સાહિત્ય-લેખો

પગલા વસંત ના ……. : દિનેશ જગાણી

[ પ્રસ્તુત નિબંધ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવાસર્જક ભાઈ શ્રી દિનેશભાઈ જગાણીએ લખ્યો છે. આ રસપ્રદ નિબંધ પગલા વસંતના વડગામ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો આભાર. આપ તેમનો તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સંપર્ક કરી શકો છો.]

 

માર્ચ મહિનો શરૂ થઇ ગયો છે. મારા સરકારી કવાર્ટર આગળના છોડવાઓ પર વસંત ઋતુનો કેફ છવાયો છે. મે જેના વિકસવાની આશા છોડી દીધેલી એવા એકાદ વર્ષથી સાવ જડવત રહેલા ચંપાના છોડ પર નવા પાન ફૂટ્યા છે. ગલગોટા એમના અસલ મિજાજમાં આવી ગયા છે. એમનો પીળોચટ્ટક રંગ અને આક્રમક ખુશ્બુ આવનારા ગરમીના દિવસોમાં રાહત આપવાના છે. દરવાજા પાસે ઉંચે ચડેલી મધુમાલતીની વેલ સફેદ-ગુલાબી-લાલ ફૂલોથી લચી પડી છે. એની ભીની આછી મહેક રાતને નજાકત ભરી બનાવી દે છે. પીળી કરેણ પ્રથમ વાર યૌવનમાં પ્રવેશી છે. છેલ્લા પંદરેક દિવસથી નિયમિત નવા ફૂલ આવે છે. બે દિવસ પહેલા બીજા ત્રણ કરેણના છોડ રોપ્યા છે. ટગર અને બારમાસી તો હંમેશની જેમ ફૂલોથી સભર છે. મને સૌથી વધુ ગમે છે તે  મોગરાના છોડ પર ચોમાસા પછી પ્રથમ વાર ફૂલ બેઠું છે. કાલે સાંજે છોડ પર જ રહેવા દઈ ફૂલને સુંઘેલું ( મને સમજણ આવી ત્યારથી ક્યારેય છોડ પરથી ફૂલને ચૂંટ્યું નથી) ને પછી તો મારી રાત સભર બની ગયેલી. રાતરાણીના છોડ પર આ મોસમની પ્રથમ નવી કળીઓ બેઠી છે. બે-ત્રણ દિવસમાં ફૂલ આવી જશે, પછી તો આવનારી રાતો સુગંધથી ભરાઈ જશે. સામે ઉગેલા એક અજાણ્યા છોડ પર નાના સુરજમુખી જેવા પીળા ફૂલ બેઠા છે.  કોલોની નો એક છોકરો ક્યાંકથી એ છોડ લઇ આવેલો. હવે તો એના બીજમાંથી નાના મોટા સેકડો છોડ ઉગી નીકળ્યા છે.

સામે રોડની પેલે પાર આંબાના વૃક્ષ પર ક્યારનીય મંજરી આવી ગઈ છે. અઠવાડિયા પહેલા એક ગામ જતા રસ્તામાં ખેતરોને શેઢે ભરપુર મ્હોરેલા આંબા જોયા’તા. આ વખતે આંબાઓને ભરપુર મંજરી બેઠી છે. દેશી કેરી ખાવાની મજા પડવાની છે. સામેનું આંબાનું વૃક્ષ જોઈ વડોદરામાં ભાડાના ઘરની સામેનો એક આંબો યાદ આવી ગયો છે. મકરપુરા-નોવિનો વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અમે મિત્રો ભાડે રહેતા. સોસાયટીમાં પ્રવેશવાના સીધા રસ્તાની બરાબર સામે અમારું ઘર હતું. ઘર સામેજ રસ્તા પર આંબાનું વૃક્ષ. વડોદરાનાએ-વતનથી દુર-એકલાતાભર્યા દિવસોમાં એ આંબો અમારો સ્વજન હતો. આ સમયે તો એ મંજરીઓથી લચી પડ્યો હોય. એની ખાટી-મદહોશ ખુશ્બુથી અમારી કેટલીય બપોર સુધરી જતી. એ રસ્તા પરથી એક છોકરી રોજ શાળામાં જતી-આવતી ને અમારી કેટલીય સવાર-સાંજ વાસંતી બની જતી. વડોદરામાં સુસેન સર્કલ સામે પોલીસ ગ્રાઉન્ડમાં ઉભેલા આંબા પણ અત્યારે યાદ આવ્યા છે. મિત્રો સાથે  સાંજે ચા ની  રેકડી પર ચા પીતાં- ‘ડી-માર્ટ વાળી’ છોકરીઓના પસાર થવાની રાહ જોતાં- કેરીઓથી લચી પડેલા એ આંબોઓ જોઈ આંખોમાં વતનનો વગડો ઉગી નીકળતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ખેતરોના શેઢે ઉભેલા આંબા પણ સાંભરે છે.

