સાહિત્ય-લેખો

બૈરાં

[પ્રસ્તુત નિબંધ “બૈરાં” વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકીએ લખ્યો છે. આ નિબંધ તેમના દ્વાર લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તકમાંથી સાભાર વડગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. ]

આખુ ગાંમ થાચ્યું-પાચ્યું ધસધસાટ ઊંઘતું વોય ત્યાં પહેલો કૂકડો બોલે કૂકડુ…કૂઉઉઉ..પછી તો સળવળાટ શરૂ થાય ઘરેઘરમાં. કોઈ દાતણ-પાણી કરે તો કોઈ હળગાવે ચૂલો. કોઈ ઘૂએ ગોળી તો કોઈ ભાગે દહી. કોઈ ભરવા જાય પાંણી તો કોઈ નેંકળી પડે ભેંસો દોવા.

ગાંમની શેરીઓમાંથી પસાર થાઓ તો ઘમ્મર ઘમ્મર ફરતા હોય વલોણાં, ઘરર…ઘરર..ઘસાતી વોય ઘંટીઓ, કોઈના વાડામાં કે કોઢમાં દોવાતી ભેંસનો ચરર..ચરર આવતો વોય શેડનો અવાજ. અતારે તો ભૈ તમારે પ્લાસ્ટિકની થેલીઓ કે કાચની શીશીઓમાં  બે-ચાર દાડાનું બંધ કરેલું દૂધ પીવાનું. દવાઓ નાંસેલું માંખણ અને ઘી ખાવાનું ફ્લોર મિલમાં અનાજ દળવાનું. શેકેલો પાપડ ભાગવાની પણ તૈયારી નૈ તમારી. પછી તમારા શરીરનો મેદ ના વધે તો થાય શ્યું ? બધું જ ઉછીનું ને ઉધારનું ! વાસી ખાઈન જીઓ પછી ચ્યાંથી લાંબુ વોય તમારું આયખું ?

અને તમારા બૈરાં તો બાપલા તોબા ! હાથ-પગ હલાવવાનો નઈ ને ટણી તો તૈ ગણી. આજ દુખે સે હાથ તો કાલ દુખે પગ. કાયમ ઇયાંને કાંય ને કાંય દુખતું જ વોય. શાકભાજી લેવા જતાં તો ઇંયાને થાક લાગે. ઘરનાંને રાંધીને ખવડાવતાં તો ઇંયાના માથે તૂડી પડે આખેઆખું આભલું. પણ ઘન સે અમારા બૈરાંને તે વહેલી હવારથી તે માંડી રાત હુધી મથામણ કર્યા કરે તોય કદી કરે ના ઊંહકારો કે ના કરે થાકની ફરિયાદ!!

કૂકડો બોલતાની હારે તો ઇંયાની ઊઘડી જાય આંસ્ય. ફટાક દઈને થઈ જાય ઊભાં પથારીમાંથી અને વળગી પડે પોતાના કાંમે. વલોણાનું કામ પતાવીને તરત જ હૂડલીમાં ખાણ કાઢી, માથે મૂકીને પહોંચી જાય વાડામાં કે સેતરમાં. ભેંસને દોહીને આવી જાય ઘેર.

ઘરમાં જો લોટ થૈ ર્યો વોય તો પાંચશેર-છશેર અનાજ લઈને પકડી લે ઘંટીનો ખીલડો. જોતજોતામાં દળી નાંખે બધું જ.

અમે નેંના અતા ત્યારે એક કવિતા ભણતા. બધા ભેગા મળીને ગાતા :

’ઘમ્મર ઘમ્મર ગાય રે ઘરડાં માની ઘંટુડી

ઝીણો લોટ દળાય રે ઘરડાં માની ઘંટૂડી

ત્યારે અમારાં દાદીમા હાંભળીને ખુશ ખુશ થઈ જાતાં અને અમોને પાહણ બેહાડીને કે’તા કે, દીકરાઓ એ એકલો ઝેંણો લોટ દળાતો નતો પણ અમારાં આયખાંય દળાતા અતાં. પછી તો દૂર  દૂર નજર કરીને નેંહાકો નાંખતા એટલે અમે પણ ઘડીભર માટે તો થંભી જાતાં. ઇંયાને જોઈને. ક્યારેક તો ઝળઝળિયાં આઈ જાતા ઇયાંની આંસ્યોમાંથ. પણ તમે નૈ માંનો, નેઉ વરસે પણ ખખડધજ અતાં. એવાં ને એવાં, નતી થાચી આંસ્યો કે, નતા થાચ્યા પગ. હા, થોડા દાંત પડી જ્યા અતા. પણ તોય હેંડે એટલે હડીઓ કાઢતાં વોય ઇમ જ સ્તો.

