાનો આગેવાન, કુટુંબનો વડીલ કે ગામડામાં વસતા સાધુ-સંત સ્વમેળે આવાં કામો ઉપાડી લે તો આપણે આરોગ્યદિનની સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.’
દારૂબંધીને કાયદાનું સ્વરૂપ આપ્યું તેમ છતાં અઢળક દારૂ પિવાય, હપ્તા લેવાય અને આ ચક્ર ચાલુ જ રહે છે. ગુટખાએ તો હવે ગામડામાં પ્રવેશ કર્યો છે. બીડી, તમાકુ તો હતાં જ એમાં આનો વધારો થતાં જુવાનિયા એ માર્ગ તરફ વળ્યા છે. કેન્સર માટે વગર નોતરે પ્રવેશનો માર્ગ મોકળો બન્યો છે. આપણે ગોકળિયાં ગામડાં માટે જહેમત ઉઠાવીએ છીએ. ગોકુળિયા ગામોમાં આવી બદીઓ ન હતી. આ બંધ થાય તો નાણાકીય ફાયદો બાજુએ રાખીએ તો પણ શારીરિક આરોગ્યનું આપણું પાસું મજ્બૂત બનશે. અત્યારે દિવસે દિવસે દવાઓ મોંધી બનતી રહી છે. ગામડાં સુધી પુરતી આરોગ્ય સુવિધા હજુ પહોંચી નથી. રોગ માટેની સારવાર કરતાં એને અટકાવવા મફાભાઈ જેવા માણસો કેવળ એ જ્યાં રહેતાં હોય તેવા વોર્ડમાંથી મહેનત કરે, તેમની આમન્યાનો સવળાં કામોમાં ઉપયોગ થાય. કુટુંબનો વડો કુટુંબનું નાવ સાચી દિશામાં વાળે. એમ થતાં આવાં ઘણાં કુટુંબોનું ગામ, જિલ્લો, રાજ્ય અને દેશનું નાવ યોગ્ય દિશામાં વળશે. આત્મસ્ફૂરણાનાં આવાં કામો વણજાહેરાતે આગળ વધશે તો આપણે કપરાં ચઢાણ ચઢતાં પણ થાકીશું નહીં.
સાંજની હવામાં અમારા વિચારો વમળો સર્જતા હતા. અમે લાંબા સુધી ચાલ્યા અને સંધ્યાએ આથમણા આભલામાં વિવિધ રંગોની ઓઢણી ઓઢી લીધી. કેસરિયો રંગ, એ ગામની ધરતી ઉપર ઢોળાઈ રહ્યો હતો, જાણે જીવનને નવી આશાના રંગોમાં ઝબોળ્યું ન હોય !
[ પુસ્તક પ્રાપ્તિની વિગત :- “લીલી ધરતીના ઊભરાતા રંગ” , લેખક :- શિવદાન ગઢવી. , પ્રકાશક :-ગુર્જત ગ્રંથ રત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧, પુસ્તકની કિંમત – રૂ. ૧૧૦/- ]