હમણાં આ ઋતુમાં એક વૃક્ષે મને ખુબ માયા લગાડી છે. એનું સાચું ગુજરાતી નામ ખબર નથી. પણ અમારા વિસ્તારમાં એ રોયડાના ઝાડ તરીકે ઓળખાય છે.  (નેટ પર સર્ચ કરતાં તેનું નામ Rohida tree એવું બતાવે છે.) વાંકાચુંકા થડ વાળા વૃક્ષ પર વસંત ઋતુ શરુ થતાં પીળાશ પડતા કેસરી ફૂલ બેસે છે. ગરમી વધે તેમ ફૂલોની સંખ્યા વધતી જાય છે. રાજસ્થાન નું એ રાજ્ય ફૂલ (state flower) છે. આમ તો એની સાથે છેક બચપણથી સબંધ છે. મારા એક દોસ્તના ઘર પાછળ ખેતરની વાડમાં રોયડાનું મોટું ઘેઘુર વૃક્ષ ઉભું છે. પહેલા અમે ત્યાં ક્રિકેટ રમતા ત્યારે ઘણી વાર દડો એ વૃક્ષની વિશાળ ઘટામાં ખોવાઈ જતો! એ વૃક્ષના પોલાણમાં ઝેરી સરીસૃપો રહેતા હોવાની બધા વાતો કરતા. એ કારણે કોઈ ઉપર ચડવાનું સાહસ કરતુ નહિ. રહસ્યમય જણાતા  વૃક્ષ પર હોળી આવે તે પહેલા સુંદર કેસરી ફૂલો બેસતા. એના નીચેનો ભાગ પણ ખરી ગયેલા ફૂલોના કારણે કેસરી બની જતો. હોળી સમયે કેસરી ફૂલ આવતા હોવાના કારણે હું ઘણા સમય સુધી એને કેસુડાનું વૃક્ષ સમજતો રહેલો! (કેસુડાના ફૂલ અંબાજીમાં જોયા પછી આ ભ્રમણા તૂટેલી). કેટલાક લોકોને હજુ પણ આ બંને વૃક્ષ વચ્ચેનો તફાવત ખબર નથી.

જે ખેતરમાં આ વૃક્ષ હતું તેના સામેના શેઢે તેમજ તે પછીના સમાંતર ખેતરોને શેઢે રોયડાના ચાર-પાંચ તરુણ મધ્યમકદના વૃક્ષો ઉગેલા. આ વાત ની ખબર તો વસંત ઋતુમાં એમના પર બેઠેલા ફૂલો વચ્ચે સામ્યતા જોઈ પડેલી. હોળી સમયે હું જયારે પણ વતનથી બહાર હોતો ત્યારે એ વૃક્ષ મને અચૂક યાદ આવતું. સમય મળે એને જોવા હું દોડી આવતો. ધાનેરા શહેરની બહાર વગડામાં “ધોરા વાળા ” મહાદેવના મંદિરને રસ્તે ઢોળાવ પર ફૂલોથી લચી પડેલા આ વૃક્ષને જોઈ વતનનું કોઈ સ્વજન મળી ગયું હોય એવો આનંદ થયેલો. અમે એને કેસુડો સમજી ફૂલ પણ વીણેલા! હોળી માટે જ સ્તો! વડગામ તાલુકામાં રસ્તાઓની આસપાસ આ વૃક્ષો જોવા મળી જાય છે. હમણાં મારે ગામને જવાના રસ્તે ખેતરોના શેઢે આ વિરલ વૃક્ષ  જોઈ ખુશ થઇ જાઉં છું.

વતનમાં ઘર સામેના લીમડાના પીળા પાન ખરવા લાગ્યા છે. ક્યાંક રતુંબડી ઝાંય વાળી નવી કુંપળો પણ ફૂટી છે. થોડા સમયમાં આ લીંબડો લીલા પાનથી છવાઈ જશે. પછી તો આખો ઉનાળો એની છાયામાં પસાર થઇ જશે. મારું આખું બચપણ આ લીંબડા નીચે પસાર થયું છે. બચપણમાં પહેલી વાર ક્રિકેટ રમવાનું શરુ કર્યું ત્યારે આ લીમડાનું થડ અમારા માટે સ્ટમ્પ નું કામ કરતુ! ઉનાળામાં ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ખાટલા આ લીંબડા નીચેજ ઢળાતા. રાત્રે પણ મોહલ્લાના બધા બહાર ખુલ્લામાં ખાટલા ઢાળી સુતા. પવનથી ઠંડી થયેલી પથારીમાં પડખા ઘસતા ને અલક મલકની વાતો સાંભળતા ક્યારે ઊંઘ આવી જતી એજ ખબર ન પડતી!

ઘઉં ના ખેતરોમાં હવે લીલા સાથે પીળો રંગ દેખાઈ રહ્યો છે. વરીયાળીના લીલીછમ ખેતરો લહેરાય છે. દાંતા-અંબાજીના જંગલોમાં કેસુડાં ખીલ્યાની વાત એક દોસ્ત લાવ્યો છે. કાલે શિવરાત્રી છે. પછી ફાગણ શરુ થશે. હોળીના દિવસો હવે નજદીકમાં છે. વડોદરાના આકાશમાં  છેલ્લે-છેલ્લે જોયેલ ફાગણી પૂર્ણિમાનો ચાંદ યાદ આવે છે. માનસપટ એક ગુલાબી ઉઝરડો થાય છે ને હું સ્મૃતિઓમાં ખોવાઈ જાઉં છે.

-દિનેશ જગાણી

તા.૬.૩.૨૦૧૬