અને અત્યારે તો જુઓને, પચીહી પૂરી ના થૈ વોય તોય ઘૈડપણ આઈ જ્યું વોય સે. દાક્તરોની દવાનો આધાર વોય સે ઇયાંને જીવવાનો. પણ એ વખત તો કોઈના નખમાંય રોગ જોવા મળે નૈ. અરે ભૈ, જો ભૂલથીય તાવ-તરિયો આઈ જ્યો વોય તો ઇનું આઈ જ બને. એકાદ આદમી કુહાડી લઈને મંડી પડે આખા લેબડાને છોલવા. ઈની આંતરછાલ કાઢીને એવી તો ઉકાળે કે ના પૂછો વાત. પછી તો તાંહળું ભરીને આલી દે માંદા માણહને. એ તો ગટગટાઈ જાય પલકારામાં. બચારો તાવ પછી ચ્યાંથી ઊભો રે ? અને અતારે તો સહેજ કડવી ગોળી આવે તો મરી જ્યા હમજો જ ! હોયો ખાવાની, બીજું શ્યું ?

તમોને શ્યું વાત કરું ? અમારે તો લોકો ઘાન નૈ પણ ઝેર ખાઈને જીવે છે ઝેર ! તમોને અચરજ લાગશે પણ વાત સો ટકા હાચી સે. જુઓ પહેલાં તો અમે સેતરોમાં વરહમાં એક વખત તો ખાતર નાંખતા, ખાતર પણ ચેવું, ખબર સે ? ગામમાં જે ઢોરોનાં છાંણના ઉકેડા વોય એના ગાલ્લેગાલ્લા ભરીને સેતરોમાં પાથરી દેતા. અરે ! સેતરોની પાહણનાં તળાવમાંથી જ્યારે પાણી હુકાઈ જાય ને ત્યારે તો એના ખોટેખોટ લાઈને આખા સેતરોમાં વેરી દેતા. અને આ બધામાં અમારા બૈરાં પણ આદમીઓની હારે ને હારે જ વોય ! હૂડલીએ હૂડલીએ ખેતરોમાં ખાતર નાખીએ ઝપાટાબંધ ! પછી જુઓ, ઈમાં જે ધાન વાઈએ એની મજા !

પણ અતારે તો ભૈ એટલી બધી જાહેરાતો તમારા ખાતરોની ? અને એમાંય જાત જાતને ભાત ભાતનાં ખાતર! બળ્યું, નામેય આવડે નઇ એટલાં. અમુક ધાનવાળા સેતરમાં આટલું નાખો ને તેટલું નાખો..ઓહોહો ! ખેડુને તો જાણે સેતી આવડતી જ ના વોય ઇમ સરકાર માંનતી થૈ જૈ સે, ઇમાં એટલા જણા હમજાવનારા ? મારા બેટા પગારો ખાંય સે, બીજું કશું કરતા તો નથી. પગારે અને તગારે બધું જ જાવા બેઠું સે. કોઈને હાથ-પગ હલાવવો નથી અને બેઠાં બેઠાં ખાવું સે.

હાચી વાત કઉ, તમારા આ ફર્ટિલાઈઝરવાળાંથી તો અમારા સેતર નપુંસક થૈ જ્યાં સે. સેતરોમાં જે સત્વ અતું તે એય નાશ પામી જ્યું સે. જુઓ જ્યારથી ધાંન વવાય ત્યારથી જ ઝેર આલવાની શરૂઆત થૈ જાય પછી એ દાણો થાય ઇમાં પણ ઝેર આવે ને ? વળી ધાન મોટું થાય એટલે ઇમાંય દવા છાંટવાની. એ તારી બુનના ભૈ મારું તારી ! આ તે ચેવા ખેલ ! જે ઓલાદ ઝેર ખાઈને જ જલમી હોય ઇની પાહણથી તમે શાની આશા રાખી શકો ? જુઓને અતારે ધોયેલા મૂળા જેવા બધા નથી લાગતા ? અરે ! આ બધી જ ઓલાદને કમળો થૈ જ્યો વોય એવા જ લાગે સે. પછી ઇયાંની પાહણથી તમે જેવા કાંમની આશા રાખશો ?

ઇમાંય આ જમાંનાનાં બૈરાંની વાત જ મત કરો ભૈ. અમારે તો બૈરાં બે-મણની ગાંહડી માથે મૂકીને ફૂદાની જ્યમ સેતરમાંથી ઘેર આઈ જાંય, તોય કાંઈ નઈ. અરે ! તમારે તો હવે ચકલી ખોલો કે તરત જ પાણી ! ભૈ, અમારે તો એવા દાડ નતા. એટલે બચારાં બૈરાં બેડે બેડે પાણે ભરતાં ગાંમકૂવેથી. પણ માથે બેડું વોય તોય જો કોઈ બેનપણી રસ્તામાં મળી જાય તો અડધો કલાક વાતોમાં કાઢી નાખે, હા માથે પાણીનું બેડું સે એય ભૂલી જાંય અને તમારી ફોગાઈ જેલી બુનોને તો જો પાંચ કિલો ધાંન કે પાણીની ભરેલી ડોલ ઉપાડવાની વોય તો હાંફી જાય. ઘણીને ન બોલવાનું બોલે. પછી ઇયાંની પાહણથી ચેવી ઓલાદની આશા રાખી શકાય ?

અમારા બૈરાં એટલાં બધાં કાઠાં કે ના પૂછો વાત. રસ્તામાં જો સુવાવડ થૈ જાય તો તો સોકરાને ઊંચકીને ઘરભેગાં થૈ જાંય. આવા વખતોં તો ન તમારા દાક્તરોની જરૂર પડે કે ના પડે તમારી દવાઓની. બધાં ખેબડદાર, હાં કે. એક વખત પાંચ જણાંને પાછા પાડવા વોય તો પાડી દે, એવાં. કોઈની માએ હવાશેર હૂંઠ ખાધી નથી કે ઇંયાની હાંમે આંગળી કરે ! અને અતારે તો, શરૂઆતથી જ દાક્તરોને, ટોનિકને, ગોળીઓને, ઇન્જેકશનોને, નર્સ…અધધધ..તોય સીધું ઊતર્યુ નઈતર પાછું સિઝરિંગ ને ઓપરેશન ! અરે ! નવ મઈના થાતાં થાતાંમાં તો ધોળી પૂણી જેવાં થૈ જાંય. તોય ખાવાના ચટકા અને ચહકાં તો જબરા હાં કે. પાંણી-પૂરી ને ભજિયાં ચટણી ને ભાત ભાતનું. પછી ઓલાદ પણ પાંણીપૂરીની જ પેદા થાય કે બીજું કાંઈ ? ગાંદરે આઈ ધાડ મા ઘાઘરી ઓઢાડ જેવી સ્તો !

બોલવાનું ચીપી ચીપી, જીવવાનું ચીપી ચીપી. આ તે કોઈ જીવન સે ? પફ ને પાઉડરના લપેડા કરી કરીને હારાં દેખાવાનું. અરે ભૈ ! જુઓને અમારી ગાંમડાની છોડીઓ અને બૈરાં ! ચ્યાંય કરવા જતાં નથી આવા લપેડા તોય તગતગતો વોય સે ઇયાંનો ચહેરો ! અરે ! આખો દાડો તડકામાં રખડવાનું, ધોમધખતા ઉનાળાને માથે ઓઢવાનો તોય કદી કરમાતા નથી ઇયાંના ચહેરા ! અને તમારે તો પંખા જોઈએ, એરન્ડિશન જોઈએ; નઈતર ના જીવી શકાય ?

શું જમાનો આયો સે આજનો ? કે’વાય સે લાજ-શરમ તો બૈરાંનું આભૂષણ કે’વાય. પણ અતારે તો ઇંયાની લાજ-શરમ બાળમા માળના ફ્લેટસની બારીઓમાં હુકાય સે. બૈરાંને, વાળ તો સૌભાગ્ય જેવું  ર્યુ જ ચ્યાં સે ? કપાળમાં ચાંલ્લો તો કંકુનો જ થાય ! પણ હવે તો જેવા રંગના લૂગડા એવો જ ચાંલ્લો ! તમોને નથી લાગતું કે, આપણે આપણી અસલિયત ખોઈ ર્યા સીએ ? જે પોતાનું અતું એને ગુમાવી દીધું સે. બીજાનું ઉછીનું-ઉધારે લીધા કરીએ છીએ. એટલે તો નથી ર્યા ઘરના કે ઘાટના !

પતિના મૃત્યુ પછી પત્નિ ચુલ્લાકર્મ કરે. પોતાના હાથે પહેરેલી બંગડીઓ એના સૌભાગ્યની સાક્ષી વોય સે. પણ અતારે તો પૈણ્યા પહેલાંથી જ રંડાપો વહોરવામાં આવે સે. હાથે બંગડીઓ પહેરવી એ તો નાલેશી ગણાય સે, જુનવાણીમાં ખપાઈ જવાય સે. એટલે અડવા હાથે ફરતાં ઇંયાને કદીય નથી શરમ કે લાજ. અરે ભૈ ! વોય તો આવે ને ? અરે ! ગાંમમાં જો ભૂલથી કોઈના માથેથી હાલ્લાનો છેડો ખસી જ્યો વોય તોય ઈનું આઈ બને. ધમકાવી નાંખે બધાં. પોતાના દેહનું પ્રદર્શન ન થાવા દે. જો ભૂલથીય એવું થૈ જાય તો જીભ કઈડીને મરી જાય. પણ અતારે  તો તમે જુઓ સો ને ? સુધારાના નાંમે શ્યું શ્યું  ચાલે સે એ ? કેંટલાકને તો પોતાના દેહનું પણ ભાન હોતું નથી. પેલા હરાયા ઢોરની જ્યમ હડીઓ કાઢતી વોય સે. અરે ! હવે તો ચેવાં ચેંવા લૂગડાં પહેરે સે ? અધધધ ! આપણે શરમાઈ જૈએ પણ ઈયાંને કાંય ના થાય !

આ બધું જોઈને જ તો માંણહમાં વિકાર વધ્યો સે ને ? ભૈ, પેલી કે’વત સે કે, બાંધી મુઠ્ઠી લાખની ! આમાં પણ એવું સે. જેટલું  હાચવીએ એટલું હચવાય. પછી તમોને કુણ ના પાડવા આવનાર સે ? પણ આપણે તો આપણું હાચવવુ પડે ને ? હારા એટલા મારાની દાંનત હારી નૈ. આપણે આપણા માન અને મોભામાં રેવું પડે. આપણી રહેણી-કરણી હાચવવી પડે. આપણે પણ આપણું જીવન સે. એની નીતિરીતિ સે. બસ બીજાનું જોઈને આપણું ભૂલી જાવાનું ? હા, ભૂલી જાવાનું નઈ, પણ ભૂલી જવાયું સે ઇનું તો દુ:ખ સે મારા ભૈ.

પણ હવે તમોને એક હાવ હાચી વાત કઉં ? આ રેલો તો હેંડતો હેંડતો ઠેઠ ગાંમડાના પાદર સુધી પહોંચી જ્યો સે, અતારે અમારી બુનો પણ ભોળવવા માંડી સે આ બધાથી. ઇયાંને  પણ વાયરો અડ્યો સે તમારો. એ પણ હવે તો પફ-પાઉડરના લપેડા અને ઓઠ ને શણગારવા માંડી સે તમોને જોઈને. એટલે તો ગામડાં ભાગવા માંડ્યા સે ટપોટપ !

અતારે ચ્યાંય હંભળાતાં નથી વલોણાના ઘમકારા કે ઘંટીઓનો ઘરધરાટ, વહેલી હવારે બોલતો કૂકડો કે ગાંમકૂવાના કાંઠે ! ગાંમમાં નવટાંક ધીનાં પણ પડવા માંડયાં એ ફાંફાં પછી બોગેણું ભરીને પાડોશી છાશ લઈ જાતાં એની તો વાત જ શી કરવી ? તમારી જ્યમ ઇયાંનાં મન થૈ જયાં સે હાંકડાં !

બધું જ બદલાઈ જ્યું સે –  ઉપરથી નેંચે હુધીનું !